પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેંગાલુરૂમાં દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગાલુરુમાં દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

સૌન્દર્યલહરી આદિ શંકરાચાર્ય રચિત શ્લોકોનો સમૂહ છે. આ કાર્યક્રમમાં સૌન્દર્યલહરીનાં શ્લોકોનું સામૂહિક પારાયણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામૂહિક મંત્રગાન દ્વારા ઊભા થયેલા દૈવી વાતાવરણથી તેઓ વિશેષ ઊર્જા અનુભવે છે.

 

અહીં પ્રધાનમંત્રીએ થોડાં દિવસો અગાઉ કેદારનાથની મુલાકાતને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યએ તેમનાં જીવનનાં અતિ ટૂંકા સમયગાળામાં કેદારનાથ જેવા દૂરનાં અંતરિયાળ સ્થાને અને સમગ્ર ભારતમાં અન્ય સ્થળોએ કરેલી સાધના કે દૈવી કાર્યોથી તેઓ અતિ પ્રભાવિત થયા છે. એમણે કહ્યું હતું કે, આદિ શંકરે વેદ અને ઉપનિષદોનાં માધ્યમથી સમગ્ર ભારતમાં ધાર્મિક-આધ્યાત્મિક એકતા સ્થાપિત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિ શંકર રચિત સૌંદર્યલહરીને સામાન્ય માણસ પોતાની સાથે જોડી શકે છે. તેમણે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યએ સમાજમાંથી અનિષ્ટ તત્ત્વોને દૂર કર્યા હતાં અને આ અનિષ્ટ તત્ત્વોને ભવિષ્યની પેઢીઓથી બચાવવાનું કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિ શંકરે વિવિધ વિચારસરણી અને વિચારોમાંથી શ્રેષ્ઠ પદ્ધતિઓને અપનાવી હતી. એમણે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું આધ્યાત્મિક જ્ઞાન ભારતીય સંસ્કૃતિનાં વર્તમાન સ્વરૂપમાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાંથી સારાં વિચારો અપનાવે છે અને સતત વિકાસ સાધે છે. આ સંસ્કૃતિ જ નવા ભારતનો પાયો છે જે સબ કા સાથ, સબ કા વિકાસનાં મંત્રને અનુસરશે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો તમામ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન ધરાવે છે. એમણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રકૃતિનાં શોષણને અટકાવવા પર હંમેશાથી ચિંતન થતું આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ એલઇડી બલ્બની કિંમત 350 રૂપિયાથી વધારે હતી, પણ અત્યારે ઉજાલા યોજના હેઠળ તેની કિંમત રૂ. 40થી રૂ. 45 છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી 27 કરોડથી વધારે એલઇડી બલ્બનું વિતરણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, એલઇડી બલ્બનાં ઉપયોગને પરિણામે વીજળીનાં બિલમાં બચત કે ઘટાડો થયો છે.

 

અહીં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉજ્જવલા યોજના મારફતે 3 કરોડથી વધારે એલપીજી કનેક્શનનું વિતરણ થયું છે. એમણે ઉમર્યું હતું કે, તેનાથી ગ્રામીણ મહિલાઓનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની સાથે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ મળી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે નિરક્ષરતા, અજ્ઞાનતા, કુપોષણ, કાળું નાણું અને ભ્રષ્ટાચાર જેવા અનિષ્ટ તત્ત્વોથી ભારતને મુક્ત કરવા માટેનાં પ્રયાસો યુદ્ધનાં ધોરણે હાથ ધરવાની જરૂર છે.

 

 

NP/RP