Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 2જી નવેમ્બરે ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો 2026 નું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 નવેમ્બરે સાંજે લગભગ 4:30 વાગ્યે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો 2026 નું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે.

ચાર દિવસીય સમિટ 2 થી 5 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. આ સમિટની થીમ ‘ઇન્વેસ્ટ. ઇનોવેટ. ઇન્સ્પાયર.’ (રોકાણ કરો. નવીનતા લાવો. પ્રેરણા આપો.) છે.

Bharat RE 2026, 130 થી વધુ દેશોના સભ્યોને આકર્ષિત કરશે, જેમાં 40 થી વધુ મંત્રીઓ, તેમજ નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને ઉદ્યોગના અગ્રણીઓ સામેલ છે. તે સ્વચ્છ ઊર્જા રોકાણ, ઉદ્યોગ જોડાણ અને તકનીકી ભાગીદારી માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને યુનાઇટેડ કિંગડમ કન્ટ્રી પાર્ટનર્સ (Country Partners) તરીકે ભાગ લેશે.

તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – આંધ્રપ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ – તેમની અક્ષય ઊર્જા ક્ષમતા, રોકાણની તકો અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદર્શિત કરશે.

આ સમિટ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) એસેમ્બલીના 9મા સત્ર અને ગ્રીન હાઇડ્રોજન પરની 4થી આંતરરાષ્ટ્રીય પરિષદ (ICGH) ની સાથે યોજાશે. જ્યારે Bharat RE સમગ્ર સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે રોકાણ, ઉદ્યોગ અને તકનીકી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે આઈએસએ એસેમ્બલી નાણાકીય અને સંસ્થાકીય ક્ષમતા સહિત સૌર ઊર્જામાં આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારશે. આઈસીજીએચ (ICGH) ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, રોકાણ અને સ્કેલ–અપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ત્રણેય પ્લેટફોર્મ એકસાથે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરશે અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને ઝડપી બનાવશે.

ભારતની ફ્લેગશિપ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ, RE-INVEST ના વારસા પર આધાર રાખીને, ભારત આરઈ 2026 સમગ્ર સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક જોડાણ માટે વિસ્તૃત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સમિટ પ્લેનરી સત્રો, મંત્રી સ્તરની ચર્ચાઓ, સીઈઓ રાઉન્ડટેબલ્સ અને દેશ તથા રાજ્ય સ્તરના સત્રો, તેમજ રોકાણ, ભાગીદારી અને પ્રોજેક્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ–ટુ–બિઝનેસ, બિઝનેસ–ટુ–ગવર્નમેન્ટ અને ગવર્નમેન્ટ–ટુ–ગવર્નમેન્ટ જોડાણો પણ યોજશે. એક્સ્પોમાં 400 થી વધુ પ્રદર્શકો સૌર અને પવન ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં અદ્યતન તકનીકો, ભારતીય ઉત્પાદન ક્ષમતાઓ અને સ્વચ્છ ઊર્જા ઉકેલો પ્રદર્શિત કરશે.

SM/DK/JD