પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કર્ણાટકનાં ઉજિરમાં 29 ઓક્ટોબર, 2017નાં રોજ જનસભામાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

 

વિશાળ સંખ્યામાં પધારેલા પ્રિય ભાઈઓ અને બહેનો,

 

મારું સદનસીબ છે કે આજે મને ભગવાન મંજુનાથનાં ચરણોમાં માથું નમાવવાની, તેમનાં દર્શન કરવાની અને તમને બધાને મળવાની તક સાંપડી. ગયા અઠવાડિયે હું કેદારનાથજીનાં દર્શને ગયો હતો. આદિ શંકરાચાર્યજીએ કેદારનાથમાં હજારો વર્ષ અગાઉ રાષ્ટ્રીય એકતાની ધૂણી ધખાવી હતી, સાધના કરી હતી. મને આજે એક વાર ફરી દક્ષિણ તરફ મંજુનાથેશ્વરનાં ચરણોનાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

 

હું નથી જાણતો કે નરેન્દ્ર નામની કોઈ વ્યક્તિને ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીનું સન્માન કરવાનો અધિકાર છે કે નહીં? તેમનો ત્યાગ, તેમની તપસ્યા, તેમનું જીવન, 20 વર્ષની નાની વયે One Life, One Mission – હકીકતમાં આ તેમની સાધના છે, તેમનું તપ છે, તેમનું સમર્પણ છે. આવાં તપસ્વીનું સન્માન કરવા માટે વ્યક્તિ તરીકે હું તેમની સામે બહુ નાનો છું. પણ સવા સો કરોડ દેશવાસીઓનાં પ્રતિનિધિ તરીકે, જે પદ પર તમે મને બેસાડ્યો છે, એ પદની ગરિમાને કારણે હું આ કામ કરીને મારી જાતને ભાગ્યાશાળી ગણું છું.

 

જાહેર જીવનમાં, આધ્યાત્મિક અધિષ્ઠાન પર ઈશ્વરને સાક્ષી રાખીને, આચાર અને વિચારમાં એકસૂત્રતા, મન-વચન-કર્મમાં સંપૂર્ણ પવિત્રતા અને જીવનમાં જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, તેને પાર પાડવા માટે, સ્વ માટે નહીં, સમષ્ટિ માટે, અહમ્ કાજે નહીં, વયમ્ કાજે, મારાં માટે નહીં પણ પૂરાએ સમાજ માટે જીવન જીવવા ડગલે ને પગલે કસોટીમાંથી પસાર થવું પડે છે. દરેક કસોટી પર તમારે ખરું ઉતરવું પડે છે, તમને દરેક ત્રાજવે તોલવામાં આવે છે, તમારાં દરેક વચનને, તમારાં દરેક કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે 50 વર્ષની આ સાધના આપણાં જેવા કોટિ-કોટિ જનો માટે પ્રેરણાસ્ત્રોત છે, પ્રેરણાનું ઝરણું છે. એટલે હું તમને આદરપૂર્વક વંદન કરું છું, તમને નમન કરું છું.

 

મને તેમનું સન્માન કરવાની તક અતિ સહજતાપૂર્વક મળી છે. હું જ્યારે હેગડજીને મળ્યો છું, ત્યારે તેમનાં ચહેરાં પર હાસ્ય જોયું છે. કોઈ બહુ મોટું કામ કરી રહ્યાં હોવાનો ભાર એમનાં ચહેરા પર વર્તાતો નથી. સરળ, સહજ, નિસ્પૃહ, ગીતામાં કહેવાયું છે એમ નિષ્કામ કર્મયોગ. જ્યારે હું એમનું સન્માન કરતો હતો, ત્યારે એમણે સ્વાભાવિક રીતે મને કહ્યું કે – મોદીજી, આ સન્માન 50 વર્ષ પૂર્ણ કરવાનું નથી, પણ તમે મારી પાસેથી આગામી 50 વર્ષ આવાં જ કામ કરું તેની ગેરેન્ટી માંગી રહ્યાં છો. આટલું માન-સન્માન, આટલી પ્રતિષ્ઠા, ઈશ્વરનાં આશીર્વાદ, 800 વર્ષની મહાન તપસ્યા વારસામાં મળી હોય, છતાં પણ દરેક ક્ષણે જીવનને કર્મપથ પર આગળ વધારવું – આવું આપણે હેગડેજી પાસેથી શીખવું જોઈએ. વિષય યોગનો હોય, શિક્ષણનો હોય, સ્વાસ્થ્યનો હોય, ગ્રામીણ વિકાસનો હોય, ગરીબોનાં કલ્યાણનો હોય, ભાવી પેઢીનાં ઉત્થાન માટે યોજનાઓનો હોય, ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીએ પોતાનાં ચિંતન દ્વારા, પોતાનાં કૌશલ્ય દ્વારા, દરેક વસ્તુઓને આ સ્થળ, સમય, અહિંની સ્થિતિ અને સંજોગો અનુસાર ઢાળીને આપણને આગળ વધાર્યા છે. મને એ વાત કહેવાનો સંકોચ નથી, ઘણાં રાજ્યોમાં અને દેશમાં કૌશલ્ય વિકાસને લઈને જેટલાં કામ ચાલી રહ્યાં છે, તેની રીતિ-નીતિ, કામ કરવાની પદ્ધતિ શું હોય, કઈ રીતે કરવામાં આવે, તેનું model, ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીએ અહીં કરેલા પ્રયોગોમાંથી મળ્યું છે.

 

અત્યારે 21મી સદીમાં દુનિયાનાં સમૃદ્ધથી અતિ સમૃદ્ધ દેશ પણ કૌશલ્ય વિકાસની ચર્ચા કરે છે. કૌશલ્ય વિકાસ મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભર્યું છે. ભારતમાં 35 વર્ષથી ઓછી વય ધરાવતાં 80 કરોડ લોકો છે. એટલે આપણાં દેશની વસતિનો 65 ટકા હિસ્સો 35 વર્ષથી ઓછી વય ધરાવે છે. આપણે યુવા રાષ્ટ્ર છીએ. આપણે આ વસતિજન્ય લાભ (demographic dividend)નો ગર્વ કરી શકીએ, આ દેશમાં skill કૌશલ્ય વિકાસ ફક્ત પેટપૂજા માટે નહીં, પણ ભારતનાં ભવ્ય સ્વપ્નોને સાકાર કરવા માટે આપણે આપણું કૌશલ્ય વધારીએ, સમગ્ર વિશ્વમાં માનવ સંસાધન ની જરૂરિયાત ઊભી થશે તેને આગામી સમયમાં પૂર્ણ કરવા આપણાં હાથને મજબૂત કરીએ, આપણે એવું સામર્થ્ય કેળવીએ. આ તમામ બાબતો દીર્ઘદ્રષ્ટા ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીએ વર્ષો પહેલાં અનુભવી હતી અને એ કામને આગળ વધાર્યું છે.

 

હું આ કામને, આ મહત્ત્વપૂર્ણ કામને વેગ આપવા આવ્યો છું. આપણાં દેશમાં યાત્રાધામ કેવા હોવા જોઈએ? સંપ્રદાય, આસ્થા, ધર્મ, પરંપરાઓ – આ બધાનું લક્ષ્ય શું હોવું જોઈએ? આ વિષયમાં જેટલો અભ્યાસ થવો જોઈએ, તેટલો કમનસીબે થયો નથી. અત્યારે વિશ્વમાં ઉત્તમ વ્યવસાય પ્રબંધન કેવી રીતે થાય તેની સ્કૂલ ચાલે છે, તેની ચર્ચા થાય છે. તેનું રેકિંગ પણ થાય છે. દેશનાં મોટાં મોટાં મેગેઝિનો પણ તેનું રેકિંગ કરે છે. પણ આજે જ્યારે હું આ ધર્મસ્થળ જેવા પવિત્ર સ્થાન પર આવ્યો છું, જ્યારે શ્રી વીરેન્દ્ર હેગડેજીનાં ચરણોમાં પહોંચ્યો છું, ત્યારે હું દુનિયાની મોટી-મોટી યુનિવર્સિટીઓને આમંત્રણ આપું છું, હિંદુસ્તાનની મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ કે યુનિવર્સિટીઓને આમંત્રણ આપું છું કે તમે હોસ્પિટલોનો સર્વે કરો છો, તેમની કાર્યશૈલીનો અભ્યાસ કરો છો, એન્જિનીયરિંગ કોલેજોનું રેકિંગ કરો છો. વિવિધ પ્રકારનાં રેકિંગની ચર્ચા પણ થાય છે, પણ સમયની માંગ છે કે આપણી આ ઋષિમુનિઓની પરંપરાએ કઈ રીતે સંસ્થાઓનું નિર્માણ કર્યું, કઈ રીતે તેને આગળ ધપાવી, પેઢી-દર-પેઢી સંસ્કારોનું સંક્રમણ કેવી રીતે કર્યું, તેની નિર્ણયપ્રક્રિયાઓ કેવી હોય છે, તેનું નાણાકિય વ્યવસ્થાપન શું હોય છે. પારદર્શકતા અને સંકલનને તેમણે કઈ રીતે સ્થાપિત કર્યાં છે, તેમાં આજનાં યુગને અનુકૂળ કેવા ફેરફારો થયાં છે? સમય અને કાળ અનુસાર, સમયની જરૂરિયાતો અનુસાર તેમણે આ સંસ્થાઓની પ્રેરણાઓને જીવંત કેવી રીતે રાખી છે અને મારું માનવું છે કે હિંદુસ્તાનમાં આવી એક-બે નહીં, હજારો સંસ્થાઓ છે, હજારો આંદોલનો છે, હજારો સંગઠનો છે, જે અત્યારે પણ કોટિ-કોટિ જનોનાં જીવન માટે પ્રેરણારૂપ છે, સ્વમાંથી બહાર નીકળીને સમષ્ટિ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ તમામનો અભ્યાસ થવો જોઈએ. તેમાં ધર્મસ્થળે 800 વર્ષનાં વારસાને જીવંત રાખ્યો છે – આ ખરેખર ઉદાહરણરૂપ છે, દાખલારૂપ છે.

 

દુનિયાની વિવિધ યુનિવર્સિટીઓ ભારતનાં આ આંદોલનો, આ સંસ્થાઓ, આ સંગઠનોનો અભ્યાસ કરશે તો સારી બાબત ગણાશે. દુનિયાને ખરેખર આશ્ચર્ય થશે કે આપણે ત્યાં કેવી વ્યવસ્થાઓ હતી? કેવી વ્યવસ્થાઓથી સંસ્થાઓનું સંચાલન થતું હતું? સમાજની અંદર આધ્યાત્મિક ચેતનાની પરંપરાને કેવી રીતે આગળ ધપાવવામાં આવતી હતી? આપણી અંદર સદીઓથી રહેલી સારપ, એ સારપ પ્રત્યે ગર્વ અનુભવી તેને સમાનુકૂળ અને વધુ સારી બનાવવા એક બહુ મોટી તક આપણી સામે હોય છે. મને ખાતરી છે કે ફક્ત આસ્થા, ફક્ત વિશ્વાસ સુધી મર્યાદિત ન રહીને, તેની પાછળની વૈજ્ઞાનિક ભાવના, નીતિરીતિ તરફ પણ દેશની યુવા પેઢીને આકર્ષિત કરવાની જરૂર છે.

 

અત્યારે મને અહીં સ્વસહાયક મહિલા જૂથને રૂપે કાર્ડ આપવાની તક સાંપડી છે. સંસદમાં ગયા વર્ષે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન થયેલા ભાષણો સાંભળો, ન સાંભળ્યા હોય તો રેકોર્ડ પર તમે વાંચો, અભ્યાસ કરો. આપણાં કહેવાતાં દિગ્ગજ લોકો, પોતાને તીસમારખાન સમજતાં લોકો, વિદ્વતામાં પોતાને પંડિત સમજતાં લોકો – સંસદમાં કહેતાં હતાં કે હિંદુસ્તાનમાં નિરક્ષરતા છે, ગરીબી છે, તેઓ આ ડિઝીટલ વ્યવહારો કેવી રીતે કરશે? લોકો કેશલેસ કેવી રીતે બનશે? અશક્ય છે. લોકો પાસે મોબાઇલ ફોન નથી. જેટલું ખોટું બોલાય, જેટલું ખરાબ બોલાય, તેટલું બોલ્યાં. કોઈ કચાશ ન રાખી. પણ આજે ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીએ સંસદમાં સંભળાયેલાં આ ભાષણોને ખોટાં પુરવાર કર્યા છે, તેમને જવાબ આપી દીધો છે.

 

ગામડાઓમાં રહેતી મારી માતાઓ-બહેનો શિક્ષિત છે કે નહીં, ભણેલી-ગણેણી છે કે નહીં; તેમણે આજે સંકલ્પ કર્યો છે અને આ લોકો 12 લાખ લોકો છે, જરાં પણ ઓછાં નથી. 12 લાખ લોકોએ સંકલ્પ કર્યો છે કે, અમે પોતાનાં સ્વસહાય જૂથનો સંપૂર્ણ વ્યવસાય કેશલેસ કરીશું. રોકડ વિના કરીશું, ડિઝીટલ વ્યવહારથી કરીશું, રૂપે કાર્ડથી કરીશું, ભીમ એપથી કરીશું. જો સારૂ કરવાનો ઇરાદો હોય, તો અવરોધો પણ ક્યારેક કામને વેગ આપવાની તક પ્રદાન કરે છે અને તે આજે ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીએ દેખાડી દીધું છે.

 

હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે, તમે ભાવિ ભારતનાં બીજનું વાવેતર કરવા ઉત્તમ પ્રયાસ કર્યો છે – Digital India, Less Cash Society, આ દિશામાં દેશને અગ્રેસર કરવા માટે એ ક્ષેત્રનાં લોકોની જરૂરિયાતોને સમજવામાં આવી છે, જેમનાં સુધી કદાચ સરકાર કે બેંકીંગ વ્યવસ્થાને પહોંચતા કેટલાં દાયકા લાગી જશે એની ખબર નથી.

 

પણ તમે વ્યવસ્થાની શરૂઆત પાયાથી કરી છે અને આજે એક મોટું કાર્ય પાર પાડીને દેખાડી દીધું છે. હું એ સ્વસહાય જૂથની બહેનોને પણ અભિનંદન આપું છું, ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીને અભિનંદન આપું છું કે, આજે તેમણે દેશ માટે ઉપયોગી એક બહુ મોટા અભિયાનની શરૂઆત કરી છે. હવે સમય બદલાઈ ગયો છે અને આ જે ચલણ છે, જે રોકડ છે, દરેક યુગમાં બદલાતી રહી છે. ક્યારેક પત્થરનાં સિક્કાં હતાં, ક્યારેક ચામડાનાં સિક્કા હતાં, ક્યારેક સોના-ચાંદીનાં હતાં, ક્યારેક હીરા-ઝવેરાત સ્વરૂપે હતાં, ક્યારેક કાગળનાં પણ હતાં, ક્યારેક પ્લાસ્ટિકનાં આવ્યાં. ચલણ બદલાયું છે, સમયની સાથે બદલાયું છે. અત્યારે ડિઝીટલ કરન્સીનાં યુગની શરૂઆત થઈ ગઈ છે, ભારતે મોડું ન કરવું જોઈએ.

 

મેં જોયું છે કે વધારે રોકડ વ્યવહાર સામાજિક અનિષ્ટો તરફ દોરી જાય છે. પરિવારમાં દિકરો મોટો હોય, દિકરી મોટી હોય, માતા-પિતા સુખીસંપન્ન હોય, રૂપિયાની કોઈ કમી ન હોય, તો પણ તેમને એક મર્યાદામાં જ રૂપિયા આપવામાં આવે છે. તેઓ રૂપિયા ખર્ચ કરવાથી ડરતાં નથી, પણ તેમનાં પુત્રો વધારે રૂપિયા મેળવીને બગડી ન જાય, તેમને ખોટી આદતો ન પડી જાય એનાથી ડરે છે. તેમનાં તેમનાં સંતાનોને મર્યાદિત નાણાં આપે છે અને તેઓ ક્યાં ખર્ચ કરે છે એ પૂછતાં રહે છે, યોગ્ય જગ્યાએ ખર્ચ કરે છે કે નહીં એની જાણકારી મેળવે છે. જે પરિવારમાં સંતાનોની ચિંતા કરનાર માતાપિતા હોય છે, તેઓ સારી રીતે જાણે છે કે જો ખિસ્સામાં વધારે પડતાં પૈસા હોય તો સંતાનો ક્યારેક ખોટાં માર્ગે ચઢી જાય છે. એટલે આ જવાબદારી બહુ મોટી વાત છે.

 

મારું માનવું છે કે, અત્યારે જે દિશામાં ડૉક્ટર હેગડેજી જે કામ કરે છે એનાથી બહુ મોટો માર્ગ ખુલ્યો છે. આજે અન્ય એક કામ પણ થયું છે. આ લોગોનું લોકાર્પણ થયું છે અને તે પણ પૃથ્વી પ્રત્યે, આ ધરતી માતા પ્રત્યે આપણને ઋણ અદા કરવાની પ્રેરણા આપે છે. આપણે એવું માનીએ છીએ કે આપણને પ્રાણવાયુ ઓક્સિજન આપવાની ફરજ વૃક્ષોની છે, પણ આપણે વૃક્ષોને બચાવવાની જવાબદારી લેતાં નથી. આપણને અધિકારો મેળવવા ગમે છે, આપણે ઇચ્છીએ છીએ કે વૃક્ષ સતત આપણને ઓક્સિજન પૂરો પાડે. આપણે એવું સમજીએ છીએ કે આપણું પેટ ભરવાની જવાબદારી ધરતી માતાની છે. જો સંતાનનું પેટ ભરવાની જવાબદારી માતાની હોય તો માતાનું જતન કરવાની જવાબદારી પણ સંતાનોની છે. જો આપણે એવું સમજીએ કે ઓક્સિજન પૂરો પાડવાની જવાબદારી વૃક્ષોની છે, તો તેનું લાલન-પાલન કરવાની જવાબદારી પણ આપણી છે. જ્યારે આ જવાબદારીઓ વચ્ચે, ફરજો વચ્ચે અસંતુલન પેદા થાય છે, આપનાર આપતો રહે, પણ ગ્રહણ કરનાર પોતાની ફરજ ન અદા કરે, સતત ભોગ ભોગવે છે, ત્યારે સમાજમાં અસંતુલન પેદા થાય છે, વ્યવસ્થામાં અસંતુલન પેદા થાય છે, કુદરતમાં અસંતુલન પેદા થાય છે. આ અંસુતલન જ જયવાયુ પરિવર્તનની સમસ્યા તરફ દોરી જાય છે.

 

અત્યારે આખી દુનિયા કહી રહી છે કે જળસંકટ માનવજાતિ માટે બહુ મોટો પડકારરૂપ બનશે. આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે એક ગ્લાસ પાણી પીએ કે ડોલ ભરીને સ્નાન કરીએ, તો એ આપણી મહેનતનું પરિણામ નથી અને એનાં પર આપણો અધિકાર નથી. આપણાં પૂર્વજોએ સજાગતાપૂર્વક કામ કર્યું છે અને આપણાં માટે છોડીને ગયા છે. એટલે આપણને પ્રાપ્ત થયું છે અને આપણી ભાવિ પેઢીનો પણ એના પર અધિકાર છે. અત્યારે તમારે સમજવું જોઈએ કે આપણે આપણી ભાવિ પેઢી માટે જરૂરી ચીજવસ્તુઓનો ઉપભોગ કરી રહ્યાં છીએ. આપણી જવાબદારી છે કે જે રીતે આપણાં પૂર્વજો મારાં માટે છોડીને ગયા છે, એ રીતે આગામી પેઢી માટે મારે પણ આપણે બચાવવું પડશે. આ ભાવનાને જાગૃત કરવાનો પ્રયાસ, પર્યાવરણનું રક્ષણ કરવા એક બહુ મોટું આંદોલન ધર્મસ્થળથી શરૂ થઈ રહ્યું છે. મારું માનવું છે કે આ સંપૂર્ણ બ્રહ્માંડની સેવાનું કામ છે.

 

આપણે પ્રકૃતિ સાથે, કુદરત સાથે જોડાયેલા છીએ. વર્ષ 2022 ભારતની આઝાદીનું 75મું વર્ષ છે. ધર્મસ્થળથી મોટું આંદોલન શરૂ થયું છે. એક વાર ધર્મસ્થળથી આંદોલન શરૂ થાય, ડૉક્ટર હેગડેજીનાં આશીર્વાદ મળે તો મને ખાતરી છે સફળતા અવશ્ય મળશે.

 

અત્યારે આપણે આપણી બુદ્ધિ, શક્તિ, લોભને કારણે આ ધરતી માતાનું સતત શોષણ કરીએ છીએ. આપણે ક્યારેય આ માતાની પરવા કરતાં નથી કે આ મારી માતા બિમાર તો પડી નથી ને? અગાઉ એક પાક લેતા હતાં, પછી બે લેવાનું શરૂ કર્યું, ત્રણ પાક લેવા લાગ્યાં, વિવિધ પ્રકારનાં પાક લઈ રહ્યાં છીએ. વધારે ઉત્પાદન મેળવવા દવાઓ નાંખતા, રસાયણો ઉમેરતાં રહ્યાં, ખાતરનો ઉપયોગ કરતાં રહ્યાં. ધરતી માતાનું જે થવું હોય એ થાય, મને તત્કાળ લાભ મળતો રહેશે – આપણે આ જ ભાવથી ધરતી માતાનું શોષણ કરતાં રહ્યાં. જો સ્થિતિ આ જ રહેશે, તો આપણે ક્યાં પહોંચશું તેનો અંદાજ જ નથી.

 

શું ધર્મસ્થળથી ડૉક્ટર હેગડેજીનાં નેતૃત્વમાં આપણે આજે એક સંકલ્પ કરી શકીએ? આપણાં તમામ વિસ્તારોમાં તમામ ખેડૂતો આ સંકલ્પ કરી શકે? કે વર્ષ 2022માં આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણે જે યુરિયાનો ઉપયોગ કરીએ છીએ, તેમાં 50 ટકાનો ઘટાડો કરીએ. અત્યારે આપણે જે યુરિયાનો ઉપયોગ કરીએ છીએ એનાથી અડધો કરીએ. તમે જુઓ, ધરતી માતાનાં રક્ષણ માટે મોટી સેવા થશે. ખેડૂતનાં રૂપિયા બચશે, તેમનો ખર્ચ ઘટશે, ઉત્પાદનમાં કોઈ ઘટાડો નહીં થાય. વળી ધરતી માતા તમને તમારાં ખેતરને જે આશીર્વાદ આપશે એ નફામાં વધારાનું કારણ બનશે.

 

પાણીનો ઉપયોગ પણ આપણે સભાનતાપૂર્વક કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે કર્ણાટકમાં દુષ્કાળની કેવી સ્થિતિ પેદા થાય છે. પાણી વિના મોટું સંકટ પેદા થાય છે. મેં જોયું છે કે અમારાં યેદુરપ્પાજી સોપારીનાં ભાવ ઘટી જાય તો ગુજરાતમાં આવીને મારું ગળું પકડતાં હતાં. એ સમયે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. તેઓ કહેતાં હતાં કે મોદીજી, તમે ખરીદી લો, પણ અમારાં મેંગલોર વિસ્તારને બચાવી લો, દોડીને આવતાં હતાં.

 

વર્ષ 2022 સુધીમાં આપણાં ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇ તરફ, ટપક સિંચાઈ તરફ, Per Drop – More Crop – સંકલ્પને લઈને આગળ વધી શકે? પાણીની એક-એક બુંદનો મોતીની જેમ ઉપયોગ કરવામાં આવે, મોતી જેવું મૂલ્ય ધરાવતાં પાણીના એક-એક ટીપાનું મૂલ્ય સમજીએ, તો મને ખાતરી છે કે આપણે એક બહુ મોટું પરિવર્તન કરી શકીએ.

 

જ્યારે હું ડિઝીટલ ઇન્ડિયાની વાત કરું છું, ત્યારે ભારત સરકારે તાજેતરમાં એક નવી પહેલ કરી છે – GeM. આ એક એવી વ્યવસ્થા છે, જે ખાસ કરીને આપણાં જે સ્વસહાય મહિલા જૂથ માટે ઉપયોગી છે. તેમને હું આમંત્રણ આપું છું. તેઓ જે કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે, જે પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરવા ઇચ્છે, તેઓ ભારત સરકારનાં આ GeM Portal છે, તેનાં પર નોંધણી કરાવી શકે છે Online. અને ભારત સરકારને જે ચીજવસ્તુઓની જરૂર છે, રાજ્ય સરકારોને જે ચીજવસ્તુઓની જરૂર છે, તેઓ પણ તેની મુલાકાત લે છે, કોઇ કહે છે કે ભાઈ મારે આટલી ખુરશી જોઈએ, આટલાં ટેબલ જોઈએ, આટલાં ગ્લાસ જોઈએ, આટલાં ફ્રિઝ જોઈએ. તેમની જે જરૂર હોય છે એ એનાં પર જણાવે છે. જે GeMમાં નોંધાયેલા હોય છે, ગામનાં લોકો પણ મુલાકાત લે છે કે મારી પાસે પાંચ ચીજવસ્તુ છે અને હું વેચાણ કરવા ઇચ્છું છું. પૂરીએ વ્યવસ્થા પારદર્શક છે.

ગયા વર્ષે મેં 9 ઓગસ્ટનો રોજ તેની શરૂઆત કરી હતી, નવી રીત હતી. પણ જોતજોતામાં દેશનાં લગભગ 40,000 ઉત્પાદનકર્તા આ GeMની સાથે જોડાઈ ગયા છે. દેશનાં 15 રાજ્યોએ MoU કરી લીધા છે અને હજારો કરોડો રૂપિયાનો વેપાર, સરકારે જે ખરીદવાનું હોય છે એ GeMનાં માધ્યમથી થાય છે. ટેન્ડર હોતા નથી, પડદાં પાછળ કોઈ ખેલ ચાલતો નથી, તમામ ચીજો કમ્પ્યુટર પર થાય છે. જે ચીજવસ્તુ અગાઉ 100 રૂપિયામાં મળતી હતી, એ આજે સરકારને 50થી 60 રૂપિયામાં મળી રહી છે.

 

પસંદગીનો અવકાશ મળે છે. અગાઉ મોટાં લોકો સપ્લાઈ કરતાં હતાં, પુરવઠો પૂરો પાડતાં હતાં. અત્યારે ગામડાનો ગરીબ વ્યક્તિ પણ કોઈ ચીજ બનાવે છે, તો એ પણ સરકારને પુરવઠો પૂરો પાડી શકે છે. આ સખી, આ આપણુ સ્વસહાય મહિલા જૂથ, તેઓ તેમનાં ઉત્પાદનોનું વેચાણ તેમાં કરી શકે છે. હું તેમને આમંત્રણ આપું છું.

 

હું કર્ણાટક સરકારને પણ આગ્રહ કરું છું. હિંદુસ્તાનનાં 15 રાજ્યોએ, રાજ્યોની સરકારે ભારત સરકાર સાથે GeMનાં MOU કર્યા છે. કર્ણાટક સરકાર પણ મોડું ન કરે, આગળ આવે. તેનાથી કર્ણાટકની અંદર સામાન્ય નાગરિક જે ઉત્પાદન કરે છે, તેને મોટું બજાર મળશે. સરકાર બહુ મોટી ગ્રાહક છે. તેનાથી અહીંનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, તેને એક સારું સુનિશ્ચિત બજાર મળી જશે અને તેને એક નિશ્ચિત રકમ પણ મળશે.

 

હું ઇચ્છું છે કે કર્ણાટક સરકાર આ આમંત્રણનો સ્વીકાર કરે, જેથી કર્ણાટકનાં સામાન્ય નાગરિકોને વાજબી હક મળશે, તેમને તેમનો ઉચિત લાભ મળશે.

 

અમે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે. તમે આજે જોયું કે તમે રૂપે કાર્ડને આધાર સાથે જોડ્યું છે, મોબાઇલ ફોન સાથે જોડ્યું છે, બેંકની સેવાઓ તમને મળતી થઈ છે. આપણાં દેશમાં ગરીબોને લાભ મળ્યો છે અને તેમનાં લાભ માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. પણ અગાઉ ખબર જ નહોતી પડતી કે જે ગરીબો માટે યોજનાઓ ચાલી રહી છે, એ ગરીબોને ખરેખર તેનો લાભ મળે છે કે પછી અન્ય કોઈ જગ્યાએ સરકી જાય છે? ગરીબોનાં હકનાં રૂપિયા બેઇમાનોનાં ખિસ્સામાં જાય છે કે નહીં એની જાણ જ થતી નહોતી?

 

વર્ષો અગાઉ આપણાં દેશનાં એક પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો આપવામાં આવે છે, તો ગામડાંમાં સાચાં લાભાર્થીને ફક્ત 15 પૈસા જ મળે છે. વચ્ચે બાકીનાં પૈસા ચાંવ કરી જનાર પંજો કોનો હતો? આ પંજો કોનો હતો, જેનાં હાથમાં રૂપિયો ઘસાઈને 15 પૈસા થઈ જતો હતો? અમે નક્કી કર્યું છે કે દિલ્હીથી એક રૂપિયો આપવામાં આવશે, તો ગરીબને, સાચાં લાભાર્થીને 100 પૈસા એટલે કે એક રૂપિયો જ મળશે, 99 પૈસા પણ નહીં. વળી આ રૂપિયો એ જ ગરીબને મળશે, જે ખરેખર તેનો સાચો અધિકારી છે. અમે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણની વ્યવસ્થા અપનાવી, નોંધણી કરી અને હું આ પવિત્ર સ્થાન પર બેઠો છું, ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજી મારી બાજુમાં બિરાજમાન છે, અહીંની પવિત્રતાનો મને પૂરો ખ્યાલ છે, પ્રામાણિકતાનો મને પૂરો અંદાજ છે અને આ જ પવિત્ર સ્થાન પરથી હું કહી રહ્યો છું કે અમારાં આ પ્રયાસને કારણે અત્યાર સુધી અમે, ભારત સરકારે ઘણી પહેલો કરી છે. આ પહેલોમાં તમામ રાજ્યો અમારી સાથે જોડાયા નથી, કેટલાંક રાજ્યોએ પહેલો કરી છે. ભારત સરકારે આ પહેલો અંતર્ગત રૂ. 57,000 કરોડની બચત કરી છે, જે અગાઉ ગેરકાયદેસર રીતે બેઇમાનોનાં ખિસ્સામાં જતાં હતાં, ચોરી થઈ જતાં હતાં. આ બધો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે અને અત્યારે સરકારનો એક-એક રૂપિયો સાચાં લાભાર્થીઓને મળી રહ્યો છે.

 

હવે તમે મને જણાવો કે જેમનાં ખિસ્સામાં દર વર્ષે રૂ. 50 કરોડથી રૂ. 60 કરોડ જતાં હતાં, એ મળતાં બંધ થઈ ગયા – શું તો મોદીને પસંદ કરશે? તેઓ મોદીથી નારાજ થશે કે નહીં? મોદીની પાછળ પડી જશે કે નહીં?

 

મિત્રો, હું આ પવિત્ર સ્થાન પર ઊભા રહીને કહું છું કે અમે રહીએ કે ન રહીએ, આ દેશને બરબાદ નહીં થવા દઇએ. અમે માત્ર પોતાનાં માટે જીવવાનું શીખ્યાં નથી. અમે બાળપણથી બીજા લોકો માટે જીવવાનું શીખ્યાં છીએ. અમને આ સંસ્કાર બાળપણથી મળ્યાં છે.

 

એટલે ભાઈઓ અને બહેનો, મારું સદનસીબ છે કે એક સારો વિચાર મારાં મનમાં આવ્યો છે. અત્યારે તેને હું ડૉક્ટર વીરેન્દ્રજીની સામે રજૂ કરવાનું સાહસ કરું છું. હું આ વિચાર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક પાસાંઓથી વધારે વાકેફ નથી, પણ એક સામાન્ય માણસ હોવાને નાતે જણાવું છું. મને ખાતરી છે કે તમે આ વિચારને સાકાર કરીને દેખાડશો. આ વિસ્તારમાં દરિયાકિનારો છે – મેંગલોરની બાજુમાં દરિયાકિનારો છે. દરિયાકિનાર પર આપણાં માછીમાર ભાઇઓ-બહેનો કામ કરે છે – તેમને વર્ષમાં થોડાં મહિના જ કામ મળે છે, પછી વરસાદ આવતા ચોમાસાની સિઝનમાં તેમને બેસી રહેવું પડે છે. આપણે દરિયાકિનાર પર એક કામ કરી શકીએ, સારી રીતે કરી શકીએ અને એ જ sea weed (દરિયાઈ નીંદણ)ની ખેતી. લાકડામાંથી તરાપો બનાવવો પડે છે – તેમાં થોડું દરિયાઈ નીંદણ નાંખીને દરિયાકિનારે પાણીમાં છોડી દેવાનો હોય છે. તે તરતો રહે છે અને 45 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. દેખાવમાં બહુ સુંદર હોય છે, અતિ સુંદર હોય છે અને તેમાં પાણી પણ ભરપૂર હોય છે.

ફાર્મસીની દુનિયા માટે આ અતિ અસરકારક અન ઉપયોગી છોડ માનવામાં આવે છે. પણ હું અન્ય એક કામ માટે સૂચન કરવા ઇચ્છું છું. આપણાં દેશમાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં સ્વસહાય મહિલા જૂથ દ્વારા આ જ રીતે sea weed (દરિયાઈ નીંદણ)ની ખેતીની શરૂઆત કરવામાં આવે. 45 દિવસમાં પાક આવવાની શરૂઆત થશે, 12 મહિના પાક મળતો રહેશે અને એ છોડવાઓને ખેડૂત જમીનનું ખેડાણ કરશે ત્યારે જમીનમાં મિશ્ર કરી દેવામાં આવે. આ છોડવાઓમાં ભરપૂર પાણી હોય છે અને તેમાં મોટા પ્રમાણમાં પોષક દ્રવ્ય હોય છે. એક વાર તમે આ ધર્મસ્થળની આસપાસનાં ગામડાઓમાં પ્રયોગ કરીને જુઓ. મને ખાતરી છે કે અહીંની જમીનની ફળદ્રુપતા વધારવા માટે આ sea weed (દરિયાઈ નીંદણ)નાં છોડ ઉપયોગી પુરવાર થઈ શકે છે. વળી તેમાં કોઈ રોકાણ કરવાની જરૂર નથી. તેમાંથી આપણાં માછીમાર ભાઈઓને પણ આવક થશે અને આ છોડવાઓમાં રહેલું પાણી જમીનને પર્યાપ્ત પાણી પ્રદાન કરશે. તેની ફળદ્રુપતા વધારશે. હું ઇચ્છું છું કે આ પ્રયોગની શરૂઆત ધર્મસ્થળથી થાય. જો અહીં થોડાં પ્રયોગ થાય, તો તમારાં વૈજ્ઞાનિકો, તમારી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો અભ્યાસ કરે અને મને જરૂર રિપોર્ટ મોકલે. મેં સરકારને આ કામ કરવાનું ક્યારેય કહ્યું નથી, હું પહેલી વાર અહીં તમને કહી રહ્યો છું. મને લાગે છે કે આ જગ્યા પ્રયોગ કરવા માટે સૌથી ઉચિત છે, કારણ કે સરકાર કોઈ પણ કામગીરી કરે તો તેમાં નીતિનિયમોનાં બંધન આવે. તમે સ્વતંત્રતાપૂર્વક આ પ્રયોગ કરી શકો છો. પછી તમે જુઓ જમીન એટલી બદલાઈ જશે, ઉત્પાદન એટલું વધી જશે કે દુષ્કાળની સ્થિતિમાં પણ આપણાં ખેડૂતો ક્યારેય પરેશાન નહીં થાય. ધરતી માતાનાં રક્ષણ માટે આપણી પાસે અનેક પ્રોજેક્ટ છે, આપણે તે બધાને અજમાવીશું.

હું એક વખત ફરી આ સ્થળે આવ્યો, ડૉક્ટર વીરેન્દ્રજીનાં આશીર્વાદ મને મળ્યાં છે. મંજુનાથેશ્વરનાં આશીર્વાદ મને મળ્યાં છે, એક નવી પ્રેરણા મળી છે, નવા ઉત્સાહનો સંચાર થયો છે. જો આ વિસ્તારની સામાન્ય ભણેલી-ગણેલી માતાઓ-બહેનો, 12 લાખ બહેનો, કેશલેસ માટે આગળ આવી છે, તો હું આ સંપૂર્ણ જિલ્લાને આહવાન કરું છું કે, આપણે એ બહેનોથી પાછળ ન રહેવું જોઈએ, એ સ્વસહાય મહિલા જૂથથી. આપણે પણ કેશલેસ વ્યવહારો શીખીએ, તેને અપનાવીએ. તમે જોયું છે કે, દેશમાં પ્રામાણિકતાનો યુગ શરૂ થયો છે. આપણે પ્રામાણિકતાને જેટલી તાકાત આપીશું, તેટલી બેઇમાનોની સંખ્યા ઓછી થશે એ સ્વાભાવિક છે. એક સમયે દેશમાં બેઇમાનોને તાકાત મળી હતી, હવે પ્રામાણિક લોકોને તાકાત મળશે. આપણે દીપ પ્રકટાવીશું, તો અંધકાર દૂર થશે એ નક્કી વાત છે. જો આપણે પ્રામાણિકતાને પ્રોત્સાહન આપીશું, તો અપ્રામાણિકતા, બેઇમાની ઓછી થશે જ. આ જ સંકલ્પ સાથે આગળ વધીએ. મારી તમને બધાને ખૂબ ખૂભ શુભેચ્છા છે. ડૉક્ટર વીરેન્દ્ર હેગડેજીને મારી શુભેચ્છા છે અને તેમને હું પ્રણામ કરું છું. તેમણે 50 વર્ષ શુભ કાર્ય માટે, સારા કાર્ય માટે અર્પણ કર્યા છે અને આગામી 50 વર્ષ સુધી તો આ દેશની, આ વિસ્તારની એટલાં જ ઉત્સાહ સાથે સેવા કરતાં રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

 

તમારો બધાનો ખૂબ આભાર.

 

 

NP/J.Khunt/GP/RP