પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર 24 સપ્ટેમ્બર, 2017 ના રોજ મન કી બાતના 36માં અંકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. આકાશવાણીના માધ્યમથી મન કી બાત કરતાં કરતાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. આજે આ 36 મો એપીસોડ છે. મન કી બાત એક પ્રકારથી ભારતની જે સકારાત્મક શક્તિ છે, દેશના ખૂણે-ખૂણામાં જે ભાવનાઓ પડેલી છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ક્યાંક-ક્યાંક ફરિયાદો પણ છે – એક જનમાનસમાં જે ભાવ ઉમટી રહ્યા હોય છે, મન કી બાતે, એ દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે અને મેં ક્યારેય એમ નથી કહ્યું કે મારા મનની વાત છે. આ મન કી બાત દેશવાસીઓના મન સાથે જોડાયેલી છે, તેમના ભાવ સાથે જોડાયેલી છે, તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. અને જ્યારે મન કી બાતમાં જે વાતો હું જણાવું છું તે વાતો દેશના દરેક ખૂણેથી લોકો મારા સુધી પહોંચાડે છે, આપને તો કદાચ હું બહુ ઓછી વાતો કહી શકું છું પરંતુ મને તો ભરપૂર ખજાનો મળી જાય છે. ઈ-મેલ દ્વારા, ટેલિફોન દ્વારા, mygov દ્વારા નરેન્દ્ર મોદી એપ દ્વારા, કેટલી બધી વાતો મારા સુધી પહોંચે છે. મોટા ભાગની તો તેમાંથી મને પ્રેરણા આપનારી હોય છે. ઘણી તો સરકારમાં સુધારા માટે હોય છે. ક્યાંક વ્યક્તિગત ફરિયાદ પણ હોય છે તો ક્યારેક સામૂહિક સમસ્યા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે. અને હું તો મહિનામાં એકવાર આપનો અડધો કલાક લઉ છું પરંતુ લોકો ત્રીસેય દિવસ મન કી બાત ઉપર તેમની વાત પહોંચાડતા હોય છે. અને તેનું પરિણામ એ આવ્યું કે સરકારમાં પણ સંવેદનશીલતા, દૂર-દૂરના સમાજમાં કેવીકેવી શક્તિઓ પડી છે, તેના પર તેનું ધ્યાન પડવું, એ સહજ અનુભવ મળી રહ્યો છે. અને એટલે જ મન કી બાતની ત્રણ વર્ષની આ યાત્રા દેશવાસીઓની ભાવનાઓની, અનુભૂતિની એક યાત્રા છે. અને કદાચ આટલા ઓછા સમયમાં દેશના સામાન્ય વ્યક્તિના ભાવને જાણવાનો-સમજવાનો મને જે અવસર મળ્યો છે અને તેના માટે હું દેશવાસીઓનો ખૂબ આભારી છું. મન કી બાતમાં મેં હંમેશા આચાર્ય વિનોબા ભાવેની એ વાતને યાદ રાખી છે, આચાર્ય વિનોબા ભાવે હંમેશા કહેતા હતા કે અ-સરકારી, અસરકારી. મેં પણ મનની વાતને, આ દેશના લોકોને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. રાજનીતિના રંગથી તેને દૂર રાખી છે. તત્કાલીન જે ગરમી હોય છે, આક્રોશ હોય છે તેમાં વહી જવાને બદલે, એક સ્થિર મનથી આપની સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે. હું જરૂર માનું છું કે હવે ત્રણ વર્ષ બાદ social scientists, universities, research scholars, media experts જરૂર તેનું એનાલિસીસ કરશે. સારી-નરસી દરેક બાબતને આગળ લાવશે. અને મને વિશ્વાસ છે કે આ વિચાર-વિમર્શ ભવિષ્યમાં મન કી બાત માટે પણ ઉપયોગી થશે, તેમાં એક નવી ચેતના, નવી ઉર્જા પ્રાપ્ત થશે. મેં જ્યારે એકવાર મન કી બાત માં કહ્યું હતું કે આપણે ભોજન કરતી વખતે ચિંતા કરવી જોઈએ કે જેટલી જરૂરિયાત છે તેટલું જ લઈએ, આપણે તેને બરબાદ ન કરીએ. પરંતુ ત્યારબાદ મેં જોયું કે દેશના દરેક ખૂણેથી મને એટલા બધા પત્રો આવ્યા, અનેક સામાજિક સંગઠન, અનેક નવયુવાનો પહેલાથી જ આ કાર્ય કરી રહ્યા છે. જે અન્ન થાળીમાં છોડી દેવામાં આવે છે, તેને ભેગું કરીને તેનો સદઉપયોગ કેવી રીતે થાય તેના પર કામ કરનારા કેટલાય લોકો મારા ધ્યાનમાં આવ્યા જેથી મારા મનને ખૂબ સંતોષ થયો, ઘણો આનંદ થયો.

એકવાર મેં મન કી બાતમાં મહારાષ્ટ્રના એક નિવૃત્ત શિક્ષક શ્રીમાન ચંદ્રકાન્ત કુલકર્ણીની વાત કરી હતી, જે તેમના પેન્શનમાંથી, સોળ હજાર રૂપિયાનું પેન્શન મળતું હતું તેમાંથી પાંચ હજાર રૂપિયા તેઓએ ૫૧ Post-dated cheque આપીને સ્વચ્છતા માટે તેમણે દાન આપ્યું હતું. અને ત્યારબાદ તો મેં જોયું કે સ્વચ્છતા માટે આવા પ્રકારનું કામ કરવા માટે કેટલાય લોકો આગળ આવ્યા.

એકવાર મેં હરિયાણાના એક સરપંચની ‘selfie with daughter’ જોઈ અને મેં મન કી બાતમાં બધાની સામે વાત મૂકી. જોત-જોતામાં ન માત્ર ભારતમાં પરંતુ આખા વિશ્વમાં ‘selfie with daughter’ એક મોટું અભિયાન ચાલી નીકળ્યું. આ માત્ર સોશિયલ મીડિયાનો મુદ્દો નથી. દરેક દિકરીમાં એક નવો આત્મવિશ્વાસ, નવો ગર્વ પેદા કરનારી આ ઘટના બની. દરેક માં-બાપને લાગ્યું કે હું પણ મારી દિકરી સાથે સેલ્ફી લઉં. દરેક દિકરીને લાગવા લાગ્યું કે મારું કોઈ મહાત્મ્ય છે, મારું કોઈ મહત્વ છે.

ગત દિવસોમાં હું ભારત સરકારના ટુરિઝમ વિભાગ સાથે બેઠો હતો. મેં જ્યારે tour પર જનારા લોકોને કહ્યું કે તમે જ્યાં પણ જાઓ, incredible India પર ત્યાંનો એક ફોટો મોકલો. ભારતના દરેક ખૂણાની લાખો છબીઓ, એક રીતે ટુરીઝમ ક્ષેત્રમાં કામ કરતા લોકોની બહુ મોટી અમાનત બની ગઈ. નાની અમથી ઘટના કેટલું મોટું આંદોલન શરૂ કરી દે છે તે મન કી બાતમાં મેં અનુભવ કર્યો છે. આ બધી વાતો કહેવાનું આજે મન થયું કારણ કે જ્યારે વિચારી રહ્યો હતો કે ત્રણ વર્ષ થઈ ગયા, તો ગત ત્રણ વર્ષની કેટલીયે ઘટનાઓ મારા મનમાં છવાઈ ગઈ. સાચી દિશામાં જવા માટે દેશ સતત અગ્રેસર છે. દેશનો દરેક નાગરિક બીજાની ભલાઈ માટે, સમાજના સારા માટે, દેશની પ્રગતિ માટે કંઈક ને કંઈક કરવા માગે છે એ મારા ત્રણ વર્ષના મન કી બાતના અભિયાનમાં મેં દેશવાસીઓ પાસેથી જાણ્યું છે, સમજ્યું છે, શીખ્યું છે. કોઈપણ દેશ માટે આ બહુ મોટી મૂડી હોય છે, એક બહુ મોટી તાકાત હોય છે. હું હ્રદયપૂર્વક દેશવાસીઓને નમન કરું છું.

મેં એકવાર મન કી બાતમાં ખાદીના વિષય પર ચર્ચા કરી હતી. અને ખાદી એક વસ્ત્ર નથી, વિચાર છે. અને મેં જોયું કે હમણાંથી ખાદી પ્રત્યે રૂચી ઘણી વધી છે અને મેં સ્વાભાવિક રૂપથી કહ્યું હતું કે હું કઈ ખાદીધારી બનવાનું નથી કહી રહ્યો પરંતુ વિવિધ પ્રકારના ફેબ્રિક હોય છે તો એક ખાદી કેમ ન હોય ? ઘરમાં ચાદર હોય, રૂમાલ હોય, પડદા હોય. અનુભવ એ રહ્યો કે યુવા પેઢીમાં ખાદીનું આકર્ષણ વધી ગયું છે. ખાદીનું વેચાણ વધ્યું છે અને તેને કારણે ગરીબોના ઘરમાં સીધેસીધો રોજગારીનો નાતો જોડાઈ ગયો છે. ૨ ઓક્ટોબરથી ખાદીમાં discount આપવામાં આવે છે, કેટલીયે છૂટ આપવામાં આવે છે. હું ફરી એકવાર આગ્રહ કરીશ કે ખાદીનું જે અભિયાન ચાલ્યું છે તેને આપણે વધુ આગળ ચલાવીએ અને વધારીએ. ખાદી ખરીદીને ગરીબના ઘરમાં દિવાળીના દીવા પ્રગટાવીયે, એ ભાવ સાથે આપણે કામ કરીએ. આપણા દેશના ગરીબને આ કાર્યથી એક તાકાત મળશે અને આપણે તે કરવું જોઈએ. અને આ ખાદી પ્રત્યે રૂચી વધવાને કારણે ખાદીના ક્ષેત્રે કામ કરનારાઓમાં, ભારત સરકારમાં ખાદી સંબંધિત લોકોમાં એક નવી રીતે વિચારવાનો ઉત્સાહ પણ વધ્યો છે. નવી ટેકનોલોજી કેવી રીતે લાવીએ, ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારીએ, solar-હાથશાળ કેવી રીતે લઈ આવીએ ? જૂના વારસાઓ જે હતા, જે બિલકુલ ૨૦-૨૦, ૨૫-૨૫, ૩૦-૩૦ વર્ષોથી બંધ પડ્યા હતા, તેને પુનઃજીવીત કેવી રીતે કરી શકાય.

ઉત્તર પ્રદેશના વારાણસી સેવાપુરમાં, સેવાપુરીનો ખાદી આશ્રમ 26 વર્ષોથી બંધ પડ્યો હતો, પરંતુ આજે પુનઃજીવીત થઈ ગયો છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓને જોડવામાં આવી. અનેક લોકોને રોજગારના નવા અવસર પેદા કરવામાં આવ્યા. કાશ્મીરમાં પંપોરમાં ખાદી અને ગ્રામોદ્યોગે તેના બંધ પડેલા પ્રશિક્ષણ કેન્દ્રને ફરીથી શરૂ કર્યો અને કાશ્મીર પાસે તો આ ક્ષેત્રે આપવા માટે ઘણું બધું છે. હવે આ પ્રશિક્ષણ કેન્દ્ર ફરીથી શરૂ થવાને કારણે નવી પેઢીને આધુનિક ઢબે નિર્માણ કાર્ય કરવામાં, વણાટ કામ કરવામાં, નવી વસ્તુઓ બનાવવામાં એક મદદ મળશે અને મને ઘણું સારું લાગી રહ્યું છે કે મોટા-મોટા Corporate house પણ દિવાળીમાં જ્યારે ભેટ આપે છે તો હવે ખાદીની વસ્તુઓ આપવા લાગ્યા છે. લોકોએ પણ એકબીજાને ભેટ સ્વરૂપે ખાદીની વસ્તુઓ આપવાની શરૂ કરી છે. એક સહજ ભાવથી વસ્તુ કેવી રીતે આગળ વધે છે તે આપણે બધા અનુભવ કરીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ, ગત મહિને મન કી બાતમાં જ આપણે બધાએ એક સંકલ્પ કર્યો હતો અને આપણે નક્કી કર્યું હતું કે ગાંધી-જયંતી પહેલાના ૧૫ દિવસ દેશભરમાં સ્વચ્છતાનો ઉત્સવ મનાવીશું. સ્વચ્છતા સાથે જન-મન ને જોડીશું. આપણા આદરણીય રાષ્ટ્રપતિજીએ આ કાર્યનો આરંભ કર્યો અને દેશ જોડાઈ ગયો. બાળકો-વૃદ્ધો, પુરુષ હોય કે સ્ત્રી હોય, શહેર હોય કે ગામ હોય, દરેક લોકો આજે આ સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બની ગયા છે. અને જ્યારે હું કહું છું કે ‘સંકલ્પ થી સિદ્ધિ’ , આ સ્વચ્છતા અભિયાન એક સંકલ્પ સિદ્ધિ તરફ કેવી રીતે આગળ વધી રહ્યું છે, તે આપણે આપણી આંખોની સામે જોઈ રહ્યા છીએ. દરેક લોકો તેને સ્વીકારે છે, સહયોગ આપે છે, અને સાકાર કરવા માટે કોઈ ને કોઈ યોગદાન આપે છે. હું આદરણીય રાષ્ટ્રપતિજીનો તો આભાર માનું જ છું પરંતુ સાથે-સાથે દેશના દરેક વર્ગે તેને પોતાનું કાર્ય માન્યું છે. બધા તેની સાથે જોડાઈ ગયા છે. પછી તે ખેલ-જગતના લોકો હોય, સિને-જગતના લોકો હોય, academicians હોય, શાળા હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, ખેડૂત હોય, મજૂર હોય, અધિકારીઓ હોય, બાબુઓ હોય, પોલીસ હોય, સેનાના જવાન હોય – બધા તેની સાથે જોડાઈ ગયા છે. સાર્વજનિક સ્થાનો પર એક દબાણ પણ પેદા થયું છે કે હવે સાર્વજનિક સ્થળો ગંદા હોય તો લોકો ટોકે છે, ત્યાં કામ કરનારા લોકો પણ એક દબાણ અનુભવી રહ્યા છે. હું આને સારું માનું છું અને મારા માટે ખુશી છે કે ‘સ્વચ્છતા જ સેવા અભિયાન’ના પ્રથમ ચાર દિવસોમાં જ લગભગ ૭૫ લાખથી પણ વધુ લોકો, ૪૦ હજારથી વધુ initiatives ને લઈને ગતિવિધીઓમાં જોડાઈ ગયા છે અને મેં જોયું છે કે કેટલાક લોકો તો સતત કામ કરી રહ્યા છે, પરિણામ લાવીને જ જંપવાનું નક્કી કરીને કાર્ય કરી રહ્યા છે. આ વખતે એક એ વસ્તુ પણ જોઈ, – એક એ હોય છે કે આપણે ક્યાંક સ્વચ્છતા કરીએ, બીજુ હોય છે કે આપણે જાગૃત રહીને ગંદકી ન કરીએ, પરંતુ સ્વચ્છતાને જો સ્વભાવ બનાવવો હોય તો એક વૈચારિક આંદોલન પણ જરૂરી હોય છે. આ વખતે ‘સ્વચ્છતા જ સેવા’ સાથે કેટલીયે સ્પર્ધાઓ યોજાઈ. અઢી કરોડથી વધુ બાળકોએ સ્વચ્છતાની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. હજારો બાળકોએ ચિત્રો બનાવ્યા. પોત-પોતાની કલ્પનાથી સ્વચ્છતાને લઈને ચિત્રો બનાવ્યા. ઘણાં લોકોએ કવિતાઓ બનાવી, અને આજકાલ તો હું social media પર આવા જે આપણાં નાના સાથીઓએ, નાના-નાના બાળકોએ જે ચિત્રો મોકલ્યા છે તે હું પોસ્ટ પણ કરું છું, તેઓનું ગૌરવગાન કરું છું. જ્યાં સુધી સ્વચ્છતાની વાત આવે છે તો હું મીડિયાના લોકોનો આભાર માનવાનું ક્યારેય ભૂલતો નથી. આ આંદોલનને તેમણે બહુ પવિત્રતાપૂર્વક આગળ વધાર્યું છે. પોત-પોતાની રીતે તેઓ જોડાઈ ગયા છે અને એક સકારાત્મક વાતાવરણ બનાવવામાં તેઓએ બહુ મોટું યોગદાન આપ્યું છે અને આજે પણ તેઓ તેમની રીતે સ્વચ્છતાના આંદોલનનું નેતૃત્વ કરે છે. આપણા દેશનું electronic media, આપણા દેશનું print media દેશની કેટલી સેવા કરી શકે છે, તે ‘સ્વચ્છતા એ જ સેવા’ આંદોલનમાં આપણે જોઈ શકીએ છીએ. શ્રીનગરના ૧૮ વર્ષના યુવાન બિલાલ ડારના સંબંધમાં હમણાં થોડા દિવસો પહેલાં જ કોઈએ મારું ધ્યાન દોર્યું. અને આપને જાણીને આનંદ થશે કે શ્રીનગર નગર નિગમે બિલાલ ડારને સ્વચ્છતા માટે પોતાનો Brand Ambassador બનાવ્યો છે અને જ્યારે Brand Ambassadorની વાત આવે છે ત્યારે આપને લાગતું હશે કે કદાચ તે કોઈ સિને કલાકાર હશે, કદાચ તે ખેલ-જગતનો કોઈ હિરો હશે, જી ના….બિલાલ ડાર પોતે ૧૨-૧૩ વર્ષની ઉંમરથી ગત ૫-૬ વર્ષથી સ્વચ્છતામાં લાગી ગયો છે. એશિયાનું સૌથી મોટું સરોવર શ્રીનગર પાસે છે ત્યાં પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય, used bottle હોય, કચરો હોય તે સાફ કરતો રહે છે. તેમાંથી થોડી કમાણી પણ કરી લે છે. કારણ કે તેના પિતાજીનું બહુ નાની ઉંમરમાં કેન્સરને કારણે મૃત્યુ થયું પરંતુ તેણે પોતાનું જીવન આજીવિકા સાથે સ્વચ્છતાની સાથે પણ જોડી દીધું. એક અનુમાન છે કે બિલાલે વાર્ષિક ૧૨ હજાર કિલોથી પણ વધુ કચરો સાફ કર્યો છે. શ્રીનગર નગર નિગમને પણ હું સ્વચ્છતા પ્રત્યે તેમની આ પહેલ માટે તેમજ Ambassador અંગેની તેમની કલ્પના માટે શુભેચ્છા આપવા માંગુ છું, કારણ કે શ્રીનગર એક tourist destination છે અને હિન્દુસ્તાનનો દરેક નાગરિક શ્રીનગર જવાનું મન કરે છે અને ત્યાં સફાઈને આટલું બળ મળે તે એક બહુ મોટી વાત છે. અને મને ખુશી છે કે તેમણે બિલાલને માત્ર Brand Ambassador જ બનાવ્યો એવું નથી પરંતુ સફાઈ કરતા બિલાલને નિગમે આ વખતે ગાડી આપી છે, ગણવેશ આપ્યો છે અને તે અન્ય વિસ્તારોમાં પણ જઈને લોકોને સ્વચ્છતા માટે શિક્ષિત કરે છે, પ્રેરિત કરે છે અને પરિણામ લાવવા સુધી પાછળ પડી જાય છે. બિલાલ ડાર, ઉંમર નાની છે પરંતુ સ્વચ્છતામાં રૂચિ રાખનારા દરેક માટે પ્રેરણાનું કારણ છે. હું બિલાલ ડારને ઘણી શુભેચ્છા પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, એ વાતને આપણે સ્વીકારવી પડશે કે ભાવિ ઇતિહાસ પ્રાચીન ઇતિહાસની કુખમાં જન્મ લે છે અને જ્યારે ઇતિહાસની વાત આવે ત્યારે મહાપુરુષો યાદ આવવા બહુ સ્વાભાવિક છે. આ ઑક્ટોબરનો મહિનો આપણા માટે ઘણા મહાપુરુષોને યાદ કરવાનો મહિનો છે. મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ સુધીના મહાપુરુષોનું પુણ્ય સ્મરણ કરવાના અવસરો આ ઑક્ટોબર મહિનામાં આપણને મળે છે. આ મહાનુભાવોએ ૨૦મી સદી અને ૨૧મી સદી માટે આપણને દિશા આપી, આપણું નેતૃત્વ કર્યું, આપણું માર્ગદર્શન કર્યું અને દેશ માટે તેમણે બહુ જ કષ્ટ વેઠ્યા. બે ઑક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે તો ૧૧ ઑક્ટોબરે જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જન્મજયંતી છે અને ૨૫ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી છે. નાનાજી અને દીનદયાળજીનું તો આ શતાબ્દીનું પણ વર્ષ છે. અને આ બધા મહાપુરુષોનું એક કેન્દ્રબિંદુ શું હતું? તેમના જીવનમાં એક વાત સામાન્ય હતી અને તે હતું દેશ માટે જીવવું, દેશ માટે કંઈક કરવું અને માત્ર ઉપદેશ નહીં, પોતાનાં જીવનમાં તેના આચરણ દ્વારા લોકોને માર્ગ ચીંધવો. ગાંધીજી, જયપ્રકાશજી, દીનદયાળજી આ બધા એવા મહાપુરુષો છે જે સત્તાની શેરીઓથી જોજનો દૂર રહ્યા પરંતુ જનજીવન સાથે પળેપળ જીવતા રહ્યા, ઝઝૂમતા રહ્યા અને ´સર્વજન હિતાય સર્વજન સુખાય’ કંઈક ને કંઈક કરતા રહ્યા. નાનાજી દેશમુખ રાજનૈતિક જીવનને છોડીને ગ્રામોદયમાં લાગી ગયા હતા અને જ્યારે આજે આપણે તેમનું શતાબ્દી વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે તેમના ગ્રામોદયના કામ પ્રત્યે આદર થવો બહુ સ્વાભાવિક છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામજી જ્યારે નવયુવાનો સાથે વાત કરતા હતા તો હંમેશાં નાનાજી દેશમુખના ગ્રામીણ વિકાસની વાતો કરતા હતા. ખૂબ જ આદર સાથે ઉલ્લેખ કરતા હતા અને તેઓ પોતે પણ નાનાજીના આ કામને જોવા માટે ગામમાં ગયા હતા.

દીનદયાળ ઉપાધ્યાયજી મહાત્મા ગાંધીની જેમ સમાજના છેવાડાના માણસની વાત કરતા હતા. દીનદયાળજી પણ સમાજના છેવાડા પર બેઠેલા ગરીબ, પીડિત, શોષિત, વંચિતની જ અને તેમના જીવનમાં પરિવર્તન લાવવાની- શિક્ષણ દ્વારા, રોજગાર દ્વારા કઈ રીતે પરિવર્તન લાવી શકાય તેની ચર્ચા કરતા હતા. આ બધા મહાપુરુષોનું સ્મરણ કરવું એ તેમના પ્રત્યે ઉપકાર નથી, આ મહાપુરુષોનું સ્મરણ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને આગળનો રસ્તો મળતો રહે, આગળની દિશા મળતી રહે.

આગામી ‘મન કી બાત’માં હું જરૂર સરદાર વલ્લભભાઈ પટેલના વિષયમાં કહીશ, પરંતુ ૩૧ ઑક્ટોબરે સમગ્ર દેશમાં રન ફૉર યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ થવાનો છે. દેશના દરેક શહેરમાં, દરેક નગરમાં બહુ મોટા પાયે રન ફૉર યુનિટીના કાર્યક્રમો થવા જોઈએ અને આ ઋતુ પણ એવી છે કે દોડવામાં મજા આવે છે. સરદાર સાહેબ જેવી લોખંડી શક્તિ પ્રાપ્ત કરવા આ પણ જરૂરી છે. અને સરદાર સાહેબે તો દેશને એક કર્યો હતો. આપણે પણ એકતા માટે દોડીને એકતાના મંત્રને આગળ વધારવો જોઈએ.

આપણે બહુ સ્વાભાવિક રીતે કહીએ છીએ – વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા. વિવિધતાનું આપણે ગૌરવ કરીએ છીએ પરંતુ શું આપણે ક્યારેય આ વિવિધતાનો અનુભવ કરવાનો પ્રયાસ કર્યો છે ખરો? હું વારંવાર હિન્દુસ્તાનના મારા દેશવાસીઓને કહીશ અને ખાસ કરીને મારી યુવા પેઢીને મારે કહેવું છે કે આપણે એક જાગૃત અવસ્થામાં છીએ. આ ભારતની વિવિધતાઓનો અનુભવ કરીએ, તેમને સ્પર્શ કરીએ, તેમની સુગંધનો અનુભવ કરીએ. તમે જુઓ, તમારા વ્યક્તિત્વના વિકાસ માટે પણ આપણા દેશની આ વિવિધતાઓ એક બહુ મોટી પાઠશાળાનું કામ કરે છે. વેકેશન છે, દિવાળીના દિવસો છે, આપણા દેશમાં ચારે તરફ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો સ્વભાવ રહેલો છે, લોકો પ્રવાસી તરીકે જાય છે અને તે બહુ સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક ચિંતા થાય છે કે આપણે આપણા દેશને તો જોતા નથી, દેશની વિવિધતાઓને જાણતા નથી, સમજતા નથી પરંતુ ઝાકઝમાળના પ્રભાવમાં આવીને વિદેશોનો જ પ્રવાસ પસંદ કરવાનું શરૂ કરી દીધંન છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાવ, મને કોઈ વાંધો નથી પરંતુ ક્યારેક પોતાના ઘરને પણ તો જુઓ. ઉત્તર ભારતના વ્યક્તિને ખબર નહીં હોય કે દક્ષિણ ભારતમાં શું છે? પશ્ચિમ ભારતના વ્યક્તિને ખબર નહીં હોય કે પૂર્વ ભારતમાં શું છે? આપણો દેશ કેટકેટલી વિવિધતાઓથી ભરેલો છે.

મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સ્વામી વિવેકાનંદ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી.. જો આ મહાપુરુષોનું જીવન જોઈશું તો એક વાત ચોક્કસ ધ્યાનમાં આવશે કે તેમણે ભારત ભ્રમણ કર્યું ત્યારે તેમને ભારતને જોવા-સમજવામાં અને તેના માટે જીવવા-મરવા માટે એક નવી પ્રેરણા મળી. આ બધા મહાપુરુષોએ ભારતનું વ્યાપક ભ્રમણ કર્યું. પોતાના કાર્યના પ્રારંભમાં તેમણે ભારતને જાણવા, સમજવાનો પ્રયાસ કર્યો. ભારતને પોતાની અંદર જીવવાની કોશિશ કરી. શું આપણે, આપણા દેશનાં ભિન્ન-ભિન્ન રાજ્યોને, ભિન્ન-ભિન્ન સમાજોને, સમૂહોને, તેમના રીતિ-રિવાજોને, તેમની પરંપરાને, તેમના પહેરવેશને, તેમની ખાણીપીણીને, તેમની માન્યતાઓને એક વિદ્યાર્થીના રૂપમાં શીખવા- સમજવાનો, જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ ?

ટુરિઝમમાં વેલ્યૂ એડિશન ત્યારે જ થશે જ્યારે આપણે માત્ર મુલાકાતી નહીં, પરંતુ એક વિદ્યાર્થી તરીકે તેમને પામવા-સમજવા-બનવાનો પ્રયાસ કરીએ. મારો પોતાનો અનુભવ છે કે મને હિન્દુસ્તાનના પાંચસોથી વધુ જિલ્લાઓમાં જવાનો અવસર મળ્યો હશે. સાડા ચારસોથી વધુ જિલ્લાઓ તો એવા હશે કે જ્યાં મને રાત્રિરોકાણની તક મળી હશે, અને આજે જ્યારે હું ભારતમાં આ જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે મને આ ભ્રમણનો અનુભવ બહુ જ કામમાં આવે છે. ચીજોને સમજવામાં બહુ જ સુવિધા રહે છે. તમને પણ મારો અનુરોધ છે કે તમે ´વિવિધતામાં એકતા’ના સૂત્ર બોલવા કરતાં આપણા વિશાળ ભારતની અપાર શક્તિના ભંડારનો અનુભવ કરો. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નું સપનું તેમાં જ સમાવિષ્ટ છે. ખાણીપીણીની કેટલી વિવિધતા છે. આખું જીવન પણ જો રોજેરોજ એક અલગ વાનગી ખાતા રહીએ તો પણ કોઈ વાનગીનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય. આપણા પર્યટનની આ મોટી તાકાત છે. હું અનુરોધ કરીશ કે આ રજાઓમાં તમે માત્ર ઘરની બહાર જાવ તેમ નહીં, જરા હવાફેર માટે નીકળી પડો તેમ નહીં, પરંતુ કંઈક જાણવા, સમજવા, પામવાના હેતુથી નીકળજો. ભારતને પોતાની અંદર આત્મસાત્ કરજો. કોટિકોટિ જનોની વિવિધતાઓને ભીતરમાં આત્મસાત્ કરજો. આ અનુભવો થકી તમારું જીવન સમૃદ્ધ બનશે. તમારી વિચારસરણીનો વ્યાપ વિશાળ બનશે. અને અનુભવથી મોટો શિક્ષક કોણ હોઈ શકે? સામાન્ય રીતે ઑક્ટોબરથી માર્ચ સુધીનો સમયગાળો મોટા ભાગે પર્યટનનો
હોય છે. લોકો પ્રવાસે જાય છે. મને વિશ્વાસ છે કે આ વખતે પણ તમે જશો તો મારા આ અભિયાનને વધુ આગળ વધારશો. તમે જ્યાં પણ જાવ, તમારો અનુભવ વહેંચો, તસવીરો વહેંચો. શૅર કરો. #incredibleindia (હેશ ટેગ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા) પર તમારો ફોટો જરૂર મોકલો. માત્ર ઈમારતોની નહીં, ત્યાંના લોકોને મળવાનું બને તો તેનો ફોટો પણ મોકલજો. માત્ર પ્રાકૃતિક સૌંદર્યની નહીં, ત્યાંના જનજીવનની પણ કેટલીક વાતો લખો. તમારી યાત્રાના સારા નિબંધો લખો. Mygov પર મોકલો, NarendraModiApp પર મોકલો. મારા મનમાં એક વિચાર આવે છે કે આપણે ભારતના પર્યટનને વધારવા એક કામ કરી શકીએ. શું તમે જણાવી શકો કે તમારા રાજ્યનાં સાત ઉત્તમ પર્યટન સ્થળો કયા હોઈ શકે? દરેક હિન્દુસ્તાનીએ તમારા રાજ્યના તે સાત સ્થળોના વિષયમાં જાણવું જોઈએ. સંભવ હોય તો તે સાત સ્થાનો પર જવું જ જોઈએ. તમે તે વિષયમાં કોઈ જાણકારી આપી શકો ખરા? NarendraModiApp પર તેને રાખી શકો ખરા? #incredibleindia (હેશ ટેગ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા) પર મૂકી શકો ખરા?

તમે જોજો, એક રાજ્યના બધા લોકો જો આ અંગે કહેશે તો હું સરકારમાં કહીશ કે તેની ખરાઈ કરે અને દરેક રાજ્ય વિશે જે સર્વસામાન્ય સાત ચીજો આવી છે તેના પર તે પ્રચાર સાહિત્ય તૈયાર કરે. અર્થાત્ એક રીતે જનતાના અભિપ્રાયોથી પર્યટન સ્થળોને ઉત્તેજન કઈ રીતે મળે તે મારો હેતુ છે. આ જ રીતે તમે દેશભરમાં જે સ્થળો અને બાબતો જોઈ છે, તેમાંથી તમને જે શ્રેષ્ઠ સાત ચીજો લાગી હોય , તમે ઈચ્છતા હો કે બધાએ તે જોવી જોઈએ, ત્યાં જવું જોઈએ, તે બાબતમાં જાણકારી મેળવવી જોઈએ તો તમે તમારી પસંદનાં સાત આવાં સ્થાનો વિશે Mygov પર, NarendraModiApp પર જરૂર લખો. ભારત સરકાર તેના પર કામ કરશે. આવાં ઉત્તમ પર્યટન સ્થળો જે હશે તેના માટે ફિલ્મ બનાવવી, વિડિયો બનાવવો, પ્રચાર સાહિત્ય તૈયાર કરવું, તેને પ્રોત્સાહન આપવું. તમારા દ્વારા પસંદ કરાયેલી ચીજોને સરકાર સ્વીકારશે. આવો, મારી સાથે જોડાઓ. આ ઑક્ટોબર મહિનાથી માર્ચ મહિના સુધીના સમયનો ઉપયોગ દેશના પર્યટનને વધારવામાં તમે પણ એક પ્રોત્સાહકની ભૂમિકા ભજવી શકો છો. હું તમને નિમંત્રણ આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, એક માનવ તરીકે ઘણી બધી ચીજો મને પણ સ્પર્શી જાય છે. મારા હૃદયને આંદોલિત કરી દે છે. મારા મન પર ઊંડો પ્રભાવ છોડી જાય છે. છેવટે તો હું પણ તમારી જેમ એક માણસ જ છું. ગત દિવસોની એક ઘટના છે જે કદાચ તમારા ધ્યાનમાં આવી હશે. મહિલા શક્તિ અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ આપણે દેશવાસીઓએ જોયું. ભારતીય સેનાને લેફ્ટેનન્ટ સ્વાતિ અને નીધિના રૂપમાં બે વીરાંગનાઓ મળી છે અને તેઓ અસામાન્ય વીરાંગનાઓ છે. અસામાન્ય એટલા માટે કે સ્વાતિ અને નીધિના પતિ મા ભારતીની સેવા કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા. આપણે કલ્પી શકીએ કે આ નાની ઉંમરમાં જ્યારે સંસાર ઉજડી ગયો હોય ત્યારે તેમની મન:સ્થિતિ કેવી હશે ? પરંતુ શહીદ કર્નલ સંતોષ મહાદિકની પત્ની સ્વાતિ મહાદિકે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરતા કરતાં પોતાના મનમાં નિશ્ચય કરી લીધો. અને તેઓ ભારતની સેનામાં જોડાઈ ગયા. ૧૧ મહિના સુધી તેમણે આકરો પરિશ્રમ કરીને પ્રશિક્ષણ મેળવ્યું અને પોતાના પતિનાં સપનાંને પૂરાં કરવા પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. આ જ રીતે નીધિ દુબેના પતિ મૂકેશ દુબે સેનામાં નાયકનું કામ કરતા હતા અને માતૃભૂમિ માટે તેઓ શહીદ થઈ ગયા. તેમનાં પત્ની નીધિએ પણ મનમાં નિશ્ચય કરી લીધો અને તેઓ પણ સેનામાં જોડાઈ ગયા. દરેક દેશવાસીને આપણી આ માતૃશક્તિ પર, આપણી આ વીરાંગનાઓ પ્રત્યે આદર થવો બહુ સ્વાભાવિક છે. હું આ બંને બહેનોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે દેશના કોટિ-કોટિ જનો માટે એક નવી પ્રેરણા, એક નવી ચેતના જગાવી છે. આ બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.

મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રિનો ઉત્સવ અને દિવાળી વચ્ચે આપણા દેશની યુવા પેઢી માટે એક ઘણો મોટો અવસર પણ છે. FIFA Under 17નો વિશ્વકપ આપણે ત્યાં યોજાઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે ચારે તરફ ફૂટબૉલ છવાઈ જશે. દરેક પેઢીનો રસ ફૂટબૉલમાં વધશે. હિન્દુસ્તાનની કોઈ શાળા, કૉલેજનું મેદાન એવું ન હોવું જોઈએ કે જ્યાં આપણા નવયુવાનો રમતા નજરે ન પડતા હોય. આવો, જ્યારે સમગ્ર વિશ્વ ભારતની ધરતી પર રમવા આવી રહ્યું છે ત્યારે આપણે પણ રમતને આપણા જીવનનો હિસ્સો બનાવીએ.

મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. મા દુર્ગાની પૂજાનો અવસર છે. સમગ્ર વાતાવરણ પાવન પવિત્ર સુગંધથી વ્યાપ્ત છે. ચારે તરફ એક આધ્યાત્મિકતાનું વાતાવરણ, ઉત્સવનું વાતાવરણ, ભક્તિનું વાતાવરણ છે અને આ પર્વ શક્તિની સાધનાનું પર્વ મનાય છે. તે શારદીય નવરાત્રિ તરીકે ઓળખાય છે. અને અહીંથી જ શરદ ઋતુનો આરંભ થાય છે. નવરાત્રિના આ પાવન પર્વ પર હું દેશવાસીઓને ખૂબ જ શુભકામનાઓ આપું છું અને મા શક્તિને પ્રાર્થના કરું છું કે દેશના સામાન્ય માનવના જીવનની આશા-આકાંક્ષાઓ પૂર્ણ થાય તે માટે આપણો દેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે. દરેક પડકારનો સામનો કરવાનું સામર્થ્ય દેશને મળે. દેશ ઝડપી ગતિથી આગળ વધે અને બે હજાર બાવીસ (૨૦૨૨)માં ભારતની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે સ્વતંત્રતા માટે ઝઝૂમનારા લોકોનાં સપનાંને પૂરા કરવાનો પ્રયાસ એ જ સવાસો કરોડ લોકોનો સંકલ્પ બને, અથાગ મહેનત, અથાગ પુરુષાર્થ થકી તે સંકલ્પ સાકાર કરવા માટે પાંચ વર્ષનો રૉડ મેપ બનાવીને આપણે નીકળી પડીએ અને મા શક્તિ આપણને આશીર્વાદ આપે. તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉત્સવ પણ મનાવો, ઉત્સાહ પણ વધારો.

ખૂબ ખૂબ ધન્યવાદ.