પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચિર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ

71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચિર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ

71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચિર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ

71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચિર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ

મારા વ્હાલા દેશવાસીઓ, આઝાદીના પાવન પર્વે દેશવાસીઓને કોટીકોટી શુભેચ્છાઓ.

આજે સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પર્વની સાથેસાથે જન્માષ્ટમીનું પર્વ પણ ઉજવી રહ્યો છે. હું મારી સામે જોઇ રહ્યો છું કે, બહુ મોટી સંખ્યામાં બાળકૃષ્ણ પણ અહીંયા ઉપસ્થિત છે. સુદર્શન ચક્રધારી મોહનથી લઇ ચરખાધારી મોહન સુધી આપણા સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસાથી આપણે સૌ સંપન્ન છીએ. દેશની આઝાદી માટે, દેશની આન, બાન અને શાન માટે, દેશના ગૌરવ માટે જેમણે યોગદાન આપ્યું છે. કષ્ટ ભોગવ્યું છે. બલિદાન આપ્યું છે. ત્યાગ, અને તપસ્યાની પરાકાષ્ઠા કરી છે તેવા બધા મહાનુભાવોને, માતાઓ અને બહેનોને હું લાલકિલ્લા પરથી સવાસો કરોડ દેશવાસીઓ તરફથી શત્ શત્ નમન કરૂં છું. તેમને પ્રણામ કરૂં છું.

કયારેક કયારેક કુદરતી આપત્તિઓ આપણા માટે બહુ મોટો પડકાર બની જાય છે. સારો વરસાદ દેશની ઉન્નતિમાં ઘણો ઉપયોગી થઇ શકે છે. પરંતુ આબોહવા પરિવર્તનના કારણે આ કુદરતી આફતો ઘણી મોટી મુશ્કેલીઓ બની જાય છે. અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ. ગયા દિવસોમાં હોસ્પિટલમાં આપણા માસુમ બાળકોના મૃત્યુ થયા. આ બધી જ સંકટની ક્ષણો, દુઃખના સમયમાં સવાસો કરોડ દેશવાસીઓની સંવેદના આ મુશ્કેલીમાં સૌની સાથે છે. અને હું દેશવાસીઓને ભરોસો આપું છું કે, આવા સંકટના સમયે પૂર્ણ સંવેદનશીલતાની સાથે જનસામાન્યની સુખાકારી માટે, સુરક્ષા માટે કંઇપણ કરવામાં અમે બાકી નહીં રાખીએ.

મારા વ્હાલા દેશવાસીઓ આ વર્ષ આઝાદ ભારત માટે એક વિશેષ વર્ષ છે. હમણાં ગયા અઠવાડિયે ભારત છોડો આંદોલનમાં 75 વર્ષને આપણે યાદ કર્યા એ આ વર્ષ છે. ચંપારણ્ય સત્યાગ્રહની શતાબ્દી મનાવવાનું, આ વર્ષ છે. સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ મનાવવાનું આ વર્ષ છે. લોકમાન્ય તિલક કે જેમણે કહ્યું હતું કે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે.

તેમણે જનચેતના જગાવવા માટે સાર્વજનિક ગણેશઉત્સવની પરંપરાની શરૂઆત કરી હતી. તેનું પણ 125મું વર્ષ છે. એક પ્રકારે ઈતિહાસની આવી તારીખો જેનું સ્મરણ, જેનો બોધપાઠ. આપણને દેશ માટે કંઇકને કંઇક કરવાની પ્રેરણા આપે છે. આપણે આઝાદીના 70 વર્ષ અને 2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીશું. આ એવું જ છે જેવું વર્ષ 1942 થી 1947 દેશે સામૂહિક શક્તિનું પ્રદર્શન કર્યું. અંગ્રેજોને હેરાન પરેશાન કરી દીધા અને પાંચ વર્ષની અંદર અંદર જ અંગ્રેજોએ હિંદુસ્તાન છોડીને જવું પડ્યું. આપણી આઝાદીના 75 વર્ષમાં હજુ પાંચ વર્ષ આપણી પાસે છે. આપણી સામૂહિક સંકલ્પશક્તિ, આપણો સામૂહિક પુરૂષાર્થ, આપણી સામૂહિક પ્રતિબદ્ધતા, એ મહાન દેશભકતોને યાદ કરતા, પરીશ્રમની પરાકાષ્ઠા 2022માં આઝાદીના પ્રેમીઓના સ્વપ્નાનું ભારત બનાવવા માટે કામ લાગી શકે અને એટલા માટે જ નૂતન ભારતના નિર્માણના સંકલ્પ સાથે આપણે દેશનો વિકાસ કરવાનો છે.

સવાસો કરોડ દેશવાસીઓના ત્યાગ અને તપસ્યાથી અને આપણે જાણીએ છીએ કે એકતામાં કેટલીક તાકાત હોય છે. ભગવાન કૃષ્ણ કેટલા શક્તિશાળી હતા. પરંતુ જયારે ગોવાળો પોતાની લાકડીઓ લઇને ઊભા રહી ગયા તો એ એકલા જ હતા કે તેમણે ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો. પ્રભુ રામચંદ્રને લંકા જવું હતું. વાનરસેના જોડાઇ ગઇ. અને રામસેતુ બનાવી દીધો. રામ ભગવાન લંકા પહોંચી ગયા. એક મોહનદાસ કરમચંદ ગાંધી હતા. દેશના ખૂણેખૂણેથી લોકો હાથમાં તકલી લઇને પૂણી લઇને આઝાદીના તાણાવાણા વણતા હતા. સામૂહિક શકિતની તાકાત હતી. એકતા હતી જેથી દેશ આઝાદ થઇ ગયો. કોઇ નાનું નથી હોતું, કોઇ મોટું નથી હોતું. અરે એક ખિસકોલીનું ઉદાહરણ આપણને ખબર છે કે, એક નાનકડી ખિસકોલી પણ પરિવર્તનની પ્રક્રિયામાં ભાગીદાર બને છે. તે કથા, આપણે સૌ જાણીએ છીએ. અને એટલે જ સવાસો કરોડ દેશવાસીઓમાં કોઇ નાનું નથી કે ના કોઇ મોટું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે 2022ના આઝાદીના 75 વર્ષ એક નવો સંકલ્પ, નવી ઊર્જા, નવા ભારત, નવા પૂરૂષાર્થ, સામૂહિક શક્તિ દ્વારા આપણા દેશમાં પરિવર્તન લાવી શકીશું. નવું ભારત જે સુરક્ષિત હશે, સમૃદ્ધ હશે, શક્તિશાળી હશે, નવા ભારતમાં દરેક દરેકને સમાન તક પ્રાપ્ત થાય. નવાભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનો આખા વિશ્વમાં પ્રભાવ હોય.

સ્વતંત્રતા સંગ્રામ આપણી ભાવનાઓ સાથે વધુ જોડાયેલો છે. આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે, આઝાદીનું જયારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એક શિક્ષક પણ શાળામાં ભણાવી રહ્યા હતા, એક ખેડૂત ખેતી કરતો હતો એક મજૂર મજૂરી કરતો હતો. પણ જે વ્યકિત જે પણ કામ કરતી હતી તેના હૃદયમાં, તેના માનસ પર, તેના હૃદયમાં ભાવ હતો કે, એ જે પણ કામ કરે છે તે દેશની આઝાદી માટે કરે છે. આ ભાવ એ ખૂબ મહત્વપૂર્ણ તાકાત હોય છે. પરીવારમાં પણ જમવાનું રોજ બને છે. વાનગીઓ બધા જ પ્રકારની બને છે. પરંતુ જયારે તે વાનગીનો ભગવાનની સામે ભોગ ધરાવીએ છીએ ત્યારે વાનગી પ્રસાદ બની જાય છે. આપણે પરિશ્રમ કરીએ છીએ, પરંતુ ભારતમાતાની ભવ્યતા માટે, દિવ્યતા માટે, દેશવાસીઓને ગરીબીથી મુક્ત કરાવવા માટે સામાજિક તાણા-વાણાને સારી રીતે વણવા માટે આપણા કર્તવ્યને રાષ્ટ્રભાવથી રાષ્ટ્રભક્તિથી, રાષ્ટ્રને સમર્પીત કરતા કરીએ તો પરીણામની તાકાત અનેકગણી વધી જાય છે. અને એટલે જ આપણે બધા, એ વાત ધ્યાનમાં રાખી આગળ વધીએ.

આવનાર વર્ષ 2018, પહેલી જાન્યુઆરી-2018ને હું એને સામાન્ય પહેલી જાન્યુઆરી નથી માનતો. જેમણે 21મી સદીમાં જન્મ લીધો છે. તેમના માટે આ મહત્વપૂર્ણ વર્ષ છે. 21 સદીમાં જન્મેલા નવયુવાનો માટે, આ વર્ષ તેમના જીવનનું નિર્ણાયક વર્ષ છે. તેઓ 18 વર્ષના થશે. તેઓ 21મી સદીના ભાગ્યવિધાતા બનશે. 21મી સદીનું ભાગ્ય આ નવયુવાનો બનાવશે. જેમનો જન્મ 21મી સદીમાં થયો છે. અને હવે 18 વર્ષ થવામાં છે. હું આ તમામ નવયુવાનોનું હાર્દિક અભિવાદન કરું છું. સન્માન કરું છું. તેમને અભિનંદન આપું છું. આવો આપ 18 વર્ષના ઉંબરે ઊભા છો દેશનું ભાગ્યનિર્માણ કરવાની તમને તક મળે છે. તો તમે પણ દેશની વિકાસયાત્રામાં ખૂબ ઝડપથી ભાગીદાર બનો. દેશ તમને આમંત્રણ આપે છે.

મારા વ્હાલા દેશવાસીઓ, જયારે કુરૂક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુને શ્રીકૃષ્ણને બહુ બધા પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, જેવો મનનો ભાવ હોય છે, એવું જ કાર્ય પરિણામ હોય છે અને તેમણે કહ્યું કે, મનુષ્ય જે વાત પર વિશ્વાસ કરે છે. તે જ તેને પરીણામ દેખાય છે. તે જ દિશા તેને દેખાય છે. આપણા માટે પણ જો મનનો વિશ્વાસ પાક્કો હશે, ઉજ્જવળ ભારત માટે આપણે સંકલ્પબદ્ધ થઇશું, હું નથી માનતો કે જો પહેલાંથી જ આપણે વારંવાર નિરાશા સાથે આગળ વધ્યા છીએ, તો હવે આપણે આત્મવિશ્વાસથી આગળ વધવાનું છે. આપણે નિરાશાનો ત્યાગ કરવાનો છે. ચાલશે, આ તો ઠીક છે, જે ચાલે છે એ ચાલવા દો, હું સમજું છું, ચાલશે નો જમાનો જતો રહ્યો છે. હવે તો એક જ અવાજ ઉઠવો જોઇએ કે, બદલાયું છે, બદલાઇ રહ્યું છે. અને બદલાઇ શકે છે. આજ વિશ્વાસ આપણી અંદર હશે તો આપણે પણ એ વિશ્વાસ થકી વિકાસ કરી શકીશું. સાધક હોય, સાધન હોય, સાર્મ્થ્ય હોય, સંશાધન હોય પણ જયારે એ ત્યાગ અને તપસ્યાથી જોડાઇ જાય છે, કંઇક કરી છુટવાનો વિશ્વાસ પેદા થાય છે. ત્યારે પોતાની જાતે જ બહુ મોટું પરિવર્તન આવે છે.

ભાઇઓ-બહેનો આઝાદ ભારતમાં દરેક દેશવાસીના હૃદયમાં દેશની રક્ષા સુરક્ષા ખૂબ સ્વાભાવિક વાત છે. આપણો દેશ, આપણું સૈન્ય, આપણા વિરપુરૂષો, વર્દીધારી દળો, કોઇપણ હોય, ફક્ત સેના હવાઇદળ કે નૌકાદળ જ નહીં. બધા જ વર્દીધારી દળો, તેમણે જ્યારે જ્યારે તક મળી ત્યારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. પોતાનું સાર્મ્થ્ય દેખાડ્યું છે. બલિદાનની પરાકાષ્ઠા કરવામાં આપણા વીર ક્યારેય પાછા નથી પડ્યા. ચાહે ડાબેરી અંતિમવાદ હોય કે આતંકવાદ હોય, કે ઘૂસણખોરો હોય કે પછી આપણી અંદર મુશ્કેલીઓ ઊભી કરવાવાળા તત્વો હોય. આપણા દેશના વર્દીધારીઓએ બલિદાન આપ્યું છે. અને જયારે સર્જીકલ સ્ટ્રાઇક થઇ દુનિયાએ માનવું પડ્યું. આપણા લોકોની તાકાતને માનવી પડી.

મારા વ્હાલા દેશવાસીએ એ વાત સ્પષ્ટ કરી છે કે, દેશની સુરક્ષા આપણી પ્રાથમિકતા છે. આંતરિક સલામતી આપણી પ્રાથમિકતા છે. દરિયો હોય કે, સરહદ હોય, સાયબર હોય કે અંતરીક્ષ હોય, દરેક પ્રકારની સુરક્ષા માટે ભારત પોતે જ સાર્મ્થ્યવાન છે. અને દેશની વિરૂદ્ધ કંઇપણ કરવાવાળાને નાસીપાસ કરવા માટે આપણે શક્તિશાળી છીએ. મારા વ્હાલા દેશવાસીઓ ગરીબોનો લૂંટીને તિજોરીઓ ભરવાવાળા લોકો જે પણ ચેનથી નથી સૂઇ શકતા. અને તેનાથી મહેનત કરવાવાળી વ્યકિત અને ઇમાનદાર વ્યકિતનો ભરોસો વધે છે. ઇમાનદારને લાગે છે કે, હા હવે હું ઇમાનદારીના રસ્તા ઉપર ચાલીશ તો મારી ઇમાનદારીની કિંમત થશે. આજે માહોલ બન્યો છે. ઇમાનદારીનો મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. અને બેઇમાની માટે કોઇ જગ્યા બાકી નથી રહી આ કામ એક નવો ભરોસો આપે છે.

બેનામી સંપત્તિ રાખવાવાળાના કેટલાય વર્ષો સુધી કેસો અધૂરા પડ્યા છે. હમણાં હમણાં જ તો આપણે કાયદાનો કડક અમલ શરૂ કર્યો. આટલા ઓછા વર્ષોમાં 800 કરોડ રૂપિયાથી વધારે, બેનામી સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી છે. જો આ બાબત થાય છે ત્યારે સામાન્ય વ્યકિતના મનમાં ભરોસો પેદા થાય છે કે, આ દેશ ઇમાનદાર લોકો માટે છે.

30-40 વર્ષથી આપણી સેના માટે વન રેન્ક વન પેન્શનનો મામલો વણઉકેલ પડ્યો હતો. તો જો આ બાબત સરકાર પૂર્ણ કરે છે, આપણા ફૌજીઓની આશા આકાંક્ષા પૂર્ણ કરવાની દિશામાં સાચાં પગલાં ભરે છે, તો દેશ માટે મરી ફિટવાની તેમની તાકાત ખૂબ વધી જાય છે.

દેશમાં અનેક રાજયો છે. કેન્દ્ર સરકાર છે, અમે જોયું છે કે, જીએસટી દ્વારા દેશમાં સહકારી સંઘવ્યવસ્થા, સ્પર્ધાત્મક સંઘીય વ્યવસ્થાને નવી તાકાત આપી છે. એક નવું પરીણામ દેખાયું છે. અને જીએસટી જે પ્રકારે સફળ – થઇ છે. કરોડો માનવ કલાકો તેની પાછળ લાગ્યા છે. ટેકનોલોજીમાં તે એક જાદુ છે. વિશ્વના લોકોને અજાયબી લાગે છે. આટલા ઓછા સમયમાં આટલા મોટા દેશમાં જીએસટીનો આ પ્રકારે અમલ થવો એ હિંદુસ્તાનમાં કેટલું સાર્મ્થ્ય છે. દેશની પેઢીને એક વિશ્વાસ જગાડવામાં કામ આવે છે.

નવી વ્યવસ્થાનો જન્મ લે છે. આજે બમણી ગતીથી માર્ગો બની રહ્યા છે. આજે બમણી ગતીથી રેલવેના પાટા નંખાઇ રહ્યા છે. આજે 14 હજારથી વધારે ગામડાઓ જે આઝાદી પછી પણ અંધારામાં હતા. ત્યાં સુધી વીજળી પહોંચાડાઇ છે. અને દેશ પ્રકાશની તરફ આગળ વધી રહ્યો છે. તે આપણે સાફ જોઇ રહ્યા છીએ. 29 કરોડ ગરીબોના જયારે બેન્ક એકાઉન્ટ ખોલાયા છે. ખેડૂતોના 9 કરોડથી વધારે સોઇલ હેલ્થ કાર્ડ નીકળ્યા છે. અઢી કરોડથી વધારે માતાઓ અને બહેનોને લાકડાના ચૂલાતી મુક્તી મળી છે. અને ગેસ બાટલો મળ્યો છે. ગરીબ અને દલીત આદિવાસીઓને હિંમત વધી છે. ગરીબ વ્યક્તિ મુખ્ય પ્રવાહમાં જોડાય છે. અને દેશ પ્રગતિના પંથે આગળ વધે છે.

યુવાનોને વગર ગેરંટીએ સ્વરોજગાર માટે 8 કરોડથી વધુ લોનની સ્વીકૃતિ મળી છે. બેન્કથી મળવાવાળા ધિરાણમાં અને વ્યાજના દરોમાં ઘટાડો થયો છે. મોંઘવારી પર અંકુશ મુકાયો છે. મધ્યમ વર્ગની વ્યક્તિ જો પોતાનું ઘર બનાવા ઇચ્છે છે તો એને ઘર બનાવવા માટે ઓછા વ્યાજે પૈસા મળે છે. ત્યારે દેશ માટે કંઇ કરવા માટે, દેશ આગળ વધશે, એ ભરોસા સાથે દેશનો અદનો આદમી જોડાતો રહે છે.

સમય બદલાઇ ચૂક્યો છે. આજે સરકાર જે કહે છે તે કરવા માટે સંકલ્પબદ્ધ દેખાય છે. ચાહે અમે ઇન્ટરવ્યૂ નાબૂદ કરવાની વાત કરી હોય, ચાહે અમે લાંબી પ્રક્રિયા નાબૂદ કરવાની વાત કરી હોય. કામદારોના ક્ષેત્રમાં સામાન્ય નાના ધંધો-વેપાર કરનારને 50-60 ફોર્મ ભરવા પડતા હતા. એને અમે ઘટાડીને ફક્ત 5 ફોર્મ પર લઇ આવ્યા. હું બહુ બધા ઉદાહરણો આપી શકું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સુશાસન વહિવટની પ્રક્રિયાને સરળ બનાવવાનું એ દિશામાં બળ આપવાનું પરીણામ છે કે, આજે નિર્ણયોમાં ઝડપ આવી છે. અને તેથી જ દેશના સવાસો કરોડ દેશવાસીઓ આ ભરોસા સાથે આગળ વધી રહ્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે ભારતની શાખ વિશ્વમાં વધી રહી છે. આતંકવાદ વિરૂદ્ધની લડાઇ, મારા દેશવાસીઓ આપને જાણીને આનંદ થશે, આતંકવાદ સામેની લ઼ડાઇમાં આજે આપણે એકલા નથી. દુનિયાના ઘણા દેશ આપણને સક્રિય રીતે મદદ કરી રહ્યા છે. હવાલાનો કારોબાર હોય તો દુનિયા આપણને માહિતી આપી રહી છે. આતંકવાદીઓની પ્રવૃત્તિઓ વિષે વિશ્વ આપણને માહિતી આપી રહ્યું છે. આપણે વિશ્વની સાથે ખભેખભો મેળવીને આતંકવાદીઓ વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છીએ. વિશ્વના જે જે દેશ આપણને આ કામમાં સારી રીતે મદદ કરી રહ્યા છે, ભારતની શાખનું ગૌરવ વધારી રહ્યા છે, તેમને હું હાર્દિક ધન્યવાદ આપવા માગું છું. આજ આપણા વૈશ્વિક સંબંધ ભારતની શાંતિ અને સુરક્ષામાં એક નવું આયામ જોડી રહ્યા છે. નવું બળ આપી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરનો વિકાસ, જમ્મુ કાશ્મીરની ઉન્નતિ, જમ્મુ કાશ્મીરના અદના નાગરિકના સપના સાકાર કરવાનો પ્રયાસ, જમ્મુકાશ્મીરની સરકારની સાથે સાથે આપણો, દેશવાસીઓનો પણ સંકલ્પ છે. ફરી એકવાર આ સ્વર્ગનો આપણે અનુભવ કરી શકીએ એ સ્થિતિમાં લાવવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ આપણે કટીબદ્ધ છીએ. અને એટલા માટે હું કહેવા માગું છું કે, કાશ્મીરમાં જે કાંઇ પણ બને છે, ભાષણબાજી પણ ખૂબ થાય છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ બહુ થાય છે. દરેક એકબીજાને ભાંડવામાં જ વ્યસ્ત હોય છે. પરુંત ભાઇઓ-બહેનો હું સ્પષ્ટ માનું છું કે, કાશ્મીરમાં જે કાંઇપણ બનાવો બને છે, ભાગલાવાદીઓ, મુઠ્ઠીભર ભાગલાવાદી, આ ભાગલાવાદીઓ જે રીતે નવાનવા પેંતરા રચતા રહે છે. પરંતુ આ લડાઇને જીતવા માટે મારા મનમાં વિચાર સ્પષ્ટ કરે છે, આ સમસ્યા ન ગાળથી હલ થવાની છે, ન ગોળીથી ઉકેલવાની છે. સમસ્યાનો હલ આવશે, હર કાશ્મીરીને ભેટીને સમસ્યા ઉકેલાવાની છે. અને 125 કરોડ દેશવાસી આ જ પરંપરા સાથે ઉછર્યા છે. અને એટલા માટે “ ન ગામથી, ન ગોળીથી, પરિવર્તન આવશે ગળે લગાવીને ” અને આ સંકલ્પને લઇને અમે આગળ વધી રહ્યા છીએ.

આતંકવાદ વિરૂદ્ધ કોઇપણ પ્રકારની નરમાઇ નહીં રાખવામાં આવે. આતંકવાદીઓને, અમે વારંવાર કહ્યું છે કે, મુખ્ય પ્રવાહમાં જોડાવ, ભારતની લોકશાહીમાં આપની વાત કહેવાનો આપને પૂરો અધિકાર છે. પૂરી વ્યવસ્થા છે. અને મુખ્યપ્રવાહ જ દરેકના જીવનમાં નવી ઊર્જા ભરી શકે છે.

અને એટલે મને આનંદ છે કે, આપણા સંરક્ષણદળોના પ્રયાસોથી, ખાસ કરીને ડાબેરી અંતિમવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં, બહુ મોટી સંખ્યામાં નવયુવાનો પાછા આવ્યા, શરણે થયા છે, મુખ્ય પ્રવાહની દિશામાં તેમણે પ્રયાસ કર્યો છે.

સરહદની રક્ષા માટે આપણા જવાન તહેનાત છે. મને ખુશી છે કે, આજ ભારત સરકાર દ્વારા વીરતા પુરસ્કાર જીતનારા, આપણા દેશને ગૌરવ આપનારા વીરો છે, એમની પૂરી માહિતી સાથે આજે એક વીરતા પુરસ્કાર મેળવનારા વીરો આધારિત પોર્ટલ પણ શરૂ કરાઈ રહ્યું છે. જેથી દેશની નવી પેઢીને આપણા આ વીર બલિદાનીઓ વિષે ઘણીબધી વિગતો મળી શકે છે.

ટેકનોલોજીની મદદથી દેશમાં પ્રામાણિકતાને વેગ આપવાનો અમારો ભરપૂર પ્રયાસ છે. કાળા નાણાં વિરૂદ્ધની અમારી લડાઇ ચાલુ રહેશે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ રહેશે. અને અમે ધીરેધીરે ટેકનોલોજીને દાખલ કરીને આધારની વ્યવસ્થાને જોડીને પારદર્શિતા લાવવાની દિશામાં અનેકવિધ સફળ પ્રયાસ કર્યા છે. અને દુનિયાના કેટલાક લોકો ભારતના આ મોડેલની ચર્ચા પણ કરે છે. અને તેનું અધ્યયન પણ કરે છે.

સરકારે પણ ખરીદી કરવામાં પરિવર્તન આણ્યું છે. હવે હજારો કિલોમીટર દૂર બેઠેલો ગામનો નાગરિક પણ સરકારને પોતાનો માલસામાન વેચી શકે છે. પોતાનું ઉત્પાદન પૂરૂં પાડી શકે છે. એને કોઇ મોટાની જરૂર નથી. વચેટિયાની જરૂર નથી. “જેમ” નામનું એક પોર્ટલ બનાવ્યું છે. “gem” તેના દ્વારા સરકાર ખરીદી કરી રહી છે. ખૂબ મોટા પ્રમાણમાં પારદર્શિતા લાવવામાં સફળતા મળી છે.

ભાઇઓ-બ્હેનો, સરકારની યોજનાઓમાં ઝડપ વધી છે. જયારે કોઇ કામમાં વિલંબ થાય છે, તો તે માત્ર એ યોજનાનો વિલંબ નથી હોતો, તે કેવળ નાણાના ખર્ચ સાથે જોડાયેલો વિષય નથી હોતો. જયારે કોઇપણ કામ અટકી જાય છે, રોકાઇ જાય છે, ત્યારે સૌથી વધુ નુકસાન, મારા ગરીબ કુટુંબોને થતું હોય છે. મારા ગરીબ ભાઇઓ-બહેનોને થાય છે. અમે નવ મહિનામાં મંગળ ગ્રહ સુધી પહોંચી શકીએ છીએ, એ આપણી શક્તિ છે. પરંતુ સરકારના કામકાજની દર મહિને જેમ હું સમીક્ષા કરૂં છું, તેમાં એકવાર એવી વાત મારા ધ્યાન પર આવી, 42 વરસ જૂની એક પરિયોજના, રેલવેના પાટાની 70-72 કિલોમીટરની યોજના, 42 વરસથી અટકેલી હતી, લટકતી હતી, ભાઇઓ-બહેનો નવ મહિનામાં મંગળગ્રહ સુધી પહોંચવાનો શક્તિવાળો મારો દેશ, 42 વરસ સુધી 70-72 કિલોમીટરના રેલવેના પાટા ન પાથરી શકે ત્યારે ગરીબના મનમાં સવાલ ઊભો થાય છે કે, મારા દેશનું શું થશે ? અને આવી બાબતો પર અમે ધ્યાન આપ્યું છે. આવી બાબતો બદલવા માટે અમે નવી નવી ટેકનોલોજીઓ અમલમાં મૂકી છે. જીયો ટેકનોલોજીનો વિષય હોય, અવકાશ ટેકનોલોજીનો વિષય હોય, આ તમામ બાબતોને જોડીને અમે તેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે.

તમે જોયું હશે, એક સમય એવો હતો, યુરિયા માટે રાજય અને કેન્દ્ર વચ્ચે તણાવ રહેતો, કેરોસીન માટે રાજય અને કેન્દ્ર વચ્ચે તંગદિલી રહેતી હતી. એક એવું વાતાવરણ હતું જાણે કેન્દ્ર મોટો ભાઇ હોય, અને રાજય નાનો ભાઇ હોય. અમે પહેલા જ દિવસથી આ દિશામાં કામ કર્યું. કારણ કે, વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યો છું, એટલે મને ખબર છે કે, દેશના વિકાસમાં રાજયોનું કેટલું મહત્વ હોય છે. મુખ્યંમત્રીઓનું કેટલું મહત્વ છે. રાજયોની સરકારોનું કેટલું મહત્વ છે. તેની મને પૂરેપૂરી સમજ છે. અને એટલા માટે સહકારી સંઘીય વ્યવસ્થા, અને હવે સ્પર્ધાત્મક સંઘીય વ્યવસ્થા ઉપર અમે ભાર આપ્યો છે. અને આપે જોયું હશે, આજે દરેક નિર્ણય, અમે મળીને લઈ રહ્યા છીએ.

તમને યાદ હશે આ જ લાલકિલ્લાની પ્રાચિરથી, દેશના રાજયોની વીજકંપનીઓની દુર્દશાની ચર્ચા એક પ્રધાનમંત્રીએ કરી હતી. લાલકિલ્લા પરથી ચિંતા વ્યકત કરવી પડી હતી. આજે અમે રાજયોને લઇને, ઉદય યોજના દ્વારા રાજયોને સત્તા આપીને વીજળીના કારખાનાઓના સંચાલનમાં જે સમસ્યાઓ હતી તેના ઉકેલનું કામ હળીમળીને કર્યું. સંઘીય વ્યવસ્થાનો આ એક બહુ મોટો પુરાવો છે.

જીએસટીની સાથેસાથે, ચાહે સ્માર્ટસીટીના નિર્માણની વાત હોય, ચાહે સ્વચ્છતાનું અભિયાન હોય, ચાહે શૌચાલયની ચર્ચા હોય, વેપાર-ધંધાની સરળતાની વાત હોય, આ તમામ વિષયો એવા છે કે, જેમાં આપણા દેશના બધા રાજયો સાથે ભારતની સરકાર ખભેખભો મેળવીને ચાલવામાં ખૂબ સફળ થઇ રહી છે.

મારા વ્હાલા દેશવાસીઓ, નૂતન ભારતમાં લોકશાહી આપણી સૌથી મોટી શક્તિ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે, આપણે લોકતંત્રને મતપત્ર પૂરતું જ મર્યાદિત કરી દીધું છે. લોકતંત્ર મતપત્ર પૂરતું મર્યાદિત નથી કરી શકાતું, અને એટલા માટે અમે નૂતન ભારતમાં એ લોકતંત્રને બળ આપવા માગીએ છીએ, જેમાં તંત્રથી લોક નહીં, પરંતુ લોકોથી તંત્ર ચાલે એવું લોકતંત્ર – ન્યૂ ઇન્ડિયા – નૂતન ભારતની ઓળખ બને એ દિશામાં અમે જવા માગીએ છીએ.

લોકમાન્ય તિલકજીએ કહ્યું હતું. “ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આઝાદ ભારતમાં આપણા સહુનો મંત્ર હોવો જોઇએ, ” “ સુરાજય મારો જન્મસિદ્ધ અધિકાર છે. ” સુરાજય આપણા સૌની ફરજ હોવી જોઇએ. નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જોઇએ. સરકારોએ પોતાની જવાબદારી નિભાવવી જોઇએ.

સ્વરાજયથી સુરાજય તરફ ચાલવું હોય તો દેશવાસી પાછળ નથી રહેતા. મેં જયારે ગેસ સબસીડી છોડવાનું કહ્યું તો દેશ આગળ આવ્યો. સ્વચ્છતાની વાત કરી તો આજે પણ હિંદુસ્તાનના ખૂણે-ખૂણામાં કોઇક ને કોઇક સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહ્યું છે. જયારે નોટબંધીની વાત આવી, દુનિયાને આશ્ચર્ય થયું હતું. ત્યાં સુધી લોકો કહેતા હતા. “ હવે મોદી ગયા ” પરંતુ નોટબંધીમાં સવાસો કરોડ દેશવાસીઓએ જે ધીરજ બતાવી, જે વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે તેનું જ પરિણામ છે કે, આજે ભ્રષ્ટાચારને નાથવામાં અમે એક પછી એક પગલાં ભરવામાં સફળ થઇ રહ્યા છીએ. આપણા દેશ માટે આ નવી લોકભાગીદારીની પરંપરા, લોકભાગીદારીથી જ દેશને આગળ લઇ જવાનો અમારો પ્રયાસ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, લાલબહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. આપણા દેશના ખેડૂતે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજ આપણો ખેડૂત વિક્રમી પાક ઉત્પાદન આપી રહ્યો છે. કુદરતી આફતો વચ્ચે પણ તે નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. કઠોળનું ઉત્પાદન વિક્રમજનક થયું છે. અને મારા વ્હાલા ભાઇઓ-બહેનો, મારા ખેડૂત ભાઇઓ-બહેનો, હિંદુસ્તાનમાં કયારેય સરકારમાં દાળ ખરીદવાની પરંપરા જ નહોતી. અને ક્યારેક એકાદવાર હોય તો હજારોમાં જ હજાર ટનના હિસાબથી હિસાબ થતો હતો. આ વખતે જ્યારે મારા દેશના ખેડૂતોએ દાળ ઉત્પાદન કરીને ગરીબને પૌષ્ટિક આહાર આપવાનું કાર્ય કર્યું, તો 16 લાખ ટન દાળ, સરકારે ખરીદીને ઐતિહાસિક કાર્ય કરીને આ કાર્યને પ્રોત્સાહન આપ્યું.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એક સુરક્ષા કવચ મારા ખેડૂત ભાઈઓને મળ્યું છે. ત્રણ વર્ષ પહેલા માત્ર સવા ત્રણ કરોડ ખેડૂત આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જે પહેલા બીજાના નામથી ચાલતી હતી તેનો લાભ લેતા હતા. આજે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ઘણા ઓછા સમયમાં ઘણા નવા ખેડૂતો આની સાથે જોડાઈ ગયા છે અને લગભગ આ સંખ્યા વધીને પોણા છ કરોડ સુધી પહોંચી ગઈ છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ખેડૂતો ને જો પાણી મળે તો માટીમાંથી સોનું ઉગાડવાનીતાકાત રાખે છે અને એટલે જ ખેડૂતોને પાણી પહોંચાડવા માટે મેં ગઈ વખત લાલકિલ્લા પરથી કહ્યું હતું, એ યોજનાઓમાંથી 21 યોજનાઓ અમે પૂરી કરી ચૂક્યા છીએ. અને બાકી 50 યોજનાઓ ટૂંક સમયમાં પૂરી થઇ જશે. અને કુલ 99 યોજનાઓનો મેં સંકલ્પ લીધો છે. 2019 પહેલાં તે 99 મોટીમોટી યોજનાઓ પરિપૂર્ણ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ અમે પૂરૂં કરીશું. અને જયાં સુધી આપણે બિયારણથી બજાર સુધી વ્યવસ્થા નહીં આપીએ ત્યાં સુધી આપણા ખેડૂતનું ભાગ્ય આપણે નહીં બદલી શકીએ. અને એટલા માટે, આંતરમાળખું જોઇએ, તેના માટે પુરવઠા સાંકળ જોઇએ, દર વર્ષે લાખો કરોડ રૂપિયાના આપણા શાકભાજી, આપણા ફળ, આપણી ખેતઉપજ નાશ પામે છે. એટલા માટે આ સ્થિતિને બદલવા માટે પહેલું તો સીધા વિદેશી મૂડીરોકાણોને ઉત્તેજન આપ્યું, જેથી ફૂડપ્રોસેસિંગમાં દુનિયા આપણી સાથે જોડાય.

આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા પ્રોત્સાહન આપ્યું. અને ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના અમલમાં મૂકી છે. જેના કારણે એ વ્યવસ્થાઓનું નિર્માણ થઈ શકે જે બિયારણથી બજાર સુધી ખેડૂતો માટે વ્યવસ્થા ઊભી કરીશું અને આપણા કરોડો ખેડૂતોના જીવનમાં એક નવું પરિવર્તન લાવવામાં આપણે સફળ થઇશું.

બદલાતી માગ અને ટેકનોલોજીના કારણે આપણા દેશમાં કામના પ્રકારમાં પણ બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે. રોજગાર સાથે જોડાયેલી યોજનાઓમાં, તાલીમની રીતભાતમાં એકવીસમી સદીની જરૂર મુજબ માનવસંસાધનના વિકાસ માટે ભારત સરકારે અનેક નવી યોજનાઓ હાથ પર લીધી છે. નવયુવાનોને કોઇનીયે બાંહેધરી વિના બેંકો પાસેથી ધિરાણ મળે તે માટે બહુ મોટું અભિયાન શરૂ કર્યું છે. આપણો નવયુવાન પોતાના પગ પર ઊભો થાય, તે રોજગાર મેળવનારો નહીં, રોજગારી આપનારો બને તે માટે વ્યવસ્થા કરી છે. અને છેલ્લાં ત્રણ વર્ષમાં આપે જોયું છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લીધે કરોડો નવયુવાન પગભર થયા છે. એટલું જ નહીં, એક નવયુવાન બીજા એક-બે અથવા ત્રણ લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છે.

શિક્ષણના ક્ષેત્રમાં, વિશ્વ કક્ષાની યુનિવર્સિટી બનાવવા માટે અને અંકુશોથી મુક્તિ આપવાનું એક મોટું મહત્વનું પગલું ભર્યું છે. 20 યુનિવર્સિટીઓને આહવાન કર્યું છે કે, તમે તમારા ભાગ્યનું નિર્માણ કરો. સરકાર વચ્ચે કયાંય નહીં આવે. ઉલટાનું સરકાર વધારાની એક હજાર કરોડ રૂપિયા સુધીની મદદ કરવા માટે પણ તૈયાર છે. અમે આહવાન કર્યું છે. મારા દેશની શિક્ષણ સંસ્થાઓમાં મને વિશ્વાસ છે. ચોક્કસ આગળ આવશે અને આ આહવાનને સફળ બનાવશે.

છેલ્લાં ત્રણ વર્ષમાં 6 આઇ.આઇ.ટી., 7 નવી આઇ.આઇ.એમ., 8 નવી ટ્રીપલ આઇ.ટી.નું નિર્માણ કરાયું છે. અને શિક્ષણને નોકરીની સાથે જોડવાનું કામ પણ અમે કર્યું છે.

મારી માતાઓ-બહેનો આજે બહુ મોટી સંખ્યામાં રોજગાર માટે જાય છે. અને એટલા માટે રાત્રે પણ એમને રોજગારીની તક મળે કારખાનામાં, કામ કરવાની તક મળે તે માટે મજૂર કાયદામાં ફેરફાર કરવાનું બહું મોટું મહત્વનું પગલું અમે ભર્યું છે.

આપણી માતાઓ-બહેનો, પરિવારનું પણ એક મહત્વનું અંગ છે, આપણા ભવિષ્યનું ઘડતર કરવા માટે આપણી માતાઓ-બહેનોનું યોગદાન બહુ મોટું હોય છે. અને એટલા માટે પ્રસુતીની રજા જે અગાઉ 12 અઠવાડિયાની હતી તે વધારીને 26 અઠવાડિયાની, આવક ચાલુ રહે તે રીતે આપવાનું કામ કર્યું છે.

હું આજે  આપણી મહિલાઓના સશક્તિકરણના કામની બાબતમાં સરકારના પગલાની હું વાત કરૂં છું. ખાસ કરીને હું તે બહેનોને ધન્યવાદ આપવા માગું જે ત્રણ તલાકના કારણે ખૂબ જ દયાજનક જીવન જીવવા મજબૂર થતી હતી. કોઇ આશરો નહોતો બચતો. અને એવી ત્રણ તલાકથી પિડીત બહેનોએ આખા દેશમાં એક આંદોલન ચલાવ્યું. દેશના બુદ્ધિજીવી વર્ગને હચમચાવી નાખ્યો. દેશના પ્રસાર માધ્યમોએ પણ તેમની મદદ કરી. પૂરા દેશમાં ત્રણ તલાક વિરૂદ્ધ એક વાતાવરણ ઊભું થયું. આ આંદોલન શરૂ કરનારી તે મારી બહેનોને, જે ત્રણ તલાક વિરૂદ્ધ લડાઇ લડી રહી છે, તેમને હું મારા હાર્દિક અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે, તે માતાઓ-બહેનોને હક અપાવામાં, તેમની આ લડાઇમાં આખો દેશ પૂરી મદદ કરશે. અને મહિલા સશક્તિકરણ આ મહત્વના પગલામાં તેઓ સફળ થઇને જ રહેશે તેવો મને પૂરો વિશ્વાસ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, કોઇકોઇ વાર આસ્થાના નામે, ધીરજના અભાવે કેટલાક લોકો એવાં કામ કરી બેસે છે, જે સમાજના તાણા-વાણાને વીંખી નાખે છે. દેશ શાંતિ, એકતા અને સદભાવથી ચાલે છે. જાતિવાદનું ઝેર, સંપ્રદાયવાદનું ઝેર, દેશનું કયારેય ભલું નથી કરી શકતું. આ તો ગાંધીની ભૂમિ છે, બુદ્ધની ભૂમિ છે. સૌને સાથે લઇને ચાલવાનું આ દેશને સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે. આપણે તેને સફળતાપૂર્વક આગળ વધારવાની છે. અને એટલા માટે આસ્થાના નામે હિંસાને ટેકો ના આપી શકાય.

હોસ્પિટલમાં કોઇ દર્દીને કંઇ થઇ જાય, હોસ્પિટલ સળગાવી દેવાય, અકસ્માત થઇ જાય, ગાડીઓ સળગાવી દેવાય, આંદોલન કરે, સરકારી સંપત્તિને સળગાવી દેવાય. આઝાદ હિંદુસ્તાનમાં આ કોનું છે? આપણા સૌનું, સવાસો કરોડ દેશવાસીઓની આ સંપત્તિ છે. આ સાંસ્કૃતિક વારસો કોનો છે? એ આપણો, સવાસો કરોડ દેશવાસીઓનો સાંસ્કૃતિક વારસો છે. આ આસ્થા કોની છે? આપણે સવાસો કરોડ દેશવાસીઓની આસ્થા છે. અને એટલા માટે, આસ્થાના નામે હિંસાનો માર્ગ આ દેશમાં કયારેય ચાલી ન શકે. આ દેશ તેને કયારેય સ્વીકારી ન શકે. અને એટલા માટે હું દેશવાસીઓને આગ્રહ કરી રહ્યો છું કે તે સમયે ભારત છોડોનો નારો હતો. આજનો નારો છે “ભારત જોડો” દરેક વ્યકિતને આપણે સાથે લેવાની છે. તમામ લોકોને સાથે લેવાના છે, સમાજના દરેક વર્ગને સાથે લેવાનો છે. અને સૌને સાથે લઇ આપણે દેશને આગળ વધારવાનો છે.

સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણું મજબૂત અર્થતંત્ર જોઇએ. સમતોલ વિકાસ જોઇએ. આગળની પેઢીનું આંતરમાળખું જોઇએ. તો જ આપણા સપનાના ભારતને આપણી આંખો સામે આપણે જોઇ શકીએ છીએ.

ભાઇઓ, બહેનો, અમે ત્રણ વર્ષમાં અગણિત નિર્ણયો કર્યા છે. કેટલીક બાબતો ધ્યાનમાં લેવાઇ છે, કેટલીક કદાચ ધ્યાનમાં નથી આવી. પણ એક વાત મહત્વની છે, કે જયારે તમે આટલું મોટું પરિવર્તન લાવો છો, તો અડચણો આવે છે, ગતિ અટકી જાય છે, પરંતુ આ સરકારની કાર્યશૈલી જૂઓ. એ ટ્રેન પણ કોઇ સ્ટેશનેથી પસાર થાય છે, અને જયારે પાટો બદલે છે તો 60ની ઝડપે ચાલતી ટ્રેનને ઘટાડીને 30 પર લાવવી પડે છે. પાટો બદલતી વખતે ટ્રેનની ઝડપ ઓછી થઇ જાય છે. અને પૂરા દેશને એક નવા પાટા પર લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ અમે તેની ઝડપ ઓછી નથી થવા દીધી. અમે તેની ઝડપ યથાવત્ રાખી છે. પછી જીએસટી લાવ્યા હોઇએ, કોઇપણ કાયદો લાવ્યા હોઇએ, કોઇ પણ નવી વ્યવસ્થા લાવ્યા હોઇએ, અને તેનો અમલ કરવામાં સફળ થયા છીએ. અને આગળ પણ અમે કરીશું.

અમે આંતરમાળખા પર ભાર આપ્યો છે. આંતરમાળખા પર અભૂતપૂર્વ ખર્ચા કરાઇ રહ્યો છે. રેલવે સ્ટેશનોનું આધુનીકરણ હોય, નાના શહેરોમાં ચાહે વિમાનઘર બનાવવાનું હોય, ચાહે જળમાર્ગની વ્યવસ્થા કરવાની હોય, ચાહે નવા રસ્તા બનાવવાના હોય, ભલે ગેસગ્રીડ બનાવવાની હોય, ભલે પાણીની ગ્રીડ બનાવવી હોય, ભલે ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક ગોઠવવાનું હોય, દરેક પ્રકારના આધુનિક આંતરમાળખા પર અમે ખૂબ જોર આપી રહ્યા છીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, 21મી સદીમાં ભારતની પ્રગતિ માટેનું સૌથી ઊર્જાવાન ક્ષેત્ર છે, આપણું પૂર્વીય ભારત, એટલી સુષુપ્ત શક્તિઓ છે, સાર્મ્થ્યવાન માનવ સંસાધન છે, અફાટ પ્રાકૃતિક સંપદા છે, મહેનતુ માણસો છે, સંકલ્પ કરીને જીવન બદલવાની તાકાત છે. અમારૂં પૂરૂં ધ્યાન, પૂર્વીય ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, આસામ, ઇશાન ભારત, ઉડીશા જેવા રાજયો પર છે. આ એવા આપણા સમર્થ રાજયો છે. જયાં કુદરતી સંપત્તિ ભરપૂર છે. તેને આગળ વધારીને દેશને એક નવી ઊંચાઇએ લઇ જવાની દિશામાં અને પ્રયત્નરત છીએ.

ભાઇઓ-બહેનો, ભ્રષ્ટાચારમુક્ત ભારત, એક બહુ મહત્વના કામને જોર આપવાનો અને પ્રયાસ કરી રહ્યા છીએ. સરકાર બન્યા પછી પહેલું કામ કર્યું હતું, એસઆઇટી-(ખાસ તપાસ ટુકડી) બનાવવાનું. આજ ત્રણ વર્ષ પછી હું દેશવાસીઓને ગર્વથી જણાવવા માગું છું કે, ત્રણ વર્ષની અંદર લગભગ સવાલાખ કરોડ રૂપિયાથી વધુ કાળું નાણું અમે ખુલ્લું પાડ્યું છે. પકડ્યું છે અને તેને શરણે કરવા મજબૂર કર્યા છે.

ત્યાર પછી અમે નોટબંધીનો નિર્ણય કર્યો. નોટબંધીથી અમે અનેક મહત્વની સફળતાઓ મેળવી છે. જે કાળુંનાણું છુપાયેલું હતું તેણે મુખ્યપ્રવાહમાં આવવું પડ્યું. અને આપે જોયું હશે કે અમે ત્યારે 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ વધારતા જતા હતા, કયારેક પેટ્રોલ પંપ પર, કયારેક દવાની દુકાન પર, કયારેય રેલવે સ્ટેશન પર જૂની નોટ સ્વીકારવાનું ચાલુ રાખતા હતા. અમારો એ પ્રયાસ હતો કે, એકવાર જે નાણું છે એ બેંકોમાં ઔપચારિક અર્થતંત્રનો ભાગ બની જાય, અને એ કામને અમે સફળતાપૂર્વક પૂરૂં કર્યું. અને તેનું પરિણામ એ થયું છે કે, તાજેતરમાં જે સંશોધન થયું છે, તે પ્રમાણે લગભગ 3 લાખ કરોડ રૂપિયા આ સરકારનું સંશોધન નથી, બિહારના નિષ્ણાતે કર્યું છે, નોટબંધી પછી 3 લાખ કરોડ રૂપિયા જે વધારાના હતા અને બેંકિંગ વ્યવસ્થામાં પાછા નહોતા આવતા, એ આવ્યા છે.

બેંકોમાં જમા કરાવવામાં આવેલી રકમમાં પોણા બે લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ શંકાસ્પદ છે. કમ સે કમ બે લાખ કરોડ રૂપિયાથી વધુ કાળા નાણાંને બેંકો સુધી આવવું પડે છે. અને હવે, વ્યવસ્થાતંત્રને તેનો જવાબ આપવાની ફરજ પડી છે. નવા કાળા નાણાં ઉપર પણ બહુ મોટો અંકુશ આવી ગયો છે. આ વર્ષે તેનું પરિણામ જૂઓ. પહેલી એપ્રિલથી પાંચ ઓગષ્ટ સુધીમાં આવકવેરા રીટર્ન ભરનારા નવા વ્યક્તિગત કરદાતાઓનો આંકડો 56 લાખ થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો માત્ર 22 લાખ હતો. બમણાથી પણ વધુ રીટર્ન ભરાયા છે. કાળા નાણાં સામેની અમારી લડાઇનું આ પરિણામ છે.

અઢાર લાખથી વધારે એવા લોકોને ઓળખી કઢાયા છે. જેમની આવક એમના હિસાબો કરતા વધુ છે. અનહદ વધારે છે. અને એટલા માટે આ તફાવતનો તેમણે જવાબ આપવો પડે છે. તેમાંથી સાડાચાર લાખ લોકો સામે આવ્યા છે, પોતાની ભૂલ સ્વીકારીને યોગ્ય રસ્તા પર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક લાખ લોકો એવા સામે આવ્યા છે જેમણે કયારેય જીવનમાં આવકવેરાનું નામ પણ સાંભળ્યું નહોતું. એમણે આવકવેરો ભર્યો નહોતો કે ના કયારેય તેના વિષે વિચાર્યું હતું. પણ આજે તેમને એ કરવું પડે છે.

ભાઇઓ-બહેનો, આપણા દેશમાં જો બે-ચાર કંપનીઓ પણ કયાંય બંધ થઇ જાય તો ચોવીસેય કલાક એના પર ચર્ચા ચાલતી હતી. અર્થતંત્ર ખતમ થઇ ગયું. આ થયું, તે થઇ ગયું. કોણ જાણે કેટલીયે વાતો થતી હતી. તમને જાણીને નવાઇ લાગશે, કાળાનાણાંનો કારોબાર કરનારા, ભૂતિયા કંપનીઓ ચલાવતા હતા. નોટબંધી પછી જયારે માહિતી તપાસવામાં આવી તો ત્રણ લાખ એવી કંપનીઓ પકડાઇ જે માત્રને માત્ર ભૂતિયા કંપનીઓ છે, હવાલાનો કારોબાર કરે છે. ત્રણ લાખ ! કોઇ કલ્પના કરી શકે છે?! અને તેમાંથી પોણા બે લાખ કંપનીઓની નોંધણી અમે રદ કરી છે. પાંચ કંપનીઓ બંધ થઇ જાય તો હિંદુસ્તાનમાં હોબાળો મચી જાય છે. પોણા બે લાખ કંપનીઓને તાળાં મારી દેવાયા. દેશનો માલ લુંટનારાને જવાબ આપવો પડશે. આ કામ અમે કરી બતાવ્યું છે.

આપને નવાઇ લાગશે, કેટલીક ભૂતિયા કંપનીઓ એવી હતી જે એક જ સરનામે 400-400 કંપનીઓ ચાલતી હતી. ભાઇઓ-બહેનો 400-400 કંપનીઓ! કોઇ જોનારૂં – નહોતું, કોઇ પૂછનારૂં જ નહોતું, બધો ગોટાળો જ ચાલતો હતો અને એટલા માટે મારા ભાઇઓ-બહેનો, મેં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરૂદ્ધ એક બહુ મોટું યુદ્ધ શરૂ કર્યું છે. દેશની ભલાઇ માટે, દેશના ગરીબોના કલ્યાણ માટે, દેશના નવયુવાનોનું ભવિષ્ય ઘડવા માટે….

ભાઇઓ-બહેનો એક પછી એક પગલાં ભરવાના શરૂ કર્યાં છે. અને મને વિશ્વાસ છે, જીએસટી પછી તેમાં હજુ વધારો થવાનો છે. વધુ પારદર્શિતા આવવાની છે. એકલા ટ્રકોના પરિવહનમાં જ 30 ટકા સમય ટોલનાકા બંધ હોવાના કારણે બચી ગયો છે. હજારો કરોડ રૂપિયાની બચત થઇ છે. સૌથી મોટી બચત સમયની થઇ છે. બીજી રીતે તેની કાર્યક્ષમતા 30 ટકા વધી છે. તમે કલ્પના કરી શકો છો કે ભારત જેવા દેશના ટ્રાન્સપોર્ટ જગતમાં 30 ટકા કાર્યક્ષમતા વધવાનો અર્થ શું થાય છે. એક જીએસટીના કારણે આટલું મોટું પરીવર્તન આવ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ આજે નોટબંધીને કારણે બેન્કો પાસે ધન આવ્યું છે. બેન્કો તેમના વ્યાજદર ઘટાડી રહી છે. મુદ્રા દ્વારા સામાન્ય માણસોને લોન મળી રહી છે. સામાન્ય માનવીઓને પગભર થવાની તક મળી રહી છે. ગરીબ હોય, મધ્યમવર્ગની વ્યકિત હોય, પોતાનું ઘર બનાવવા માગતી હોય તો બેંકો તેમને પૈસા આપવા માટે આગળ આવી રહી છે. ઓછા વ્યાજના દરથી આગળ આવી રહી છે. આ બધું જ દેશના અર્થતંત્રને ગતી આપવા માટે કામ કરી રહ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ હવે સમય બદલાઇ ચૂક્યો છે. આપણે 21મી સદીમાં છીએ. વિશ્વનો સૌથી મોટો યુવાન વર્ગ આપણા દેશમાં છે. દુનિયામાં આપણી ઓળખાણ, માહિતી અને ટેકનોલોજી દ્વારા છે. ડિજિટલ વિશ્વ દ્વારા છે. હજી પણ આપણે એ જ જૂની પુરાણી વિચારસરણીમાં રહીશું. અરે એક સમયે ચામડાના સિક્કા ચાલતા હતા. ધીરેધીરે પૂછનારૂં ના રહ્યું. આજે જે કાગળની નોટો છે. સમય આવતા તે બધું નાણું ડિજિટલ સ્વરૂપમાં બદલાવવાનું છે. આપણે નેતાગીરી કરીએ, આપણે જવાબદારી લઇએ, આપણે ડિજિટલ વ્યવહારો તરફ જઇએ, આપણે વિન્મોપને આપણો આર્થિક લેવડ-દેવડનો હિસ્સો બનાવીએ. આપણે પ્રી-પેઇડ દ્વારા પણ કામ કરીએ. અને મને આનંદ છે. કે, આ લેવડ-દેવડથી ડિજિટલ લેવડ-દેવડ વધી છે. ગયા વર્ષની સરખામણીમાં તેમાં 34 ટકાનો વધારો થયો છે. અને પ્રી-પેઇડ ચૂકવણીમાં તેમાં લગભગ 44 ટકાનો વધારો થયો છે. અને એટલા માટે ઓછી રોકડવાળી વ્યવસ્થાને લઇને આપણે આગળ જવું જોઇએ.

મારા વ્હાલા દેશવાસીઓ સરકારની કેટલીક યોજનાઓ એવી છે કે, જે હિંદુસ્તાનના અદના માનવીના ખિસ્સામાં પૈસાની બચત કરે છે. જો તમે એલઇડી બલ્બ લગાવો છો, તો વર્ષના તમારા 1000, 2000, 5000 બચવાના છે. જો આપ, સ્વચ્છ ભારતમાં સફળ થાવ છો તો ગરીબનો દવાનો 7 હજાર રૂપિયાનો ખર્ચ બંધ થાય છે. મોંઘવારી પર અંકુશ તમારા વધતા ખર્ચને રોકવામાં સફળ થયો છે. એ એક રીતે તમારી બચત છે.

જનઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી દવાની દુકાન ગરીબ માટે એક બહુ મોટા આશીર્વાદ બની છે. આપણે ત્યાં હૃદયરોગમાં સ્ટેન્ટ મૂકવાનો જો ખર્ચ થતો હતો તે ઘટાડાયો છે. આવનારા દિવસોમાં ગોઠણના ઓપરેશનનો ખર્ચ ઘટાડવામાં આવશે. અમારી કોશિષ છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના માનવીને ખર્ચ ઓછો થાય અને તેને માટે અમે એક પછી એક પગલા લઈ રહ્યા છીએ.

પહેલાં આપણા દેશમાં રાજયોના મુખ્ય શહેરોમાં ડાયાલીસીસ થતા હતા. અમે નક્કી કર્યું કે, હિંદુસ્તાનના જિલ્લા કેન્દ્રો સુધી ડાયાલીસીસ પહોંચાડીશું, લગભગ સાડાત્રણસો-ચારસો જિલ્લામાં સુવિધા પહોંચાડી દીધી. હવે મફતમાં ડાયાલીસીસ કરાવીને ગરીબનું જીવન બચાવવાનું કામ આજે અમે કરી રહ્યા છીએ.

આજે દેશ ગર્વ લઇ શકે છે કે આપણે દુનિયાની સમક્ષ આપણી વ્યવસ્થાઓ વિકસાવી છે. જીપીએસ સિસ્ટમ દ્વારા “નાવિક” દિશાસૂચન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આપણે સફળ થયા છીએ. “સાર્ક” ઉપગ્રહ દ્વારા આપણે પાડોશી દેશોને મદદ કરવાનું સફળ અભિયાન હાથ ધર્યું છે.

આપણે “તેજસ” યુદ્ધવિમાન દ્વારા આપણી અગત્યતા જણાવી રહ્યા છીએ. “ભીમ”  આધાર એપ દુનિયાની અંદર ડિજિટલ લેવડદેવડ “રૂપે” કાર્ડ કરોડોની સંખ્યામાં છે. અને એ તે કાર્યાન્વિત થઇ જશે, ગરીબોના ખિસ્સામાં હશે તો દુનિયાનું સૌથી મોટું વ્યવહારકાર્ડ બની જશે.

અને એટલા માટે મારા વ્હાલા દેશવાસીઓ, આપને મારો એ જ આગ્રહ છે કે, આપણે નૂતન ભારતનો સંકલ્પ કરીને આગળ વધીએ. વેળાસર કરીએ. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે “અનિમતકાલોઃ પ્રવૃતયોઃ વિપ્લવન્તે ” યોગ્ય સમયે જો કોઇ કામ પૂરૂં કરવામાં ન આવે તો ઇચ્છિત પરિણામ કયારેય નથી મળતું. અને એટલા માટે ટીમ ઇન્ડિયા માટે, સવાસો કરોડ દેશવાસીઓની ટીમ ઇન્ડિયા માટે આજે આપણે સંકલ્પ કરવો પડશે, 2022 સુધીમાં નૂતન ભારતના સર્જનનો, અને આ કામ આપણે પોતે કરીશું, કોઇક કરશે એવું નહીં, આપણે જાતે કરીશું, દેશ માટે કરીશું, પહેલા કરતા સારૂં કરીશું, સમર્પણભાવથી કરીશું, 2022માં ભવ્યદિવ્ય હિન્દુસ્તાન જોવા માટે કરીશું. એના માટે આપણે સૌ મળીને એક એવા ભારતનું નિર્માણ કરીશું, જયાં ગરીબનું પોતાનું પાકું ઘર હોય, વીજળી હોય, પાણી હોય.

આપણે બધાં મળીને એક એવું ભારત બનાવીશું, જયાં દેશનો ખેડૂત ચિંતામાં નહીં, ચેનથી નિંદ્રા લેશે, એ આજે એ જેટલું કમાય છે, 2022 તેનાથી બમણું કમાશે.

આપણે બધાં મળીને એક એવું હિંદુસ્તાન બનાવીશું, જયાં યુવાનો-મહિલાઓને પોતાના સપના સાકાર કરવાની ભરપૂર તકો ઉપલબ્ધ થશે.

આપણે સૌ મળીને એક એવું ભારત બનાવીશું જે આતંકવાદ, સંપ્રદાયવાદ અને જાતિવાદથી મુક્ત હશે.

આપણે સૌ મળીને એક એવું ભારત બનાવીશું, જયાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદ સામે કોઇ બાંધછોડ નહીં હોય.

આપણે સૌ મળીને એક એવું ભારત બનાવીશું જે સ્વચ્છ હશે, સ્વસ્થ હશે, અને સ્વરાજના સ્વપ્નને પૂરું કરશે.

અને એટલા માટે મારા વ્હાલા દેશવાસીઓ આપણે બધાં મળીને વિકાસની આ દોડમાં આગળ ચાલવાનો પ્રયાસ કરીશું.

આજ આઝાદીના 70 વર્ષ પછી આઝાદીના 75 વર્ષની પ્રતીક્ષા વચ્ચે પાંચ વર્ષના મહત્વપૂર્ણ કાર્યકાળમાં એક દિવ્ય, ભવ્ય ભારતનું સપનું લઇને આપણે બધાં દેશવાસી ચાલીએ, એજ એક ભાવ સાથે હું ફરી એકવાર આઝાદીના દિવાનાઓને પ્રણામ કરૂં છું.

સવાસો કરડો દેશવાસીઓના નવા વિશ્વાસ, નવા ઉમંગને પ્રણામ કરૂં છું. અને નવા સંકલ્પ સાથે આગળ વધવા માટે ટીમ ઇન્ડિયાને આહવાન કરું છું.

એ જ ભાવના સાથે આપ સૌને મારી હાર્દિક અનેક અનેક શુભેચ્છાઓ.

ભારત માતી કી જય, વંદે માતરમ્, જયહિંદ…

જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ.

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

વંદે માતરમ્, વંદે માતરમ્, વંદે માતરમ્, વંદે માતરમ્,

સૌનો ખૂબ ખૂબ આભાર.

TR/GP