શ્રી એમ, સ્થાપક, માનવ એકતા મિશન
શ્રી એમની શુભેચ્છા. હા,મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે મળવાની તક ચાર વખત મળી હતી, પણ હું એ વિશે વાત કરતા અગાઉ પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા આપવા ઇચ્છું છું. ઈશ્વર તમને સંપૂર્ણ ક્ષમતા સાથે દેશનું સુકાન સંભાળવાની ક્ષમતા આપે. છેવટે આપણને એવા પ્રધાનમંત્રી મળ્યા છે, જેઓ પાયામાંથી આગળ આવ્યા છે, ચાંદીની ચમચી લઈને જન્મ્યા નથી અને એટલે જ તેઓ સામાન્ય નાગરિકની જરૂરિયાતો સમજે છે અને તેમની સુખાકારી માટે મહેનત કરે છે. તેમના મંત્રીમડળના એક સાથીદાર તેમને “કર્મયાગી ગણાવે છે, જેઓ પોતે તો થાક્યા વિના અવિરતપણે અલગ અભિગમ સાથે કામ કરે છે, પણ અન્ય લોકોને પણ દોડતા રાખે છે.” તેના પરિણામો જોવા મળે છેઃ અર્થતંત્રથી આપણા પડોશીઓ વ્યાકુળ છે. ખાસ કરીને તેમને વારસામાં સારું અર્થતંત્ર મળ્યું નથી. ચોક્કસ સમસ્યાઓ હતી. તેમાંથી કેટલીક સમસ્યાઓ વર્ષોથી હતી અને હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ખાસ કરીને કાશ્મીરમાં હિંસા, અસહિષ્ણુતા પર ચર્ચા, ગૌ હિંસાનું વિચિત્ર પાસું વગેરે. એક ચા વેચતો છોકરો પ્રધાનમંત્રી બની ગયો એ હકીકત કેટલાંક ભદ્ર વર્ગના લોકો પચાવી શકતા નથી. તેઓ આ પ્રકારની સમસ્યાઓને ગજવી રહ્યા છે. મારે તમારા ધ્યાનમાં લાવવું છે કે જેમ સમુદ્રમંથન વખતે અમૃત પ્રકટ થયું એ અગાઉ વિષ બહાર નીકળ્યું હતું, તેમ અમે અમૃતની રાહ જોઈ રહ્યા છીએ અને અમને ખાતરી છે, તમારા કાર્યોના સારા પરિણામો ચોક્કસ મળશે. હવે મારી પ્રધાનમંત્રી સાથેની અંગત બેઠકોની વાત કરું. અમારી પ્રથમ બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. તેઓ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મારી આત્મકથા એપ્રેન્ટિસ ટૂ એ હિમાલયન માસ્ટરનો ગુજરાત અનુવાદ લોન્ચ થયો હતો. શ્રી નરેન્દ્ર મોદીની ભાજપના પ્રધાનમંત્રી તરીકેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત થઈ ગઈ હતી અને તેમને સાંજે દિલ્હી રવાના થવાનું હતું. એટલે મને સવારે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યો હતો. તેઓ વ્યક્તિગત રીતે મને મળ્યા હતા. હું તેમની નમ્રતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થયો હતો. જે વ્યક્તિ પ્રધાનમંત્રી બનવા અગ્રેસર હતી, તેની નમ્રતા જોઈને હું દંગ રહી ગયો હતો. જ્યારે મેં તેમને જણાવ્યું હતું કે, હું કન્યાકુમારીથી કાશ્મીર સુધી સામુદાયિક સૌહાર્દ માટે પદયાત્રા શરૂ કરવાનો છું, ત્યારે તેઓ પ્રોત્સાહિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે, તેઓ ગુજરાતમાં મદદ કરશે. મને યાદ છે કે મેં તેમને કહ્યું હતું કે, તમે દિલ્હીમાં હશો. ત્યારે તેઓ હસી પડ્યા હતા અને તેમણે કોઈ ટિપ્પણી કરી નહોતી. પછીની બેઠક તેઓ પ્રધાનમંત્રી બન્યાના મહિના પછી યોજાઈ હતી. હું અમેરિકા જવાનો હતો અને મેં બેઠક માટે સમય માગ્યો હતો. હું તેમને અભિનંદન આપવા ઇચ્છતો હતો. બેઠક 7 રેસ કોર્સ રોડ પર યોજાઈ હતી અને તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી પણ તેમની નમ્રતા અને સૌજન્યપૂર્ણ વ્યવહાર જળવાઈ રહ્યો હતો. બેઠક અમારા બંને વચ્ચે યોજાઈ હતી, ન કોઈ સહાયક, ન કોઈ સચિવ. અમે વાતો કરી હતી. તેઓ ગંભીરતાપૂર્વક જવાબદારી લેવા આતુર હતા. ત્રીજી બેઠક બેંગલોરમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન યોજાઈ હતી. પદયાત્રા બેંગલોરમાંથી પસાર થઈ રહી હતી. તેઓ મને રાજભવનમાં મળ્યા હતા. આ વખતે તેમણે મારા સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને પદયાત્રા કેવી ચાલી રહી છે એ અંગે પૃચ્છા કરીને કિંમતી સલાહ આપી હતી. ચોથી બેઠક ફરી 7 રેસ કોર્સ રોડ પર યોજાઈ હતી. પદયાત્રા દિલ્હી નજીક ચાલતી હતી. એ વખતે મીડિયામાં અસહિષ્ણુતા પર દરરોજ ચર્ચા થતી હતી. તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સામુદાયિક સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસમાં મને શુભેચ્છા પાઠવી હતી. જોકે સૌથી વધુ આશ્ચર્યજનક અનુભવ ગુજરાતમાં થયો હતો. પદયાત્રા ગુજરાતમાં સવારે 6.30 વાગે પ્રવેશી હતી અને મારા સહાયકે મને કહ્યું હતું કે, પીએમઓ સંપર્કમાં રહેવા પ્રયાસરત છે. જ્યારે લાઇન જોડાઈ ત્યારે મને આશ્ચર્ય થયું હતું. પ્રધાનમંત્રી સીધા વાત કરતા હતા: “આપ કા ગુજરાત મેં સ્વાગત હૈ. સબ ઠીક હૈ? આપ કી સેહત કૈસી હૈ.” ભારત જેવા વિશાળ દેશના પ્રધાનમંત્રી અનેક જવાબદારીઓ ધરાવે છે અને આ જવાબદારીઓ વચ્ચે પદયાત્રા પર નજર રાખે છે અને જ્યારે પદયાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે છે, ત્યારે એક-એક બાબતની જાણકારી ધરાવે છે. મારા જેવા રાજકીય રીતે બિનમહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવી સારી વાત છે તેવું તેઓ વિચારે છે. જેને કેટલાંક લોકો શેતાન ગણાવવા ઇચ્છે છે એ વ્યક્તિનું માનવીય પાસું છે. અત્યારે તેમના 66મા જન્મદિવસે અને તેમની સરકારના ત્રીજા વર્ષમાં હું તેમને શુભેચ્છા પાઠવું છું, પણ મારી એક વિનંતી છેઃ સર, તમારા જન્મદિવસ પર શુભેચ્છાની ચેષ્ટા સ્વરૂપે મારા ગૃહ રાજ્ય ઉત્તર કેરળમાં જમણેરી અને ડાબેરી વચ્ચે ભયંકર હિંસાની સમસ્યાનું સમાધાન કરવા સંવાદ શરૂ કરશો અને વ્યક્તિગત રીતે પહેલ કરશો? તમે આવી પહેલ કાશ્મીરમાં કરી છે. જ્યાં સુધી કેરળનો સવાલ છે, ત્યાં સુધી હું એ હકીકતથી વાકેફ છું કે બંને પક્ષો વાત કરવા ઇચ્છે છે. અત્યારે મડાગાંઠ તોડવાનો સમય છે અને પ્રધાનમંત્રી તમે જ કે થી કે (કેરળથી કાશ્મીર) સુધી આ કામગીરી કરી શકો છો. સર, હેપ્પી બર્થડે, ફરી એક વખત.