પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નીતિ આયોગ દ્વારા આયોજિત “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ” પહેલમાં યુવાન ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ આજે પ્રવાસી ભારતીય કેન્દ્રમાં નીતિ આયોગ દ્વારા આયોજિત પહેલ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ”માં યુવાન ઉદ્યોગસાહસિકો સાથે આદાનપ્રદાન કર્યું હતું.

યુવાન ઉદ્યોગસાહસિકોના છ જૂથોએ પ્રધાનમંત્રી સમક્ષ આ પ્રકારની થીમ પર પ્રેઝન્ટેશન કર્યું હતું – સોફ્ટ પાવરઃ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0; શિક્ષણ અને કૌશલ્ય વિકાસ; સ્વાસ્થ્ય અને પોષણ; સ્થાયી ભવિષ્ય માટે ઊર્જા; અને ડિજિટલ ઇન્ડિયા; વર્ષ 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા.

ઉદ્યોગસાહસિકોએ કરેલા પ્રેઝન્ટેશનમાં પ્રસ્તુત નવા વિચારો અને ઇન્નોવેશનની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ સામાજિક પહેલોએ વિસ્તૃતપણે લોકોની જરૂરિયાતો પૂર્ણ કરી હતી અને તેનું નેતૃત્વ સમાજમાં પ્રસિદ્ધ લોકોએ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ”ને દેશ અને સમાજના લાભ માટે વિવિધતાસભર ક્ષમતાઓનો સમન્વય કરવાના પ્રયાસ સમાન ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પહેલ આગળ વધશે અને શ્રેષ્ઠ સંભવિત રીતે સંસ્થાકીય સ્વરૂપ ધારણ કરશે. આજે ગ્રૂપે જે પ્રેઝન્ટેશન કર્યું એને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો અને મંત્રીઓ સમક્ષ રજૂ કરી શકાશે.

તેમણે પહ્મ પુરસ્કારોનું ઉદાહરણ આપ્યું હતું તથા સમાજના વાસ્તવિક અને ચૂપચાપ સારું કામ કરતા નાયકોને ઓળખવા પ્રક્રિયાને કેવી રીતે પરિવર્તિત કરી શકાય છે તેમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની ટુકડી લોકોના જીવનની ગુણવત્તા વધારવા નવા વિકલ્પો અને માર્ગો અજમાવવા આતુર છે. તેમણે ઉદ્યોગસાહસિકોને તેમના સંબંધિત જૂથોમાં તેમના વિચારોને આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તેઓ તેમાં સફળ થશે, તો તેઓ સુશાસનને મજબૂત કરવા લાંબા ગાળે વધારે પ્રદાન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અનેક નાના ફેરફારો કર્યા છે, જેણે મહત્વપૂર્ણ પરિણામો આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, દસ્તાવેજોની સ્વયંપ્રમાણિત કરવા મારફતે સામાન્ય નાગરિક પર વિશ્વાસ મૂકવો આ પ્રકારની એક પહેલ છે. તેમણે કેન્દ્ર સરકારમાં ગ્રૂપ સી અને ડીની જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા રદ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે દરેક જરૂરિયાત પૂર્ણ કરવા “એપ”નો જમાનો છે. તેમણે જણાવ્યું હતું કે, સુશાસનની કાયાપલટ કરવા ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા વિકેન્દ્રીકૃત માળખા મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં તેમણે કાયાપલટને આગળ વધારવા સ્ટાર્ટઅપ્સની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સમાજમાં સારા શિક્ષકોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજી શિક્ષણની ગુણવત્તાને વધારવા પ્રદાન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ ઉદ્યોગસાહસિકોને તેમનાં કર્મચારીઓ વચ્ચે સરકારી સામાજિક કલ્યાણકારક યોજનાઓને પ્રોત્સાહન આપવા કામ કરવા પણ પ્રેરિત કર્યા હતા.

તેમણે ભાર મૂક્યો હતો કે, કરોડો સામાન્ય નાગરિકોના પ્રયાસો મારફતે જ ન્યૂ ઇન્ડિયાનું સર્જન થઈ શકે છે. તેમણે આ પ્રયાસમાં ઉદ્યોગસાહસિકોને જોડાવા આમંત્રણ આપ્યું હતું. કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી અરવિંદ પનગરિયા અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંતે કર્યું હતું.

******

TR