Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 29 નવેમ્બરે ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહમાં  ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 નવેમ્બર 2026 ના રોજ સાંજે 6 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ડૉ. ભૂપેન હજારિકાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે.

ડૉ. ભૂપેન હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926 ના રોજ આસામના સાદિયા ખાતે થયો હતો. ‘સુધાકંઠ’ અને ‘બ્રહ્મપુત્રના ચારણ’ (‘Bard of the Brahmaputra’) તરીકે સ્નેહપૂર્વક યાદ કરાતા, તેઓ આસામના અને રાષ્ટ્રના સાંસ્કૃતિક ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. એક દંતકથારૂપ ગાયક, સંગીતકાર, ગીતકાર, ફિલ્મ નિર્માતા અને લેખક તરીકે, તેમણે પોતાની સર્જનાત્મક કૃતિઓ દ્વારા સામાન્ય લોકોની આકાંક્ષાઓ અને લાગણીઓને વાચા આપી. આસામ અને ઉત્તર-પૂર્વની લોક પરંપરાઓમાં મૂળ ધરાવતું તેમનું સંગીત ભાષાકીય અને ભૌગોલિક સીમાઓથી પર રહ્યું, અને આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમગ્ર ભારત અને તેનાથી આગળના દર્શકો સુધી પહોંચાડ્યું.

તેમના કલાત્મક યોગદાન ઉપરાંત, ડૉ. હજારિકા એક માનવતાવાદી અને સામાજિક ચિંતક હતા. તેમની કૃતિઓએ સમાનતા, માનવીય ગરિમા, સામાજિક સમરસતા અને વૈશ્વિક બંધુત્વને પ્રોત્સાહન આપ્યું. તેમણે આસામની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવામાં અને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં પણ યોગદાન આપ્યું. ભારતીય સંગીત, સિનેમા અને સંસ્કૃતિમાં તેમના અસાધારણ યોગદાન બદલ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા. 2019 માં, તેમને મરણોત્તર ભારત રત્ન, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

જન્મ શતાબ્દી ઉજવણી 8 સપ્ટેમ્બર 2025 ના રોજ શરૂ થઈ હતી, જેણે સંગીત, સાહિત્ય, સિનેમા અને સમાજમાં ડૉ. હજારિકાના યોગદાનને ફરીથી માણવાની અને નવેસરથી શોધવાની તક પૂરી પાડી. આ ઉજવણીએ તેમના આદર્શોની પ્રાસંગિકતા, તેમની સર્જનાત્મક પ્રતિભાના કાલાતીત આકર્ષણ અને માનવતા, સમરસતા તથા વૈશ્વિક બંધુત્વના તેમના સંદેશ પર પણ પ્રકાશ પાડ્યો.

SM/DK/JD