પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું ફિલિપાઇન્સ જતાં અગાઉ નિવેદન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ફિલિપાઇન્સનાં પ્રવાસ અગાઉ નિવેદનનો મૂળ પાઠ નીચે મુજબ છે.

“હું મનિલાની ત્રણ દિવસની મુલાકાત લઇશ, જેની શરૂઆત 12 નવેમ્બરથી થશે. ફિલિપાઇન્સની આ મારી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે, જ્યાં હું આસિયાન-ઇન્ડિયા અને ઇસ્ટ એશિયા સમિટમાં સહભાગી પણ થઇશ. તેમાં મારી સહભાગીદારી ભારતની ખાસ કરીને આસિયાનનાં સભ્ય દેશો સાથે અને મારી સરકારની એક્ટ ઇસ્ટ નીતિનાં માળખા અંતર્ગત ઇન્ડો-પેસિફિક પ્રદેશ સાથેનાં સંબંધોને ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.

આ સમિટ ઉપરાંત હું આસિયાનની 50મી વર્ષગાંઠની વિશિષ્ટ ઉજવણી, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) લીડર્સ મીટિંગ અને આસિયાન બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પણ સહભાગી થઈશ.

આસિયાન બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આસિયાનનાં સભ્ય દેશો સાથે આપણાં વેપારી સંબંધોને વધારવા આપણાં સાથસહકારનાં સંબંધોને પ્રોત્સાહન આપશે. આપણાં કુલ વેપારમાં આસિયાનનાં સભ્ય દેશોનો હિસ્સો 10.85 ટકા છે.

ફિલિપાઇન્સની મારી પ્રથમ મુલાકાત દરમિયાન હું ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રોડ્રિગો ડ્યુટર્ટ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા આતુર છું. હું આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટનાં અન્ય મહાનુભાવો સાથે પણ ચર્ચા કરીશ.

હું ફિલિપાઇનાન્સમાં ભારતીય સમુદાય સાથે જોડાણ કરવા પણ આતુર છું. મનિલામાં મારાં રોકાણ દરમિયાન હું આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ) અને મહાવીર ફિલિપાઇન્સ ફાઉન્ડેશન ઇન્ક. (એમપીએફઆઇ)ની મુલાકાત પણ લઇશ.

આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ)એ વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ મારફતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોખાનાં બીજ વિકસાવ્યાં છે અને વૈશ્વિક સમુદાયને ખાદ્ય અછતની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરી છે. મોટી સંખ્યામાં ભારતીય વિજ્ઞાનીઓ આઇઆરઆઇઆઇ સાથે કામ કરે છે અને આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં યોગદાન આપે છે. મારાં મંત્રીમંડળે 12 જુલાઈ, 2017નાં રોજ વારાણસીમાં દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર સ્થાપિત કરવા આઇઆરઆરઆઇ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ આઇઆરઆરઆઇનું ફિલિપાઇન્સમાં તેનાં હેડક્વાર્ટરની બહાર પ્રથમ સંશોધન કેન્દ્ર હશે. વારાણસી કેન્દ્ર ચોખાની ઉત્પાદકતાને વધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા, મૂલ્ય સંવર્ધન માટે, વિવિધતા લાવવા અને ખેડૂતોનું કૌશલ્ય વધારવામાં મદદ કરશે.

મહાવીર ફિલિપાઇન્સ ફાઉન્ડેશન ઇન્ક. (એમપીએફઆઇ)ની મારી મુલાકાત જરૂરિયાત વિકલાંગો વચ્ચે ફ્રી પ્રોસ્થેસિસ “જયપુર ફૂટ”નું વિતરણ કરવાની તેની પ્રવૃત્તિમાં ભારતનો સાથસહકાર પ્રદર્શિત કરશે. વર્ષ 1989માં તેની સ્થાપના થયા પછી અત્યાર સુધી એમપીએફઆઇએ ફિલિપાઇન્સમાં 15,000 વિકલાંગ લોકોમાં જયપુર ફૂટ ફિટ કર્યા છે, જે તેમને નવું જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. ભારત સરકાર તેની ઉદાર માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથસહકાર આપવા ફાઉન્ડેશનને સારૂ એવું પ્રદાન કરે છે.

મને ખાતરી છે કે મનિલાની મારી મુલાકાત ફિલિપાઇન્સ સાથે ભારતનાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તથા આસિયાન સાથે આપણાં સંબંધોની રાજકીય-સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક આધારસ્તંભો વધારે મજબૂત બનશે.”

RP