અર્નબ ગોસ્વામી
"જ્યારે મને એ દિવસોમાં લોકપ્રિય શો બિગ ફાઇટના એક એપિસોડનું એન્કરિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે એ એન્કરિંગમાં મારો પ્રથમ મોટો બ્રેક હતો. વિષય કાશ્મીર હતો અને મેં શ્રી મોદીને ફોન કરીને તેઓ જોડાશે કે નહીં એ અંગે પૂછ્યું હતું. કાશ્મીર પરના એ એપિસોડમાં ત્રણ પેનલિસ્ટ હતા – હુરિયતના મિરવાઇઝ ઓમાર ફારુક, અનુભવી રાજદ્વારી જી પાર્થસારથી અને અટલબિહારી વાજપેયી સરકારના પરિપ્રેક્ષ્યનું પ્રતિનિધિત્વ કરતા શ્રી નરેન્દ્ર મોદી. શોમાં હુરિયતના પરિપ્રેક્ષ્યને શ્રી મોદીએ જે સ્પષ્ટતા સાથે પડકાર ફેંક્યો હતો એ કાબિલેદાદ હતો. મને એ એપિસોડ માટે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તાજેતરમાં મુંબઈથી દિલ્હીની ફ્લાઇટમાં મેં અને શ્રી પાર્થસારથીએ એ એપિસોડને યાદ કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર શ્રી મોદીનો ઊંડો દ્રષ્ટિકોણ વ્યક્ત થયો હતો."