પીએમઇન્ડિયા
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગીઓ, અશ્વિની વૈષ્ણવજી અને જિતિન પ્રસાદજી; અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સીઈઓ અને પ્રતિનિધિઓ; તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાયેલી સેંકડો યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ, ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરતા મારા યુવાન મિત્રો. અહીં ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનો, મહિલાઓ અને સજ્જનો!
આ ‘સેમિકોન ઈન્ડિયા‘ની પાંચમી આવૃત્તિ છે. હું આપ સૌનું અભિવાદન કરું છું. વિદેશથી પધારેલા મહેમાનોનું હું વિશેષ સ્વાગત કરું છું.
મિત્રો,
આજે વિશ્વકર્મા જયંતી પણ છે. આ પ્રસંગે હું મારા તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. આપણી પરંપરામાં ભગવાન વિશ્વકર્માને નિર્માણ અને સર્જનની શક્તિના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે; અને તે એક સુખદ સંયોગ છે કે ‘સેમિકોન ઈન્ડિયા‘નો પ્રારંભ આ જ દિવસે થઈ રહ્યો છે. એક તરફ આપણી સદીઓ જૂની નિર્માણની પરંપરા છે અને બીજી તરફ 21મી સદીની ટેક્નોલોજી અને દ્રષ્ટિકોણ છે. આ બંનેનો સમન્વય જ આપણા ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘વિકસિત ભારત‘ના વિઝન પાછળની પ્રેરણા છે.
મિત્રો,
દરેક નાગરિક વિકસિત ભારતના નિર્માણના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. જો આપણે માત્ર છેલ્લા 15 દિવસો પર નજર કરીએ. હું તમારું ધ્યાન આ ટૂંકા ગાળા તરફ દોરવા માંગુ છું, તો આપણે ભારત જે દિશામાં અને જે ગતિએ આગળ વધી રહ્યું છે તેનો અંદાજ લગાવી શકીએ છીએ. આ સપ્ટેમ્બરમાં જ, બરાબર દસ દિવસ પહેલાં મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ‘એજન્ટિક એઆઈ‘, ટોકનાઈઝેશન અને ક્વોન્ટમ ટેક્નોલોજી દ્વારા સર્વસમાવેશી નાણાકીય વ્યવસ્થા પર ચર્ચાઓ થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન, ભારતમાં લગભગ ત્રણ હજાર કિલોમીટર લાંબો ‘માલવાહક કોરિડોર’ સંપૂર્ણપણે કાર્યરત થયો; મિત્રો, હું સપ્ટેમ્બરના આ માત્ર દસ દિવસોની વાત કરી રહ્યો છું. કોઈ દૂરના ભૂતકાળની નહીં. આનાથી દેશભરમાં માલસામાનની હેરફેર ઝડપી બનશે, લોજિસ્ટિક્સમાં સુધારો થશે અને ઉત્પાદન ક્ષેત્રને નવી ગતિ મળશે.
મિત્રો,
આ જ સમયગાળા દરમિયાન, આ સપ્ટેમ્બરમાં ભારતનો ત્રિમાસિક જીડીપી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે આવા પડકારજનક સમયમાં પણ ભારતે 7.8 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. અને આની વચ્ચે, જાપાનની એક ક્રેડિટ રેટિંગ એજન્સીએ ભારતના સાર્વભૌમ રેટિંગમાં સુધારો કર્યો છે. અને આવું ત્રણ દાયકા પછી, લગભગ 35 વર્ષ પછી થયું છે. આનો અર્થ એ છે કે ભારતની અર્થવ્યવસ્થા વિકસી રહી છે તેની સાથે સાથે ભારત પ્રત્યે વિશ્વનો વિશ્વાસ પણ સતત વધી રહ્યો છે.
મિત્રો,
આ વિશ્વાસનું વધુ એક મોટું ઉદાહરણ ત્રણ દિવસ પહેલાં સંપન્ન થયેલી બ્રિક્સ સમિટમાં જોવા મળ્યું હતું. ભારતે આ સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. તમામ સભ્યોની સર્વસંમતિથી ‘નવી દિલ્હી ઘોષણાપત્ર‘ અપનાવવામાં આવ્યું તે ભારત પ્રત્યે વિશ્વના વિશ્વાસનો વધુ એક પુરાવો છે.
મિત્રો,
આ સિદ્ધિઓની પૃષ્ઠભૂમિમાં, ‘સેમિકોનઈન્ડિયા‘ કાર્યક્રમનું મહત્વ વધુ વધી ગયું છે. તેની પ્રથમ આવૃત્તિ 2022માં યોજાઈ હતી, અને ત્યારથી આપણે દર વર્ષે મળતા રહ્યા છીએ, પરંતુ આપણી ચર્ચાઓનો વિષય અને દ્રષ્ટિકોણ વિકસતો ગયો છે. પ્રથમ આવૃત્તિ દરમિયાન, આપણી વાતચીત નીતિ પર કેન્દ્રિત હતી. ત્યારબાદની આવૃત્તિઓમાં સંવાદ આગળ વધ્યો; આપણે ચોક્કસ પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું, એટલે કે માત્ર ફાઇલો પર હસ્તાક્ષર કરવાથી આગળ વધીને શિલાન્યાસ કરવા સુધીની સફર ખેડી. ગયા વર્ષે, આપણે પાયલોટ લાઈન્સ અને ટેસ્ટ ચિપ્સ વિશે ચર્ચાઓ શરૂ કરી અને ભારતીય એકમો દ્વારા તેમના પ્રથમ નમૂનાઓ તૈયાર કરવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને આ વર્ષે, આપણે વ્યાવસાયિક ઉત્પાદન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય પ્લાન્ટ્સમાંથી બનેલી ચિપ્સ હવે દેશની અંદર અને વિશ્વભરમાં ગ્રાહકો સુધી પહોંચવા લાગી છે. વધુમાં, મોહાલી અને સુરતમાં અન્ય બે પ્લાન્ટ્સમાં પણ હાલમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. હું તેમને પણ અભિનંદન પાઠવું છું.
મિત્રો,
કોઈપણ દેશ માટે આટલા ટૂંકા ગાળામાં આ તબક્કે પહોંચવું એ કોઈ સરળ કામ નથી. આ ક્ષેત્ર એવું નથી કે જ્યાં માત્ર ફેક્ટરી સ્થાપવાથી કામ પૂરું થઈ જાય; અહીં તકનીકી ક્ષમતાઓ વિકસાવવામાં દાયકાઓ લાગે છે. વિશ્વમાં જ્યાં પણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, તે દાયકાઓની સખત મહેનત દ્વારા નિર્મિત થઈ છે. તેમ છતાં, તમારા સહયોગથી ભારતે ચિપ ડિઝાઇન, ઉત્પાદન, સાધનોનું ઉત્પાદન, મટિરિયલ ઇકોસિસ્ટમ અને પરીક્ષણ ક્ષમતાઓ, આ તમામ ક્ષેત્રોમાં એકસાથે કામ કર્યું છે અને સફળતા હાંસલ કરી છે. તમે, એટલે કે ઉદ્યોગના અગ્રણીઓ, અમારી આ યાત્રામાં મુખ્ય હિસ્સેદાર રહ્યા છો. તમે ભારતની આ સફળતાના આધારસ્તંભ છો; તમે અમારી યાત્રામાં ભાગીદાર છો.
મિત્રો,
સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં એક શબ્દ વપરાય છે – “ટેપ-આઉટ”. આ તે દિવસ સૂચવે છે જ્યારે ચિપની ડિઝાઇન પૂર્ણ થાય છે અને તેને ઉત્પાદન માટે મોકલવામાં આવે છે. જોકે, કામ “ટેપ-આઉટ” પર અટકતું નથી; તે જ દિવસે તેના પછીના સંસ્કરણ પર કામ શરૂ થઈ જાય છે. ભારત પણ એ જ કરી રહ્યું છે. અમે સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે. જ્યારે પ્રથમ તબક્કાનું મૂલ્ય અંદાજે 8 અબજ ડોલર હતું, ત્યારે અમે બીજા તબક્કા માટે 13.5 અબજ ડોલરનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સુધારાની દિશામાં આગળ વધતા, અમે આ ક્ષેત્રમાં વધુ ફેરફારો અમલમાં મૂક્યા છે. હવે, આંતરરાષ્ટ્રીય કંપનીઓ અમારા સ્ટાર્ટઅપ્સ, ભારતીય ડિઝાઇન ફર્મ્સ અને OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા)ની માલિકીની કંપનીઓ સાથે સહયોગ કરી શકે છે. નીતિઓ, ભંડોળ કે નિયમનકારી માળખાં – કોઈપણ બાબત હોય, ભારત સરકાર તમારા પ્રોજેક્ટ્સની સફળતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
મિત્રો,
અમારો પ્રયાસ ભારતમાં ‘ફેબલેસ‘ કંપનીઓના વિકાસને પ્રોત્સાહન આપવાનો અને અહીં જ બૌદ્ધિક સંપદાનું સર્જન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. પછી તે વિવિધ પ્રકારના કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન હોય કે ઇકોસિસ્ટમમાં સિલિકોન ફોટોનિક્સનું એકીકરણ હોય, આ તમામ ઘટકો AI-સક્ષમ માળખાગત સુવિધાઓ માટે આવશ્યક છે. આપણે આ દિશામાં સાથે મળીને આગળ વધવું પડશે. આ માટે જરૂરી પાયો પહેલેથી જ નાખવામાં આવ્યો છે. ભારત સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર પણ ભાર મૂકી રહ્યું છે અને આ હાંસલ કરવા માટે અનેક સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. હું અહીં ઉપસ્થિત સાધનો બનાવતી કંપનીઓના નેતાઓને આ તક ન ગુમાવવાની વિનંતી કરું છું. ભારતમાં રસાયણો, વાયુઓ અને સામગ્રી ક્ષેત્રના અગ્રણીઓ માટે પણ સુવર્ણ તક રાહ જોઈ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર ઇકોસિસ્ટમ એકસાથે વિકસે, અને આ માટે માંગની પાઈપલાઈન પહેલેથી જ તૈયાર છે. અત્યાર સુધીમાં બાર પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે અને આગામી તબક્કામાં આ વ્યાપ વધુ વિસ્તરશે.
મિત્રો,
ભારત તમને જે અન્ય લાભ આપે છે તે છે તેની યુવાશક્તિ, તેનું પ્રતિભાશાળી અને કુશળ કાર્યબળ. આજે, આપણી પાસે એન્જિનિયરિંગ પ્રતિભાનો વિશાળ ભંડાર છે. ભારતમાં હજારો એન્જિનિયરિંગ કોલેજો આવેલી છે અને અહીં દર વર્ષે લાખો એન્જિનિયરો તૈયાર થાય છે. મને એક યુએસ કંપનીના પ્રતિનિધિ સાથેની મુલાકાત યાદ છે, જેમણે કહ્યું હતું કે જો તેઓ તેમના દેશમાં એન્જિનિયરોની ભરતી કરે, તો ઉમેદવારો એક જ રૂમમાં સમાઈ જાય; પરંતુ જો તેઓ ભારતમાં ભરતી અભિયાન ચલાવે, તો ફૂટબોલ સ્ટેડિયમ પણ નાનું પડે. આ ભારતની તાકાત છે.
અને મિત્રો,
મોટા પાયે કૌશલ્ય વિકાસની પહેલ ચાલી રહી છે, ખાસ કરીને ચિપ ડિઝાઈન માટે. અહીં આવતા પહેલાં, હું આ કેમ્પસમાં જ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનો, જે બધા વિદ્યાર્થીઓ હતા, તેમને મળ્યો હતો. આ વિદ્યાર્થીઓએ મને તેમણે જાતે ડિઝાઈન કરેલી ચિપ્સ બતાવી. અમારી સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક લાખ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તમને હમણાં જ જણાવવામાં આવ્યું છે તેમ, અમે આમાંથી 70,000થી વધુ યુવાનોને તાલીમ આપી ચૂક્યા છીએ. પ્રતિભાનો આવો વિશાળ ભંડાર, એક રીતે, તમારા બધા માટે સોનાની ખાણ સમાન છે.
મિત્રો,
સરકારની આ પહેલોની વચ્ચે, હું આજે યુવાનોને, ખાસ કરીને ભારતમાં સંશોધન કરી રહેલી યુવા પ્રતિભાઓને પણ આગળ આવવા આહ્વાન કરું છું. હું વિદેશમાં રહેલા યુવા સંશોધકોને પણ ભારતમાં અદ્યતન તકનીકોના વિકાસમાં જોડાવા વિનંતી કરું છું. હું ઉદ્યોગના અગ્રણીઓને દેશમાં સંશોધન અને વિકાસનું નેતૃત્વ કરવા આહ્વાન કરું છું; આનાથી ઉદ્યોગને લાભ થશે અને સાથે સાથે ભારતની યુવા શક્તિ પણ સશક્ત બનશે.
મિત્રો,
ઝડપથી વિકસી રહેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગને કેટલાક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમે બધા તેનાથી પરિચિત છો. વર્ષો સુધી, આ ઉદ્યોગનું ધ્યાન ટ્રાન્ઝિસ્ટરના કદ પર કેન્દ્રિત હતું; જેમ જેમ ટ્રાન્ઝિસ્ટર નાના થતા ગયા, તેમ તેમ કમ્પ્યુટિંગ ઝડપી અને વધુ કાર્યક્ષમ બનતું ગયું. જોકે આ પ્રશ્ન હજુ પણ પ્રસ્તુત છે, તેમ છતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમને ઉદ્યોગ માટે નવા પડકારો ઊભા કર્યા છે. છેલ્લા બે વર્ષમાં, વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે; આ વૃદ્ધિ મુખ્યત્વે AI દ્વારા ઊભી થયેલી માંગને કારણે થઈ છે. આજે, જો તમે AI પર કામ કરી રહ્યા હોવ, તો પડકાર માત્ર ચિપની અંદર શું છે તેમાં જ નથી, પરંતુ તેની આસપાસના ઇકોસિસ્ટમમાં પણ છે, જેમ કે પ્રોસેસરની નજીક મેમરી મૂકવી, એકીકૃત સિસ્ટમ તરીકે કાર્ય કરવા માટે અનેક ચિપ્સને જોડવી, કોઈપણ વિલંબ વિના વિશાળ માત્રામાં ડેટાનું સ્થાનાંતરણ કરવું અને ગરમી તથા પાવરનું સંચાલન કરવું. સેમિકન્ડક્ટર ઉદ્યોગ આવા અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. આ પડકારોની વચ્ચે, વિશ્વને નવા અને હું આ વાત અત્યંત જવાબદારીની ભાવના સાથે કહું છું, વિશ્વસનીય ઉત્પાદન કેન્દ્રોની તાતી જરૂરિયાત છે. અને હું તમને ખાતરી આપું છું કે, ભારત આ જરૂરિયાતને પૂરી કરવા માટે સતત પોતાની તૈયારી કરી રહ્યું છે.
મિત્રો,
સેમિકન્ડક્ટર ઉદ્યોગ સામે આજે ઊભેલો અન્ય એક મુખ્ય મુદ્દો ઊર્જા સુરક્ષાનો છે. AI માટે ડિઝાઈન કરાયેલી ચિપ્સનો ઉપયોગ AI ડેટા સેન્ટરોમાં કરવામાં આવે છે, જ્યાં વિશાળ માત્રામાં ડેટાની પ્રક્રિયા કરવા માટે હજારો ઉચ્ચ-ક્ષમતા ધરાવતા પ્રોસેસર્સ એકસાથે કાર્ય કરે છે. જેમ જેમ AIનો વિસ્તાર થશે, તેમ કમ્પ્યુટિંગ પાવરની માંગ પણ તેટલા જ પ્રમાણમાં વધશે, અને વધતા કમ્પ્યુટિંગ પાવર સાથે વીજળીની જરૂરિયાત પણ વધશે. તેથી, પાવર ક્ષેત્રમાં રોકાણ અત્યંત મહત્વપૂર્ણ છે. તે આવશ્યક છે કે જ્યારે પણ અને જેટલી માત્રામાં જરૂર હોય ત્યારે આપણા પ્લાન્ટ્સને સમયસર, પૂરતો અને વિશ્વસનીય વીજ પુરવઠો મળે. એટલા માટે જ ભારત પાવર ક્ષેત્રમાં પણ નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે. છેલ્લા દાયકામાં, આપણી સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા લગભગ 2 ગીગાવોટથી વધીને 160 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે—એટલે કે 2 થી 160 સુધીનો વધારો. આપણે પરમાણુ ઊર્જા ક્ષેત્રે પણ ઝડપી પ્રગતિ કરી રહ્યા છીએ; આ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આપણે ‘સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ‘ પર પણ કામ કરી રહ્યા છીએ. ભારતે છેલ્લા દસ વર્ષમાં તેના ટ્રાન્સમિશન નેટવર્કનો પણ નોંધપાત્ર વિસ્તાર કર્યો છે.
મિત્રો,
ભારતમાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આ વિસ્તાર આપણી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે પણ એક મોટી તાકાત છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પોતાને એક પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરવા ભારત શક્ય તેટલા તમામ પગલાં લઈ રહ્યું છે.
મિત્રો,
ભારત ‘લોકશાહીની જનની‘ છે. આપણા બંધારણની 75મી વર્ષગાંઠને હજુ થોડાક જ વર્ષો વીત્યા છે. જ્યારે આવો કોઈ દેશ કોઈ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં સફળતા મેળવે છે, ત્યારે તે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવે છે. જ્યારે પુરવઠા શૃંખલાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો હોય તેવા સમયે આ મહત્વ વધુ વધી જાય છે. આપણે ભારતમાં થઈ રહેલા આ વિકાસને આ વ્યાપક દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. ભારતની આકાંક્ષાઓ તમારી સમક્ષ છે અને અહીં ઉભરી રહેલી નવી તકો તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે. ફરી એકવાર, હું આ કાર્યક્રમ માટે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ આભાર.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
India's semiconductor ecosystem is expanding rapidly. It is opening new opportunities for innovation, investment and growth. Addressing SEMICON India 2026 in Delhi. https://t.co/a7A2Rs89DI
— Narendra Modi (@narendramodi) September 17, 2026
India's economy is growing...
— PMO India (@PMOIndia) September 17, 2026
The world's trust in India is also growing. pic.twitter.com/oP0Q3JGdmD
PM @narendramodi has a request for India's young talents and industry leaders... pic.twitter.com/Y8EFX5mJ3l
— PMO India (@PMOIndia) September 17, 2026
The world is looking for new and trusted manufacturing destinations. India is steadily preparing itself to meet this need. pic.twitter.com/RuwZAT6NZM
— PMO India (@PMOIndia) September 17, 2026
India is taking every step needed to become a preferred destination for the semiconductor industry. pic.twitter.com/djf4r1d2zS
— PMO India (@PMOIndia) September 17, 2026