પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રીના રાષ્ટ્ર જોગ સંબોધનનો મૂળ પાઠ

મારા વ્હાલા દેશવાસીઓ,

આશા છે કે તમે દિવાળીના તહેવારો આનંદ અને નવી આશા સાથે ઉજવ્યા હશે. આજે, હું તમારી સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને અગત્યના નિર્ણયો વિશે વાત કરીશ. આજે હું તમને સહુને એક ખાસ વિનંતી કરવા માગું છું. મે, 2014માં જે આર્થિક સ્થિતિ પ્રવર્તતી હતી, તે આપ સૌને યાદ હશે, જ્યારે તમે એક મોટી જવાબદારી અમારા ભરોસે છોડી હતી. બ્રિક્સના સંદર્ભમાં એમ કહેવાતું હતું કે બ્રિક્સના સ્પેલિંગમાં આવતો આઈ એટલે કે ભારત ડામાડોળ છે. ત્યાર પછી બે વર્ષ સુધી કપરો દુકાળ પડ્યો. છતાં, છેલ્લા અઢી વર્ષમાં 125 કરોડ ભારતીયોની મદદથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન મહત્ત્વપૂર્ણ બન્યું છે. આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક કહી રહ્યા છે.

વિકાસના આ પ્રયત્નમાં અમારો મુદ્રાલેખ સબ કા સાથ સબ કા વિકાસ છે. અમે બધા જ નાગરિકોની સાથે છીએ અને બધા જ નાગરિકોના વિકાસ માટે છીએ. આ સરકાર ગરીબોને સમર્પિત છે. એ એમને સમર્પિત જ રહેશે. ગરીબી વિરુદ્ધની અમારી લડાઈમાં અમારું ધ્યાન મુખ્યત્વે ગરીબોને સશક્ત બનાવવાનું અને તેમને આર્થિક પ્રગતિના લાભોમાં સક્રિય ભાગીદારો બનાવવા પર કેન્દ્રીત છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના,

જન સુરક્ષા યોજના,

નાના એકમો માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના,

દલિતો, આદિવાસીઓ અને મહિલાઓ માટે સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમ,

ગરીબોના ઘરોમાં ગેસના જોડાણો માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના,

ખેડૂતોની આવકને રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

ખેડૂતોને ખેતરોમાંથી શક્ય શ્રેષ્ઠ વળતર સુનિશ્ચિત કરવા માટે સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ,

અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ઈ-નામ નેશનલ માર્કેટ પ્લેસ સ્કીમ

— આ બધા આ અભિગમના પ્રતિબિંબો છે.

પાછલા દાયકાઓમાં, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો રાક્ષસ વિકરાળ બન્યો છે. તેણે ગરીબીને નાબૂદ કરવાના પ્રયત્નોને નબળા બનાવ્યા છે. એક તરફ, આપણે આર્થિક વિકાસની દ્રષ્ટિએ હવે નંબર વન છીએ. પરંતુ બીજી તરફ, આપણે બે વર્ષ પહેલાના રેન્કિંગ મુજબ વૈશ્વિક ભ્રષ્ટાચારના નકશામાં પણ લગભગ નંબર વન જ ગણાઈએ છીએ. અનેક પગલાઓ લેવા છતાં, અત્યારે આપણે માત્ર 76મા ક્રમે જ પહોંચી શક્યા છીએ. સુધારો થયો છે, એ વાત ખરી. આ દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના મૂળિયા કેટલાક ઊંડે સુધી ફેલાયેલા છે.

ભ્રષ્ટાચારનું દૂષણ સમાજના કેટલાક ચોક્કસ હિસ્સાઓમાં પોતાના સ્વાર્થી હિત માટે ફેલાયેલું છે. તેમણે ગરીબોને નજરઅંદાજ કર્યા છે અને તેમના સુધી લાભ પહોંચવા દીધા નથી. કેટલાક લોકોએ એમના હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે દુરુપયોગ કર્યો છે. બીજી તરફ, ઈમાનદાર લોકોએ આ દૂષણ સામે જંગ છેડ્યો છે. કરોડો મહિલાઓ અને પુરુષો સત્યનિષ્ઠાને વરેલું જીવન જીવે છે. આપણે સાંભળીએ છીએ કે ગરીબ ઓટો-રિક્શા ચાલકોએ વાહનોમાં રહી ગયેલા સોનાના ઘરેણાં તેના સાચા માલિકો સુધી પહોંચાડ્યા. સેલ ફોન્સ ટેક્સીમાં ભૂલાઈ ગયા હોય, તે એના માલિકોને શોધીને તેમને સુપરત કરનારા ટેક્સી ડ્રાયવરો વિશે પણ આપણે સાંભળ્યું છે. આપણે શાકભાજી વેચતા ફેરિયાઓએ ગ્રાહકના વધારાના પૈસા પરત કર્યા હોય, એવું પણ સાંભળ્યું છે.

દેશના વિકાસના ઈતિહાસમાં એક સમય આવ્યો છે, જ્યારે મક્કમ અને નિર્ણાયત્મક પગલું ભરવાની જરૂરિયાત વરતાઈ હોય. અનેક વર્ષોથી આ દેશ ભ્રષ્ટાચાર, કાળા નાણા અને આતંકવાદના સડાનું કષ્ટ વેંઢારી રહ્યો છે, જે વિકાસ તરફની આપણી કૂચમાં આપણને પાછા પાડી રહ્યું છે.

આતંકવાદ, એ ડરામણો પડકાર છે. એના કારણે અનેક લોકોના જીવન હોમાયા છે. પરંતુ તમે ક્યારેય એ વિશે વિચાર્યું છે કે આ આતંકવાદીઓ એમના નાણા કેવી રીતે મેળવે છે ? સરહદ પારના દુશ્મનો નકલી ચલણી નોટો દ્વારા તેમના કામકાજ ચલાવે છે. આ બધું અનેક વર્ષોથી ચાલી રહ્યું છે. પાંચસો અને એક હજાર રૂપિયાની નકલી નોટો વાપરતા લોકો અનેક વાર પકડાયા છે અને આવી સેંકડો નોટો જપ્ત કરાઈ છે.
ભાઈઓ અને બહેનો,

એક તરફ, આતંકવાદની સમસ્યા છે; બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો પડકાર છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધિશના વડપણ હેઠળ એસઆઈટીની રચના દ્વારા અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડાઈ આરંભી હતી. ત્યાર પછી

• વર્ષ 2015માં વિદેશી કાળા નાણાંની જાહેરાત માટેનો કાયદો પસાર થયો ;

• અમેરિકા સહિત અનેક દેશો સાથે બેન્કિંગ માહિતી આપવા અંગેની જોગવાઈઓ ઉમેરવા અંગેની સમજૂતીઓ થઈ ;

• ઓગસ્ટ, 2016થી બેનામી સોદાઓ અટકાવવા માટે કડક કાયદાનો અમલ શરૂ કરાયો, આવા સોદાઓ ભ્રષ્ટાચાર દ્વારા મેળવાયેલા કાળા નાણાંને ઉપયોગમાં લેવા કરવામાં આવતા હતા;

• કડક દંડ ચૂકવ્યા પછી કાળા નાણાંની જાહેરાત માટે યોજના દાખલ કરવામાં આવી ;

મારા વ્હાલા દેશવાસીઓ,

આ બધા પ્રયત્નો દ્વારા છેલ્લા અઢી વર્ષોમાં અમે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું લગભગ એક લાખ 25 હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું પ્રકાશમાં લાવ્યા. પ્રામાણિક નાગરિકો ભ્રષ્ટાચાર, કાળા નાણાં, બેનામી સંપત્તિ, આતંકવાદ અને છેતરપિંડી સામેનો જંગ ચાલુ રાખવા ઈચ્છે છે. સરકારી અધિકારીઓની પથારીઓ તળેથી કરોડો રૂપિયાની ચલણી નોટો મળી આવ્યાના કે પછી બોરીઓ ભરીને રોકડ મળી આવ્યાના અહેવાલોથી કયા પ્રામાણિક નાગરિકને દુઃખ નથી થતું ?

ચલણમાં ફેલાયેલી રોકડનું પ્રમાણ, ભ્રષ્ટાચારની સપાટી સાથે સીધેસીધું સંકળાયેલું છે. ગેરરીતિઓ ભરેલા માર્ગે મેળવેલી રોકડ જ્યારે ચલણમાં ફેલાય છે, ત્યારે ફુગાવાની સ્થિતિ બદતર બને છે. આનો આઘાત ગરીબોએ ઝેલવો પડે છે. એની સીધી અસર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની ખરીદ શક્તિ પર પડે છે. તમે પોતે પણ જમીન કે ઘર ખરીદતી વખતે અનુભવ્યું હશે કે ચેક દ્વારા ચૂકવેલી રકમ ઉપરાંત મોટી રકમ રોકડ તરીકે માગવામાં આવે છે. આને કારણે પ્રામાણિક વ્યક્તિને પ્રોપર્ટી ખરીદવામાં તકલીફ પડે છે. રોકડના દુરુપયોગને મકાનો, જમીન, ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્ય સંભાળ વગેરે જેવી અનેક સેવાઓ અને માલસામાનની કિંમતોમાં કૃત્રિમ વધારો થાય છે.

રોકડનો વધુ ફેલાવો હવાલા ટ્રેડને પણ મજબૂત બનાવે છે, જે કાળા નાણાં અને શસ્ત્રોના ગેરકાયદેસર વેપાર સાથે સીધેસીધો જોડાયેલો છે. ચૂંટણીઓમાં કાળા નાણાંની ભૂમિકા અંગે પણ અનેક વર્ષોથી ચર્ચા ચાલી રહી છે.

ભાઈઓ અને બહેનો,

ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો ભરડો તોડવા માટે અમે અત્યારે વપરાશમાં છે તેવી પાંચસો રૂપિયા અને એક હજાર રૂપિયાની ચલણી નોટોને આજે, એટલે કે આઠમી નવેમ્બર, 2016ના રોજ મધ્યરાત્રિથી કાયદેસર ચલણમાંથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ છે કે મધ્યરાત્રિથી આ નોટો કોઈપણ પ્રકારની લેવડદેવડ માટે સ્વીકારવામાં આવશે નહીં. દેશ-વિરોધી અને સમાજ-વિરોધી તત્વો દ્વારા સંગ્રહાયેલી આ નોટો માત્ર કાગળના ફાલતુ ટૂકડા જેવી બની જશે. પ્રામાણિક અને કઠોર પરિશ્રમ કરતા લોકોના અધિકારો અને હિતોનું સંપૂર્ણ રક્ષણ કરાશે. એકસો, પચાસ, વીસ, દસ, પાંચ, બે અને એક રૂપિયાની નોટો તેમજ તમામ સિક્કા કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે અને તેમના પર કોઈ અસર નહીં થાય એ બાબતની હું ખાતરી આપું છું.

આ પગલાને કારણે ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી ચલણ સામે લડત આપી રહેલા સામાન્ય માણસના હાથ વધુ મજબૂત બનશે. આવનારા દિવસોમાં નાગરિકોની તકલીફો ઓછી કરવા માટે કેટલાક પગલા લેવાઈ રહ્યા છે.

1. પાંચસો કે એક હજાર રૂપિયાની જૂની નોટો ધરાવતા લોકો આ નોટો તેમની બેન્ક કે પોસ્ટ ઓફિસ ખાતાઓમાં 10મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર, 2016ના રોજ સુધી, બેન્કિંગ કામકાજના કલાકો પૂરા થાય ત્યાં સુધીમાં કોઈ પણ મર્યાદા વિના જમા કરાવી શકશે.

2. એટલે, તમારી પાસે તમારી નોટો જમા કરાવવા માટે 50 દિવસનો સમય છે અને જરાયે ગભરાવવાની જરૂર નથી.

3. તમારા નાણાં તમારા જ રહેશે. આ બાબતે તમારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી.

4. તમારા નાણાં તમારા ખાતામાં જમા કરાવ્યા પછી, તમને જ્યારે જરૂર પડે, ત્યારે તમે ઉપાડી શકો છો.

5. નવી નોટોના સપ્લાય ધ્યાનમાં રાખીને શરૂઆતના કેટલાક દિવસો દૈનિક દસ હજાર રૂપિયાની મર્યાદામાં અને અઠવાડિયે વીસ હજાર રૂપિયાની મર્યાદામાં ઉપાડ કરી શકાશે. આવનારા દિવસોમાં આ મર્યાદા વધારવામાં આવશે.

6. તમારા બેન્ક ખાતામાં તમારી નોટો જમા કરાવવા ઉપરાંત અન્ય સવલત પણ હશે.

7. તમારી તાત્કાલિક જરૂરિયાત માટે તમે કોઈ પણ બેન્ક, મુખ્ય પોસ્ટ ઓફિસ કે પેટા પોસ્ટ ઓફિસ પર જઈ શકો છો, ત્યાં તમારા આધાર કાર્ડ, વોટર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, પેન કાર્ડ કે અન્ય માન્ય પુરાવાઓ જેવો ઓળખ પુરાવો બતાવીને તમારી પાંચસો અને એક હજાર રૂપિયાની જૂની નોટો નવી નોટોમાં ફેરબદલ કરાવી શકો છો.

8. 10મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી આવી ફેરબદલ કરાવવાની મર્યાદા ચાર બજાર રૂપિયા સુધી રહેશે. 25મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર સુધીમાં આ મર્યાદા વધારવામાં આવશે.

9. કેટલાક લોકો એવા પણ હશે કે કોઈક કારણોસર તેઓ 30મી ડિસેમ્બર, 2016 સુધીમાં પોતાની પાંચસો કે એક હજાર રૂપિયાની જૂની નોટો જમા કરાવી શક્યા ન હોય.

10. આવા લોકો 31મી માર્ચ, 2017ના રોજ સુધીમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની નિશ્ચિત ઓફિસો પર જઈને ડિક્લેરેશન ફોર્મ રજૂ કર્યા પછી આ નોટો જમા કરાવી શકશે.

11. નવમી નવેમ્બરના રોજ તેમજ કેટલાક સ્થળોએ 10મી નવેમ્બરના રોજ પણ એટીએમ કામ નહીં કરે. એ પછી શરૂઆતના કેટલાક દિવસોમાં પ્રતિ દિન પ્રતિ કાર્ડ બે હજાર રૂપિયા ઉપાડની મર્યાદા રહેશે.

12. ત્યાર બાદ આ મર્યાદા વધારીને ચાર હજાર રૂપિયા કરાશે.

13. મધ્યરાત્રિથી પાંચસો રૂપિયા અને એક હજાર રૂપિયાની નોટો કાયદેસર ચલણ નહીં રહે. જોકે માનવતાવાદી કારણોસર નાગરિકોની મુશ્કેલી ઓછી કરવા માટે શરૂઆતના 72 કલાક એટલે કે 11મી નવેમ્બરની મધ્યરાત્રિ સુધી કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

14. આ ગાળામાં સરકારી હોસ્પિટલો પેમેન્ટ માટે પાંચસો અને એક હજાર રૂપિયાની નોટો સ્વીકારવાનું ચાલુ રાખશે.

15. આ વ્યવસ્થા એવા પરિવારોના લાભ માટે છે, જેના સભ્યો બીમાર છે.

16. સરકારી હોસ્પિટલોમાં દવાની દુકાનો પણ ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન સાથે દવાની ખરીદી માટે આ નોટો સ્વીકારવાનું ચાલુ રાખશે.

17. 72 કલાક માટે એટલે કે 11મી નવેમ્બરની મધ્યરાત્રિ સુધી રેલવે ટિકિટ બુકિંગ કાઉન્ટર્સ, સરકારી બસોના ટિકિટ કાઉન્ટર્સ અને એરપોર્ટ ખાતે એરલાઈન ટિકિટ કાઉન્ટર્સ ટિકિટોની ખરીદી માટે જૂની નોટો સ્વીકારશે. આ સમયે મુસાફરી કરી રહેલા લોકોના લાભ માટે આ વ્યવસ્થા કરાઈ છે.

18. 72 કલાક માટે પાંચસો અને એક હજાર રૂપિયાની નોટો આ સ્થળોએ સ્વીકારવામાં આવશે.

• જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ દ્વારા અધિકૃત પેટ્રોલ, ડિઝલ અને સીએનજી ગેસ સ્ટેશન

• રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત ગ્રાહક સહકારી સ્ટોર્સ

• રાજ્ય સરકારો દ્વારા અધિકૃત દૂધના બૂથ્સ

• સ્મશાનગૃહ અને દફનક્રિયા માટેના મેદાનો

આ એકમોએ માલ અને પ્રાપ્ત ભંડોળના યોગ્ય રેકોર્ડસ રાખવા પડશે.

19. આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર આવનારા અને જનારા મુસાફરો, જેમની પાસે પાંચસો કે એક હજાર રૂપિયાની નોટો હોય, એને પાંચ હજાર રૂપિયા સુધીની મર્યાદામાં નવી નોટો સાથે કે અન્ય કાયદામાન્ય ચલણમાં ફેરવવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

20. વિદેશી સહેલાણીઓ પાંચ હજાર રૂપિયાથી વધુ રકમની જૂની નોટો કે વિદેશી ચલણ કાયદામાન્ય ચલણમાં ફેરવી શકશે.

21. હું વધુ એક બાબત ઉમેરવા માગું છું. હું એ બાબત ભારપૂર્વક જણાવવા ઈચ્છું છું કે આ સમગ્ર કવાયતમાં ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ અને ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા બિન-રોકડ ચૂકવણીઓ પર કોઈ પણ પ્રકારની પાબંદી નથી.

ભાઈઓ અને બહેનો,

આ તમામ પ્રયત્નો છતાં, પ્રામાણિક નાગરિકોને કદાચ કેટલીક કામચલાઉ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અનુભવ કહે છે કે સામાન્ય નાગરિકો હંમેશા ભોગ આપવા માટે અને રાષ્ટ્રના લાભ માટે મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર હોય છે. મેં આ જુસ્સો જોયો છે, જ્યારે એક ગરીબ વિધવાએ તેની એલપીજીની સબસીડી પડતી મૂકી ત્યારે, જ્યારે શાળાના નિવૃત્ત શિક્ષકે તેનું પેન્શન સ્વચ્છ ભારત મિશન માટે સમર્પિત કર્યું ત્યારે, જ્યારે ગરીબ આદિવાસી માતાએ તેની બકરીઓ શૌચાલય બાંધવા માટે વેચી દીધી ત્યારે, એક સૈનિકે પોતાના ગામને ચોખ્ખું બનાવવા માટે 57 હજાર રૂપિયાનું યોગદાન આપ્યું ત્યારે. મેં જોયું છે કે જો કોઈ બાબત દેશના વિકાસ તરફ દોરી જતી હોય, તો એ માટે સામાન્ય નાગરિક કંઈ પણ કરી છૂટવાની દ્રઢતા ધરાવે છે.

એટલે, ભ્રષ્ટાચાર, કાળું નાણું, નકલી નોટો અને આતંકવાદ સામેની આ લડાઈમાં, આપણા દેશના શુદ્ધિકરણ માટેની આ ચળવળમાં આપણા દેશના લોકો કેટલાક દિવસો માટે તકલીફો નહીં સહી લે ? મને પૂરેપૂરો વિશ્વાસ છે કે દરેક નાગરિક ઊભો થશે અને આ મહાયજ્ઞમાં ભાગીદાર બનશે. મારા વ્હાલા દેશવાસીઓ, દિવાળીના પર્વ બાદ, હવે રાષ્ટ્ર સાથે જોડાઈ જાવ અને આ ઈમાનદારી ના ઉત્સવ, આ પ્રામાણિકતા ના પર્વ, આ સત્યનિષ્ઠાની ઉજવણી, આ વિશ્વસનીયતાના તહેવારમાં જોડાવા તમારો હાથ લંબાવો.

મને ખાતરી છે કે તમામ રાજકીય પક્ષો, તમામ સરકારો, સમાજસેવી સંસ્થાનો, મીડિયા અને વાસ્તવમાં સમાજના તમામ વિભાગો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે અને તેને સફળ બનાવશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આ પગલા માટે ગુપ્તતા અનિવાર્ય હતી. છેક અત્યાર હું તમને જણાવું છું ત્યારે જ વિવિધ એજન્સીઓ, જેવી કે બેન્કો, પોસ્ટ ઓફિસો, રેલવેઝ, હોસ્પિટલો અને અન્યોને આ બાબતની જાણ થઈ રહી છે. રિઝર્વ બેન્ક, બેન્કો અને પોસ્ટ ઓફિસોએ ખૂબ જ ટૂંકી નોટિસે ઘણી વ્યવસ્થાઓ કરવી પડશે. સ્વાભાવિક છે કે સમય જોઈશે જ. એટલે, તમામ બેન્કો નવમી નવેમ્બરના રોજ જાહેર જનતા માટે બંધ રહેશે. આને લીધે તમને કેટલીક મુશ્કેલી પડે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બેન્કો અને પોસ્ટ ઓફિસો રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા આ મહાન કાર્યને સફળતાપૂર્વક પાર પાડશે. જોકે, બેન્કો અને પોસ્ટ ઓફિસો આ પડકારને સ્વસ્થતા અને દ્રઢતાપૂર્વક ઝીલી શકે તે માટે એમને મદદરૂપ બનવા હું તમને સહુને વિનંતી કરું છું.

સમય-સમયે, ચલણની જરૂરિયાતના આધારે, કેન્દ્ર સરકારની મંજૂરી સાથે રિઝર્વ બેન્ક ઊંચા મૂલ્યની નવી નોટો લાવે છે. વર્ષ 2014માં રિઝર્વ બેન્કે પાંચસો અને દસ હજાર રૂપિયાની નોટોની સમસ્યા અંગે ભલામણ કરી હતી. સાવધાની સાથે મુદ્દો ધ્યાન પર લીધા પછી એ ભલામણ સ્વીકારવામાં આવી ન હતી. હવે આ કવાયતના ભાગરૂપે આઈબીઆઈની બે હજાર રૂપિયાની નોટો લાવવા માટે માટેની ભલામણ સ્વીકારવામાં આવી છે. પાંચસો રૂપિયા અને બે હજાર રૂપિયાની નવી નોટો સંપૂર્ણપણે નવી ડિઝાઈન સાથે દાખલ કરાશે. પાછલા અનુભવને આધારે હવેથી રિઝર્વ બેન્ક ફેલાયેલા કુલ ચલણમાં ઊંચું અંકિત મૂલ્ય ધરાવતી નોટોનો હિસ્સો મર્યાદિત કરવા માટે વ્યવસ્થા કરશે.

દેશના ઈતિહાસમાં એવી ક્ષણો હોય છે, જ્યારે પ્રત્યેક વ્યક્તિને એમ લાગે કે તે પણ એ પળનો હિસ્સો હોવો જોઈએ, એણે પણ દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. આવી ક્ષણો ભાગ્યે જ આવે છે. પરંતુ અત્યારે આપણી પાસે આવી તક છે, જ્યારે પ્રત્યેક નાગરિક ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી નોટોના દૂષણ સામેના આ મહાયજ્ઞમાં જોડાઈ શકે છે. તમે આ અભિયાનને જેટલી વધુ મદદ કરશો, એટલું તે વધુ સફળ બનશે.

ભ્રષ્ટાચાર અને કાળા નાણાં જીવનના એક હિસ્સા તરીકે સ્વીકારવાનું વલણ છે, તે બાબત આપણા સહુ માટે ચિંતાજનક બાબત છે. આ પ્રકારની વિચારધારાએ આપણા રાજકારણ, આપણી વહીવટી વ્યવસ્થા અને આપણા સમાજને ઉધઈની માફક ફોલી ખાધા છે. આપણી એક પણ જાહેર સંસ્થા ઉધઈના આ રાફડાથી મુક્ત રહી નથી.

મેં વારંવાર જોયું છે કે જ્યારે સરેરાશ નાગરિકને અપ્રામાણિકતા સ્વીકારવા અને પ્રતિકૂળતા ઝેલવા વચ્ચે પસંદગી કરવાની હોય છે, ત્યારે તેઓ હંમેશા પ્રતિકૂળતાઓ સહી લે છે. તેઓ અપ્રામાણિકતાને ટેકો નથી આપતા.

ફરી એકવાર, હું તમને સહુને જેમ તમે દિવાળીમાં તમારા ઘર, દુકાન, ઓફિસ અને આસપાસની તમામ જગ્યાઓ, વસ્તુઓ સાફ કરો છો, તે જ રીતે આપણા દેશને સ્વચ્છ કરવા માટે આ મહાન બલિદાન માટે તમારું યોગદાન આપવા આહ્વાન કરું છું.

ચાલો, કામચલાઉ તકલીફને અવગણીએ

ચાલો, સત્યનિષ્ઠા અને વિશ્વસનીયતાના આ તહેવારમાં જોડાઈ જઈએ

ચાલો, આવનારી પેઢીઓને તેમનું જીવન ગૌરવભેર જીવવા સક્ષમ બનાવીએ

ચાલો, ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે લડત આપીએ

ચાલો, દેશની સંપત્તિ ગરીબોને લાભ આપે, એ સુનિશ્ચિત કરીએ

ચાલો, નાગરિકોને એમને મળવાપાત્ર હિસ્સો મેળવવા કાયદાનું પાલન કરવા સક્ષમ બનાવીએ.

મને ભારતના 125 કરોડ લોકોમાં વિશ્વાસ છે અને મને ખાતરી છે કે દેશને સફળતા મળશે જ.

તમારો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.

નમસ્કાર.

ભારત માતા કી જય.

JKhunt/TR