પીએમઇન્ડિયા
મહામહિમ રાષ્ટ્રપતિશ્રી,
બંને દેશોના પ્રતિનિધિગણ,
મીડિયાના સદસ્યો,
નમસ્કાર!
સ્વિત્ઝરલૅન્ડ ના રાષ્ટ્રપતિનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે.
સૌ પ્રથમ, હું ભારત-સ્વિત્ઝરલૅન્ડ સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. ગયા ઓક્ટોબરમાં, તેમના વ્યક્તિગત સહયોગથી, અમે ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દેશો વચ્ચે એક ઐતિહાસિક ‘વેપાર અને આર્થિક ભાગીદારી કરાર‘ (TEPA) અમલમાં મૂક્યો. યુરોપના કોઈપણ આર્થિક જૂથ સાથે ભારતનો આ પ્રથમ મુક્ત વેપાર કરાર (FTA) છે.
આ રોકાણ, નવીનતા, રોજગાર અને સહિયારી સમૃદ્ધિ માટેની એક મહત્વાકાંક્ષી રૂપરેખા પણ છે. આના માધ્યમથી, અમારો ઉદ્દેશ્ય આગામી ૧૫ વર્ષોમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો અને 10 લાખ (એક મિલિયન) પ્રત્યક્ષ રોજગારનું સર્જન કરવાનો છે.
મિત્રો,
ભારત અને સ્વિત્ઝરલૅન્ડ વચ્ચેની મિત્રતા સદીઓ જૂની છે. 19મી સદીમાં, સ્વામી વિવેકાનંદે સ્વિસ આલ્પ્સમાં હિમાલયની ઝલક જોઈ હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વિત્ઝરલૅન્ડ માં સમય વિતાવ્યો હતો અને ત્યાંના લોકો સાથે સંવાદ કર્યો હતો. આ ઐતિહાસિક મુલાકાતોની સ્મૃતિઓ આજે પણ અમારી મિત્રતામાં જીવંત છે.
આજે, નવીનતા, માળખાગત સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી એ અમારી ભાગીદારીના મજબૂત સ્તંભો છે. અને આજના શિખર સંમેલન સાથે, અમે અમારી ભાગીદારીને નવી ગતિ આપવા અને નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ છીએ.
મિત્રો,
સ્વિત્ઝરલૅન્ડમાં ભારતીય નિકાસ માટે બજાર ઍક્સેસ વધારવા અને બંને દેશો વચ્ચે રોકાણને વધુ સરળ બનાવવા માટે અમે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
આનાથી સ્વિત્ઝરલૅન્ડમાં ભારતીય કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને એન્જિનિયરિંગ માલની નિકાસમાં વધારો થશે. સાથે સાથે, અમે બાયોટેકનોલોજી, જીવન વિજ્ઞાન, બેંકિંગ, વીમા, ખાદ્ય પ્રક્રિયા અને ટકાઉપણું જેવા મુખ્ય ભારતીય ક્ષેત્રોમાં નવા સ્વિસ રોકાણને આકર્ષિત કરીશું. આ પહેલો દ્વારા, અમે સમગ્ર વિશ્વ માટે વિશ્વસનીય સપ્લાય ચેઇન અને વિશ્વસનીય ઉકેલો વિકસાવવા માટે સાથે મળીને કામ કરીશું.
મિત્રો,
આજે, અમે લશ્કરી વિનિમય અને સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગ માટે નવા માર્ગો ઓળખ્યા છે. અમે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અમારા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા છીએ.
વારાણસીમાં રોપવે પ્રોજેક્ટ, નોઇડામાં જેવર એરપોર્ટ અને પર્વતીય પ્રદેશોમાં રેલ્વે અને ટનલિંગ પ્રોજેક્ટ્સ અમારા માળખાગત સહયોગના ઝળહળતા ઉદાહરણો તરીકે ઉભા છે. આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે, અમે આજે પરિવહન, ગતિશીલતા અને માળખાગત સુવિધાઓને આવરી લેતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
અમે સ્વિસ માળખાગત કંપનીઓને ભારતમાં મોટા પાયે રોકાણ કરવા અને ક્ષમતા નિર્માણ, ડિઝાઇન અને ઉત્પાદનમાં અમારી સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપીએ છીએ.
મિત્રો,
વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ એ આપણી ભાગીદારીનો બીજો મજબૂત આધારસ્તંભ છે. મને આનંદ છે કે આપણે ટૂંક સમયમાં આરોગ્ય, સ્વચ્છ ઉર્જા અને અવકાશ જેવા પ્રાથમિકતા ક્ષેત્રોમાં નવા સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ શરૂ કરીશું. ભારતીય વિજ્ઞાન સ્ટાર્ટ-અપ્સ માટે ક્ષમતા નિર્માણના ઉદ્દેશ્યથી ઝ્યુરિચ યુનિવર્સિટી સાથે થયેલા કરારનું પણ અમે સ્વાગત કરીએ છીએ.
સ્વિત્ઝરલૅન્ડમાં યોગ અને આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, અમે આજે આ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર ઉત્પાદક ચર્ચાઓ પણ કરી.
મિત્રો,
લોકો-થી-લોકોના સંબંધો આપણી ભાગીદારીની સૌથી મોટી તાકાત છે. આજે હસ્તાક્ષર કરાયેલ સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરાર અને યુવા વ્યાવસાયિકો કરાર ભારતીય વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને યુવાનો માટે સ્વિત્ઝરલૅન્ડમાં અસંખ્ય નવી તકો ખોલશે.
મિત્રો,
ભારત અને સ્વિત્ઝરલૅન્ડ બંને લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. અમે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, ભારતે શાંતિ માટે લક્ષ્ય રાખતા દરેક અર્થપૂર્ણ પ્રયાસને સતત ટેકો આપ્યો છે.
અમે એ પણ વિચાર શેર કરીએ છીએ કે વધતા જતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો કરવો જરૂરી છે.
મિત્રો,
હું સ્વિત્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિનો એક મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાત લેવા બદલ આભારી છું. 7 ઓક્ટોબરના રોજ, તેમની હાજરીમાં, અમે ભારતના વ્યાપારી નેતાઓ અને EFTA સાથે “સમૃદ્ધિ સમિટ”નું આયોજન કરી રહ્યા છીએ. આ સમિટ આપણા વેપાર અને રોકાણ ભાગીદારીના વચનને નક્કર પરિણામોમાં પરિવર્તિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. હું આ સમિટમાં ભાગ લેનારા તમામ વ્યાપારી નેતાઓને પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું.
મહામહિમ,
આ વર્ષના ફેબ્રુઆરીમાં, ભારતે વિશ્વના સૌથી મોટા AI સમિટનું આયોજન કર્યું હતું. આવતા વર્ષે, સ્વિત્ઝરલૅન્ડ “જિનેવા AI સમિટ” દ્વારા આ યાત્રાને આગળ ધપાવશે. હું જિનેવા AI સમિટની સફળતા માટે સ્વિત્ઝરલૅન્ડને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે, સાથે મળીને, આપણે AI ને જવાબદાર, સમાવેશી અને માનવ-કેન્દ્રિત બનાવવા તરફ આગળ વધીશું.
ફરી એકવાર, ભારતની આ મુલાકાત બદલ અને ભારત-સ્વિત્ઝરલૅન્ડ સંબંધોના કટ્ટર સમર્થક બનવા બદલ ખૂબ ખૂબ આભાર.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]