પીએમઇન્ડિયા
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, આ કાર્યક્રમમાં ઓનલાઈન અમારી સાથે અનેક રાજ્યોના મહાનુભાવો જોડાયેલા છે. મહારાષ્ટ્રના ગવર્નર જિષ્ણુ દેવ વર્માજી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેજી, ડેપ્યુટી સીએમ શ્રીમતી સુનેત્રા પવારજી, અન્ય મંત્રીગણ, સાંસદગણ, ધારાસભ્યગણ અને ત્યાં પણ એકત્રિત થયેલા લાખો નાગરિક ભાઈ-બહેનો. અહીં મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી, યુવા નેતા હર્ષ સંઘવી, ગુજરાત સરકારના મંત્રીગણ, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિગણ, ગુજરાતના મારા વહાલા ભાઈઓ અને બહેનો.
અને ખાસ એટલા માટે કે મારા વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું આ મેદાન અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરતા તમામ સાથીઓનો સાથ અને વિકાસનો આ ઉત્સવ, અહીં બધું એક સાથે થઈ રહ્યું છે.
સાથીઓ,
આજે હું વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે તમારી વચ્ચે આવ્યો છું. થોડી વાર પહેલાં અહીં દેશના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. હું દેશની જનતાને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આ વિકાસ પર્વ પર આપ સૌએ જે સેવા ભાવથી અને સેવા ભાવ સાથે સમગ્ર વડોદરા શહેરમાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, આ માટે હું વડોદરાના દરેક નાગરિકને હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, તેમના વખાણ કરું છું. અને આ જે તમે રંગ બતાવ્યો ને, હું ગઈકાલે એક વીડિયો જોઈ રહ્યો હતો, છાતી ગજગજ ફૂલી ગઈ, વાહ! શું આ મારું વડોદરા છે? અને હવે તો ગણેશોત્સવની તૈયારી, બાદમાં નવરાત્રી. અને ગણેશોત્સવ અને નવરાત્રી આખું ગુજરાતનું ધ્યાન વડોદરા પર હોય છે. અને આજે તમે, હું જોઈ રહ્યો હતો છેલ્લા એક સપ્તાહથી દરેક પરિવારમાં વાતાવરણ બની ગયું છે સ્વચ્છતાનું. મને લાગે છે કે આ વખતે જ્યારે ગણેશ જી પધારશે ને, તમામ આશીર્વાદ વડોદરા પર વરસવાના છે.
સાથીઓ,
આ વર્ષે લાલ કિલ્લા પરથી મેં વિકસિત ભારત માટે સંકલ્પની સપ્તધારાનું આહ્વાન કર્યું છે. આ સપ્તધારામાં એક ધારા ગતિશક્તિની પણ છે. વિકસિત ભારત માટે આપણને એવી કનેક્ટિવિટી જોઈએ, જે સરળ પણ હોય અને જમાના પ્રમાણે જરા ઝડપી પણ હોય. વડોદરા તો ગતિશક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આજે અહીંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની છેલ્લી કડીઓ પણ જોડાઈ ગઈ છે. આજે 2800 કિલોમીટરથી વધુનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. આ 21મી સદીના ભારત માટે ખૂબ ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું છે.
સાથીઓ,
આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, આ વાતનો સાક્ષી છે કે વીતેલા 12 વર્ષમાં દેશની કામ કરવાની સંસ્કૃતિ કેવી રીતે બદલાઈ છે. આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર 2004માં વિચાર શરૂ થયો હતો. એટલે કે, અહીં હું તમામ યુવાનોને જોઈ રહ્યો છું, જ્યારે આનો વિચાર શરૂ થયો, તમારામાંથી ઘણા લોકો હશે જેમનો જન્મ પણ નહીં થયો હોય, તે સમયે શરૂ થયો હતો. 2006માં એક વિશેષ કંપની બનાવવામાં આવી આ કામ કરવા માટે અને પછી 2014 સુધી ફાઈલો જ અહીંથી ત્યાં થતી રહી. ફાઈલો ટેબલ પર યાત્રા કરી રહી હતી અને દુર્ભાગ્ય જુઓ, આ ફાઈલોને પણ કોઈ ડેડિકેટેડ કોરિડોર નસીબ ન થયો, ફાઈલને પણ નસીબ ન થયો. ફાઈલો અટકતી હતી, લટકતી હતી, ભટકતી હતી. અને 2014માં વડોદરાના અને ગુજરાતના અને દેશના લોકોએ મને ગુજરાતમાંથી દિલ્હી મોકલી દીધો. પહેલા વાળી સરકાર 2000 સુધી રહી. તમે મને મોકલ્યો અને તેમની વિદાય થઈ, અને સચ્ચાઈ એ હતી કે સાત-આઠ વર્ષમાં, જરા મારા યુવાનો સાંભળી લો, આ યાદ રાખો, સાત-આઠ વર્ષમાં એક કિલોમીટર ફ્રેટ કોરિડોર પર પણ કામ પૂરૂં થઈ શક્યું નહોતું. જો તેમના હિસાબે દેશ ચલાવતા, તો ખબર નહીં તમારા પછી ત્રણ-ચાર પેઢીઓ આવતી, તો પણ ન થાત. ભારતના લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમને ટ્રાન્સફોર્મ કરવા વાળા પ્રોજેક્ટની આ હાલત કરીને રાખી હતી.
સાથીઓ,
2014 પછી તમે જે મને શિક્ષણ-દીક્ષા આપી હતી, આ ધરતીએ મને જે શીખવ્યું હતું, તમારી પાસેથી જે લેસન લઈને હું દિલ્હી પહોંચ્યો હતો, અમે ત્યાં પહોંચતા જ આને ગતિ આપવાનું કામ પ્રારંભ કરી દીધું. 2800 કિલોમીટરના કોરિડોરનું કામ આજે પૂરૂં કરીને બતાવ્યું. અને આજે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દેશના વેપાર-કારોબારનો મુખ્ય આધાર બની રહ્યો છે.
સાથીઓ,
ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ઝડપથી વિકસતા ભારતની જીવનરેખા છે. આણે ભારતના ટ્રાન્સપોર્ટેશન સેક્ટરનો કાયાકલ્પ કરી દીધો છે. પહેલા પેસેન્જર ટ્રેન જે ટ્રેક પર ચાલતી હતી, તે જ ટ્રેક પર માલગાડી પણ ચાલતી હતી. એટલે કે ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ, બંને ધીમા હતા. પરંતુ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરે આ સ્થિતિને બદલી દીધી છે. આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેટ કોરિડોર્સ પર દરરોજ 430થી વધુ માલગાડીઓ ચાલે છે, પ્રતિદિન 430 માલગાડી. અને પહેલા જે માલગાડી, સાડા 6 કલાકમાં 100 કિલોમીટરની સફર નક્કી કરતી હતી અને હવે એ જ માલગાડી અડધાથી પણ ઓછા સમયમાં 100 કિલોમીટરની સફર નક્કી કરી લેશે. જે જગ્યા પર ટ્રકથી સામાન મોકલવામાં સામાન્ય રીતે 30 કલાક લાગે છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર આ જ અંતર 10-12 કલાકમાં પૂરૂં થઈ જાય છે. એટલે કે, આ કોરિડોર પર માલગાડી ચાલવાથી ટ્રક અને ટ્રેનમાં લાગતું ફ્યુઅલ બચે છે, ભાડાનો ખર્ચ ઓછો થયો છે, સમય બચ્યો છે, પર્યાવરણને ફાયદો થયો છે. એટલે કે, ઈન્વેસ્ટમેન્ટ એક ટ્રેક પર કર્યું અને ફાયદા અનેક બધા થયા છે.
સાથીઓ,
આ ફ્રેટ કોરિડોરથી પૂર્વી અને પશ્ચિમી ભારતના ખેડૂતોની ઉપજ હવે ઝડપથી મોટા બજાર સુધી પહોંચી રહી છે. કેટલાય પ્રકારના ફૂલ, કેટલાય પ્રકારના શાકભાજી, કેટલાય પ્રકારના ફળ, એટલે કે જે વસ્તુઓ મૌસમ હિસાબે ઝડપથી ખરાબ થાય છે, તેમના માટે પણ સાચા સમયે મંડીઓ અને લોકો વચ્ચે પહોંચવાનો રસ્તો બન્યો છે. આનાથી ખેડૂતને ખૂબ મોટો ફાયદો થયો છે.
સાથીઓ,
આ ફ્રેટ કોરિડોર એક બીજા કારણસર કમાલનો છે. તાજેતરમાં જેએનપીટી મુંબઈ, જેએનપીટી પોર્ટથી વડોદરા સુધી ડબલ સ્ટેક કન્ટેનર માલગાડીનું સંચાલન કરવામાં આવ્યું છે. એટલે કે ડબ્બાની ઉપર બીજો ડબ્બો લગાવીને માલગાડીને ચલાવવામાં આવી. આ માલગાડી ચાલવાથી એક જ વારમાં 250થી વધુ ટ્રકોના બરાબરનો સામાન મુંબઈથી વડોદરા આવી ગયો, 250 ટ્રક. હવે આ જે નારાજ ફુવા જી છે, તે બૂમો પાડશે કે ટ્રક વાળાનું શું થશે? ટ્રક ક્યાં જશે? જેમણે ટ્રક ખરીદ્યો છે, તેમનું શું થશે? હવે ફુવાજીને કામ મળી ગયું. એટલે કે હવે મોટી માત્રામાં સામાન ઝડપથી દેશના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચી શકશે.
સાથીઓ,
ફ્રેટ કોરિડોરની સાથે-સાથે હવે ભારતમાં રેલવે ત્યાં પણ પહોંચી રહી છે, જ્યાં આટલા દાયકાઓ સુધી પહોંચી નહોતી. ગુજરાત હોય, મધ્ય પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, અહીં જે આદિવાસી વિસ્તારો છે, તે પણ આ પ્રોજેક્ટ દ્વારા રેલવેથી જોડાઈ રહ્યા છે. પહેલાની સરકારમાં બજેટમાં એક-બે ટ્રેનોની જાહેરાત થતી હતી અને તેના પણ વર્ષો સુધી ઢોલ પીટવામાં આવતા હતા. જ્યારે આજે દેશમાં વર્ષભર એક પછી એક નવી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આજે પણ આ કાર્યક્રમમાં કેટલીય નવી ટ્રેન શરૂ થઈ છે. નવી ટ્રેનથી વડોદરા, છોટાઉદેપુર અને અલીરાજપુરના લોકોને ખૂબ સુવિધા થશે.
સાથીઓ,
રોડ, રેલવે, મેટ્રો, એરપોર્ટ, ગેસ પાઈપલાઈન, ગરીબોના ઘર, જ્યારે દેશમાં કરોડો લોકો માટે આ વસ્તુઓ બને છે, તો આનાથી લોકોનું જીવન સરળ થાય છે અને સાથે જ નાનાથી મોટા કામદારને રોજગારીની લાખો-લાખ તકો મળે છે. તમે રેલવેનું જ જુઓ, આ વર્ષનું રેલવે બજેટ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. જે 12 વર્ષ પહેલાની સરખામણીએ કેટલાય ગણું વધુ છે. એટલે કે રેલવેના આધુનિકીકરણ પર થઈ રહેલો ખર્ચ, હજારો-હજાર નવી રોજગારી બનાવી રહ્યો છે. અને આ રોજગારી કન્સ્ટ્રક્શન દરમિયાન તો બને જ છે. એક વાર રોડ, રેલવે, પાઈપલાઈન, પોર્ટ, એરપોર્ટ બની ગયું, તો પછી તેની આસપાસ નવા ઉદ્યોગો લાગવાના શરૂ થઈ જાય છે, નવા બિઝનેસ આવે છે, આ ફરી નવી રોજગારી બનાવે છે. ત્યાં કેટલાક લોકો, તે દીકરી ચિત્ર લઈને ક્યારની ઊભી છે, તે સજ્જન પણ કંઈક કલા લઈને આવ્યા છે. જરા અમારા સાથી તેને કલેક્ટ કરી લે. આ આગળ પહોંચાડી દો, હા. એક બીજું પણ છે કોઈ, હા, લઈ લો. તમારો ખૂબ-ખૂબ આભાર.
સાથીઓ,
મેં દેશની સામે વિકસિત ભારતની જે સપ્તધારાઓનું વિઝન રાખ્યું છે, તેમાં એક ધારા મેન્યુફેક્ચરિંગની પણ છે. અને વડોદરા શહેર, આની તાકાત સારી રીતે જાણે પણ છે, સમજે પણ છે. એજ્યુકેશન, સ્કિલ અને ઈન્ડસ્ટ્રીનું કોલેબ કેવી રીતે થાય છે, આ વડોદરા આશરે દોઢસો વર્ષથી આનું પ્રતિબિંબ છે. દાયકાઓ પહેલા, અહીં ટેક્સટાઈલ અને ટાઈલ્સના નિર્માણથી એક યાત્રા શરૂ થઈ હતી, જે પાછળથી ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ સાથે આગળ વધી. છેલ્લા બે-અઢી દાયકામાં વડોદરા એમએસએમઈનું એક મોટું હબ બની ગયું છે. અને મને યાદ છે, જ્યારે હું નવો-નવો મુખ્યમંત્રી બન્યો હતો, તો વડોદરાનો મારા પર સ્પેશિયલ અધિકાર રહ્યો છે હંમેશા, તો દર અઠવાડિયે કોઈ ને કોઈ ડેલીગેશન આવતું હતું. બસ અમારા વડોદરામાં કંઈક મેન્યુફેક્ચરિંગનું થાય, મેન્યુફેક્ચરિંગનું થાય, કારણ કે અહીં આવતા હતા, તો કાં તો જ્યોતિ કે એલએમબી કે તો જીએસએફસી, આ જ બધું દેખાતું હતું અને બીજું કંઈ સંભળાતું નહોતું. આજે ક્યાંથી ક્યાં બદલાઈ ગયું છે. હવે તો આ શહેર દેશના પહેલા મેડ ઈન ઈન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે પણ ઓળખાઈ રહ્યું છે. સી-295 એરક્રાફ્ટની પહેલી ફ્લાઈટ અહીં આસમાન જોઈ ચૂકી છે. હું વડોદરાના લોકોને આ ગૌરવ મેળવવા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
જ્યારે દેશના મેન્યુફેક્ચરિંગની વાત થઈ રહી છે, તો હું એક બીજો આંકડો બતાવવા માંગુ છું. વીતેલા એક દાયકામાં ભારત રેલ કોચ-મેટ્રો કોચ બનાવવાનો, રેલ એન્જિન બનાવવાનો પણ એક મોટો ઉત્પાદક બન્યો છે. 2014 પછીથી અત્યાર સુધી, ભારતે આશરે 50 હજાર, આ આંકડો સાંભળો, 2014 પછી ભારતે અત્યાર સુધી 50 હજાર આધુનિક રેલવે કોચ બનાવ્યા છે. જૂની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ બનાવી શકતી નહોતી. 50 હજાર આધુનિક કોચ તો કર્યા જ છે, આશરે અઢી લાખ વેગન, માલગાડી માટે જે વેગન હોય છે, ભારતીય રેલવેમાં જોડવામાં આવ્યા છે, અઢી લાખ.
સાથીઓ,
હવે ભારત ચિપથી લઈને શિપ સુધી, નિર્માણની એક નવી ગાથા લખી રહ્યું છે. એટલે કે સ્પેરપાર્ટ્સ પણ આપણા અને પ્રોડક્ટ પણ આપણી, આત્મનિર્ભરતાની એક પૂરી ચેઈન ભારતમાં જ બનશે. અને આ આપણે સોલર પાવરના મામલે જોઈ રહ્યા છીએ. જેમ કે કડાણા ડેમ પર જે ફ્લોટિંગ સોલર પ્લાન્ટનો પ્રોજેક્ટ છે, કેટલાક વર્ષો પહેલા સુધી દેશમાં સોલર પ્રોજેક્ટ્સ લગાવવા ખૂબ મોંઘા પડતા હતા. કારણ કે પીવી મોડ્યુલથી લઈને, દરેક પ્રકારનું હાર્ડવેર ઈમ્પોર્ટ કરવું પડતું હતું. પરંતુ વીતેલા વર્ષોમાં આપણે ભારતમાં જ પીવી મોડ્યુલ બનાવવાનું શરૂ કર્યું. અને આજે આપણે આમાં 200 ગીગાવોટથી વધુની કેપેસિટી વિકસિત કરી ચૂક્યા છીએ. અને આવી જ આત્મનિર્ભરતાના કારણે આજે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો વિસ્તાર થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 55 લાખ પરિવાર પોતાના છત પર, ટેરેસ પર સોલર પ્લાન્ટ લગાવી ચૂક્યા છે. અને આમાં 11 લાખ પરિવાર આપણા ગુજરાતના છે. અહીં આટલા બધા પરિવાર, વીજળી ઉત્પાદક બની ચૂક્યા છે અને આના કારણે, પ્રોડક્શનથી લઈને ઈન્સ્ટોલેશન અને સર્વિસ સુધી, કેટલાય યુવાનોને રોજગારી મળી છે, કેટલાય નવા વેન્ડર્સ આવ્યા છે.
સાથીઓ,
‘જૂઠની ગૂંજ’થી ભરમાવવા વાળા તો દરેક ચાર રસ્તા પર મળી જશે, પરંતુ ભારતનો યુવાન સત્યના હોંકારાથી ચાલે છે, સત્યના હોંકારા સાથે ચાલે છે, સત્યના હોંકારા માટે ચાલે છે. આપણા યુવા સાથીઓ આ જોઈ રહ્યા છે કે આજે દેશમાં સોલર હોય, વિન્ડ હોય, હાઈડ્રો હોય, ન્યુક્લિયર હોય, તમામ સેક્ટર્સ પર સરકાર કેટલા ફોકસથી કામ કરી રહી છે.
સાથીઓ,
આવનારા સમયમાં દરેક આધુનિક સેક્ટર વીજળીથી જ ચાલશે, ઈલેક્ટ્રિક ઈકોસિસ્ટમ પર નિર્ભર હશે. જેમ કે ચિપ ઈન્ડસ્ટ્રી છે, ડેટા સેન્ટર અને એઆઈથી જોડાયેલી ઈન્ડસ્ટ્રી છે, આનું ખાતર-પાણી વીજળી જ છે. એટલા માટે જો આપણે એઆઈમાં દુનિયાની સામે સુપર પાવર બનવું હોય, તો દેશને તેની તૈયારી, એનું ઈકોસિસ્ટમ પણ બનાવવું પડશે. આ જ કામ ભારત ગ્રાઉન્ડ પર કરી રહ્યું છે. ત્યારે જ કોઈ દેશ સાથે યુરેનિયમ માટે સમજૂતીઓ થઈ રહી છે, કોઈની સાથે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ મિનરલ્સને લઈને સમજૂતીઓ કરવામાં આવી રહી છે. આ તમામ મહેનત દેશના યુવાનોનું ફ્યુચર સુરક્ષિત કરવા માટે દિન-રાત મહેનત કરીને કરવામાં આવી રહી છે, તમારા ભવિષ્ય માટે કરવામાં આવી રહી છે.
સાથીઓ,
દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, તો દુનિયાની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે અને આવી જ રીતે આપણી ભણતર-ગણતરની રીતભાત પણ બદલાઈ રહી છે. પહેલા ફોકસ ફક્ત ડિગ્રી પર થતું હતું, પરંતુ હવે ડિગ્રીની સાથે-સાથે સ્કિલ પર પણ ફોકસ છે, સ્કિલનું મહત્ત્વ વધી રહ્યું છે. યુવાનો પાસે સ્કિલ હોય અને તે સ્કિલ સમયે-સમયે અપગ્રેડ થાય, એક મોટી જરૂરિયાત બની ગઈ છે. અને એટલા માટે જ, આજે આપણે આપણી શિક્ષણ નીતિને, શિક્ષણ અને ટ્રેનિંગના સંસ્થાનને નવા રૂપમાં ઢાળી રહ્યા છીએ. અને આ જ ભાવ સાથે જ મેં લાલ કિલ્લા પરથી પણ યુવાશક્તિ માટે બે મોટી જાહેરાતો કરી છે. પહેલી જાહેરાત, દેશની પરંપરાગત જરૂરિયાત સાથે જોડાયેલી છે. તમે સૌ જાણો છો કે આપણા ત્યાં લાખો યુવાનો એવા છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. દર વર્ષે, આપણા મિડલ ક્લાસ પરિવારોની કમાણીનો એક મોટો હિસ્સો આ બાળકોના કોચિંગ પર ખર્ચ થઈ જાય છે. અમારો પ્રયાસ છે કે ગરીબ અને મિડલ ક્લાસના આવા બાળકોના, પરિવારોના પૈસાની બચત થાય. અને એટલા માટે હવે સરકાર સ્ટુડન્ટ્સને ઓનલાઈન ફ્રી-કોચિંગ વ્યવસ્થા આપવાની દિશામાં આગળ વધી રહી છે. અને હિન્દુસ્તાનના બેસ્ટ ટીચર દ્વારા તેમનું કોચિંગ થાય. આપણા જે યુવાનો, પોતાની તૈયારી કરી રહ્યા છે, તેમના કોચિંગનું ધ્યાન સરકાર પોતે રાખશે.
સાથીઓ,
ભારતના યુવાનોને એઆઈમાં પારંગત હોવું એટલું જ જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે આપણા યુવાનોની પેઢી એઆઈ માટે તૈયાર થાય. એવું નથી, એઆઈ શીખવા વાળાની જરૂરિયાત ફક્ત આઈટી સેક્ટરમાં છે, જો કોઈ આ સ્કિલને જાણે છે, તો તે ખેતી માટે નવું એઆઈ સોલ્યુશન બનાવી શકે છે. આરોગ્યના ક્ષેત્રમાં ટેકનોલોજી વિકસિત કરી શકે છે. મેન્યુફેક્ચરિંગની પ્રોડક્ટિવિટી વધારી શકે છે. રોબોટિક્સમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે આપણી પાસે દેશ અને દુનિયાની ઈન્ડસ્ટ્રી માટે એઆઈને સમજવા વાળા અને એઆઈનો ઉપયોગ કરવા વાળા યુવાનો હોય. સરકાર આના માટે એક મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે.
સાથીઓ,
ભારતનો આ કાળખંડ અભૂતપૂર્વ છે. આ ભારતની યુવાશક્તિનો ઉત્કર્ષ કાળ છે, આ સમય ફરી ભારતના જીવનમાં પાછો નહીં આવે. અને એટલા માટે, આપણે 2047માં વિકસિત ભારતના લક્ષ્યને સર્વોપરી રાખવાનું છે. આપણે ભારતને વિકસિત બનાવીને જ રહેવાનું છે. આ જ આહ્વાન સાથે, એક વાર ફરી આપ સૌને વિકાસ કાર્યોની ખૂબ-ખૂબ શુભકામનાઓ.
હવે મારું એક કામ કરવું પડશે વડોદરાવાસીઓ, કરશો? પાક્કા પાકી? આપ સૌએ વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, કેટલી મહેનત કરવી પડી. હું જોઈ રહ્યો હતો, આપણા યુવાનો દિન-રાત સફાઈમાં લાગેલા હતા. પરંતુ એક વાર આપણે નક્કી કરીએ કે હવે આપણે વડોદરાને ગંદુ થવા જ નહીં દઈએ. હું પોતે ગંદકી નહીં કરૂં, આ સંકલ્પ લઈએ, તો વડોદરા ગંદુ થશે? વડોદરા ગંદુ થશે? તો દિવાળી આવી ચકાચક જશે કે નહીં, નવરાત્રી શાનદાર જશે કે નહીં, ગણેશોત્સવમાં ચાર ચાંદ લાગશે કે નહીં, તો આટલું કામ તો થઈ જશે.
શાબાશ.
ધન્યવાદ.
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
SM/BS/JD
We are strengthening India's infrastructure to move people and goods faster, create new opportunities and power economic growth. Addressing a programme in Vadodara during the launch of key projects. https://t.co/JfapjA64fm
— Narendra Modi (@narendramodi) September 8, 2026
The Dedicated Freight Corridor is the lifeline of a rapidly developing India. pic.twitter.com/LsJ8XDP4UD
— PMO India (@PMOIndia) September 8, 2026
From chips to ships, India is now building a new manufacturing future. pic.twitter.com/Ywh6sYbRSn
— PMO India (@PMOIndia) September 8, 2026
The 2,800+ km Dedicated Freight Corridor is now complete. ✅
— Narendra Modi (@narendramodi) September 8, 2026
This is a major milestone for Gati Shakti and India’s logistics transformation. pic.twitter.com/R8LQpzhg2u