પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચોટીલા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું તથા રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાજકોટ ખાતે નવા આકાર પામનારા ગ્રીનફિલ્ડ એરપોર્ટ, અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવેનું 6 માર્ગીકરણ તથા રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવેના ચાર માર્ગીકરણની શિલારોપણ વિધિ કરી હતી.

તેમણે સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને મિલ્ક પેકેજીંગ પ્લાન્ટ તથા સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપુર ખાતે પીવાના પાણીના વિતરણ માટેની પાઈપ લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જીલ્લામાં એરપોર્ટની કલ્પના કરવી તે એક મુશ્કેલ બાબત છે. વિકાસના આવા કાર્યોથી નાગરિકોનું સશક્તિકરણ થતું હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉડ્ડયન વ્યવસ્થા માત્ર અમીર લોકો સંબંધિ જ હોતી નથી. આપણે ઉડ્ડયન તંત્રને પોસાય તેવું અને સુવિધાથી વંચિત લોકો સુધી પહોંચાડ્યું છે.

પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકાસની વ્યાખ્યા બદલાઈ છે. એવા પણ દિવસો હતા કે જ્યારે હેન્ડ પમ્પસને વિકાસની નિશાની તરીકે ઓળખવામાં આવતા હતા. આજે નર્મદા નદીનાં પાણી નાગરિકોના લાભાર્થે પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર જીલ્લાને નર્મદાના પાણીથી ઘણો લાભ થશે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને પાણીના દરેક ટીંપાની જાળવણી કરે. પ્રધાન મંત્રીશ્રીએ કહ્યું કે સૂરસાગર ડેરીથી લોકોને વિપુલ પ્રમાણમાં લાભ થશે. આ પ્રસંગે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલને યાદ કરીને બહેતર અને સલામત માર્ગો માટે તેમણે કેવા પ્રયાસો કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો.

***

J.Khunt

તમારી ટિપ્પણી

તમારું ઇમેલ અડ્રેસ જાહેર કરવામાં નહિ આવે. Required fields are marked *

CAPTCHA Image

*