પીએમઇન્ડિયા
મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન, મહામહિમ, આદરણીય સહભાગીઓ, નમસ્કાર!
પ્રથમ ઇન્ટરનેશનલ સ્પેસ સમિટનો હિસ્સો બનવા બદલ મને આનંદ થાય છે. હું રાષ્ટ્રપતિ મેક્રોનનો તેમના સૌજન્યપૂર્ણ આમંત્રણ અને આ સમયસરની પહેલ કરવા બદલ આભાર માનું છું. સદીઓથી, અવકાશે આપણી કલ્પનાને પ્રેરણા આપી છે. આજે, તે આબોહવા અને પાકથી લઈને મહાસાગરો અને સમુદાયો સુધી, પૃથ્વી પરના જીવનને આકાર આપે છે. અવકાશનું ભવિષ્ય અનંત છે. આપણી જવાબદારી સામૂહિક છે. જેમ જેમ ભ્રમણકક્ષાઓ વધુ ગીચ બનતી જાય છે, ટેકનોલોજી વધુ શક્તિશાળી બનતી જાય છે અને ભાગીદારો વધુ સંખ્યામાં ઉમેરાતા જાય છે, તેમ આપણી પસંદગીઓ સ્પષ્ટ હોવી જોઈએ: સંઘર્ષના સ્થાને સહયોગ; ટૂંકા ગાળાના લાભના સ્થાને ટકાઉપણું; અને બાકાત રાખવાના સ્થાને સમાવેશ.
મિત્રો,
ભારતનો અભિગમ વસુધૈવ કુટુંબકમ એટલે કે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવનામાં સમાયેલો છે. આ ભાવના હવે પૃથ્વીની સીમાઓ ઓળંગીને આગળ વધવી જોઈએ. આપણે આંતરરાષ્ટ્રીય કાયદા, સંવાદ અને બહુપક્ષીય સહયોગ પર આધારિત સુરક્ષિત, શાંતિપૂર્ણ અને ટકાઉ અવકાશ ક્ષેત્રનું સમર્થન કરીએ છીએ. વૈજ્ઞાનિક ડેટા એ પારદર્શિતા અને અખંડિતતા સાથે સામાન્ય કલ્યાણ માટે ઉપયોગી થવો જોઈએ.
ભારતની અવકાશ યાત્રા આ ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. ISRO, જે આ યાત્રાના કેન્દ્રમાં છે, તેણે પોતાની ઉત્કૃષ્ટતા અને સસ્તું ખર્ચ ધરાવતા મિશનો માટે વૈશ્વિક પ્રશંસા મેળવી છે. તેની ક્ષમતાઓ ખેડૂતો અને માછીમારો, હવામાનની અગાઉથી જાણકારી, આપત્તિ વ્યવસ્થાપન અને નેવિગેશનમાં ઉપયોગી બને છે. 34 દેશોના 430 થી વધુ ઉપગ્રહો ભારતીય રોકેટો દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યા છે. ISRO ની ટેકનોલોજી અને ભાગીદારી માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેવા આપે છે.
આ વૈશ્વિક વિશ્વાસ પાછળ ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનિશિયનોની પેઢીઓનું સમર્પણ અને સખત પરિશ્રમ છે. દિવસ-રાત કામ કરીને, તેમણે દરેક મિશન અને દરેક સફળતા સાથે ISROની વૈશ્વિક પ્રતિષ્ઠાનું નિર્માણ કર્યું છે અને ભારતને અવકાશ ક્ષેત્રના અગ્રણી દેશોમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે.
ચંદ્રયાન-3 એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનારો પ્રથમ દેશ બનાવ્યો. આદિત્ય-L1 સૂર્યના રહસ્યોને ઉકેલવામાં મદદ કરી રહ્યું છે. ગયા વર્ષે, એક ભારતીયે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ભવિષ્ય તરફ જોતાં, અમારો ઉદ્દેશ્ય 2035 સુધીમાં એક ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનો અને 2040 સુધીમાં એક ભારતીયને ચંદ્ર પર મોકલવાનો છે. આ તમામ પ્રયાસોમાં, અમારો માર્ગદર્શક સિદ્ધાંત સ્પષ્ટ રહ્યો છે: તેના લાભો સમગ્ર માનવજાત સુધી પહોંચવા જોઈએ.
ISROની સાથે સાથે, ભારતનું ખાનગી અવકાશ ક્ષેત્ર પણ મોટા પાયે આગળ વધી રહ્યું છે. ઉદ્યોગ સાહસિકોની ઊર્જા ISROની ઉત્કૃષ્ટતા સાથે જોડાઈ રહી છે. 1960ના દાયકામાં થુમ્બા ખાતે ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી ફ્રાન્સ એક વિશ્વાસપાત્ર ભાગીદાર રહ્યું છે. આજે, આપણો સહયોગ પૃથ્વી અવલોકન અને અદ્યતન ટેકનોલોજી સુધી વિસ્તરેલો છે, જે વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતાને માનવ કલ્યાણના હેતુ સાથે જોડે છે. આપણે ફ્રાન્સ અને વિશ્વને ભારતની આગામી સ્પેસ ફ્રન્ટીયરમાં સહ-યાત્રી બનવા માટે આમંત્રિત કરીએ છીએ.
મિત્રો,
પેરિસમાં યોજાયેલી આ સ્પેસ સમિટ એક સ્પષ્ટ સંદેશ આપે: આપણે સમગ્ર માનવજાત માટે અને આવનારી પેઢીઓ માટે એકસાથે અન્વેષણ કરીશું, એકસાથે નવીનતા લાવીશું અને એકસાથે અવકાશનું રક્ષણ કરીશું. હું તમામ સહભાગીઓને મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું.
આભાર.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Sharing my remarks during the International Space Summit in France. https://t.co/Nw1LNXWnKp
— Narendra Modi (@narendramodi) September 10, 2026