પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના છોટાઉદેપુર સ્થિત બોડેલીમાં રૂ. 5200 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ‘ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0′ માટે શિલાન્યાસ અને અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આ વિસ્તાર સાથેનાં પોતાનાં લાંબા જોડાણને યાદ કર્યું હતું. તેમણે આજે લોંચ થયેલી કે શિલાન્યાસ પામેલી વિવિધ પરિયોજનાઓ પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક કાર્યકર્તા તરીકેના તેમના દિવસો અને આ ક્ષેત્રના ગામોમાંના તેમના સમયને યાદ કર્યા. તેમણે પ્રેક્ષકોમાં ઘણા જાણીતા ચહેરાઓ જોઈને ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ આ વિસ્તારના આદિવાસી સમુદાયના સંજોગો અને જીવનથી ખૂબ નજીકથી પરિચિત છે. જ્યારે તેમણે સત્તાવાર જવાબદારીઓ સંભાળી ત્યારે તેમણે આ વિસ્તાર અને અન્ય આદિજાતિ વિસ્તારોના વિકાસ માટેના તેમના સંકલ્પ વિશે શ્રોતાઓને જણાવ્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલી ઘણી યોજનાઓની સકારાત્મક અસર જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાળકોને જોવાના આનંદની વાત કરી, જેમણે હવે શિક્ષક અને એન્જિનિયર તરીકે જીવનમાં સારું પ્રદર્શન કરતા પ્રથમ વખત શાળા જોઈ છે.
શાળાઓ, માર્ગો, આવાસો અને પાણીની ઉપલબ્ધતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમાજનાં ગરીબ વર્ગ માટે સન્માનજનક જીવનનાં આધાર છે અને આ તેમની પ્રાથમિકતા છે, જેથી મિશન મોડમાં કામ કરી શકાય. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં ગરીબો માટે 4 કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું હતું કે, “અમારા માટે ગરીબો માટે ઘર એ માત્ર સંખ્યા જ નથી, પણ સન્માનને સક્ષમ કરનાર છે.” તેમણે જણાવ્યું હતું કે, આ મકાનોની ડિઝાઇન અંગેનો નિર્ણય લાભાર્થીઓ પર છોડવામાં આવ્યો છે અને તેમણે એ હકીકતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મોટાભાગનાં મકાનો ઘરની મહિલાઓના નામે છે. તે જ રીતે, દરેક ઘરને પાણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે પાઇપ દ્વારા પાણી મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જલ જીવન મિશન અંતર્ગત 10 કરોડ નવા પાણીનાં જોડાણો પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે પ્રેક્ષકોને કહ્યું કે રાજ્યમાં કામ કરતી વખતે એકત્રિત થયેલ અનુભવ રાષ્ટ્રીય સ્તરે પણ કામમાં આવી રહ્યો છે. “તમે મારા શિક્ષક છો.” તેમણે કહ્યું.
શૈક્ષણિક ક્ષેત્ર વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની પરિયોજનાઓ ગુજરાતને ટોચ પર લાવવાની દિશામાં મોટું પગલું છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા 2.0 શાળામાં શિક્ષણ પર સકારાત્મક અસર કરશે.” વિશ્વ બેંકના ચેરમેન સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રો અંગે તેમણે કરેલી વાતચીતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અધ્યક્ષે તેમને ભારતના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવા વિનંતી કરી હતી અને વિશ્વ બેંક આ ઉમદા કાર્યને ટેકો આપવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલોથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમજ સંસાધનોની ઊણપ ધરાવતાં વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે. “આદિવાસી વિસ્તારોના યુવાનોને તકો પૂરી પાડવાની સાથે સાથે અમારો ઉદ્દેશ યોગ્યતાને પ્રોત્સાહન આપવાનો છે.”,
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માતૃભાષામાં શિક્ષણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે નવી તકોનું સર્જન કરશે અને તેમને સશક્ત બનાવશે. તેમણે 14,000થી વધારે પ્રધાનમંત્રી શ્રી શાળાઓ અને એકલવ્ય નિવાસી શાળાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે આદિવાસી વિસ્તારોમાં જીવનની કાયાપલટ કરી રહી છે. એસસી/એસટી શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓને મદદ મળી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસ દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આદિવાસી યુવાનોને પ્રોત્સાહન આપવાનો છે. દૂર–સુદૂરની શાળાઓમાં અટલ ટિંકરીંગ લેબ આદિવાસી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ પેદા કરી રહી છે.
આજની દુનિયામાં કૌશલ્યનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કૌશલ્ય વિકાસ કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ યોજના હેઠળ લાખો યુવાનોને તાલીમ આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ મુદ્રા યોજના હેઠળ કોલેટરલ–ફ્રી લોન વિશે પણ વાત કરી હતી, જે પ્રથમ વખતના કરોડો ઉદ્યોગસાહસિકોનું સર્જન કરી રહી છે. વનધન કેન્દ્રોથી રાજ્યના લાખો આદિવાસીઓને પણ લાભ થઈ રહ્યો છે. તેમણે આદિજાતિ ઉત્પાદનો અને હસ્તકળા માટે વિશેષ આઉટલેટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ 17 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, નાઈ, દરજી, ધોબી, કુંભાર, લોહાર, સુનાર, સુતાર, માલાકાર, મોચી, રાજમિસ્ત્રી જેવા લોકોને ઓછા વ્યાજ, સાધનો અને તાલીમ સાથે લોન મળશે. તેમણે કહ્યું હતું કે, આ કૌશલ્ય અને પરંપરાઓને જીવંત રાખવાનો આ પ્રયાસ છે. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ લોન માટે કોઇ ગેરંટીની જરૂર નથી માત્ર એક ગેરંટી છે, મોદી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ તથા જેઓ એક સમયે વંચિત હતા, તેઓ આજે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓની મદદથી વિકાસની ટોચ પર પહોંચી રહ્યાં છે. શ્રી મોદીએ આઝાદીના આટલા દાયકાઓ પછી આદિવાસીઓના મહિમાને શ્રદ્ધાંજલિ આપવાની તક મળવાની વાત કરી હતી અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીનો ઉલ્લેખ કર્યો હતો, જેને હવે જનજ્ઞાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે હાલની સરકાર દ્વારા આદિવાસી સમુદાયો માટે બજેટમાં અગાઉની સરખામણીએ 5 ગણો વધારો કરવા અંગે પણ માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ નારીશક્તિ વંદન કાયદા વિશે વાત કરી હતી, જે નવી સંસદ ભવનમાંથી પસાર થનારો પ્રથમ કાયદો બન્યો હતો. તેમણે પૂછ્યું કે શા માટે આદિવાસીઓ અને મહિલાઓને આટલા લાંબા સમય સુધી તેમના હકથી વંચિત રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, “હું છોટા ઉદેપુર સહિત સમગ્ર આદિવાસી વિસ્તારની માતાઓ અને બહેનોને કહેવા આવ્યો છું કે તમારો આ પુત્ર તમારા અધિકારો સુનિશ્ચિત કરવા માટે આવ્યો છે.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે તમામ મહિલાઓ માટે સંસદ અને વિધાનસભામાં ભાગ લેવા માટેની તકો ખુલી ગઈ છે. તેમણે એસસી અને એસટી સમુદાયો માટે અનામતની જોગવાઈ કરતા બંધારણનો પણ ઉલ્લેખ કર્યો હતો. નવા કાયદામાં એસસી/એસટી કેટેગરીની મહિલાઓને અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના આ કાયદા પર હસ્તાક્ષર કરવાના સંયોગ પર પ્રકાશ પાડ્યો હતો.
સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમૃત કાલનો સંકલ્પ પૂર્ણ થશે, કારણ કે તેની શરૂઆત અદ્ભુત છે.
આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ શ્રી સી આર પાટીલ અને ગુજરાત સરકારનાં મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાશ્વ ભાગ
પ્રધાનમંત્રીએ ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ‘ કાર્યક્રમ હેઠળ રૂ. ૪૫૦૦ કરોડથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતાં ગુજરાતભરની શાળાના માળખાને ખૂબ જ વેગ મળ્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, સ્ટેમ (સાયન્સ, ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) લેબ્સ અને ગુજરાતની શાળાઓમાં નિર્માણ પામેલી અન્ય માળખાગત સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. તેમણે આ મિશન હેઠળ ગુજરાતભરની હજારો વર્ગખંડોને સુધારવા અને અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0′ પ્રોજેક્ટનું શિલારોપણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર‘ની સફળતા પર બનાવવામાં આવશે, જેણે ગુજરાતમાં શાળાઓ પર સતત દેખરેખ રાખવા અને વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કર્યો છે. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦‘થી ગુજરાતના તમામ જિલ્લાઓ અને બ્લોકમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના થશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ‘વડોદરા ડભોઇ–સિનોર–માલસર–આસા રોડ‘ પર નર્મદા નદી પર બનેલા નવા પુલ સહિત અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ચાબ તલાવ રિ–ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, દાહોદમાં પાણી પુરવઠા યોજના, વડોદરા ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે 400 જેટલા નવનિર્મિત મકાનો, ગુજરાતભરના 7500 ગામોમાં વિલેજ વાઇ–ફાઇ પ્રોજેક્ટ; અને દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય.
પ્રધાનમંત્રીએ છોટાઉદેપુરમાં પાણી પુરવઠાની યોજના, ગોધરા, પંચમહાલમાં ફ્લાયઓવર બ્રિજ; અને દાહોદ ખાતે કેન્દ્ર સરકારની ‘બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (બીઆઇડીડી)’ યોજના હેઠળ નિર્માણ પામનાર એફ.એમ.રેડિયો સ્ટુડિયોનો શિલાન્યાસ કર્યો હતો.
Wonderful to be among the vibrant people of Chhota Udepur. Speaking at launch of various educational and infrastructural initiatives. https://t.co/gDnvlIZbU5
— Narendra Modi (@narendramodi) September 27, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Wonderful to be among the vibrant people of Chhota Udepur. Speaking at launch of various educational and infrastructural initiatives. https://t.co/gDnvlIZbU5
— Narendra Modi (@narendramodi) September 27, 2023