પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો શુભારંભ કરાવ્યો, દીનદયાળ ઊર્જા ભવન દેશને અર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના – સૌભાગ્ય યોજનાનો નવી દિલ્હીમાં શુભારંભ કરાવ્યો હતો.આ યોજનાનો ઉદ્દેશ તમામ ઘરને વીજળી પ્રદાન કરવાનો છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઓએનજીસીના નવાબિલ્ડિંગ દીનદયાળ ઊર્જા ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રી દેશને બાસ્સૈન ગેસ ફિલ્ડમાં બૂસ્ટર કમ્પ્રેસ્સર ફેસિલિટી પણ દેશને અર્પણ કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર અતિ ગરીબોને લાભદાયક યોજનાઓનો અમલ કેવી રીતે કરે છે એ સમજાવવા જન ધન યોજના, વીજ યોજનાઓ, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને ઉડાનનાં ઉદાહરણો આપ્યાં હતાં.

આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંદાજે ચાર કરોડ કુટુંબોને વીજળીનું જોડાણ પ્રદાન કરશે, જેઓ અત્યારે વીજળીનું જોડાણ ધરાવતાં નથી. આ યોજના માટે રૂ. 16000 કરોડનો ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને આ જોડાણો કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના પ્રદાન કરવામાં આવશે.

આ પ્રેઝન્ટેશન પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે 1000 દિવસની અંદર વીજળીનાં પુરવઠાથી વંચિત 18000 ગામડાઓનું વીજળીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે 3000થી ઓછા ગામડાઓનું વીજળીકરણ કરવાનું બાકી છે.

તેમણે સમજાવ્યું હતું કે, કોલસાની ખેંચ કેવી રીતે ભૂતકાળ બની ગઈ છે અને વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો લક્ષ્યાંકથી વધારે થયો છે.

પ્રધાનમંત્રીએ અક્ષય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વધારો કરવા વિશે પણ વાત કરી હતી અને વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ અક્ષય ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અક્ષય ઊર્જાનાં કેસમાં વીજળીનાં દરોમાં કેવી રીતે નોંધપાત્ર ઘટાડો થયો છે. ટ્રાન્સમિશન લાઇનનાં નિર્માણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદય યોજનાથી કેવી રીતે વીજ વિતરણ કંપનીઓનાં નુકસાનમાં ઘટાડો થયો છે અને તેને સહકારી, સ્પર્ધાત્મક સંઘવાદનું ઉદાહરણ ગણાવ્યું હતું.

ઉજાલા યોજનામાં ઉત્પાદનમાં વધારા સાથે ખર્ચમાં ઘટાડાનું અર્થતંત્ર સમજાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એલઇડી બલ્બનાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતને ઊર્જા માળખાની જરૂર પડશે, જે સમાનતા, કાર્યદક્ષતા અને ટકાઉપણાનાં સિદ્ધાંતો પર કામ કરશે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં કાર્યસંસ્કૃતિમાં ફેરફાર ઊર્જા ક્ષેત્રની તાકાત વધારે છે. તેનાં પરિણામે સંપૂર્ણ દેશની કાર્યસંસ્કૃતિ પર સકારાત્મક અસર થશે તેવું તેમણે ઉમેર્યું હતું.

NP/J.Khunt