પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

• દીનદયાળ હસ્તકલા સંકુલ દેશને અર્પણ

• વારાણસી અને વડોદરા વચ્ચે દોડનારી મહામાના એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી

• વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ લોન્ચ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં હસ્તકલાઓ માટેના વેપાર સુવિધા કેન્દ્ર દીનદયાળ હસ્તકલા સંકુલ દેશને અર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ નવેમ્બર, 2014માં આ કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આજે કેન્દ્રની મુલાકાત લીધી હતી તથા અહીં વિકસિત સુવિધાઓને જોઈ હતી. પછી તેઓ પ્રોજેક્ટને અર્પણ કરવા માટે મંચ પર આવ્યા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો લિન્ક મારફતે મહામાના એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન વારાણસીને ગુજરાતમાં સુરત અને વડોદરા સાથે જોડશે.

પ્રધાનમંત્રીએ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે ખાતમુહૂર્તની અને કેટલાંક પ્રોજેક્ટના ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે ઉત્કર્ષ બેંકની બેંકિંગ સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું તથા બેંકના વડામથકના બિલ્ડિંગના ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ વીડિયો લિન્ક મારફતે જલ એમ્બ્યુલન્સ સર્વિસ અને જલ શવ વાહન વારાણસીના લોકોને સમર્પિત કરી હતી. તેમણે વણકરો અને તેમના બાળકોને ટૂલ-કિટ્સ અને સૌર લેમ્પનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક મંચ પર એક કાર્યક્રમમાં રૂ. 1000 કરોડથી વધારે મૂલ્યનો એક પ્રોજેકટ સમર્પિત થયો છે, અથવા તેના માટે ખાતમુહૂર્ત થયું છે.

તેમણે વાણિજ્ય સુવિધા કેન્દ્રને લાંબા ગાળા માટે વારાણસીના સૌથી મોટા પ્રોજેક્ટમાંનો એક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કલાકારો અને વણકરોને તેમની કુશળતાઓ દુનિયાને દેખાડવામાં મદદ કરશે અને તેમના માટે ઉજ્જવળ ભવિષ્યની વ્યવસ્થા કરશે. તેમણે લોકોને આ કેન્દ્રની મુલાકાત લેવા પ્રવાસીઓને પ્રેરિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેના પરિણામે હસ્તકલા ઉત્પાદનોની માગ વધશે અને વારાણસીમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે તથા શહેરના અર્થતંત્રને ખરેખર વેગ મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમામ સમસ્યાઓનું સમાધાન વિકાસમાં છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ગરીબોના જીવનમાં અને આગામી પેઢીઓના જીવનમાં હકારાત્મક ફેરફાર લાવવા ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સંદર્ભમાં તેમણે ઉત્કર્ષ બેંકના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આજે લોન્ચ થયેલ જલ એમ્બ્યુલન્સ અને જલ શવ વાહિનીના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બંને પ્રોજેક્ટ જળમાર્ગો મારફતે પણ વિકાસ માટેના માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.

મહામાના એક્સપ્રેસના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા અને વારાણસી હવે રેલવે મારફતે જોડાઈ ગયા છે. લોકસભાની વર્ષ 2014ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી આ બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને દેશના હિત માટે લાંબા ગાળાના, મજબૂત નિર્ણયો લેવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ ભારતે દેશના પશ્ચિમી રાજ્યોની પ્રગતિ સાથે તાલ મેળવવો પડશે અને આજે લોન્ચ થયેલા વિવિધ પ્રોજેક્ટ આ ઉદ્દેશ પાર પાડવા લાંબા ગાળે ઉપયોગી પુરવાર થશે.

TR