પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નાવિકા સાગર પરિક્રમાની મહિલા અધિકારી સભ્યોને મળ્યા

ભારતીય નૌકાદળની છ મહિલા અધિકારીઓ ચાલુ મહિનાના અંતે જહાજ આઇએનએસવી તરિણીમાં સાત સમંદરની સફર પર નીકળશે. આ મહિલા અધિકારીઓની ટુકડી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી.

તમામ મહિલા નાવિકો દ્વારા સાત સમંદરનું પરિભ્રમણ કરવા નીકળનાર આ નૌકાદળની સૌપ્રથમ ભારતીય ટુકડી છે. તેઓ ચાલુ મહિનાના અંતે ગોવાથી તેમની સફર શરૂ કરશે અને તેમની સફર પૂર્ણ કરીને માર્ચ, 2018માં ગોવા પરત ફરશે એવી અપેક્ષા છે. આ અભિયાનનું નામ નાવિકા સાગર પરિક્રમા છે. પરિક્રમામાં પાંચ તબક્કા છે, જેમાં ચાર બંદર પર રોકાણ કરવામાં આવશેઃ ફ્રેમેન્ટલ (ઓસ્ટ્રેલિયા), લીટલટન (ન્યૂઝીલેન્ડ), પોર્ટ સ્ટેન્લી (ફોકલેન્ડ્સ) અને કેપ ટાઉન (દક્ષિણ આફ્રિકા).

આઇએનએસવી તરિણી 55 ફૂટ લંબાઈ ધરાવતું જહાજ છે, જેનું નિર્માણ સંપૂર્ણપણે દેશમાં થયું છે અને ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય નૌકાદળમાં સામેલ થયું હતું.

મહિલા નાવિકોએ પ્રધાનમંત્રી સાથે વાતચીતમાં તેમને આગામી સફરની વિગતવાર જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, તેઓ સમગ્ર દુનિયામાં તેમની સફર પર નજર રાખતા રહેશે. તેમણે આ અભિયાનને સમગ્ર દુનિયામાં ભારતની ક્ષમતા અને તાકાતના પ્રતીક સમાન ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે આ સફર સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તેમના અનુભવો લખવા અને વહેંચવા પણ પ્રોત્સાહન આપ્યું હતું.

જહાજનું સંચાલન લેફ્ટનન્ટ કમાન્ડર વાર્તિકા જોશી કરશે અને આ ટુકડીમાં લેફ્ટનન્ટ કમાન્ડર્સ પ્રતિભા જામવાલ, પી સ્વાતિ અને લેફ્ટનન્ટ્સ એસ વિજયા દેવી, બી ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા સામેલ છે.

TR