પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ

ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ

ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ

ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ

 

 

આરંભમાં, ચેન્નાઈ તેમજ તામિલનાડુના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની હોનારતોમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર અને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા લોકોને મારી દિલસોજી અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. મેં રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વરિષ્ઠ પત્રકાર થિરુ આર. મોહનના નિધન અંગે પણ હું ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું.

 

દૈનિક થાંતીએ ભવ્ય 75 વર્ષ સંપન્ન કર્યાં છે. અહીં સુધીની સફળ બદલ થિરુ એસ. પી. આદિથનાર, થિરુ એસ. ટી. આદિથનાર અને થિરુ બાલસુબ્રહ્મણ્યમ જીના યોગદાનને હું બિરદાવું છું. છેલ્લા સાડા સાત દાયકા દરમિયાન તેમના અસાધારણ પ્રયાસોને પગલે થાંતી, માત્ર તામિલનાડુમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં સૌથી મોટી મીડિયા બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવે છે. આ સફળતા બદલ હું થાંતી ગ્રુપના  મેનેજમેન્ટ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવું છું.

 

24 કલાકની ન્યુઝ ચેનલો હવે કરોડો ભારતીયોને ઉપલબ્ધ છે. છતાં, હજુ પણ અનેક લોકોનો દિવસ એક હાથમાં ચા કે કોફીના કપ અને બીજા હાથમાં વર્તમાનપત્રથી શરૂ થાય છે. મને કહેવામાં આવ્યું કે દૈનિક થાંતી આ વિકલ્પ માત્ર તામિલનાડુ જ નહીં, પરંતુ બેંગલુરુ, મુંબઈ અને છેક દુબઈમાં પણ 17 આવૃત્તિઓ દ્વારા પૂરો પાડે છે. 75 વર્ષો દરમિયાન કરાયેલું આ નોંધનીય વિસ્તરણ શ્રી થિરુ એસ. પી. આદિથનારના સ્વપ્નશીલ નેતૃત્ત્વને શ્રદ્ધાંજલિ છે, જેમણે 1942માં આ વર્તમાનપત્રની શરૂઆત કરી હતી. એ દિવસોમાં ન્યુઝપ્રિન્ટ મળવી મુશ્કેલ હતી. પરંતુ તેમણે ભૂસા-તણખલાંમાંથી બનાવાયેલા હાથ બનાવટના કાગળ પર છાપીને વર્તમાનપત્ર શરૂ કર્યું હતું.

 

અક્ષરોનું કદ, સાદી ભાષા અને સમજાય તેવી સરળ છણાવટને કારણે દૈનિક થાંતી લોકપ્રિય બન્યું. એ જમાનામાં આ વર્તમાનપત્રએ લોકોમાં રાજકીય જાગરુકતા લાવવાનું અને લોકોને માહિતીસભર બનાવવાનું કામ કર્યું. આ વર્તમાનપત્ર વાંચવા માટે ચાની દુકાનો પર લોકોની ભીડ જમા થતી હતી. આ રીતે યાત્રાનો આરંભ થયો હતો, જે આજ દિવસ સુધી ચાલુ છે. પોતાના સંતુલિત અહેવાલોએ દૈનિક થાંતીને દહાડિયાઓથી માંડીને રાજકારણની ટોચની હસ્તી સુધી સહુમાં લોકપ્રિય બનાવ્યું છે.

 

મને જાણવા મળ્યું કે થાંતી એટલે ટેલીગ્રામ. દૈનિક થાંતી એટલે “દૈનિક ટેલીગ્રામ”. છેલ્લાં 75 વર્ષ દરમિયાન ટપાલ વિભાગ દ્વારા પહોંચાડવામાં આવતો પરંપરાગત ટેલીગ્રામ લુપ્ત થઈ ગયો છે અને હવે ક્યાંયે તેનું અસ્તિત્ત્વ રહ્યું નથી. પરંતુ આ ટેલીગ્રામ, દરરોજ વિકાસ પામી રહ્યો છે. કઠોર પરિશ્રમ અને પ્રતિબદ્ધતા સાથેના મહાન વિચારોની આ શક્તિ છે.

 

મને એ જાણીને આનંદ થયો કે થાંતી ગ્રુપે તેના સ્થાપક થિરુ આદિથનારના નામે તમિળ ભાષાના સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે પારિતોષિકો સંસ્થાપિત કર્યા છે. પારિતોષિકોના વિજેતાઓ – થિરુ તામિલાનબાન, ડૉ. ઈરાની અન્બુ અને થિરુ વી. જી. સંતોષમને હું પૂરા દિલથી અભિનંદન પાઠવું છું. મને ખાતરી છે કે જે લોકોએ લેખનને ઉમદા વ્યવસાય તરીકે લેખ્યું છે, તેમના માટે આ સન્માન પ્રોત્સાહક પરિબળ બની રહેશે.

 

સન્નારીઓ અને સજ્જનો,

 

જ્ઞાન માટે માનવજાતની શોધ આપણા ઈતિહાસ જેટલી જ જૂની છે. પત્રકારત્વ આ તરસ છીપાવવામાં મદદગાર બને છે. આજે વર્તમાનપત્રો માત્ર સમાચારો નથી આપતાં. તેઓ આપણા વિચારોને ઘડી શકે છે અને વિશ્વ માટે બારી ખોલી શકે છે. વ્યાપક સંદર્ભમાં જોઈએ તો, માધ્યમો, એ સમાજ પરિવર્તનનું સાધન છે. એટલે જ આપણે માધ્યમોને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ગણાવીએ છીએ. આજે, કલમની શક્તિ બતાવનારા લોકો તેમજ આ શક્તિ કેવી રીતે સમાજની અતિઆવશ્યક જીવન-શક્તિ અને વિવેકબુદ્ધિ બની શકે છે તે દર્શાવનારા લોકોની વચ્ચે મને આવવા મળ્યું એ મારું અહોભાગ્ય છે.

 

સંસ્થાનવાદના કપરા કાળ દરમિયાન રાજા રામ મોહન રાયના સંવાદ કૌમુદી, લોકમાન્ય ટિળકના કેસરી અને મહાત્મા ગાંધીના નવજીવન જેવાં પ્રકાશનોએ દીવાદાંડી પેટાવીને આઝાદીની લડત જગાવી હતી. દેશભરમાં પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓએ અવારનવાર એશોઆરામભરી જિંદગીનો ત્યાગ કર્યો હતો. તેમણે પોતાના વર્તમાનપત્રો દ્વારા સામુહિક સભાનતા અને જાગૃતિ ફેલાવવામાં મદદ કરી હતી. કદાચ એ સ્થાપક અગ્રણીઓના ઉચ્ચ આદર્શોને કારણે જ બ્રિટિશ રાજના દિવસોમાં સ્થપાયેલા અનેક વર્તમાનપત્રો આજે પણ પોતાની સુવાસ પ્રસરાવી રહ્યાં છે.

 

મિત્રો,

 

આપણે કદી એ ન ભૂલવું જોઈએ કે પેઢી દર પેઢીએ પોતાની સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જરૂરી ફરજો નિભાવી છે. આ રીતે આપણે આઝાદી મેળવી છે. સ્વતંત્રતા મળ્યા બાદ જાહેર પ્રવચનોમાં નાગરિકોના અધિકારોનો મુદ્દો મહત્ત્વનો બન્યો. કમનસીબે, સમય જતાં આપણે વ્યક્તિગત તેમજ સામુહિક ફરજને અવગણતા હોઈએ એવું લાગે છે. આને પગલે કોઈક રીતે આપણા સમાજમાં આજે કેટલાક દૂષણો મહામારી બની ગયાં છે. સક્રિય, જવાબદાર અને જાગૃત નાગરિકો માટે સામુહિક જાગરુકતા ઊભી કરવી એ હાલના સમયની માંગ છે. અધિકારો અંગે નાગરિકોની સંવેદનાને જવાબદારીપૂર્વકની સક્રિયતા અંગે નાગરિકોની સંવેદનાને સંતુલિત કરવી આવશ્યક છે. આ કામ ખરેખર તો શિક્ષણ વ્યવસ્થા દ્વારા તેમજ અમારા રાજકીય નેતાઓના વર્તન દ્વારા થવું જોઈએ. પરંતુ અહીં માધ્યમોની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે.

 

સન્નારીઓ અને સજ્જનો,

 

સ્વતંત્રતા માટેના સંભાષણને આકાર આપનાર અનેક અખબારો સ્થાનિક ભાષાના સમાચારપત્રો હતાં. અલબત્ત, એ સમયની બ્રિટિશ સરકાર તો ભારતીય ભાષાકીય પત્રકારજગતથી ફફડતી હતી. સ્થાનિક ભાષાનાં વર્તમાનપત્રોને દબાવી દેવા માટે તેણે 1878માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ અમલી બનાવવો પડ્યો હતો.

 

અનેક વિવિધતા ધરાવતા આપણા દેશમાં સ્થાનિક ભાષાના વર્તમાનપત્રો – સમાચારપત્રો એ સમયે જેટલાં મહત્ત્વપૂર્ણ હતાં, એટલાં જ આજે પણ છે. તેમાં લોકો સહેલાઈથી સમજી શકે તે ભાષામાં લખાણ હોય છે. અવારનવાર તેઓ નબળા અને સામાજિક રીતે વંચિત જૂથોની મદદે આવે છે. એમની શક્તિ, એમની અસર અને એટલે જ તેમની જવાબદારીને કદી ઓછી આંકી શકાય તેમ નથી. તેઓ દૂર-અંતરિયાળ વિસ્તારો સુધી સરકારના ઉદ્દેશો અને નીતિઓના સંદેશવાહક છે. એ જ રીતે તેઓ લોકોના વિચારો, લાગણીઓ અને ભાવનાઓના મશાલચીઓ છે.

 

આ સંદર્ભે, એ બાબતની નોંધ લેતાં ખરેખર આનંદ ઉપજે છે કે આજે પણ આપણા ગતિશીલ પ્રિન્ટ માધ્યમમાં કેટલાંક સૌથી વધુ વેચાણ ધરાવતાં વર્તમાનપત્રો સ્થાનિક ભાષાઓમાં પ્રકાશિત થાય છે, દૈનિક થાંતી તેમાંનું જ એક અખબાર છે.

 

મિત્રો,

 

મેં ઘણીવાર લોકોને નવાઈ પામતા જોયા છે કે દરરોજ વિશ્વભરમાં જે માત્રામાં સમાચારો બને છે, તે વર્તમાનપત્રમાં બરાબર બંધબેસતા કેવી રીતે હોય છે.

 

એક ગંભીર નોંધ લઈએ કે, આપણે સહુ જાણીએ છીએ કે વિશ્વમાં રોજેરોજ અનેક ઘટનાઓ ઘટે છે. એમાંથી પસંદગી કરવી અને તેને કેટલું મહત્ત્વ આપવું તે સંપાદકો નક્કી કરે છે. તેઓ નક્કી કરે છે કે કોને પહેલા પાને સ્થાન આપવું, કોને વધુ જગ્યા ફાળવવી અને કોને પડતું મૂકવું. અલબત્ત, આને કારણે તેમને માથે મોટી જવાબદારી આવે છે. સંપાદકીય સ્વતંત્રતાનો લોકોના હિતમાં કુનેહપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. લેખનની સ્વતંત્રતા અને શું લખવું તેના નિર્ણયની સ્વતંત્રતામાં ઓછી ખાતરી ધરાવતું લખાણ કે હકીકતની ક્ષતિ ધરાવતું લખાણ સામેલ નથી થતું. મહાત્મા ગાંધીએ પોતે જ આપણને કહ્યું હતું : “એ મુજબ અખબારોને ચોથી જાગીર કહેવામાં આવે છે. એ ચોક્કસપણે એક તાકાત છે, પરંતુ આ તાકાતનો દુરુપયોગ કરવો એ ગુનો છે.”

 

માધ્યમો ખાનગી વ્યક્તિઓની માલિકી ધરાવતાં હોવા છતાં તેઓ જાહેર હેતુ માટે સેવા આપે છે. વિદ્વાનો કહે છે કે તે બળજબરીને બદલે શાંતિ દ્વારા સુધારા લાવવાનું સાધન છે. એટલે, તેમનું સામાજિક ઉત્તરદાયિત્વ, ચૂંટાયેલી સરકાર કે ન્યાય વ્યવસ્થા જેટલું જ છે. અને તેમનું વર્તન પણ એટલું જ ઈમાનદારીપૂર્વકનું હોવું જોઈએ. મહાન સંત થિરુવલ્લુવરના શબ્દો યાદ કરીએ તો, “પ્રતિષ્ઠા અને સંપત્તિ બંને સાથે લાવી શકે છે એવું નૈતિકતા સિવાય આ વિશ્વમાં બીજું કશું જ નથી.”

 

મિત્રો,

 

ટેકનોલોજીએ માધ્યમોમાં ધરમૂળ પરિવર્તન આણ્યું છે. એક સમય હતો, જ્યારે ગામડાના બ્લેકબોર્ડ પર લખવામાં આવતી હેડલાઈન્સ ખૂબ વિશ્વસનીય ગણાતી હતી. આજે, ગામડાના બ્લેકબોર્ડથી માંડીને ઓનલાઈન બુલેટિન બોર્ડસ સુધી તમામ જગ્યાએ માધ્યમો છવાયેલાં છે. જેમ શિક્ષણ હવે શિક્ષણના પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, તે જ રીતે કન્ટેન્ટ (લેખન સામગ્રી)ના વપરાશ અંગે આપણું વલણ બદલાઈ ગયું છે. આજે દરેક નાગરિક પોતાને મળતા સમાચારનું વિવિધ સ્ત્રોતો મારફતે વિશ્લેષણ કરે છે, તેની ચર્ચા કરે છે, તેની ઉલટ તપાસ કરે છે અને તેની સત્યતા તપાસે છે. એટલે, માધ્યમોએ વિશ્વસનીયતા જાળવી રાખવા વધુ પ્રયત્નો કરવા જોઈએ. પ્રતિષ્ઠિત માધ્યમો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હોય એ પણ આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સારી બાબત છે.

 

વિશ્વસનીયતા પર નવેસરથી ભાર મૂકવાને કારણે આપણે આત્મનિરીક્ષણ કરીએ છીએ. હું દ્રઢપણે માનું છું કે માધ્યમોમાં જ્યારે પણ પરિવર્તનની જરૂર પડી છે, ત્યારે તે આંતરખોજ દ્વારા, આત્મનિરીક્ષણ દ્વારા જ આવ્યું છે. અલબત્ત, આપણે 26મી નવેમ્બરના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાના વિશ્લેષણના અહેવાલો જેવા કેટલાક પ્રસંગોએ આત્મનિરીક્ષણની પ્રક્રિયા નિહાળી પણ છે. કદાચ, આ પ્રક્રિયા અવારનવાર ઘટવી જોઈએ.

 

મિત્રો,

 

હું આપણા પ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના શબ્દો યાદ કરું છું : “આપણે એટલું મહાન રાષ્ટ્ર છીએ. આપણી અનેક અદ્ભુત સિદ્ધિઓ છે, પરંતુ આપણે શા માટે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કરીએ છીએ.?”

 

મેં જોયું છે કે આજે માધ્યમોમાં કરાતી અનેક ચર્ચાઓ રાજકારણની આસપાસ જ હોય છે. લોકશાહીમાં રાજકારણ અંગે લંબાણપૂર્વકની ચર્ચા યોગ્ય છે. પરંતુ ભારત, રાજકારણીઓ કરતાં ઘણું વધુ છે. ભારત આજે જે પણ છે તેને 125 કરોડ ભારતીયોએ બનાવ્યું છે. માધ્યમો તેમના અહેવાલો અને તેમની સફળતાઓ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો મને આનંદ થશે.

 

આ પ્રયાસમાં, મોબાઈલ ફોન ધરાવતો પ્રત્યેક નાગરિક તમારો મિત્ર છે. વ્યક્તિગત લોકોની સફળતાની વાતોના પ્રચાર-પ્રસાર માટે સીટિઝન રિપોર્ટિંગ મહત્ત્વનું સાધન બની શકે છે. કટોકટી કે કુદરતી હોનારતોના સમયે રાહત અને બચાવના પ્રયાસોને માર્ગદર્શક નીવડવામાં પણ તે અત્યંત સહાયભૂત બની શકે છે.

 

મને એ પણ ઉમેરવા દો કે કુદરતી હોનારતોના સમય દરમિયાન સામાન્ય રીતે માધ્યમો ઘટનાના વિવિધ પાસાંઓને સાંકળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. વિશ્વભરમાં કુદરતી આફતોની માત્રા અને તીવ્રતા વધતી જતી હોય તેમ જણાય છે. આપણા સહુને માટે આબોહવા પરિવર્તન એક પડકાર છે. આબોહવા પરિવર્તન સામેની આ લડાઈમાં માધ્યમો આગેવાની લેશે ? શું માધ્યમો માત્ર થોડી જગ્યા કે દરરોજ ચોક્કસ થોડો સમય આબોહવા પરિવર્તનનો પડકાર ઝીલવા માટેની ચર્ચા કે તે અંગે જાગૃતિ વધારવા માટે ફાળવશે ?

 

હું અહીં, સ્વચ્છ ભારત મિશન માટે માધ્યમોના પ્રતિસાદની પ્રશંસા કરવાની તક લઉં છું. આપણે વર્ષ 2019 સુધીમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિએ સ્વચ્છ ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવું છે, ત્યારે માધ્યમોએ સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ પેદા કરવા તેમજ સામુહિક જાગૃતિ ફેલાવવામાં જે રચનાત્મક ભૂમિકા ભજવી છે, તે મારા હૃદયને સ્પર્શી ગઈ છે. લક્ષ્ય હાંસલ કરી લીધું એવો દાવો અમે દાવો કરીએ એ પહેલાં જ તેમણે કેટલું કામ કરવાનું બાકી છે તે પણ જણાવી દીધું છે.

 

સન્નારીઓ અને સજ્જનો,

 

બીજું પણ એક ચાવીરૂપ ક્ષેત્ર છે, જ્યાં માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. એ છે એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન. હું એક ઉદાહરણ આપીને એ સમજાવું.

 

શું આ અભિયાન માટે કોઈ વર્તમાનપત્ર એક વર્ષ સુધી દરરોજ કેટલાક કોલમ ઈંચની જગ્યા ફાળવી શકે ? દરરોજ તેઓ પોતાના પ્રકાશનની ભાષામાં એક સરળ વાક્ય લખી શકે અને તેની સાથે અગ્રણી ભારતીય ભાષાઓમાં તેનો અનુવાદ, અને ભાવાનુવાદ આપી શકે.

 

વર્ષને અંતે, વર્તમાનપત્રના વાચકો પાસે તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં 365 જેટલા સરળ વાક્યો હશે. તમે કલ્પના કરો કે આટલા સરળ પગલાની કેટલી મોટી હકારાત્મક અસર સર્જી શકાય એમ છે. ઉપરાંત, શાળાઓમાં દરરોજ કેટલીક મિનિટો માટે આ વાક્યો પર ચર્ચાને પ્રોત્સાહિત કરી શકાય, જેથી બાળકોને પણ આપણી વિવિધતાની શક્તિ અને ભવ્યતાની જાણકારી મળે. એટલે, આ પગલું માત્ર એક ઉમદા પહેલ જ બનીને નહીં રહે, પરંતુ તેનાથી પ્રકાશનની પોતાની શક્તિમાં પણ વધારો થશે.

 

સન્નારીઓ અને સજ્જનો,

 

એક વ્યક્તિના જીવનમાં 75 વર્ષ એટલે ઘણો નોંધપાત્ર સમયગાળો ગણાય. પરંતુ એક રાષ્ટ્ર કે એક સંસ્થા માટે તે માત્ર નોંધપાત્ર સીમાચિહ્ન છે. ત્રણ મહિના અગાઉ, આપણે ભારત છોડો આંદોલનની 75મી જયંતિ ઉજવી. એ રીતે જોઈએ તો, દૈનિક થાંતીની સફર ભારતને યુવાન અને ગતિશીલ રાષ્ટ્ર બનવાની સાથેસાથે જોઈ શકાય.

 

એ દિવસે સંસદમાં મેં વર્ષ 2022 સુધીમાં નવ ભારતના સર્જનનો કોલ આપ્યો હતો. એવું ભારત, જે ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ, ગરીબી, નિરક્ષરતા અને બીમારીઓનાં દૂષણોથી મુક્ત હોય. આગામી પાંચ વર્ષ સંકલ્પ સે સિદ્ધિ – સંકલ્પ દ્વારા સિદ્ધિનાં હોવાં જોઈએ. તો જ આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયેલાં સ્વપ્નનું ભારત સર્જી શકીશું. દેશમાં જ્યારે ભારત છોડો ચળવળ છવાયેલી હતી, ત્યારે જન્મેલા વર્તમાનપત્ર તરીકે, હું દૈનિક થાંતીને સૂચવીશ કે આ માટે તેની વિશિષ્ટ જવાબદારી છે. હું આશા રાખું છું કે તમે આગામી પાંચ વર્ષોમાં તમારા વાચકો માટે કે ભારતના લોકો માટે શું કરી શકો છો તે બતાવવા માટેની આ તક ઝડપી લેશો.

 

પોતાની પ્લેટિનમ જ્યુબિલિ પ્રસંગે, કદાચ પાંચ વર્ષના નજીકના લક્ષ્યાંકથી પણ આગળ વધીને દૈનિક થાંતીએ આગામી 75 વર્ષો કેવાં હશે તે વિશે પણ વિચારવું જોઈએ. આંગળીને ટેરવે ફટાફટ સમાચારોના આ યુગમાં પ્રસ્તુત રહેવાની સાથે સાથે લોકો અને દેશની સેવાનો શ્રેષ્ઠ માર્ગ કયો હશે એ વિચારવું જોઈએ. અને આમ કરવામાં વ્યાવસાયિકરણ, નૈતિકતા અને વિશ્વસનીયતાનાં ઊંચા ધોરણો જાળવી રાખવાં. છેલ્લે, હું ફરી દૈનિક થાંતીના પ્રકાશકોના તામિલનાડુના લોકોની સેવાના પ્રયત્નોની પ્રશંસા કરું છું. મને ખાતરી છે કે તેઓ આપણા મહાન દેશનું ભાગ્ય ઘડવામાં તેમની રચનાત્મક સહાય ચાલુ રાખશે.

 

આભાર.

 

J.Khunt/GP