Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેરીસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ

પેરીસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ


ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

નમસ્કાર,

બોનજોર,

વણક્કમ,

સત શ્રી અકાલ,

કેમ છો!

આજનું આ દ્રશ્ય પોતાની જ રીતે અદ્દભૂત છે અને આ સ્નેહ આત્મીયતાની અવિરત ધારા છે. આ સ્વાગત ઉલ્લાસ ભરી દેનારૂં છે. જ્યારે હું દેશથી દૂર ભારત માતા કી જયનો નાદ સાંભળું છું ત્યારે આ અવાજ ક્યાંથી આવે છે. નમસ્કારથી તો એવુ લાગે છે કે જાણે હું ઘેર આવી ગયો છું અને આપણે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ ત્યાં એક મિની ભારત ચોક્કસપણે બનાવી દઈએ છીએ. અને મને એ કહેવામાં આવ્યું છે કે આજના આ સમારંભમાં ઘણાં બધા લોકો એવા છે કે જે 11-11, 12-12 કલાકની મુસાફરી કરીને અહીં પહોંચ્યા છે. આનાથી મોટો પ્રેમ શું હોઈ શકે છે!

અને આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીના આ જમાનામાં કોઈપણ વ્યક્તિ માટે ઘેર બેસીને લાઈવ ટેલિકાસ્ટ સાંભળવું એ કોઈ મુશ્કેલ કામ નથી. આમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં, આટલે દૂરથી લોકોનું અહિયાં આવવું અને સમય કાઢીને આવવું એ મારા માટે તો એક ખૂબ મોટા સૌભાગ્યનો અવસર પ્રાપ્ત થયો છે. હું આપ સૌને અહિયાં આવવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.

સાથીઓ,

હું આ પહેલાં પણ અનેક વખત ફ્રાંસ આવી ચૂક્યો છું, પરંતુ આ વખતે મારૂં ફ્રાન્સ આવવું ઘણું જ વિશેષ છે. કાલે ફ્રાન્સનો નેશનલ ડે છે. હું ફ્રાન્સની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મહત્વના અવસર પ્રસંગે મને અહિંયા આવવા માટે આમંત્રણ બદલ ફ્રાન્સના લોકોને હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છે.

આજના દિવસે પ્રધાનમંત્રી એલિઝાબેથ બોર્ન વિમાન મથકે મારૂં સ્વાગત કરવા માટે આવ્યા હતા. અને કાલે હું મારા મિત્ર પ્રેસિડેન્ટ મેક્રોન સાથે નેશનલ ડે પરેડનો હિસ્સો બનીશ. આ આત્મિયતા માત્ર બે દેશના નેતાઓ વચ્ચે જ નથી, પરંતુ ભારત અને ફ્રાન્સની અતૂટ દોસ્તીનું પ્રતિબિંબ છે. ફ્રાન્સના રાષ્ટ્રગીતમાં કહેવામાં આવે છે કે માર્શો- માર્શો… આનો અર્થ એવો થાય કે Let’s March- Let’s March આપણે આગળ ધપીએ. અમારે ત્યાં વૈદિક કાળથી જે મંત્ર આપણને પ્રેરણા આપતા આવ્યા છે તેમાં ચરૈવેતિ-ચરૈવેતિ Let’s March- Let’s March. એટલે કે ચાલતા રહો, ચાલતા રહો. આવી ભાવના કાલે આપણને નેશનલ ડે પરેડમાં જોવા મળશે. જ્યારે જળ, ભૂમિ અને આકાશમાં ભારતનું રક્ષણ કરનારી ત્રણ સેનાઓના જવાન કાલે પરેડમાં ભાગ લેવાના છે અને આ જે સંઘ છે તે કંઈક વિશેષ સંઘ છે. સંઘ પણ છે, અલગ અલગ રંગ પણ છે અને ચારે તરફ ઉમંગ પણ છે. આ બાબત સાચે જ અદ્દભૂત છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી માટે આનાથી સારી બીજી પધ્ધતિ કઈ હોઈ શકે છે!

સાથીઓ,

આજે દુનિયા એક નવા વૈશ્વિક ક્રમ તરફ આગળ ધપી રહી છે. ભારતનું સામર્થ્ય અને ભારતની ભૂમિકા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હાલમાં જી-20નું પ્રેસિડેન્ટ છે. પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે કોઈ દેશની પ્રેસિડન્સીમાં આવું બની રહ્યું છે. જ્યારે દેશના ખૂણે ખૂણે 200થી વધુ બેઠકો થઈ રહી છે. સમગ્ર જી-20 સમૂહ ભારતના સામર્થ્યને જોઈ રહ્યો છે અને તેનાથી મંત્રમુગ્ધ છે. ક્લાયમેટ ચેન્જ હોય, ગ્લોબલ સપ્લાય ચેઈન હોય, આતંકવાદ હોય, કટ્ટરવાદ હોય, દરેક પડકારને પાર પાડવા માટેનો ભારતનો અનુભવ, ભારતનો પ્રયાસ દુનિયાને મદદગાર સાબિત થઈ રહ્યો છે.

ભારત કહે છે કે ‘एकम् सत् विप्रा बहुधा वदन्ति’ આનો અર્થ એ થાય કે સત્ય એક જ છે અને તેને વ્યક્ત કરવાની પધ્ધતિઓ અલગ અલગ હોઈ શકે છે. ભારત કહે છે કે ‘आत्मवत् सर्वभूतेषु’ આનો અર્થ એ થાય કે જે કરૂણા, જે આત્મિયતા આપણે પોતાના માટે બતાવીએ છીએ તેવી આત્મિયતા આપણે અન્ય લોકો પ્રત્યે પણ દેખાડવી જોઈએ. ભારત કહે છે કે ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्’. આનો અર્થ એ થાય છે કે આપણે સૌ એક સાથે ચાલીએ, આપણાં મન એક હોય. અને ભારત કહે છે કે ‘वसुधैव कुटुम्बकम्’. એનો અર્થ થાય છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આવી  ભાવના લઈને આપણે એક બહેતર સમાજ, એક બહેતર દુનિયાનું નિર્માણ કરી શકીએ તેમ છીએ. આવી ભાવના સાથે ભારત અને ફ્રાન્સ 21મી સદીના અનેક પડકારો પાર પાડી રહ્યા છે.

એટલા માટે આ મહત્વના સમયમાં વ્યુહાત્મક ભાગીદારીનુ મહત્વ ખૂબ જ વધી ગયુ છે, અને તમે જાણો છો કે કોણ એને મજબૂત કરી રહ્યુ છે….કોણ કરી રહ્યુ છે, કોણ કરી રહ્યુ છે? કયા દેશો આવી ભાગીદારીને નવેસરથી  વિસ્તારી રહયા છે. તમારો જવાબ સાચો નથી. આ મોદી કરી રહયા નથી. આ તમામ લોકો કરી રહયા છે,આ બધુ તમામ લોકો કરી રહયા છે. આપણા લોકોથી લોકો સુધીના સંબંધો, બંને દેશોના લોકો વચ્ચે  પરસ્પર ઉપર વિશ્વાસ, આ ભાગીદારીનો સૌથી મજબૂત આધાર છે.

અહીં નમસ્તે ફ્રાન્સ ફેસ્ટીવલ યોજાય છે. ભારતના લોકો Bonsu India  નો આનંદ મનાવે છે. આપણા બંને દેશોનો વરસો હોય કે ઈતિહાસ,  કલા હોય કે સૌંદર્ય,  કસબ હોય કે સર્જકતા, રાંધણ કલા હોય કે સંસ્કૃતિ, ફેશનહોય કો ફિલ્મ, આ બધુ આપણે સૌને જોડે છે.આ બધુ આપણે સૌને સાથે લાવે છે.ફ્રાન્સનો ફૂટબૉલ પ્લેયર, ફૂટબૉલર, એની લોકપ્રિયતા તો તમે ભારતમાં આવીને જુઓ. કિલિયન એમ્બાપ્પેના જેટલા મિત્રો  ફ્રાન્સમાં નહી હોય, તેનાથી વધુ તે ભારતના યુવાનોમાં સુપરહીટ છે.

સાથીયો,

મારો પોતાનુ વ્યક્તિગત રીતે ફ્રાન્સ માટેનુ આકર્ષણ ખૂબ જૂનુ છે અને હું તેને ક્યારેય ભૂલી શકુ તેમ નથી.આશરે 40 વર્ષ પહેલાં અમદાવાદમાં એક કલ્ચરલ સેન્ટર એલાયન્સ ફ્રાન્સેની શરૂઆત થઈ હતી, અને ભારતમાં ફ્રાન્સના આ કલ્ચરલ સેન્ટરનો પ્રથમ સભ્ય આજે તમારી સાથે વાત કરી રહયો છે. અને મજા એ વાતની છે કે થોડા વર્ષ પહેલાં ફ્રાન્સ સરકારે  જૂના રેકર્ડમાંથી મારૂ ત્યાંનુ આઈકાર્ડ, કાઢીને  એની ઝેરોક્ષ મને આપી છે, અને આ ભેટ  મારા માટે આજે પણ અમૂલ્ય છે.

સાથીયો,

ભારત અને ફ્રાન્સના ઐતિહાસિક સંબંધો અંગે કહેવા માટે મારી પાસે એટલુ બધુ છે કે ખૂબ લાંબો સમય નીકળી જશે….પછી તમારૂ શું થશે? હું જ્યારે પહેલીવાર  વર્ષ 2015માં ફ્રાંસ આવ્યો ત્યારે નેવ ચાપેલ ગયો હતો. ત્યારે મેં ત્યાં પ્રથમ વિશ્વ યુધ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રધ્ધાંજલી આપી હતી. 100 વર્ષ અગાઉ આ ભારતીય સૈનિક, ફ્રાંસના ગૌરવની રક્ષા કરતાં કરતાં શહીદ થયા હતા.  પોતાનુ કર્તવ્ય નિભાવતાં તે ફ્રાંસની ધરતી પર શહીદ થયા હતા. ત્યારની એ ક્ષણ ખૂબ જ ભાવનાત્મક હતી.

દોસ્તો એ વખતે જે રેજીમેન્ટના જવાનો અહીં યુધ્ધમાં સામેલ થયા હતા. તેમાંથી એક પંજાબ રેજીમેન્ટ કાલે અહીં નેશનલ ડે પરેડમાં ભાગ લેવાની છે.100 વર્ષના આ ભાવનાત્મક સંબંધો કોઈની ભલાઈ માટે સર્વોચ્ચ બલિદાન આપવાની પરંપરા માટે ખૂબ જ પ્રેરણારૂપ છે. દોસ્તો, એવો કયો ભારતીય હશે કે જેને આ વાતનું ગૌરવ ના થાય. એ સમયે નિભાવવામાં આવેલા કર્તવ્યને, સમર્પણને આ ધરતી પર આજે આટલા ગૌરવ અને સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે…. થેન્ક્યુ ફ્રાન્સ.

મને વિશ્વાસ છે કે તમે ભારત અને ફ્રાન્સના સંબંધોને મજબૂત બનાવવા માટે જે કાંઈ કરી રહ્યા છો તે યોગદાનને હું આજે બતાવી રહ્યો છું, તમારા માટે કહી રહ્યો છું. તમે આજે જે કાંઈ કરી રહ્યા છો તે કર્તવ્ય ભાવથી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

સાથીઓ,

ભારતનું ગૌરવ ગાન કરતાં કરતાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આઝાદી, સમાનતા અને બંધુત્વ જેવા ત્રણ શબ્દોની શક્તિ દુનિયાને સમજાવનારો દેશ ફ્રાન્સ છે. આવું મહાત્મા ગાંધીએ કહ્યું હતું. જે સમયે વિશ્વના મોટા ભાગના દેશ ભારતને માત્ર આધિપત્ય જમાવવાની દ્રષ્ટિથી જોતા હતા ત્યારે નોબેલ પુરસ્કાર વિજેતા રોમા રોલાએ કહ્યું હતું કે ભારત એ આપણી સંસ્કૃતિની માતા છે. ભારતનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ, ભારતનો અનુભવ વિશ્વ કલ્યાણ માટે ભારતના પ્રયાસોનો વ્યાપ ઘણો મોટો છે. ભારત એ લોકશાહીની માતા છે અને ભારતનું વૈવિધ્ય ધરાવતું મોડલ અમારી ખૂબ મોટી શક્તિ છે, ઘણી મોટી તાકાત છે. હું આપને એક  ઉદાહરણ આપું છું, દાખલો આપવા માંગું છું.

સાથીઓ,

આપણે ત્યાં કહેવત છે કે કોસે કોસે બદલે પાણી, ચાર  કોસ પર વાણી. આનો અર્થ એ થાય છે કે થોડાંક અંતર પછી ભારતમાં પાણીનો સ્વાદ બદલાઈ જાય છે અને વાણી એટલે કે ભાષા પણ બદલાઈ જાય છે. ભારતમાં 100થી વધુ ભાષાઓ છે, 1,000થી વધુ બોલીઓ છે. આ 100થી વધુ ભાષાઓમાં દરરોજ 32,000 અલગ અલગ સમાચાર પત્રો છપાતાં રહે છે. આ 100થી વધુ ભાષાઓમાં 900થી વધુ ન્યૂઝ બ્રોડકાસ્ટ એટલે કે ચેનલ પર, ટીવી પર ન્યૂઝ બ્રોડકાસ્ટ થાય છે.  આ 100થી વધુ ભાષાઓમાં આશરે 400 રેડિયો ચેનલ્સ બ્રોડકાસ્ટ કરે છે.

ભારતમાં આજે લખવા માટે અનેક લીપીઓ છે, હસ્તલિપિઓ છે. અમારા માટે ગૌરવની બાબત એ છે કે ભારત આજે પોતાની આ મહાન પરંપરાને જીવંત રાખી રહ્યો છે. ભારતની શાળાઓમાં, ભારતના અલગ અલગ ખૂણાઓમાં આશરે 100 જેટલી ભાષાઓ ભણાવવામાં આવે છે અને ઘણાં લોકોને એ બાબતનો પણ ખ્યાલ નહીં હોય કે દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ છે. અને એનાથી મોટો કયો ગર્વ હોઈ શકે  કે દુનિયાની સૌથી જૂની તમિલ ભાષા એ ભારતની ભાષા છે. આપણા સૌ ભારતીયોની ભાષા છે.

અને સાથીઓ,

ભારતીય ભાષાઓની આ વિવિધતાનો આનંદ દુનિયા પણ લઈ રહી છે. થોડાંક દિવસ પહેલાં  તમે જોયું હશે કે ટેનિસના મહાન ખેલાડી રોઝર ફેડરરને વિમ્બલડનનો થલાઈવા કહેવામાં આવતો હતો. આ વિવિધતા અમારી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. આજે આ તાકાતના જોર ઉપર અમે ભારતીયો અમારા સપનાં પૂરાં કરી રહ્યા છીએ, દેશ અને દુનિયાને આગળ ધપાવી રહ્યા છીએ. આજે કોણ એ સાંભળીને ગર્વથી સભર નહીં બને કે ભારત 10 વર્ષમાં દુનિયાના દસમાંથી પાંચમી સૌથી મોટી ઈકોનોમી (અર્થતંત્ર) બની ગયું છે અને આજે તેનો ગર્વ માત્ર ભારતીયોને જ નથી થઈ રહ્યો, આજે સમગ્ર દુનિયા એવો વિશ્વાસ કરી રહી છે કે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવામાં વાર નહીં લાગે.

તમે તાજેતરમાં બહાર પડેલા યુનોનો એક અહેવાલ પણ ચોક્કસ જોયો હશે. આ અહેવાલમાં યુનો કહે છે કે માત્ર 10 થી 15 વર્ષની અંદર ભારતે 415 મિલિયન એટલે કે આશરે 42 કરોડ દેશવાસીઓને ગરીબીની રેખામાંથી બહાર કાઢયા છે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે 415 મિલિયન એટલે કે સમગ્ર યુરોપની વસતિ કરતાં પણ આ સંખ્યા વધારે છે અને તે સમગ્ર અમેરિકાની વસતિ કરતાં પણ વધારે છે.

આઈએમએફના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની અત્યંત ગરીબી હવે દૂર થવાની અણી પર છે. ભારત જ્યારે આટલું મોટું કામ કરી રહ્યું છે ત્યારે તેનો ફાયદો માત્ર અમને જ નહીં…માત્ર ભારતને જ ફાયદો થશે એવું નથી, પણ સમગ્ર માનવ જાતને તેનો લાભ થાય છે. ભારત આગળ ધપવાથી દુનિયાના વિકાસના માપદંડ બદલાયા છે. તેમાં સુધારાનો એક ઉછાળો આવી ગયો છે અને દુનિયાના અન્ય ગરીબ દેશોને પણ વિશ્વાસ બેઠો છે કે હા, પરિસ્થિતિ બદલી શકાય છે, ગરીબી દૂર થઈ શકે છે.

સાથીઓ,

ફ્રાન્સની આ ધરતી એ બાબતની સાક્ષી પૂરે છે કે કોઈપણ દેશમાં પરિવર્તનની પાછળ પરિશ્રમ હોય છે. તે દેશના નાગરિકોને પરસેવો હોય છે. ભારતની ધરતી આજે એક મોટા પરિવર્તનની સાક્ષી બની રહી છે.આ પરિવર્તનની કમાન ભારતીય નાગરિકોની પાસે છે, ભારતની બહેન-દિકરીઓની પાસે છે. ભારતના યુવાનોની પાસે છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ નવી આશા અને નવી અપેક્ષા સાથે જોઈ રહ્યું છે. અને તેની એક મહત્વની તાકાત ભારતનું માનવ સંસાધન છે. આ માનવ સંસાધન સંકલ્પોથી ભરેલા છે. લોકો સાહસ કરવાની વૃત્તિવાળા છે. ભારતની આ લોકશાહી મૂલ્યની સાથે માનવતાના કલ્યાણ માટે મજબૂતીથી કદમ આગળ ધપાવી રહ્યું છે.

સાથીઓ,

આજના ભારતના વર્તમાન પડકારો, દાયકાઓથી ચાલી આવી રહેલી તેની સમસ્યાઓનું કાયમી સમાધાન કરી રહી છે. ભારત નક્કી કરીને બેઠું છે કે કોઈ તક ગૂમાવીશું નહીં કે એક પળનો પણ સમય ગૂમાવીશું નહીં. અમે પૂરી તાકાત સાથે દેશના ભવિષ્યને ઉજળું બનાવવા માટે, આવનારી પેઢીઓને ઉજળી બનાવવાની કામગીરીમાં જોડાઈ ગયા છીએ. અને મારા સાથીઓ, હું તને કહેવા માંગુ છું કે મારા તરફથી કહેવા ઈચ્છું છું કે હું પણ સંકલ્પ લઈને નિકળ્યો છું. શરીરનો કણ કણ અને સમયની પળ પળ માત્રને માત્ર તમારા લોકો માટે જ છે, દેશવાસીઓ માટે છે.

સાથીઓ,

આજે ટેકનોલોજીના પ્રભાવનો આપણને ક્ષણે ક્ષણે અનુભવ થઈ રહ્યો છે. દુનિયા ટેકનોલોજી આધારિત છે. આજે ભારતની 25 હજારથી વધુ શાળાઓમાં 80 લાખ કરતાં વધુ બાળકો અટલ ટિન્કરીંગ લેબ્ઝમાં ઈનોવેશનની એબીસીડી શિખી રહ્યા છે. અમે 21મી સદીની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે. આજનું ભારત મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને આધાર બનાવીને આગળ ધપી રહ્યું છે અને એવું નથી કે ભારતમાં માત્ર એક આદિવાસી મહિલા ભારતના પ્રેસિડેન્ટ તરીકે આપણને સૌને માર્ગદર્શન આપી રહી છે, આપણું નેતૃત્વ કરી રહી છે. આજે ભારતમાં છોકરીઓ દરેક ક્ષેત્રમાં આગેવાનીની ભૂમિકામાં દેખાઈ રહી છે. ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની નોંધણી સતત વધી રહી છે. અને મને આનંદ છે કે અહિં નેશનલ ડે પરેડમાં ભાગ લેવા આવેલા જૂથમાં મહિલા ઓફિસરો પણ છે અને મહિલા પાયલોટ પણ સામેલ છે.

સાથીઓ,

21મી સદીની દુનિયા ટેકનોલોજી અને ટેલેન્ટના જોર પર જ આગળ વધશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે ભાગીદારીનો એ ખૂબ મોટો આધાર છે. અમારો સ્પેસ પ્રોગ્રામ તેનું ઉદાહરણ છે. થુમ્બામાં જ્યારે સાઉન્ડીંગ રોકેટ સ્ટેશન બનાવવાની વાત કરવામાં આવી ત્યારે ફ્રાંસ જ અમારી મદદ માટે આગળ આવ્યું હતું. એ પછી અમે બંને દેશોએ સ્પેસ સેક્ટરમાં ખૂબ લાંબી સફર નક્કી કરી છે. આજે અમે એકબીજાના સેટેલાઈટ તરતાં મૂકી રહ્યા છીએ. અને તમને આનંદ થશે કે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે ભારતમાં ચંદ્રયાન-3 ના લોન્ચીંગ માટે ઉંધી ગણતરીની ગૂંજ સંભળાઈ રહી છે. થોડાંક કલાકો પછી ભારતના શ્રીહરિકોટામાં આ ઐતિહાસિક લોન્ચ થવાની છે.

સાથીઓ,

સ્પેસની જેમ જ એવા અનેક ક્ષેત્રો છે કે જેમાં ભારત અને ફ્રાન્સની ભાગીદારી દુનિયાને નવી દિશા દર્શાવવામાં મદદ કરી શકે તેમ છે. ઈન્ટરનેટનો સોલાર એલાયન્સ દુનિયાને ઘણું બધું આપવાનું સામર્થ્ય ધરાવે છે. હવે આવી ભાગીદારી અમે ક્લિન એનર્જી, ક્રિટીકલ અને સ્ટ્રેટેજીક ટેકનોલોજી, ક્લિન ટ્રાન્સપોર્ટેશન, ઈલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન્સ, સર્ક્યુલર ઈકોનોમી, હેલ્થ અને ન્યૂટ્રીશન જેવા અનેક ક્ષેત્રોને, દરેક ક્ષેત્રમાં સશક્ત કરવાનું કામ સાથે મળીને કરી રહ્યા છીએ. ખૂબ જ ઓછા લોકોને એ બાબતની જાણકારી હશે કે ભારત અને ફ્રાન્સ સાથે મળીને ઘણાં લાંબા સમયથી આર્કિયોલોજીકલ મિશન ઉપર કામ કરી રહ્યા છે અને તેનો વિસ્તાર ચંદગઢથી માંડીને લદાખ સુધી ફેલાયેલો છે.

સાથીઓ,

ભારત અને  ફ્રાન્સ વચ્ચેની ભાગીદારીને મજબૂત કરનારૂં એક અન્ય ક્ષેત્ર પણ છે અને તે છે- ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર. તે ઈન્ડસ્ટ્રી 4.0નો ખૂબ મોટો આધાર છે. આજે દુનિયાને અને તમને પણ એ બાબત સાંભળીને ગર્વ થશે કે આજે દુનિયાના, 46 ટકા રિયલ ટાઈમ ડિજીટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યા છે અને હું તમને પણ પડકાર આપું છું કે હવે પછી તમે જ્યારે ભારત આવો ત્યારે ખિસ્સામાં એક પણ પૈસો લીધા વગર ઘરેથી નિકળી શકશો. તમારે માત્ર યુપીઆઈ એપ્પ ડાઉનલોડ કરીને રાખવી પડશે. તમે સમગ્ર ભારતમાં ફરીને આવશો ત્યારે એક નવા  પૈસાની પણ રોકડની જરૂરિયાત વગર પોતાનો નિભાવ કરી શકો છો. આજે ભારતમાં બેંકીંગ સર્વિસ  24X7, ગમે તે સમયે, ગમે ત્યાં લોકોની આંગળીના ટેરવા પર છે અને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર વહિવટનો હિસ્સો બની ચૂકી છે. ભારતમાં યુપીઆઈ હોય કે કોઈ અન્ય ડિજીટલ પ્લેટફોર્મ એ દેશમાં ખૂબ મોટું સામાજીક પરિવર્તન આવ્યું છે અને મને આનંદ છે કે ભારત અને ફ્રાન્સ આ દિશામાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ફ્રાન્સમાં ભારતના યુપીઆઈના ઉપયોગ માટે સમજૂતિ થઈ રહી છે. હવે હું તો, સમજૂતિ કરીને ચાલ્યો જઈશે, પરંતુ તેને આગળ ધપાવવાનું કામ તમારે કરવાનું છે.

સાથીઓ,

આવનારા દિવસોમાં તેની શરૂઆત એફેલ ટાવરથી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ભારતીય પ્રવાસીઓ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એફેલ ટાવરમાં રૂપિયામાં ચૂકવણી કરી શકશે. હા, મોદી છે તો મૂમકીન છે. પણ તમારા અવાજને ઠીક કરી શકતો નથી.

સાથીઓ,

અત્યારથી થોડીવાર પછી, એટલે કે થોડાંક સપ્તાહ કે મહિના લાગી શકે છે. અહિંયા Cergy Prefectureમાં ભારતના મહાન સંત તિરૂવલ્લુવરજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે અને સંત તિરૂવલ્લુવરજીએ કહ્યું હતું કે Eendra Pozhudhin, Peridhuvakkum Thanmakanaich,Chaandron Enakketta Thaai. તમિલ ભાષાવાળા મિત્રો તો સમજી ગયા હશે, પણ અન્ય લોકોને જણાવું છું કે એનો અર્થ ખૂબ જ માર્મિક છે અને તિરૂવલ્લુવરજીએ સદીઓ પહેલાં આપણને આ જ્ઞાન આપણને આપ્યું છે. જેનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ માતા પોતાના સંતાનની પ્રશંસા એક વિદ્વાન તરીકે સાંભળે છે ત્યારે તેને એટલો આનંદ થાય છે કે, મા એટલી ખુશ થાય છે કે, એટલી ખુશી  એ બાળકના જન્મ સમયે પણ નહીં થઈ હોય. આનો અર્થ એમ કે સંતાનના જન્મ સમયે જેટલો આનંદ થયો તેનાથી વધુ આનંદ સંતાનની સફળતાથી થાય છે. આવું માતા માટે કહ્યું છે અને એટલા માટે જ તમે જ્યારે વિદેશમાં નામ કમાઓ છો ત્યારે દુનિયા તમારી પ્રશંસા કરતી હોય તો મા ભારતીને પણ એવો આનંદ થતો હશે. વિદેશી ધરતી ઉપર મા ભારતીને પોતાના હૃદયમાં રાખનારી ભારત માતાના દરેક સંતાનને હું ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર માનું છું.

તમે ભારતના રાષ્ટ્રદૂત છો. હું જાણું છું કે ભારતીય કોઈપણ જગાએ રહેતો હોય તો પણ તેનું દિલ ભારત માટે ધડકતું હોય છે. હું હમણાં સ્પેસ અંગે ચર્ચા કરી રહ્યો હતો અને તમે લોકો કિકિયારીઓ કરી રહ્યા હતા. તમે લોકો ચંદ્રયાન, ચંદ્રયાન, ચંદ્રયાન કહી રહ્યા હતા. એનો અર્થ એ થયો કે તમે અહિં આવ્યા છતાં પણ તમારૂં દિલ ચંદ્રયાનમાં લાગેલું હતું. એટલા માટે હું ફ્રાન્સ સહિત સમગ્ર દુનિયામાં પથરાયેલા આપણો જે ભારતીય સમુદાય છે તેણે ઈન્ડિયન ડાયાસ્પોરાના રેમીટન્સનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. તમે લોકોએ નવો રેકોર્ડ બનાવ્યો છે તેની વાત કરૂં? તમને કહું? તમને ખબર નથીને, કોઈ વાંધો નહીં. તમારા પરાક્રમના ગીતો હું પણ ગાતો રહેતો હોઉં છું.

ભારત, દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જ્યાં વિદેશમાં નિવાસ કરનારા ભારતીય સમુદાયના માધ્યમથી વાર્ષિક રેમિટન્સ 100 અબજ ડોલરનો આંકડો પાર કરી ચૂક્યું છે અને મને એ વાતનો આનંદ છે કે તમારૂં યોગદાન સતત વધી રહ્યું છે, પરંતુ મારો તમને વધુ એક આગ્રહ છે કે હું તમને આગ્રહ તો કરી શકું છું ને?  હા, કહેવામાં શું જાય છે? મોદી થોડું પૂછવા આવવાના છે કે મારો તમને એ આગ્રહ છે કે હવે ભારતમાં મૂડીરોકાણ માટે પણ સમગ્ર ઉત્સાહ સાથે આગળ આવવું પડશે. ભારત હવે પછીના 25 વર્ષમાં વિકસીત બનવાના લક્ષ્ય ઉપર કામ કરી રહ્યું છે અને તેમાં તમારી પણ ઘણી મોટી ભૂમિકા છે. તમે જે કોઈપણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં તેની સાથે જોડાયેલી સંભાવનાઓને ચોક્કસપણે ચકાસી જુઓ. આજે દરેક ઈન્ટરનેશનલ એજન્સી કહી રહી છે કે ભારત આગળ ધપી રહ્યું છે, ભારત બ્રાઈટ સ્પોટ છે.

ભારતમાં મૂડીરોકાણની અભૂતપૂર્વ તકો ઉભી થઈ રહી છે. તમે ભારતમાં મૂડીરોકાણ કરો અને આજે જ્યારે હું કહી રહ્યો છું ત્યારે પાછળથી કોઈ  ફરિયાદ નહીં કરતા કે મોદીએ આ બાબત જણાવી ન હતી. હાલમાં તક છે અને મેં તો લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે આ સમય છે, સાચો સમય છે અને જે કોઈ જલ્દી પહોંચશે તેને વધુ લાભ થવાનો છે. જે મોડા પડશે તેમણે પ્રતિક્ષા કરવી પડશે. હવે તક પ્રાપ્ત કરવાની હોય તો ક્યારે કરવી તે હું તમારી પર છોડું છું.

સાથીઓ,

આટલા માટે ભારત આવો અને ભારતમાં મૂડીરોકાણ કરો. ભારત સરકાર વિદેશમાં વસેલા અને અહિં કામ કરી રહેલા ભારતીયોની સુવિધા અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છે. યુધ્ધનું મેદાન હોય કે કુદરતી આફત, ભારત પોતાના નાગરિકોને આફતમાં જોઈને સૌ પ્રથમ સક્રિય  બની જાય છે. યુક્રેન હોય કે સુદાન, યમન હોય કે અફઘાનિસ્તાન, ઈરાક હોય કે નેપાળ, અમે ભારતીયોની સુરક્ષા માટે સમગ્ર તાકાત લગાવી દીધી છે. વિદેશમાં વસેલા તમામ ભારતીયો અમારા માટે એટલી જ પ્રાથમિકતા ધરાવે છે, જેટલી ભારતમાં રહેતા દરેક દેશવાસી ધરાવે છે. થોડાંક વર્ષ પહેલાં જ્યારે નીતિ આયોગ બન્યું ત્યારે અમે ભારતીય સમુદાય (ડાયાસ્પોરા) ના સામર્થ્ય અને યોગદાનને યોગ્ય સ્થાન આપ્યું છે. એમાં મને કહેતાં આનંદ થાય છે કે રિયુનિયન આઈલેન્ડમાં ઓસીઆઈ કાર્ડ બાબતે જે તકલીફો છે તે પણ હવે દૂર કરવામાં આવી છે. હવે ત્યાં ઓસીઆઈ કાર્ડ ઈસ્યુ થવા માંડ્યા છે. અમે કોશિષ કરી રહ્યા છીએ કે માર્ટીનીક અને ગુડેલોપમાં પણ આ સમસ્યાનો ઉપાય શોધવામાં આવશે.

સાથીઓ,

ફ્રાંસ સહિત અનેક દેશોમાં અનેક સાથી એવા છે કે જે અધ્યાપન સાથે જોડાયેલા છે, સંશોધન સાથે જોડાયેલા છે, શિક્ષકો છે, પ્રોફેસર્સ છે. હું જ્યારે વિદેશમાં આવા શિક્ષણશાસ્ત્રીઓ અને પ્રોફેશનલ્સને મળું છું ત્યારે તે ઘણી વખત કહેતા હોય છે કે તેમની પાસે જે અનુભવ છે, જ્ઞાન છે તેને અમે ભારત સાથે કેવી રીતે જોડી શકીએ તેમ છીએ. અને હું તમને એક ખુશ ખબર આપવા માંગુ છું કે તેમની ઈચ્છાનું પણ અમે માન રાખ્યું છે. આવા સાથીઓ માટે ભારતની શિક્ષણ સંસ્થાઓમાં ભણાવવું હવે આસાન બની ગયું છે. ગઈ વખતે જ્યારે હું ફ્રાંસ આવ્યો હતો ત્યારે નક્કી થયું હતું કે ફ્રાંસમાં ભણનારા ભારતીય વિદ્યાર્થીઓને બે વર્ષનો અભ્યાસ પછીનો વર્ક વિઝા આપવામાં આવશે.હવે એ નિર્ણય પણ લેવાઈ ગયો છે કે ફ્રાંસમાં માસ્ટર્સ કરનારા ભારતીયોને 5 વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે. ફ્રાંસ સરકારની મદદથી ભારત સરકારે માર્સેલીમાં નવું કોન્સ્યુલેટ શરૂ કરવાનો  પણ નિર્ણય કર્યો છે અને તેનાથી આપ સૌની સુવિધામાં વધારો થશે.

સાથીઓ,

મારો અહિંના ફ્રાંસના મિત્રોને એવો આગ્રહ છે કે, અહિંના નાગરિકોને વધુ એક આગ્રહ છે કે ભારત એટલું વિશાળ છે અને એટલી બધી વિવિધતાઓથી ભરેલું છે કે ભારતવાસીઓ માટે તેને સારી રીતે જોવા- સમજવા માટે એક જન્મ પણ ઓછો પડે છે. આવા વિશાળ ભારતને જોવા માટે દુનિયા આજે ઉત્સુક છે. તમને તમારી રૂચિ મુજબ કંઈને કંઈ ભારતમાં ચોક્કસ મળી રહેશે. ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિનું વિસ્તરણ, સાઈટસીઈંગથી ઘણું વધારે છે. તમે ભારતની વિવિધતા જોશો તો ભારતના દિવાના બની જશો. હિમાલયના ઉંચા  ઉંચા પહાડોથી માંડીને ગાઢ જંગલો સુધી, તપતા રણથી માંડીને ખૂબસુરત સાગર તટ સુધી એડવેન્ચર સ્પોટ્સને ધ્યાનમાં રાખીને ધ્યાન અને યોગના કેન્દ્રોથી માંડીને  ભારત પાસે દરેક વ્યક્તિ માટે કશુંકને કશુંક છે. ભારતની આ વિવિધતાનો અનુભવ કરવા માટે, તેને સમજવા માટે, આપણાં ફ્રેન્ચ દોસ્તોને ભારત લાવવાની તમારા સૌની જવાબદારી છે. તમે જેટલી વધુ મદદ કરશો તે પ્રમાણમાં એ લોકો વધુ આવશે. મારા ભારતના આપ સૌ ભાઈ-બહેન, મારો ભારતીય સમુદાય આ કામ ખૂબ જ સારી રીતે કરી શકે તેમ છે. જે રીતે મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં એક્સેસ કોડ અથવા પાસવર્ડ નાંખ્યા પછી એક નવી દુનિયા ખૂલી જતી હોય છે, તેવી જ રીતે ભારતીય સમુદાય ભારતનો એક્સેસ કોડ છે, પાસવર્ડ છે. ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિ વધે તે માટે તમે પોતાનું મિશન બનાવો. ભારત આવવાનો અર્થ એવો થાય છે કે હજારો વર્ષોના વારસાનો અનુભવ કરવો. ઈતિહાસનો અનુભવ કરવો. તમે ભારત આવશો તો ભારતના વારસાની સાથે સાથે વિકાસની ગતિ પણ જોઈ શકશો.

સાથીઓ, આપણે સંકલ્પ કરીએ કે આપણી પૂરી ક્ષમતા સાથે આપણાં પોતાના અનુભવથી, આપણાં સંપર્કોથી, સંબંધોથી ફ્રાંસના નાગરિકોને ખૂબ મોટા પ્રમાણમાં ભારત સાથે જોડો. તમે જ્યારે આવો ત્યારે તેમને ભારત લઈને આવો. તમે તેમને ભારતમાં આવવા માટેની પ્રેરણા આપો. આપણો લોકોથી લોકો સુધીનો સંપર્ક વધશે તો માત્ર પ્રવાસન પ્રવૃત્તિ વધશે એટલું જ નહીં, પણ તેનાથી આપણાંપણાનું એક સામર્થ્ય પેદા થાય છે તે પેઢી દર પેઢી એક અણમોલ વારસો બની રહે છે. અને મને વિશ્વાસ છે કે દોસ્તો, તમે ક્યારેય પણ આ બાબતે પાછળ નહીં રહો. તમે આજે અહિં મોટી સંખ્યામાં આવ્યા અને તમારા સૌના દર્શન કરવાની મને તક મળી. હું તમારા સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.

મારી સાથે બોલો

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય.

ધન્યવાદ!