મારા વ્હાલા દેશવાસીઓ,
નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ‘મન કી બાત’ સમાજના દરેક વર્ગ, દેશના દરેક ખૂણાની સિદ્ધિઓને સામે લાવવાનું મંચ છે અને તેમાં આપણે સમાજ સામે રહેલા પડકારોની વાત કરીએ છીએ, લોકોને જાગૃત પણ કરીએ છીએ. આજે ‘મન કી બાત’માં હું સૌથી પહેલા તે જ એક વિષય લઇ રહ્યો છું અને તે છે ‘ડ્રગ્સ’ એટલે કે ‘નશાની લત’.
સાથીઓ,
આજે દુનિયામાં ભારતના યુવાનોની પ્રતિભાની કેટલી ચર્ચા થઈ રહી છે! આપણા યુવાનો મોટાં-મોટાં સપનાં જોઈ રહ્યા છે, તેમને પૂરાં કરવા માટે જીવ લગાવીને જોડાયા છે, પરંતુ યુવાનોનાં આ સપનાં સામે ડ્રગ્સ, નશો એક મોટો પડકાર બની ગયો છે. મને સંતોષ છે કે આજે દેશમાં નશા વિરુદ્ધ સમાજની સક્રિયતા વધી રહી છે. ‘નશા મુક્ત યુવા અભિયાન’ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આવાં કેટલાંય પ્રેરક ઉદાહરણો આપણી સામે આવી રહ્યાં છે, જ્યાં યુવાનોએ પોતાની ઇચ્છાશક્તિથી નશાની લતને હરાવી છે, મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડત આપીને બહાર આવ્યા છે. તેઓ પોતાની જાત સામે લડ્યા છે અને પોતાના જીવનને એક નવી દિશા આપી છે. આજે ‘મન કી બાત’માં મેં આવા જ એક યુવા સાથીને ફોન કર્યો છે. ચાલો, તેમના જ મુખે સાંભળીએ કે ડ્રગ્સ વિરુદ્ધ પોતાના જીવનની આ લડાઈ તેમણે કેવી રીતે જીતી, કેવી-કેવી મુશ્કેલીઓમાંથી તેઓ પસાર થયા. ચાલો, તેમને સાંભળીએ.
યુવા સાથી: નમસ્કાર સર, કેમ છો આપ?
પ્રધાનમંત્રી: નમસ્તે જી, મને આજે એક નવો મિત્ર મળી રહ્યો છે. હું તમને ક્યારેય મળ્યો નથી, પરંતુ તમારા વિશે સાંભળ્યું
યુવા સાથી: જી સર.
પ્રધાનમંત્રી: તો મારું મન થઈ ગયું કે હું તમારી સાથે વાત કરું.
યુવા સાથી: જી-જી બિલકુલ સર.
પ્રધાનમંત્રી: મિત્ર, તમે જણાવો કે તમે નશાની ઝપેટમાં કેવી રીતે આવ્યા?
યુવા સાથી: સર, હું દિલ્હીના સદર બજારમાં રહેતો હતો. ત્યાં મારા નાનીનું ઘર હતું, તો ત્યાંનો થોડો માહોલ એવો હતો કે, મતલબ, નાનાં-નાનાં બાળકો નશો કરતાં હતાં, તો હું તેમને જોઈને ને, તેમની આંખો નશીલી નશીલી રહેતી હતી, મને લાગતું હતું કે કંઈક કરે છે આ લોકો, તો સર પછી એવું થયું કે હું સ્કૂલમાં મારાથી સિનિયર ક્લાસવાળાઓને જોતો હતો, તેઓ પણ થોડું અલગ જીવન જીવતા હતા. હું એ બધી બાબતો પર, વધારે ધ્યાન આપતો હતો. 10મા ધોરણમાં મેં નાના-મોટા ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે-ધીમે મારું સ્તર વધતું ચાલ્યું ગયું. મને ખબર ન પડી કે હું શોખ ખાતર કરતો હતો એ બધી વસ્તુઓ ક્યારે મારી આદતમાં બદલાઈ ગઈ. મને તેની એવી આદત પડી ગઈ કે જોઈએ એટલે જોઈએ જ, તેના વગર મારાથી કંઈ પણ થઈ શકતું નહોતું. ખૂબ મજા આવતી હતી, મજાના ચક્કરમાં તો નશો કરવાનું શરૂ કર્યું હતું, કરતો હતો, એક ફ્લો આવતો હતો, મજા આવતી હતી. સારું લાગતું હતું, એવું લાગતું હતું કે બધું સારું ચાલી રહ્યું છે – બિન્દાસ. મને એ ખબર નહોતી કે આનું આગળ મારે શું વળતર ચૂકવવું પડશે?
પ્રધાનમંત્રી: પૈસા પણ ખૂબ ખર્ચ કરવા પડ્યા હશે તેના કારણે અને ખરાબ આદતો પડી હશે?
યુવા સાથી: જી સર. ઘરેથી હું પૈસા એમ કહીને લઈ રહ્યો છું કે કોઈ બુક લેવી છે, ક્યારેક ફી ભરવી છે, ક્યારેક મારે પીકનીક પર જવું છે, પણ બધા પૈસા હું નશામાં વાપરતો હતો.
પ્રધાનમંત્રી: અચ્છા, તમારા જીવનમાં એ કયો વળાંક આવ્યો, જ્યારે તમે નક્કી કર્યું કે હવે તમારે નશામાંથી બહાર નીકળીને પોતાની જિંદગીને એક નવી દિશા આપવી છે?
યુવા સાથી: સર, હું શરૂઆતથી મારા નાના-નાની પાસે રહ્યો હતો. મારા પિતા બાળપણમાં અવસાન પામ્યા હતા, અને મારા નાની મારા મમ્મીને અને મને તેમની પાસે લઇ ગયા હતા, કે ભાઈ તમે લોકો મારી પાસે જ રહેશો હવે, પછી હું ધીમે-ધીમે મોટો થતો રહ્યો છું, એ લોકોએ મારી માટે ઘણાં સપનાં જોઇ રાખ્યાં હતાં કે અમારું બાળક એક સારો વ્યક્તિ બનશે. પણ એવું તેમને કંઈ પણ ન દેખાયું. પહેલાં મારી મમ્મી અવસાન પામ્યા, તેના થોડા જ સમય પછી મારા નાની ગુજરી ગયાં. મને ખૂબ મોટો આંચકો લાગ્યો, કારણ કે મને એ સમયે તેમના સિવાય, મારું કોઈ ધ્યાન રાખનારું નહોતું. હું અનાથ થઈ ગયો હતો, બિલકુલ જાણે રોડ પર આવી ગયો હતો. મેં મારો સમય રસ્તા પર વિતાવ્યો. શિયાળામાં હું બટાકાના કોથળા ખાલી કરી-કરીને સૂતો. ભંડારામાં રોટલી ખાધી, લંગરમાં ખાધું, મતલબ ખૂબ ખરાબ સમય જોયો મેં – એક નશાના કારણે. બિલકુલ એવું થઈ ગયું હતું કે મારી સામે મોત ઊભું હતું, અને તે હાથ પકડવા માંગતું હતું, ને બસ હાથ પકડ્યો, અને હું મારી પકડમાં તને લઈ લઉં, પણ મેં તેને મારી આંગળી પણ ન પકડવા દીધી. સર, આ બધી વસ્તુઓ જોઈ-જોઈને, જોઈ-જોઈને, હું બિલકુલ અંદરથી તૂટી ગયો હતો, કે ભાઈ હવે શું થશે, મારા ઘરવાળાઓએ મને બિલકુલ છોડી દીધો, બિલકુલ એક તરફ કરી દીધો, કારણ કે મારા પપ્પા બાળપણમાં ગુજરી ગયા હતા. મમ્મી મને નાની પાસે લઈ આવ્યાં હતાં, મારો ત્યાં કોઈની સાથે સંપર્ક નહતો, દાદા-દાદી સાથે કોઈ સંપર્ક નહોતો, અને જે મામા-મામી હતાં, એ લોકોએ પણ મને છોડી દીધો હતો, કે ભાઈ આનાથી અમારાં બાળકો પર શું અસર પડશે આની, આને અલગ કરી દો. સંબંધીઓ તો સર કોણ પૂછે છે, સર, કોઈપણ પૂછતું નહોતું મને, બિલકુલ ભટકી ગયો હતો, અને જે મિત્રો હતાં એ બધા આદી બની ગયા હતાં, બધાં ખોટાં કામ કરનારાં આદી મિત્રો, મતલબ નશો કરવો, અને નશો કેવી રીતે મેળવવો? શું કામ કરવું? કેવી રીતે ખોટાં કામ કરવાં? બસ આ બધી વસ્તુઓમાં હું ગૂંચવાઈ ગયો હતો.
પ્રધાનમંત્રી: નહીં, આમાંથી કયો વળાંક આવ્યો જ્યારે તમે નક્કી કર્યું કે મારે આ બદીઓમાંથી, આ નર્ક જેવી જિંદગીમાંથી બહાર નીકળવાનું છે – એ ક્ષણ કઈ હતી?
યુવા સાથી: સર, એ ક્ષણ એવી હતી કે મારો એક ભાગીદાર હતો જે મને થોડો સાથ આપતો હતો, તેની સાથે મેં કહ્યું કે ભાઈ હું નશો છોડવા માંગુ છું, મને થોડો સાથ આપ. મને તેની પાસેથી ઘણી આશા હતી, પણ તેણે પણ છેલ્લા સમયે હાથ ઉંચા કરી દીધા, કે નહીં ભાઈ, હું પણ તારી સાથે નથી. તો હું ત્યાંથી તૂટી ગયો હતો બિલકુલ, કે મારો છેલ્લો સહારો આ હતો, અને એક નશાના કારણે મેં મારી મમ્મીને ગુમાવી, નાની ગુમાવી, પરિવાર ગુમાવ્યો – છેલ્લો આ હતો મેં આને પણ ગુમાવી દીધો, તો હવે, સુધરવું પડશે, તો ત્યારબાદ મને પુનર્વસન કેન્દ્ર (રીહેબીલીટેશન સેન્ટર)ની ખબર પડી એસપીવાયએમ (યુવા અને જનસમુદાયના ઉત્થાન માટેની સંસ્થા-SPYM (Society for the Promotion of Youth and Masses) એવી સંસ્થા છે. દિલ્હીમાં મુખ્ય ઓફિસ છે તેની વસંત કુંજમાં, તો હું ત્યાં ગયો, ત્યાં જઈને મેં સારવાર લીધી, હું બહાર આવ્યો, એકલો હતો, સર, મેં ત્યાંથી સારવાર લીધી, બહાર નીકળ્યો. હું ફરી બિમાર પડી ગયો, ગડબડ થઈ ગઈ, મને ફરી એ લોકોએ બોલાવ્યો કે આવી જાઓ. ત્રણ વાર આમ જ ચાલ્યું, પછી મેં તેમને મારી આખી પરિસ્થિતિ જણાવી કે; તેમણે મારું કારણ પૂછ્યું કે વારંવાર બિમાર કેમ થઈ જાઓ છો, તો તેમને મેં જણાવ્યું કે હું એકલો છું. હું અહીંથી બહાર નીકળીને, મને ખબર જ નથી હોતી કે હું જઈશ ક્યાં, મારું ઘર ક્યાં છે, રહેવું ક્યાં? કંઈ ખબર નહોતી હોતી સર મને? આ ચક્કરમાં હું એ જ લોકો પાસે પહોંચી જતો હતો ફરી-ફરીને, જે મારા પહેલાં મિત્રો હતાં, કારણ કે મને કોઈ ઠેકાણું નહોતું મળતું રહેવાનું કે હું ક્યાં જાઉં.
પ્રધાનમંત્રી: તમે ખૂબ ખરાબ દિવસો જોયા અને આ નશામાંથી બહાર નીકળવાના તમારા પ્રયાસમાં પણ અડચણો આવી, એટલે કે ખૂબ પડકારજનક રહ્યો હશે આ સમયગાળો, જેમાં બહાર નીકળવાની ઇચ્છા પણ મુશ્કેલ રહી હશે?
યુવા સાથી: સર, એક અંદરથી મન કરતું હતું કે છોડી દઈએ, એક અંદરથી મન કરતું હતું કે થોડું જીવન બચ્યું છે યાર, નશો કરીને જીવીએ, અને પ્રકરણ પૂરું કર પોતાનું. સર, મેં તેને ન સાંભળીને, બીજા મનની સાંભળી કે નહીં યાર, મારે મારા જીવનને સુધારવું છે, મારે કંઈક પોતાના માટે કરવું છે, જે મને બધા કહેતા હતા ને કે ભાઈ આ કંઈ નહીં કરી શકે. મને ઘરવાળાઓએ છોડી દીધો હતો મારી હાલત પર, બધાએ છોડી દીધો.
પ્રધાનમંત્રી: પોતાના ખુદના અનુભવના આધારે, જો તમારે દેશના યુવાનોને કંઈક કહેવું હોય, જે હજુ પણ નશાની લતના શિકાર છે? આવાં બાળકોને તમે શું કહેશો?
યુવા સાથી: સર, હું તેમને એ જ કહેવા માંગુ છું કે શરૂઆતમાં આ બધી વસ્તુઓથી ખૂબ મજા આવે છે, પણ જે આનું પછી નુકસાન છે ને, તે આપણી સાથે આપણો પરિવાર પણ ભોગવે છે, આની અંદર કંઈ પણ ફાયદો નથી કંઈપણ – માત્ર નુકસાન, નુકસાન, નુકસાન સિવાય કંઈ નથી. જે આ નશાની અંદર ગ્રસ્ત છે, તેમને એક નાનો-એવો સંદેશ આપવા માગીશ, આપણું જીવન, સર, ખૂબ સરસ છે, ખૂબ સારું છે, આપણે તેને એ રીતે જીવીશું, તો આપણે દરેક વસ્તુની મજા લઈ શકીશું.
પ્રધાનમંત્રી: ચાલો, ખૂબ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને અને હું તમને શુભેચ્છાઓ આપું છું કે જે લડાઈ તમે જીતી છે, તમે વિજયી બન્યા રહો. ફરીથી ક્યારેય આ લતમાં જશો નહીં – એ સંકલ્પ કરીને જીવો અને જે પણ મળે તેને સમજાવતા રહો કે આ રસ્તો ખોટો છે.
યુવા સાથી: જી સર, આપનો આભાર સર,
પ્રધાનમંત્રી: ખૂબ-ખૂબ શુભેચ્છાઓ મિત્ર, ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
યુવા સાથી: ધન્યવાદ જી.
મિત્ર,
હું તમને ફરીથી ખૂબ અભિનંદન આપીશ કે તમે ડ્રગ્સની આ ભયંકર લતમાંથી બહાર નીકળ્યા. તમે બતાવ્યું છે કે જ્યારે ઇચ્છાશક્તિ હોય તો કોઈપણ લક્ષ્ય અશક્ય રહેતું નથી. તમારી વાતો સાંભળીને આવા અનેક યુવાનોને શક્તિ મળશે, જે ડ્રગ્સની લત છોડવા ચાહે છે. પરિવાર માટે, દેશ માટે ખૂબ જરૂરી છે કે તેની યુવા-પેઢી ડ્રગ્સથી બચી રહે. તમને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા વહાલા દેશવાસીઓ,
જીવનમાં જ્યારે પણ આપણે કંઈક નવું શીખીએ છીએ, ત્યારે આપણને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે અને શીખવાની તો કોઈ ઉંમર પણ નથી હોતી. આજે હું તમારી સાથે દેશના એ લાખો સરકારી કર્મચારીઓની વાત કરવા ચાહું છું, જેમાં કંઈક નવું શીખવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમાંથી ઘણા લોકો 20-25 વર્ષથી સરકારી સેવામાં છે. આટલો લાંબો અનુભવ હોવા છતાં તેઓ પોતાની જવાબદારીઓ નિભાવતાં-નિભાવતાં કંઈક નવું શીખવા માટે પણ સમય કાઢી રહ્યા છે, અને આના માટે તેઓ એક ડિજિટલ પ્લેટફોર્મની મદદ લઈ રહ્યા છે. તેનું નામ છે ‘iGOTકર્મયોગી’. આ પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓ માટે 17 ભારતીય ભાષાઓમાં 7 હજારથી વધુ કોર્સ ઉપલબ્ધ છે. લાખો સરકારી કર્મચારીઓએ અનેક કોર્સ પૂરા કર્યા છે. કોઈ આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સનો અભ્યાસ કરી રહ્યું છે, તો કોઈ ભારતીય સાંકેતિક ભાષા શીખી રહ્યું છે. AI અને નવી ટેકનોલજીના અભ્યાસને લઈને આપણા કર્મયોગીઓમાં હું વિશેષ ઉત્સાહ જોઈ રહ્યો છું. તેનાથી જોડાયેલા 200થી વધુ કોર્સ એવા છે જેમાં સવા-ત્રણ કરોડથી વધુ કોર્સ પૂર્ણ થઈ ચૂક્યાં છે.
સાથીઓ,
કેન્દ્ર સરકારની સાથે-સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓ પણ તેનાથી જોડાયા છે. આપણી આશા બહેનો, આંગણવાડી કાર્યકર્તા, આપણા શિક્ષકો, પોલીસના જવાનો, સ્વાસ્થ્યકર્મીઓ, સફાઈ કર્મચારીઓ, આ બધા સરકારી વ્યવસ્થાના એવા સાથી છે જેમની સાથે દેશવાસીઓનો રોજનો સંપર્ક થાય છે. જ્યારે આ સાથીઓ કંઈક નવું શીખે છે, ‘iGOTકર્મયોગી’નો કોર્સ કરીને જ્યારે તેઓ કર્મયોગી બની જાય છે ત્યારે તેનો લાભ એ તમામ લોકોને પણ મળે છે જેમની વચ્ચે તેઓ કામ કરે છે.
સાથીઓ,
‘નાગરિક દેવો ભવ’ આ મિશન કર્મયોગીનો મૂળ મંત્ર છે. દેશના લાખો સરકારી કર્મચારીઓમાં શીખવાનો ઉત્સાહ વિકસિત ભારતની યાત્રામાં ખૂબ મોટી તાકાત છે.
મારા વહાલા દેશવાસીઓ,
જરા વિચારો તમારો મોબાઈલ ફોન ક્યાંક ખોવાઈ જાય તો કેટલી મુશ્કેલી થાય છે! મોબાઈલમાં તમારા સંપર્ક છે, ફોટો છે, જરૂરી દસ્તાવેજ છે, અને ન જાણે કેટલી જરૂરી માહિતીઓ પણ છે. એકવાર ફોન ખોવાઈ જાય, તો તેને પાછો મેળવવાની આશા પણ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે – પરંતુ હવે એવું નથી. તમારો ખોવાયેલો મોબાઈલ ફોન તમને પાછો મળી શકે છે, અને આમાં ભારત સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ તમારી ખૂબ મોટી મદદ કરી શકે છે. તે પ્લેટફોર્મનું નામ છે ‘સંચાર સાથી’. અત્યાર સુધી ‘સંચાર સાથી’ના પોર્ટલની 30 કરોડથી વધુ લોકો મુલાકાત થઈ ચૂક્યા છે. આશરે ૩ કરોડ વાર આ એપ ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે.
સાથીઓ,
સવાલ છે કે આખરે ‘સંચાર સાથી’ આ કામ કેવી રીતે કરે છે? હકીકતમાં, દરેક મોબાઈલ ફોનની પોતાની એક ખાસ ઓળખ હોય છે – તેને આઈ.એમ.ઈ.આઈ. નંબર કહે છે. ‘સંચાર સાથી’ આ જ ઓળખની મદદથી તમારા ખોવાયેલા મોબાઈલને શોધવામાં મદદ કરે છે. તમે પોલીસમાં ફરિયાદ કરવાની સાથે જ ‘સંચાર સાથી’ પર તમારા મોબાઈલનો આઈ.એમ.ઈ.આઈ. નંબર અને કેટલીક જરૂરી માહિતીઓ આપીને તેને બ્લોક કરાવી શકો છો. આ પછી કોઈ વ્યક્તિ તેમાં નવું સીમ નાખીને પણ તેનો ઉપયોગ નહીં કરી શકે. પરંતુ તેની ખાસ વાત અહીં પૂરી થતી નથી. જેવું જ કોઈ તે મોબાઈલમાં નવું સીમ નાખીને નેટવર્ક સાથે જોડાવાનો પ્રયાસ કરશે, પોલીસ માટે તેનો સંપર્ક કરવો વધુ સરળ થઈ જશે. સાથીઓ, આ વ્યવસ્થાની મદદથી દેશભરમાં 14 લાખથી વધુ ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે; તેમના માલિકને પાછા પણ આપી દેવામાં આવ્યા છે. એટલે કે, જે ફોન ક્યારેક ખોવાઈ ગયા પછી પાછા મળવાની આશા રહેતી નહોતી, આજે ટેકનોલોજી તેને પાછો મેળવવાની આશા જગાવી રહી છે.
સાથીઓ,
‘સંચાર સાથી’ આપણને એકબીજાની મદદ કરવાની તક પણ આપે છે. માની લો તમારી પાસે કોઈ ફોન આવ્યો, કોઈએ છેતરપિંડી કરવા માટે તમારી પાસે ઓટીપી માંગ્યો. તમે સમજી ગયા કે આ કોઈ ઠગ છે, તમે ફોન કાપી નાખ્યો. પરંતુ જે ઠગથી તમે બચી ગયા, કદાચ તેની આગળનો ફોન કોઈ એવા વડીલ પાસે જાય, જે તેની જાળમાં ફસાઈ જાય. આવી સ્થિતિમાં તમે ‘સંચાર સાથી’ પર તે શંકાસ્પદ ફોનની માહિતી જરૂર આપો. પુણેમાં રહેતા હિમાંશુ સિંહજીએ આવા જ 300થી વધુ નંબરોને ‘સંચાર સાથી’ પર રીપોર્ટ કર્યા હતા. તેમના પ્રયાસથી છેલ્લા એક વર્ષમાં આશરે 18 હજાર મોબાઈલ કનેક્શન રદ કરાવવામાં મદદ મળી છે. આવા જ આંધ્રપ્રદેશના નેલ્લોરમાં રહેતા વિવેક અલ્હરીજી છે. એક સતર્ક નાગરિકની ભૂમિકા નિભાવતાં તેમણે સંચાર સાથી પર 900થી વધુ છેતરપીંડીવાળા-ફ્રોડ નંબર શેર કર્યા. તેમના પ્રયાસથી આશરે 17 હજાર મોબાઈલ કનેક્શન કાપવામાં મદદ મળી છે. તમે પણ તેમનામાંથી જરૂર શીખો. તમારા આ નાના પ્રયત્નથી દેશના કોઈ બીજા ખૂણામાં, કોઈ પરિવારની જીવનભરની કમાણી બચી શકે છે.
સાથીઓ,
‘સંચાર સાથી’ સાથે આપણી બેંક, પેમેન્ટ એપ્સ, ટેલિકોમ કંપનીઓ અને પોલીસ સહિત 1600થી વધુ સંસ્થાઓ જોડાયેલી છે. તેનાથી સાયબર ઠગાઈના ઘણા પ્રયાસોને સમયસર નિષ્ફળ બનાવવામાં મદદ મળી રહી છે. આ વ્યવસ્થાની મદદથી અત્યાર સુધી 5 હજાર કરોડ રૂપિયાથી વધુના સંભવિત નુકસાનને રોકવામાં આવ્યું છે. આ એપ 23 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે. તમે પણ ‘સંચાર સાથી’ વિશે વધુમાં વધુ લોકોને જણાવો. આપણી નાની-નાની સાવધાનીઓ ડિજિટલ દુનિયાને આપણા સૌ માટે વધુ સુરક્ષિત બનાવી શકે છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણે જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જઈએ છીએ, ત્યારે આપણી ઇચ્છા ત્યાંનાં પ્રસિદ્ધ સ્થળોને જોવાની, ત્યાંના ખાણી-પીણીનો આનંદ માણવાની હોય છે. મારો આપ સૌને એક આગ્રહ છે, તમે જ્યાં પણ ફરવા જાઓ, ત્યાંના મ્યુઝિયમ વિશે પણ જરૂર જાણકારી મેળવો. તાજેતરમાં ભારતના મ્યુઝિયમ સાથે જોડાયેલા એવા કેટલાક સમાચાર આવ્યા છે, જે ખૂબ ઉત્સાહ વધારનારા છે.
સાથીઓ,
પટનામાં આવેલા બિહાર મ્યુઝિયમને દુનિયાના 100 શ્રેષ્ઠ મ્યુઝિયમની એક યાદીમાં 9મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં બિહાર મ્યુઝિયમ સમગ્ર એશિયામાં પહેલા સ્થાને છે. તમે પેરિસના ‘લુવ્ર મ્યુઝિયમ’નું નામ સાંભળ્યું હશે. ન્યૂયોર્કનું ‘ધ મેટ’ મ્યુઝિયમ પણ દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ છે. બિહાર મ્યુઝિયમ આ યાદીમાં આ બંનેથી આગળ છે.
સાથીઓ,
ગુજરાતના વડનગરમાં પણ એક ખૂબ અનોખું મ્યુઝિયમ છે. તેનું નામ છે ‘અનંત અનાદિ વડનગર Archaeological મ્યુઝિયમ’. વડનગરમાં પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન ઇતિહાસના અલગ-અલગ કાળખંડો સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ મળી છે. જે જગ્યાએ આ ખોદકામ થયું છે, એ જ જગ્યાએ આ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. અહીં એક એવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જેના પર ચાલતાં-ચાલતાં તમે જમીનના ઘણા મીટર નીચે સુધી જે ખોદકામ થયું છે તેને જોઈ શકો છો. વડનગર મ્યુઝિયમમાં પાંચ હજારથી વધુ પ્રાચીન કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ જ મહિને બર્લિનમાં વડનગર મ્યુઝિયમને ડિઝાઈનની દુનિયાનો મોટો સન્માન ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ’ મળ્યો છે. આ ભારતનું પહેલું મ્યુઝિયમ છે જેને આ સન્માન મળ્યું છે.
સાથીઓ,
વડનગર એ શહેર છે જે હજારો વર્ષોથી જીવંત છે, બરાબર કાશીની જેમ, અને સંયોગ જુઓ, વડનગરમાં મારો જન્મ થયો અને કાશીનો હું સાંસદ છું. હજુ થોડા દિવસ પહેલાં કાંચી કામકોટી પીઠના પૂજ્ય શંકરાચાર્યજી પણ વડનગર ગયા હતા. તેમણે વડનગરને ‘ગુજરાતની કાશી’ તરીકે ઓળખ આપી છે.
સાથીઓ,
કલાની દુનિયામાં પણ ભારતે એક ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઇટાલીના વેનિસમાં એક ખૂબ પ્રતિષ્ઠિત કલા પ્રદર્શન થાય છે ‘વેનિસ આર્ટ બિયેનાલે’. તેને કલાની દુનિયાનું ઓલિમ્પિક પણ કહેવામાં આવે છે. આ વખતે ત્યાં આશરે સાડા ચાર લાખ લોકોએ ભારતના પેવેલિયનની મુલાકાત લીધી. ખાસ વાત એ છે કે દુનિયાભરમાંથી આવેલા દર્શકોએ મત આપીને ભારતના પેવેલિયનને સર્વશ્રેષ્ઠ પસંદ કર્યું છે. આપણા કલાકારોએ બતાવ્યું છે કે ભારતની પરંપરાગત કલાઓને નવા રૂપમાં રજૂ કરવામાં આવે, તો તે આખી દુનિયાનું મન મોહી લે છે.
સાથીઓ,
હવે ભારતમાં પણ કલા, વાસ્તુકલા અને ડિઝાઈનનો એક ખૂબ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ દિલ્હીમાં ‘ઈન્ડિયા બિયેનાલે’ ની શરૂઆત થશે. આ વખતે આખા 108 દિવસ સુધી દેશના ઐતિહાસિક સ્મારકો, મ્યુઝિયમ્સ અને આર્ટ ગેલેરીઓ આ ઉત્સવનો હિસ્સો બનશે. મારો આપ સૌને આગ્રહ છે કે સમય કાઢીને પોતાના બાળકોને પણ આ આયોજનમાં જરૂર લઈ જાઓ. પોતાની વિરાસત વિશે આપણે જેટલું વધુ જાણીશું, ભારતને જાણવાની આપણી યાત્રા એટલી જ સમૃદ્ધ થતી જશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
શિયાળાની વાત હોય, તો ગોળની મીઠાશનો ઉલ્લેખ કેવી રીતે ન થાય! સદીઓથી આપણાં ઘરોમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ‘ગોળ’ આજે દુનિયાભરમાં પહોંચી રહ્યો છે. તમિલનાડુમાં ઇરોડનો ઓર્ગેનિક પલયમાચરાનો ગોળ પહેલીવાર યુરોપ પહોંચ્યો છે. તેમાં ગોળના પરંપરાગત સ્વાદની સાથે ગુણવત્તા પણ રહેલી છે. ‘મન કી બાત’માં આપણે પહેલાં પણ મધની મીઠાશ અને મીઠી ક્રાંતિ-સ્વીટ રીવોલ્યુશનની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણા ગોળની મીઠાશ પણ નવાં-નવાં બજારો સુધી પહોંચી રહી છે.
સાથીઓ,
ભારતની ચોકલેટ પણ દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી રહી છે. ગયા જ વર્ષે ચોકલેટ અને કોકો થી બનેલી વસ્તુઓની નિકાસ આશરે 25 ટકા વધી છે. દેશના અલગ-અલગ ભાગોમાં ચોકલેટ બનાવનારા ઉદ્યમીઓ પણ નવા વિચારો સાથે આગળ આવી રહ્યા છે. આજે આ ક્ષેત્રમાં આપણા ઘણા સ્ટાર્ટઅપ ખુલી રહ્યા છે. અનેક સ્ટાર્ટઅપ્સે સ્થાનિક સામગ્રીથી નવાં-નવાં સ્વાદ તૈયાર કર્યાં છે. તેનાથી આપણા ખેડૂતો, માતાઓ-બહેનો અને યુવા ઉદ્યોગસાહસિકો, સૌના માટે નવી તકો બની રહી છે. સાથીઓ, શું તમે જાણો છો કે ચોકલેટ અને ગુજરાતના કચ્છ વચ્ચે પણ એક અદ્ભુત સંપર્ક છે? આ જોડાણ છે ઊંટના દૂધ થી બનેલી ચોકલેટનું. અહીંના ઊંટપાલકો જે દૂધ ઉપલબ્ધ કરાવે છે, અમૂલ તેનો ઉપયોગ ચોકલેટ, કેસર-ફ્લેવર્ડ મિલ્ક અને રાજભોગ આઈસ્ક્રીમ બનાવવામાં પણ કરી રહ્યું છે. ઊંટના દૂધ સાથે જોડાયેલા આંકડા ખૂબ જ ઉત્સાહ વધારનારા છે. સરહદ ડેરીમાં ઊંટના દૂધનું દૈનિક સંગ્રહ 1300 લિટરથી વધીને સાડા પાંચ હજાર લિટર સુધી પહોંચી ગયું છે. 2017-18ની સરખામણીએ આ ચાર ગણાથી પણ વધુ છે. હવે ઊંટના દૂધ એવા પેકિંગમાં પણ ઉપલબ્ધ છે, જે લાંબા સમય સુધી બગડતું નથી. તેનો પાવડર પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી કચ્છથી દૂર રહેતા ગ્રાહકો સુધી પણ તેની પહોંચ વધી છે.
સાથીઓ,
જાણકારો જણાવે છે કે ઊંટના દૂધના ઘણા સ્વાસ્થ્ય ફાયદા પણ છે. જેમને ડાયાબિટીસની સમસ્યા છે, તેમના માટે આ સારું માનવામાં આવે છે. આ લેક્ટોઝ ઈન્ટોલરન્ટ લોકો માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું હોય છે.
સાથીઓ,
સુરતની શ્મિટન ચોકલેટ તે પણ આજે ભારતમાં બનેલી ઉમદા ચોકલેટ તરીકે દુનિયાભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી રહી છે. આપણા દેશમાં આજે સ્ટાઇલિશ ચોકલેટ બુટિક્સનો એક નવો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે. અહીં તમને ચોકલેટની સાથે આલીશાન અનુભવ પણ મળે છે, જેમાં ભારતીયતાની ઝલક દેખાય છે. મીઠાશની આપણી સદીઓ જૂની પરંપરા, આજે નવાં-નવાં આઈડિયા સાથે આગળ વધી રહી છે અને તેની મીઠાશ આપણા ખેડૂતો અને યુવા ઉદ્યમીઓના જીવનમાં પણ ભળી રહી છે.
સાથીઓ,
ચોકલેટની આટલી વાતો થઈ ગઈ, હવે થોડી જરા કસરતની પણ તો વાત થવી જોઈએ ને! સાયકલીંગ આના માટે એક શ્રેષ્ઠ રીત છે. મને ખુશી છે કે ફીટ ઈન્ડિયાના ‘સન્ડે ઓન સાયકલ’ એ 100 આવૃત્તિ પૂરી કરી લીધી છે. ડિસેમ્બર 2024માં તેની શરૂઆત બાદ આજ સુધી કોઈ પણ એવો રવિવાર નથી રહ્યો, જ્યારે તેનું આયોજન ન થયું હોય. 30 હજારથી વધુ સ્થળો પર આશરે 37 લાખ લોકો તેની સાથે જોડાઈ ચૂક્યા છે. એક વધુ સારા સમાચાર પુણેથી આવ્યા છે. અહીં વર્ષ 2032ની યુસીઆઈ રોડ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે. રમત-ગમતમાં ભારત સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. આપણી ફૂટબોલ ટીમે રેકોર્ડ 10મી વાર સાફ ચેમ્પિયનશિપ જીતી છે. બેડમિન્ટનમાં લક્ષ્ય સેને જર્મની અને જાપાનમાં સતત બે સુપર 500 ખિતાબ જીત્યા. તેઓ કુમામોતો માસ્ટર્સ જીતનારા પહેલા ભારતીય બન્યા. તો બીજી તરફ, પી.વી. સિંધુએ હાયલો ઓપન જીતીને એક વધુ ખિતાબ ભારતના નામે કરી દીધો. આપણા યુવા ચેમ્પિયન્સ માટે એક વધુ મોટી તક આવવાની છે. તેલંગાણાના છ શહેરોમાં 11 થી 22 ડિસેમ્બર સુધી 8મા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થશે. હું સૌ ખેલાડીઓ, રમતવીરોને પણ શુભેચ્છાઓ આપું છું ‘રમતા રહો-ખીલતા રહો’.
સાથીઓ,
દેશના ઘણા ભાગોમાં શિયાળો શરૂ થઈ ગયો છે. બદલાતા હવામાનમાં આપણે આપણી તંદુરસ્તીનું વધુ ધ્યાન રાખવાનું છે. ફીટ ઈન્ડિયા ચળવળને આપણે પૂરા ઉત્સાહ સાથે આગળ વધારતા રહેવું છે. ખાવામાં તેલનો ઉપયોગ 10 ટકા ઓછો કરવાનો જે આગ્રહ મેં તમારી પાસે કર્યો હતો, તેને પણ યાદ રાખજો. મેદસ્વિતા આપણા દેશ માટે એક ખૂબ મોટો પડકાર છે. આપણે તેને નજરઅંદાજ ક્યારેય પણ નથી કરવાનો. વધતી મેદસ્વિતા ઘણા પ્રકારની બીમારીઓને જન્મ આપે છે. તેથી, પોતાના ખાણી-પીણી અને કસરતને લઈને હંમેશા સજાગ રહેવું છે.
સાથીઓ,
આપણી ભારત ભૂમિ પર વહી રહેલી સેવાની ભાવના દુનિયાભરમાં પહોંચી રહી છે. અલગ-અલગ દેશોમાં આપણો પ્રવાસી ભારતીય સમુદાય પણ આવાં ઘણાં સેવા કાર્યોમાં આગળ વધીને યોગદાન આપતો રહ્યો છે. હું સમયાંતરે ‘મન કી બાત’માં તમને અલગ-અલગ દેશોમાં ચાલી રહેલાં આવાં સેવા કાર્યો વિશે જણાવતો રહું છું. તાજેતરમાં મને કેનેડામાં થઈ રહેલાં આવાં જ કેટલાક પ્રયાસો વિશે જાણવા મળ્યું છે. આમાંનું એક છે ‘સાઈ ધામ ફૂડ બેંક’. તેનું મિશન છે કે કોઈ પણ ભૂખ્યું ન સૂવે. આ પહેલ હેઠળ આજે દર મહિને ગ્રેટર ટોરોન્ટો અને હેમિલ્ટનમાં લગભગ 60 હજાર લોકોની મદદ કરવામાં આવી રહી છે. આ ફૂડ બેંકથી વડીલો અને દિવ્યાંગજનો સુધી પણ ભોજન પહોંચે છે. કેનેડામાં રેડ એફએમ સાથે જોડાયેલા કુલવિંદર સંઘેરાજી આવા જ એક પ્રશંસનીય પ્રયાસમાં જોડાયા છે. તેમણે કોમ્યુનિટી રેડિયોને, લોકો સાથે જોડવાનું અને સેવા કાર્યોનું માધ્યમ બનાવ્યું છે. તેમના આ પ્રયાસોની પ્રેરણા શ્રી ગુરુ નાનક દેવજીની શિક્ષાઓ અને શીખ ધર્મનો સેવા-ભાવ છે.
મારા વહાલા દેશવાસીઓ,
થોડા દિવસ પહેલાં જ આપણે ‘પ્રકાશ પરબ’ ઉજવ્યું. મને પણ દિલ્હીમાં ‘શબદ કીર્તન’માં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. આ પાવન અનુભવ હંમેશા મારી સાથે રહે છે.
સાથીઓ,
આપણા શીખ ગુરુઓની તસવીરો જોઈને મન શ્રદ્ધાથી ભરાઈ જાય છે. કેટલાક લોકો એ વિચારતા હશે કે આ પવિત્ર ચિત્રો બનાવ્યાં કોણે છે? શીખ ગુરુઓનાં આવાં અદ્ભુત ચિત્રો બનાવનારા મહાન કલાકાર હતા શોભા સિંહજી. આજે, 29 નવેમ્બરે તેમની 125મી જયંતી છે. શોભા સિંહજી એ કેટલાંક વર્ષો સુધી આર્મીમાં ડ્રાફ્ટ્સમેન (નકશાકાર) તરીકે પણ કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે બગદાદમાં પણ પોતાની સેવાઓ આપી હતી. શોભા સિંહજીની 125મી જયંતી પર તેમના સન્માનમાં સ્મારક સિક્કો બહાર પડવાથી શીખ સમુદાયમાં પણ ખૂબ ખુશી છે.
સાથીઓ,
એક વધુ મહાન વ્યક્તિ જેમના વિશે હું ‘મન કી બાત’ ના શ્રોતાઓને જણાવવા માગુ છું – તેઓ છે બી. એન. રાવ. આપણા બંધારણના નિર્માણમાં શ્રી બી. એન. રાવજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હજુ બે દિવસ પહેલાં જ આપણે બંધારણ દિવસ પણ ઉજવ્યો છે. કાલે એટલે કે 30 નવેમ્બરે બી. એન. રાવજીની પુણ્યતિથિ છે. ભારતીય બંધારણની રૂપરેખા તૈયાર કરવામાં તેમના ઐતિહાસિક યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે. હું તેમને પણ મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મારા વહાલા દેશવાસીઓ,
દર મહિને ‘મન કી બાત’ માટે તમે જે સંદેશા મોકલો છો, તેનાથી મને આપણા દેશના અલગ-અલગ ભાગોમાં થઈ રહેલા અદ્ભુત પ્રયાસો વિશે જાણવાની તક મળે છે. કેટલાય લોકોનાં સારાં કામ તમારા કારણે આખા દેશની સામે આવે છે. તમે આ જ રીતે તમારા અનુભવો, તમારા વિચારો અને તમારા સૂચનો મારી સાથે શેર કરતા રહો. આવતા મહિને જ્યારે આપણે ફરી મળીશું, ત્યારે દેશવાસીઓની આવી જ કેટલીક પ્રેરક ગાથાઓની ચર્ચા કરીશું. તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો અને હા ફીટ ઈન્ડિયા ભૂલશો નહીં; હવામાન ખૂબ સારું છે, જરૂર થોડો-થોડો વ્યાયામ કરો. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Today's #MannKiBaat brings inspiring efforts of people making a difference across India. Do hear! https://t.co/XVWNJaKgQm
— PMO India (@PMOIndia) November 29, 2026
Many young people are inspiring others by overcoming drug addiction through determination and willpower. #MannKiBaat https://t.co/uxMg72vidv
— PMO India (@PMOIndia) November 29, 2026
In today's #MannKiBaat, PM @narendramodi spoke to a young man who overcame drug addiction and shared his journey and struggles. https://t.co/3a9wHo1Aid
— PMO India (@PMOIndia) November 29, 2026
Learning has no age limit! #MannKiBaat https://t.co/yHz86xSsiB
— PMO India (@PMOIndia) November 29, 2026
Lost your mobile phone? Here's what you MUST DO! The Sanchar Saathi app helps users track lost or stolen mobile phones, report suspected fraud calls and make the digital space safer. #MannKiBaat https://t.co/CHF6Jf5cgg
— PMO India (@PMOIndia) November 29, 2026
India's museums are making headlines globally! #MannKiBaat https://t.co/M4ZAeRSVb6
— PMO India (@PMOIndia) November 29, 2026
India's traditional art is winning hearts across the world! After recognition at the Venice Art Biennale, India is now set to host its own India Biennale. Beginning in Delhi this December, the celebration will showcase India's rich art, architecture and heritage. #MannKiBaat https://t.co/OWvTKbFOAi
— PMO India (@PMOIndia) November 29, 2026
A sweet blend of tradition and innovation is putting Indian chocolate on the world map! #MannKiBaat https://t.co/kPhTeGmQeN
— PMO India (@PMOIndia) November 29, 2026
The spirit of Seva! The Indian diaspora is contributing to community service around the world. Here is an inspiring effort from Canada. #MannKiBaat https://t.co/MOTH2fHi0Y
— PMO India (@PMOIndia) November 29, 2026
The iconic portraits of the Sikh Gurus were created by renowned artist Sobha Singh Ji, whose 125th birth anniversary is being celebrated today. #MannKiBaat https://t.co/hSF8dOD3zu
— PMO India (@PMOIndia) November 29, 2026