Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પંડિત દિનદયાલ ઉપાધ્યાય શતાબ્દી ઉજવણી અને સ્વામી વિવેકાનંદના શિકાગો પ્રવચનના 125 વર્ષની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા વિદ્યાર્થીઓને કરાયેલા સંબોધનનો મૂળપાઠ


 

મને કહેવામાં આવ્યું છે કે અહીં જગ્યા ઓછી પડી છે એટલે કોઈ બીજા રૂમમાં પણ ઘણા બધા લોકો બેઠા છે. તેમને પણ હું આદરપૂર્વક આવકારું છું.

આજે 11મી સપ્ટેમ્બર છે. દુનિયાને 2001 પહેલા ખબર ન હતી કે 9-11નું મહત્વ શું છે. દોષ દુનિયાનો ન હતો પરંતુ દોષ આપણો હતો કે આપણે તેને ભૂલી ગયા છીએ અને જો આપણે ના ભૂલ્યા હોત તો કદાચ 21મી સદીની ભયાનક ઘટના 9-11 બની જ ન હોત. સવા સો વર્ષ અગાઉ 9-11ના દિવસે આ દેશના એક નવયુવાન, કલ્પના કરો કદાચ તમે પણ તેના કરતા પાંચેક વર્ષ આગળ હોઈ શકો છો. લગભગ તમારી જ વયના એક ભગવાધારીથી આ દુનિયા પરિચિત ન હતી. આખી દુનિયા તેને ગુલામ ભારતના પ્રતિનિધી તરીકે જોઈ રહી હતી. પરંતુ તેના આત્મવિશ્વાસમાં જે તાકાત હતી, કે ગુલામીની છાયા તેના ચિંતનમાં ન હતી કે વ્યવહારમાં પણ ન હતી. ના તો તેની વાણીમાં હતી. તેમણે પોતાની અંદર કયો વારસો પાળી રાખ્યો હતો કે ગુલામીના હજારો વર્ષ છતાં તેમની અંદર જ્વાળા ભભૂકી રહી હતી, જે વિશ્વાસ છલકાતો હતો અને વિશ્વને આપવાની તાકાત આ ધરતીમાં છે, અહીંના ચિંતનમાં છે અહીંની જીવનશૈલીમાં છે. આ અસામાન્ય ઘટના છે.

આપણે જાતે જ વિચારીએ કે આપણી ચારેતરફ એક નકારાત્મકતા ચાલતી હોય, આપણા વિચારોથી વિપરીત ચાલતું હોય, ચારે તરફ વિરોધ જાગ્યો હોય અને આપણે આપણી વાત કરવાની હોય તો કેટલો ડર લાગે છે. ચાર વાર વિચાર કરીએ છીએ કે કોઈ ખોટો અર્થ તો નહીં કાઢી લે ને એવો દબાવ હોય છે. આ મહાપુરુષમાં એવી તો કઈ તાકાત હતી કે આ દબાવને ક્યારેય તેમણે અનુભવ્યો જ ન હતો. અંદરની જ્વાળા, અંદરનો ઉમંગ, અંદરનો આત્મવિશ્વાસ આ ધરતીની તાકાતને સારી રીતે જાણનારો માનવી દુનિયાને સામર્થ્ય આપવાની, સાચી દિશા આપવાની, સમસ્યાનું સમાધાન લાવવાનો, માર્ગ ચીંધવાનો સફળ પ્રયાસ કરે છે. દુનિયાને ખબર ન હતી કે લેડીઝ અને જેન્ટલમેન સિવાય પણ કોઈ વાત હોઈ શકે છે અને જે સમયે અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો એવા બે શબ્દો નીકળ્યા તો મિનિટો સુધી તાળીઓ પડતી રહી. આ બે શબ્દોથી જ તેણે ભારતની તાકાતનો દુનિયાને પરિચય કરાવી દીધો. તે 9-11નો દિવસ હતો. જે વ્યક્તિએ પોતાના તપ દ્વારા માતા ભારતીની પદયાત્રા કર્યા બાદ જેણે માતા ભારતીને પોતાનામાં સમાવી લીધી હતી. ઉત્તરથી દક્ષિણ-પૂર્વથી પશ્ચિમમાં દરેક ભાષાની તમામ બોલીને તેણે આત્મસાત કરી હતી. એક રીતે ભારત માતાની જાદૂઈ તપસ્યાને જેણે પોતાની અંદર પ્રાપ્ત કરી હતી. આવો એક મહાપુરુષ બે પળમાં તો સમગ્ર દુનિયાને પોતાની બનાવી લે છે. સમગ્ર વિશ્વને પોતાની અંદર સમાવી લે છે. હજારો વર્ષોથી વિકસીત થયેલી અલગ અલગ માનવ સંસ્કૃતિને તે પોતાનામાં સમેટીને વિશ્વને પોતીકાપણાની ઓળખ કરાવે છે. દુનિયાને જીતી લે છે. એ 9-11નો દિવસ મારા માટે વિશ્વવિજયી દિવસ છે. અને 21મી સદીના પ્રારંભમાં જે 9-11 જેમાં માનવનો વિનાશનો માર્ગ સંહારનો માર્ગ, એ જ અમેરિકાની ધરતી પર એક 9-11નો પ્રેમ અને પોતીકાપણાનો સંદેશો આપી જાય છે. એ જ અમેરિકાની ધરતી પર એ સંદેશને ભુલાવી દેવાનું પરિણામ હતું કે માનવના સંહારના એક માર્ગે વિકૃત રૂપથી દુનિયાને હચમચાવી દીધી હતી. એ 9-11નો હુમલો થયો અને ત્યારે દુનિયાને સમજાયું કે ભારતથી નીકળેલો એ અવાજ 9-11ને કયા રૂપમાં ઇતિહાસમાં જગ્યા આપે છે અને વિનાશ અને વિકૃતિના માર્ગે ચાલી નીકળેલો આ 9-11ને કયા રૂપમાં જગ્યા આપે છે અને તેથી જ આજે જ્યારે 9-11ના દિવસે વિવેકાનંદજીને અલગ રૂપથી સમજવાની જરૂરિયાત મને લાગે છે.

 

વિવેકાનંદજીના બે રૂપ તમે બારીકાઈથી જોશો તો ધ્યાનમાં આવશે. દુનિયામાં જ્યાં પણ ગયા, જ્યાં પણ તેમને કહેવાની તક મળી ત્યાં અત્યંત આત્મવિશ્વાસ સાથે, ગૌરવની સાથે ભારતનો મહિમા, ભારતની મહાન પરંપરાનો મહિમા, ભારતના મહાન ચિંતનના મહિમાના ગુણગાન વ્યક્ત કરવામાં તેઓ ક્યારેય થાકતા ન હતા. અટકતા ન હતા. ક્યારેય ગૂંચવણ અનુભવતા ન હતા. તેઓ એક રૂપથી વિવેકાનંદ હતા અને બીજા રૂપથી ભારતની અંદર વાત કરતા હતા તો આપણી ખરાબીઓની બરાબરની ઝાટકણી કાઢતા હતા. આપણી અંદરની નબળાઈઓ ઉપર તેઓ કઠોર પ્રહાર કરતા હતા અને તેઓ જે ભાષાનો પ્રયોગ કરતા હતા તે ભાષાનો પ્રયોગ આપણે આજે પણ કરીએ તો કદાચ લોકોને આશ્ચર્ય થશે કે કેમ આવી રીતે બોલી રહ્યા છે. તેઓ સમાજની ખરાબીઓ સામે અવાજ ઉઠાવતા હતા અને એ સમયના સમાજની કલ્પના કરો જ્યાં રીવાજનું મહત્વ વધારે હતું, પૂજા-પાઠ પરંપરા તે સમાજની સહજ પ્રવૃત્તિ હતી. આવા સમયમાં 30 વર્ષનો એક નવયુવાન આવા માહોલમાં ઊભો રહીને કહે ‘પૂજા-પાઠ, અર્ચન, મંદિરમાં બેસી રહીને કોઈ ભગવાન-બગવાન મળવાના નથી. જન સેવા એ જ પ્રભુ સેવા છે, જાઓ જનતા જનાર્દન ગરીબોની સેવા કરો ત્યારે જ પ્રભુ પ્રાપ્ત થશે.’ કેટલી મોટી તાકાત હતી. જે માનવી દુનિયાની અંદર જઈને ભારતના ગુણગાન ગાતો હતો પરંતુ ભારતમાં આવતો હતો તો ભારતની અંદર જે ખરાબી હતી તે ખરાબી પર આકરા પ્રહારો કરતો હતો. તે સંત પરંપરામાંથી આવતો હતો પરંતુ જીવનની અંદર ક્યારેય ગુરુની શોધ માટે નીકળતો ન હતો. આ શીખવા અને સમજવાનો વિષય છે. તેઓ ગુરુની શોધ માટે નીકળ્યા ન હતા. તેઓ સત્યની શોધમાં હતા. મહાત્મા ગાંધી પણ જીવનભર સત્યની શોધમાં હતા. પરિવારમાં આર્થિક સ્થિતિ કપરી હતી. રામકૃષ્ણ દેવ માતા કાળી પાસે મોકલતા હતા. જા તારે જે જોઇએ છે તે માતા કાળી પાસે માગ અને પછી પૂછતા હતા કે કાંઈ માંગ્યું તો કહેતા હતા કે ના કાંઈ માગ્યું નથી. અંદર કઈ તાકાત હશે, એ કઈ ઊર્જા હશે જેનાથી આટલી શક્તિ હાંસલ થઈ, તેથી જ વર્તમાન સમયમાં જે ખરાબી છે, શું આપણા સમાજની બુરાઈઓ સામે આપણે નહીં લડીએ. આપણે સ્વિકારી લઇશું. અમેરિકાની ધરતી પર વિવેકાનંદજી અમેરિકાના ભાઈઓ અને બહેનો કહે, આપણે ખુદ નાચી ઉઠ્યા. પણ મારા જ દેશના મારા નવયુવાનોને કહેવા માગીશ કે આપણે નારીનું સન્માન કરીએ છીએ ખરા? આપણે યુવતીઓ પ્રત્યે આદરભાવ રાખીએ છીએ કે કેમ? જે રાખે છે તેમને હું 100 વાર નમન કરું છું. પરંતુ જે લોકો તેમની અંદર માનવીને જોઈ શકતા નથી, માનવ જોઈ શકતા નથી. આ પણ ઇશ્વરની કૃતિ છે આપણી બરાબરીની છે, આ ભાવ જોતા નથી તો પછી સ્વામી વિવેકાનંદજીના એ શબ્દશિષ્ટ “અમેરિકાના ભાઈઓ અને બહેનો” સામે આપણને તાળી વગાડવાનો અધિકાર છે કે નહીં. આપણે આ વિશે 50 વખત વિચારી જોવાનું છે.

 

આપણે ક્યારેક વિચારીએ છીએ વિવેકાનંદજી કહેતા હતા જનસેવા પ્રભુસેવા. હવે જૂઓ એક માનવી 30 વર્ષની વયે સમગ્ર વિશ્વમાં એવો જયજયકાર કરીને આવ્યો છે, એ ગુલામીના કાળખંડના બે વ્યક્તિત્વ જેણે ભારતમાં એક નવી ચેતના, નવી ઊર્જાનો સંચાર કર્યો છે. બે ઘટનાએ, એક જ્યારે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું અને બીજું જ્યારે સ્વામી વિવેકાનંદજીએ 9-11ના પ્રવચનની દેશ-દુનિયામાં ચર્ચા થવા લાગી. ભારતની ગુલામીના કાળખંડમાં સમગ્ર દેશમાં એક નવી ચેતના, નવી ઊર્જાનો ભાવ આ બે ઘટનાએ જગાડ્યો હતો અને બંને બંગાળના સંતાન હતા. જ્યારે હું દુનિયાના કોઈ ખૂણામાં જાઉં છું તો કેટલો ગર્વ થાય છે કે અને કહું છું કે મારા દેશના રવિન્દ્રનાથ ટાગોરે શ્રીલંકાનું રાષ્ટ્રગીત બનાવ્યું છે, ભારતનું રાષ્ટ્રગીત તેમણે બનાવ્યું છે અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ તેમણે જ બનાવ્યું છે. શું આપણે આપણા આ વારસા પર ગર્વ કરીએ છીએ ખરા, એ દેખાવમાત્ર નથી? આજે દુનિયામાં આપણે એક યુવાન દેશ છીએ, 80 કરોડ લોકો આ દેશમાં એ વયના છે જે વયે વિવેકાનંદે શિકાગોમાં પ્રવચન આપ્યું હતું. દેશની 65 કરોડ જનતા વિશ્વમાં ડંકો વગાડનારા વિવેકાનંદ કરતા ઓછી વયની છે. જે દેશમાં આટલી મોટી સંખ્યા આ વયની હોય તે દેશમાં વિવેકાનંદથી મોટી પ્રેરણા બીજી કઈ હોઈ શકે અને તેથી જ વિવેકાનંદજીએ જે કામ કર્યું તે માત્ર ઉપદેશ આપનારા ન હતા. તેમણે આઇડિયાને આદર્શમાં પરિવર્તિત કર્યો અને તેનો સમન્વય કરીને સંસ્થાકીય માળખું બનાવ્યું. આજથી લગભગ 120 વર્ષ અગાઉ મહાપુરુષે રામકૃષ્ણ મિશનને જન્મ આપ્યો. વિવેકાનંદ મિશનને જન્મ નથી આપ્યો. રામકૃષ્ણ મિશનને જન્મ આપ્યો, વાત નાની હોઈ શકે છે પરંતુ બુદ્ધિશાળીને ઇશારો પૂરતો છે અને તેમણે રામકૃષ્ણ મિશનનો જે ભાવથી ઉદય કર્યો, આજે 120 વર્ષ બાદ પણ તેમાં જરાય ફરક આવ્યો નથી. એક એવી સંસ્થાના કેવા પાયા નાખ્યા હશે તેમણે. પાયો કેટલો મજબૂત હશે. વિઝન કેટલું સ્પષ્ટ હશે. એક્શન પ્લાન કેટલો મજબૂત હશે. ભારતના વિષયમાં દરેક વિષયમાં કેટલા ઊંડાણનો પરિચય હશે ત્યારે આજે 120 વર્ષ બાદ પણ એ આંદોલન આજે પણ એ જ ભાવથી જારી છે.

 

મારું નસીબ છે કે મને આ મહાન પરંપરાની કેટલીક પળો માટે આચમન કરવાની તક સાંપડી છે. જ્યારે વિવેકાનંદજીના 9-11ના ભાષણની શતાબ્દી હતી તો મને એ દિવસે શિકાગોમાં જવાનો અવસર સાંપડ્યો હતો. એ સભાગૃહમાં જવાની તક મળી હતી અને એ શતાબ્દી સમારંભમાં હાજરી આપવાનો અવસર મળ્યો હતો. હું કલ્પના કરી શકું છું કે એ કેવું ભાવુક વિશ્વ હતું, કેવી તે ભાવુક પળ હતી.

 

શું ક્યારેય દુનિયામાં કોઈએ વિચાર્યું છે કે કોઈ પ્રવચનના સવા સો વર્ષ મનાવવામાં આવે. કેટલીક પળની એ વાણી, કેટલીક પળના એ શબ્દો સવા સો વર્ષ બાદ પણ જીવિત થાય અને જાગૃતિ પેદા કરવાની તાકાત ધરાવતા હોય. આ પોતાનામાં આપણા માટે એક મહાન વારસો બનાવવાની તક છે.

 

હું અહીં આવ્યો ત્યારે પૂરી તાકાતથી બોલાતું વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ સાંભળી રહ્યો હતો. રૂંવાડા ઊભાં થઈ જાય છે. હૃદયની અંદર ભારત ભક્તિનો એક ભાવ સહજ જ પેદા થઈ જાય છે. પરંતુ હું તમને જ નથી પૂછી રહ્યો સમગ્ર હિન્દુસ્તાનને પૂછી રહ્યો છું શું આપણને વંદે માતરમ કહેવાનો અધિકાર મળી ગયો છે. હું જાણું છું કે મારી આ વાત ઘણા લોકોને આધાત લગાડશે.  હું જાણું છું, 50-50 વાર વિચાર કરી જૂઓ શું આપણને વંદે માતરમ બોલવાનો હક છે ખરો? આપણે પાન ખાઈને ભારત માતા પર પિચકારી મારી રહ્યા છીએ અને પછી વંદે માતરમ બોલીએ છીએ. વંદે માતરમ બોલવાનો આ દેશમાં કોઈને હક છે તો તે દેશભરમાં સફાઈનું કામ કરનારાઓને, ભારત માતાના એ સાચા સંતાનોને છે જે સફાઈ કામ કરે છે અને તેથી અને તેથી જ આપણે એ ચોક્કસ વિચારવું જોઇએ કે આપણી ભારત માતા સૂજલામ, સૂફલામ ભારત માતા, આપણે સફાઈ કરીએ કે ન કરીએ પણ ગંદકી કરવાનો આપણને અધિકાર નથી. ગંગા પ્રત્યે શ્રદ્ધા હોય, ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, દરેક નવયુવાનના મનમાં હોય છે કે એક વાર માતાપિતાને ગંગામાં સ્નાન કરાવવું છે પરંતુ શું એ ગંગાને ગંદી થતાં આપણે રોકી શકીશું. શું આજે વિવેકાનંદજી હોત તો આ વાત ઉપર આપણને ઠપકો ન આપ્યો હોત. આપણને કાંઈ  જ ન કહેત અને તેથી જ ક્યારેક ક્યારેક આપણને લાગે છે કે આપણે તંદુરસ્ત એટલે છીએ કેમ કે ડૉક્ટરોની લાઈન લાગી ગઈ છે કેમ કે સારામાં સારા ડૉક્ટર છે, જી નહીં તેથી તંદુરસ્ત નથી કેમ કે આપણી પાસે સારા ડૉક્ટર છે. આપણે તંદુરસ્ત એટલા માટે છીએ કેમ કે મારો કોઈ સફાઈ કામદાર સફાઈ કરી રહ્યો છે, ડૉક્ટર કરતા પણ જો તેનું સન્માન કરીએ તો વંદે માતરમ કહેવાનો આનંદ આવે છે અને તેથી જ મને બરાબર યાદ છે કે એક વાર હું બોલી ગયો હતો કે પહેલા શૌચાલય અને પછી દેવાલય. ઘણા લોકોએ મારી ટીકા કરી હતી. પરંતુ આજે મને આનંદ છે કે દેશમાં આવી દિકરીઓ છે જે શૌચાલય નહીં તો શાદી નહીં એમ નક્કી કરીને બેઠી છે. આપણે લોકો હજારો વર્ષથી ટકી રહ્યા છીએ તેનું કારણ શું છે. આપણે સમયાનુસાર પરિવર્તન કરનારા લોકો છીએ. આપણે આપણી અંદરથી એવા લોકોને જન્મ આપીએ છીએ જે આપણી ખરાબી સામે લડાઈ લડવા માટે નેતૃત્વ કરે છે અને એ જ અમારી તાકાત છે. અને તેથી જ સ્વામી વિવેકાનંદજીને આપણે ચાદ કરીએ છીએ ત્યારે તેઓ 9-11 શબ્દોનો ભંડાર ન હતા. તે એક તપસ્વીની વાણી હતી. ત્યારે એ નીકળતું હતું જે દુનિયાને અભિભૂત કરી દેનારું હતું. નહિતર હિન્દુસ્તાન યાદ છે સાપ-મદારીનો દેશ, જાદૂગરોનો દેશ, ભૂવાનો દેશ, અગિયારસે શું ખાવું અને પૂનમે શું નહીં ખાવાનો દેશ, આ જ દેશ તરીકેની આપણી ઓળખ હતી. વિવેકાનંદે દુનિયાની સમક્ષ કહી દીધું હતું કે અમારી પરંપરાથી નીચે તેમની પરંપરા નથી. શું ખાવું અને શું ન ખાવું તે મારા દેશની સંસ્કૃતિ પરંપરા નથી. તે તો અમારી વ્યવસ્થાઓનો હિસ્સો હશે, અમારી સાંસ્કૃતિક વ્યવસ્થા અલગ છે. આત્મવત સર્વ ભૂતેષુ એ અમારા વિચાર છે. અહમ બ્રહ્માસ્મી એ કોઈ નીકળેલી વાત નથી. ગુણતમ વિશ્વ માર્યમ એ આર્ય શબ્દ અમે સમગ્ર દુનિયાને સુસંસ્કૃત કરીશું તે એ અર્થમાં છે કોઈ જાતિ પરિવર્તન કે ધર્મ પરિવર્તન માટે નથી અને તેથી જ જે મહાન વારસામાં આપણે ઉછરેલા લોકો છીએ તે બધું જ આ ધરતીની પેદાશ છે.

 

સદીઓની તપસ્યાથી નીકળેલી ચીજે આ દેશની દરેક વ્યક્તિએ તેમાં કાંઇકને કાંઇક ઉમેર્યું છે. આ જ તો દેશ છે ભીખ માગનારો અને તેથી જ જ્ઞાનથી ભરેલો હોય છે. જ્યારે કોઈ આવે છે તો કહે છે કે દેને વાલે કા ભી ભલા ઔર ન દેને વાલે કા ભી ભલા અને તેથી જ સ્વામી વિવેકાનંદજીની સફળતાનો મૂળ આધાર એ હતો કે તેમની અંદર આત્મસન્માન અને આત્મ ગૌરવનો ભાવ હતો. અને આત્મ એટલે કે એ વ્યક્તિ નહીં જેનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા પરંતુ તેના એ મહાન વારસાને કે જેને તેઓ આત્મ ગૌરવ અને આત્મ સન્માનના રૂપમાં રજૂ કરી રહ્યા હતા. શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે શું કહીએ છીએ. કોઈ સારી જગ્યાએ જઇને સારા કુદરતી વાતાવરણમાં સ્વચ્છ રહેવું સારું લાગે છે તો પહેલો શબ્દ શું નીકળે છે આ લાગતું નથી કે ભારત છે, બોલો કહીએ છીએ કે નહીં.  બોલો આમ બને છે કે નથી બનતું. જો અંદર આત્મ સન્માન અને આત્મ ગૌરવ પડેલા હોત તો આવો ભાવ આવ્યો ન હોત, ગર્વ થતો કે ચાલો ભાઈ મારા દેશમાં આવું છે.

 

વિવેકાનંદજી, દોસ્તો, હું આજે સાચું કહું છું આજના સંદર્ભમાં વિવેકાનંદજીને જૂઓ કેટલાક લોકોને લાગતું હશે કે હું કહું છું મેઇક ઇન ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા તો ઘણા લોકો કહે છે કે તેનો વિરોધ કરનારાઓ પણ છે, કોઈ કહે છે કે મેઇક ઇન ઇન્ડિયા નહીં પરંતુ મેઇડ ઇન ઇન્ડિયા હોવું જોઇએ. એમ પણ કહે છે કે મોટા મોટા બુદ્ધિશાળી લોકો અવનવી ચીજો કાઢી લાવે છે. પણ કેટલાક લોકોને વિવેકાનંદજી અને જમશેદજી ટાટા વચ્ચે જે સંવાદ થયો તે ખબર હશે. વિવેકાનંદજી અને ટાટા વચ્ચે જે પત્ર વ્યવહાર થયો તે કોઈએ જોયો હશે તો ખબર પડશે કે એ વખતે ગુલામ હિન્દુસ્તાન હતું. ત્યારે પણ વિવેકાનંદ જેવો 30 વર્ષનો યુવાન જમશેદજી ટાટાને કહી રહ્યો હતો કે ભારતમાં ઉદ્યોગ સ્થાપો. મેઇક ઇન્ડિયા બનાવો. અને ખુદ જમશેદજી ટાટાએ લખ્યું છે કે વિવેકાનંદજીના એ શબ્દો, એ વાતો મારા માટે પ્રેરણા બની રહી. આ જ કારણે હું ભારતની અંદર ભારતના ઉદ્યોગો બનાવવા ગયો.

 

તમને નવાઈ લાગશે કે આપણા દેશમાં સૌપ્રથમ કૃષિ ક્રાંતિ વિવેકાનંદના વિચારોથી આવી હતી. ભારતમાં કૃષિ ક્રાંતિ કેવી રીતે લાવી શકાય અને ડૉક્ટર સેનને કૃષિ ક્રાંતિના જનક માનવામાં આવે છે, તેમણે સંસ્થા બનાવી હતી અને તેનું નામ વિવેકાનંદ કૃષિ રિસર્ચ સંસ્થાન રાખવામાં આવ્યું હતું. એટલે કે હિન્દુસ્તાનમાં કૃષિને આધુનિક બનાવવી જોઇએ, વૈજ્ઞાનિક રિસર્ચ કરવું જોઇએ એવા વિચારો વિવેકાનંદજી એ સમયે એ ઉંમરે કરતા હતા.

 

આજે જેના માટે ચર્ચા છે તે આપણા નવયુવાનો યુનિવર્સિટી જાય છે, આમ કરે છે. આજે 9-11 પંડિત દિનદયાલ ઉપાધ્યાય શતાબ્દી સમારંભથી પણ જોડાયેલો છે અને આજ 9-11 જે મહાપુરુષે મહાત્મા ગાંધીજીને કરી દેખાડ્યું એવા આચાર્ય વિનોબા ભાવેજીની પણ જન્મજયંતી છે. અને આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે દિનદયાલજીના વિચારોને જેમણે જોયા-સાંભળ્યા-વાંચ્યા હશે, એ જ ભાવોનું આધુનિક સંદર્ભમાં પ્રગતિકરણ છે અંત્યોદચ છે, જન સેવા એ જ પ્રભુસેવા, વિવેકાનંદજી પણ આ જ કહેતા હતા. આચાર્ય વિનોબા ભાવેના નિકટના સાથી દાદા ધર્માધિકારી… ગાંધીજી જે વિચારતા હતા, જે કહેતા હતા તેને વ્યક્ત કરવાનું કામ જીવન દ્વારા વિનોબા ભાવેએ કર્યું અને વિનોબા ભાવે જે વિચારતા હતા તેને શબ્દોમાં ઢાળવાનું કામ દાદા ધર્માજીના ચિંતનમાં દેખાય છે. દાદા ધર્માધિકારીએ એક પુસ્તકમાં લખ્યું છે, સરસ લખ્યું છે. કોઈ નવયુવાન તેમની પાસે આવ્યો નોકરી માટે કોઈ પરિચિત મારફતે આવ્યો હતો. તે ઇચ્છતો હતો કે ધર્માધિકારી તેની કોઈ મદદ કરે, કોઈને ભલામણ કરે તો તેને કામ મળી જાય. ધર્માધિકારીએ લખ્યું છે કે મેં તેને પૂછ્યું કે તને શું આવડે છે તો તેણે કહ્યું કે હું ગ્રેજ્યુએટ છું. તેમણે બીજી વાર પૂછ્યું કે તને શું આવડે છે તો તેણે બીજી વાર કહ્યું કે હું ગ્રેજ્યુએટ છું.  એ સમજી શકતો ન હતો કો દાદા ધર્માધિકારી પૂછી રહ્યા છે કે કહી રહ્યા છે. તેમણે ત્રીજી વાર પૂછ્યું કે તને શું આવડે છે. આ વખતે તે બોલ્યો નહીં કે હું ગ્રેજ્યુએટ છું. દાદાએ પૂછ્યું કે તને ટાઇપિંગ આવડે છે, તો કહ્યું ના, તો તને રસોઈ કરતા આવડે છે, તો કહ્યું ના, તને ફર્નિચર બનાવતા આવડે છે, ચા-નાસ્તો બનવતા આવડે છે તો કહે ના હું ગ્રેજ્યુએટ છું. હવે જૂઓ વિવેકાનંદજીએ શું કહ્યું હતું. તેમની દરેક વાત હલાવી નાખનારી હોય છે. આ તેમનો સ્વભાવ હતો. અને તેઓ આ જ ભાષામાં વાત કરતા હતા. તેમણે કહ્યું તે પણ રસપ્રદ હતું. શિક્ષણ તે માહિતીની કિંમત નથી જેને આપણે દિમાગમાં રાખીએ અને જીવનભર તેના સહારે રહીએ. એવો જ્ઞાનનો ખજાનો ભરી દે છે  જે પચતો નથી. પાંચ આઇડિયા ગ્રહણ કરી લો અને તે તમારા જીવને અને ચરિત્રને ઘડી નાખશે જે એક આખી લાયબ્રેરી પણ નહીં કરી શકે. એટલે કે તમામના દિલ દિમાગમાં આખી લાઈબ્રેરી પડી છે પરંતુ પાંચ સિદ્ધાંતોને લઈને જીવે છે. કહેવાનો અર્થ છે કે તેમણે જ્ઞાન અને આવડતથી અલગ કરી દીધા. આજે સમગ્ર વિશ્વના હાથમાં સર્ટિફિકેટ છે તેનું મહત્વ કે હાથમાં કલા છે. આ સરકારે એ જ વિચારોને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કલાનો વિકાસ.

 

આપણા દેશમાં આ કલાનો વિકાસ એટલે કે સ્કીલ ડેવલપમેન્ટ નવો વિષય નથી પરંતુ પહેલા વિભાગો વિખરાયેલા પડ્યા હતા અને તેનો માલિક કોઈ ન હતો. જેની મરજી પડે તે દિશામાં ચાલવા લાગતો હતો. અમે આવીને આ તમામ સ્કીલ ડેવલપમેન્ટને એક જગ્યાએ લાવીને તેને અલગ અલગ મંત્રાલયમાં ફેરવી દીધા અને ફોકસના માર્ગે સ્કીલ ડેવલપમેન્ટ જે દેશના યુવાનોને તૈયાર કરે જેને ક્યારેય કોઈ પર આધારિત રહેવું નહીં પડે. મારા દેશના નવયુવાન નોકરી માગનારા નહીં પરંતુ નોકરી પેદા કરનારા બનવા જોઇએ. મારા દેશના યુવાનો માગનારા નહીં પરંતુ આપનારા બનવા જોઇએ અને તેથી જ હું આજે સ્વામી વિવેકાનંદના વિચારોને યાદ કરી રહ્યો છું. તેઓ સંશોધન બાદ ઘસાયેલી, તૂટેલી ફૂટેલી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની વાત કરે છે. ગમે તેટલી મહાન કેમ ન હોય પરંતુ તેનો ત્યાગ કરવાની તેઓ હાકલ કરે છે.

સમાજ જીવન પણ ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે નિત્ય નૂતન હોય, નિત્ય નૂતન પ્રાણવાન હોય ત્યારે આપણે સફળ છીએ અને તેથી આપણા દેશની યુવાન પેઢી જેનામાં એ સાહસ હોવું જોઇએ, જેમાં ઇનોવેશન વધારે રહે, કેટલાક લોકોને એવો ડર છે કે યાર કરું પણ નિષ્ફળ રહીશ તો, કરું કે હું નિષ્ફળ થઈ જઇશ, તો દુનિયામાં તમે કોઈ માણસ જોયો છે જે નિષ્ફળ થયા વિના સફળ થયો હોય. ક્યારેક તો સફળતાનો માર્ગ જ નિષ્ફળતામાંથી આવે છે અને તેથી જ નિષ્ફળતાથી ગભરાવું તે જીવન નથી દોસ્તો. જે કિનારે ઊભેલો ડૂબતો નથી અને દોસ્તો જે પાણીમાં છલાંગ લગાવે છે તે ડૂબે પણ છે અને ડૂબતા ડૂબતા તરતા પણ શીખી લે છે. કિનારે ઊભા રહીને મોજાઓ ગણતા ગણતા જીવન પૂર્ણ કરી લે છે જે મોજા ગણીને સમૂદ્ર પાર કરવાનું સામર્થ્ય ધરાવે છે, તળાવમાં, નદીમાં દરિયામાં કૂદવાની હિંમત કરે છે. સ્વામી વિવેકાનંદજી આવા યુવાનોની અપેક્ષા રાખે છે, આવા નવયુવાનોની અપેક્ષા રાખે છે.

 

આજે ભારત સરકાર અભિયાન ચલાવી રહી છે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા મુદ્રા દ્વારા વિના બેંક ગેરંટીથી પૈસા મળે છે. હું આશા રાખું છું કે મારા દેશના નવયુવાનો દેશની સમસ્યાના સમાધાન માટે નવા ઇનોવેશન, નવી પ્રોડક્ટ લઈને આવે ને લોકો પાસે હિન્દુસ્તાન મોટું માર્કેટ છે.  મારા દેશના યુવાનોની બુદ્ધિ અને શક્તિની રાહ જોઈ રહ્યું છે અને વિવેકાનંદજીએ જે નોલેજ અને સ્કીલને અલગ કર્યું છે આજે સમયની માગ છે કે એ જ ભાવથી આપણે સ્કીલનો ભાવ આગળ ધપાવીએ. તેનું મહત્વ વધારીએ. રાતો રાત થતું નથી. આગળ ધપાવતા રહો. તમે જૂઓ પરિણામ કાંઈક અલગ જ હોય છે. ઇનોવેશન, અમે અમારા નીતિ આયોગ દ્વારા અટલ ઇવોનેશન એપ ચાલુ કરી છે. તેની સાથે અટલ ટિંકરીંગ લેબ્સ. તેણે દેશના નાના નાના બાળકો કે જેઓ આ પ્રકારનું ઇનોવેશન કરે તેને પ્રોત્સાહન આપવાની એક આખી ઝુંબેશ ચલાવી છે અને પ્રતિભાશાળી બાળકો નવી નવી ચીજો શોધી લાવ્યા છે. હું રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે પ્રણવ દા રાષ્ટ્રપતિ હતા તો દેશભરના બાળકોને તેમણે એક વાર બોલાવ્યા હતા, 12-15 બાળકો આવ્યા હતા. તેઓ પોતપોતાના ઇનોવેશનની ચીજો લાવ્યા હતા. પ્રણવ દાએ મને આગ્રહ કર્યો હતો કે જરા આ બાળકોને મળો,  હું જોવા ગયો હતો. મને નવાઈ લાગી કે 12-15 બાળકો કેટલીક ચીજો બનાવીને લાવ્યા હતા, આઠમા નવમા ઘોરણના બાળકો હતા. તેઓ કચરામાંથી વેસ્ટને કેવી રીતે બેસ્ટ કરવું તે બનાવીને પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. જૂઓ સ્વચ્છતા અભિયાનનો પ્રભાવ કેવો હતો. તેઓ એ ચીજ લઈને આવ્યા હતા કે કચરામાંથી શું બની શકે છે. કહેવાનો મારો અર્થ એ છે કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. અને તેની ઉપર આપણે વિચારવું જોઇએ કે આજે દુનિયા વિદેશ નીતિ પર ઘણી ચર્ચા કરે છે. આ જૂથ, પેલું જૂથ તેઓ કોલ્ડ વોર માટે કેવા કેવા સારા શબ્દો પસંદ કરે છે. ક્યારેય વિવેકાનંદજીને કોઈએ વાંચ્યા છે કે તેમની વિદેશ નીતિ શું હતી. સ્વામી વિવેકાનંદજીએ એ સમયે કહ્યું હતું તે આજે 120 વર્ષ બાદ દુનિયાની સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે એક એશિયા, તેમણે એક એશિયાની નીતિ આપી હતી અને એ વિચાર દ્વારા તેમણે કહ્યું હતું કે દુનિયા જ્યારે સંકટોથી ઘેરાયેલી હશે ત્યારે તેને રસ્તો દેખાડવાની તાકાત કોઈમાં હશે તો તે એક એશિયામાં હશે, એક સાંસ્કૃતિક વારસાનું માલિક છે એક એશિયા. આજે દુનિયા કહી રહી છે કે 21મી સદી એશિયાની છે અને કોઈ કહે છે કે ચીન તો કોઈ કહે છે કે ભારત. પરંતુ તેમાં કોઈ મતભેદ નથી કે સમગ્ર દુનિયા કહે છે કે 21મી સદી એશિયાની સદી છે.

 

125 વર્ષ અગાઉ જે મહાપુરુષે આ નિહાળ્યું હતું કે એક એશિયાની કલ્પના કરી હતી અને દુનિયાના સમગ્ર ચિત્રની અંદર એક એશિયા શું ભૂમિકા અદા કરી શકે છે સમસ્યાઓનું સમાધાન કરવાની મૂળભૂત તાકાત આ એક એશિયામાં પડેલી છે તેની હજારો વર્ષથી પડેલો વારસો તેની પાસે શું છે તેની કલ્પના વિવેકાનંદજીની પાસે હતી. અને તેથી જ આધુનિક સંદર્ભમાં આપણે વિવેકાનંદજીને જોવા જોઇએ જે આંત્રપ્રિન્યોરને વેગ આપવાની વાત કરે છે તેમની વાતોમાં ભારત સશક્ત બને તેના આધારમાં કાં તો કૃષિ ક્રાંતિની વાત કરે છે તો બીજી તરફ ઇનોવેશનની વાત કરે છે અને ત્રીજી તરફ તેઓ આંત્રપ્રિન્યોરશિપની વાત કરે છે. અને સમાજની અંદર જે દોષ છે તેની વિરુદ્ધમાં લડાઈ લડવાની વાત કરે છે. છૂત અછૂતની વિરુદ્ધમાં તેઓ એટલું બોલતા હતા. તેઓ છૂત અછૂતને પાગલપણું કહેતા હતા. જે મહાપુરુષે આટલું બધું આપ્યું. આજે દિનદયાલજીની જન્મ શતાબ્દી મનાવીએ છીએ ત્યારે તેઓ પણ અંત્યોદયની વાત કરતા હતા.

 

મહાત્મા ગાંધીજી કહેતા હતા કે કોઈ પણ નિર્ણય કરો તો સમાજના જે છેવાડાના માનવી છે તેમનું ભલું થશે કે નહીં તે જોઇ લેજો. તમારો નિર્ણય સાચો હશે.

 

તાજેતરમાં કેટલાક નવયુવાનોએ એક કાર્યક્રમ કર્યો. અને આ કાર્યક્રમ હતો અટલજીના સમયમાં બનેલા ગોલ્ડન ચતુષ્કોણ સુધી ફરવા જવાનો. તેમણે કદાચ 6000 કિલોમીટર સાઇકલ પર રિલે રેસનું આયોજન કર્યું. તેમને સારો મંત્ર હતો કે ફોલો ધ રૂલ અને ઇન્ડિયા વીલ રૂલ. નિયમોનું પાલન કરો અને ભારત શાસન કરશે. આપણે 125 કરોડ દેશવાસી આટલું કરી લઈએ ફોલો ધ રૂલ સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન હતું મારો ભારત વિશ્વ ગુરુ બનશે. ભારત આપોઆપ શાસન કરશે પરંતુ તે માટે આપણે નિયમોનું પાલન કરવું પડશે. અને આ ભાવને લઈને આજે આપણે વિવેકાનંદજીના ભાષણના 125 વર્ષ અને પંડિત દિનદયાલજીની શતાબ્દી અને નસીબજોગે વિનોબા ભાવેજીના જન્મદિવસ અને બીજી તરફ ભયાનક 9-11 કે જેણે વિનાશક સંહાર કર્યો હતો તેણે દુનિયાને આતંકવાદમાં ઘકેલી દીધી હતી. માનવ માનવનો દુશ્મન બની ગયો. આવા સમયે વસુદેવ કુટુમ્બકમનો વિચાર લઈને ચાલી રહેલા આપણે, પ્રકૃતિમાં પણ પરમાત્મા જોનારા આપણે લોકો, છોડમાં પણ પરમાત્મા જોનારા આપણે લોકો, નદીમાં પણ માતાના દર્શન કરનારા લોકો સમગ્ર બ્રહ્માંડમાં પરિવાર માનનારા લોકો સંકટોમાં ઘેરાયેલા, સંકટમાં ઘેરાયેલા વિશ્વને આપણે કાંઇક આપી શકીશું તો આપણે આપણી વાતો પર ગર્વ કરીએ અને સમયાનુસાર પરિવર્તન કરીએ. જે ખોટું છે સમાજ માટે વિનાશક છે ઘણી માન્ચતાઓ પોતાના જમાનામાં સાચી હશે જે આજના જમાનામાં નથી જો આજના જમાનામાં જે નથી તેની સામે અવાજ ઊઠાવીને તેને નષ્ટ કરી દેવી જોઇએ.

 

પરંતુ મારા નવયુવાનો 2022 સ્વામી વિવેકાનંદે જે રામકૃષ્ણના નામથી શરૂ કર્યું હતું તેને 125 વર્ષ થઈ ગયા. 2022 ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ થઈ ગયા. આપણે કોઈ સંકલ્પ લઈ શકીએ છીએ. અને સંકલ્પ.. મારું જીવનવ્રત બની જવું જોઇએ. હું આમ કરીશ અને તમે જોજો કે જીવન જીવવાનો આનંદ જ અલગ હશે. ક્યારેક ક્યારેક આપણા દેશમાં એ વિવાદ હોય છે કે જે કોલેજના વિદ્યાર્થી હોય છે. જે યુનિવર્સિટીના અધ્યક્ષપદ પર બેઠા છે તેઓ ચૂંટણી જીતીને આવેલા વિદ્યાર્થી નેતાઓ છે. વિદ્યાર્થી રાજનીતિ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી તે ચિંતનનો વિષય છે પરંતુ હું ક્યારેક જોઉં છું તેઓ જ્યારે ચૂંટણી લડે છે ત્યારે અમે આમ કરીશું અને અમે તેમ કરીશું એવું બધું કહે છે પરંતું મેં ક્યારેય જોયું નથી કે કોઈ નેતાએ કહ્યું હોય કે અમે કેમ્પસ સાફ કરીશું. તમે કોઈ યુનિવર્સિટીના કેમ્પસની ચૂંટણીના બીજે દિવસે ત્યાં જઇને જોજો કે ત્યાં શું પડ્યું હોય છે. શું હોય છે. પછી વંદે માતરમ, શું 21મી સદીને હિન્દુસ્તાનની સદી બનાવવી છે, 2022માં આઝાદીના 75 વર્ષ ઉજવવા છે, ગાંધીજી, સુખદેવ, ભગતસિંહ, રાજગુરુના સપનાનું હિન્દુસ્તાન, સુભાષ બાબુના સ્વપ્નનું હિન્દુસ્તાન, સ્વામી વિવેકાનંદજીના સપનાનું હિન્દુસ્તાન શું આપણી જવાબદારી નથી? અને તેથી એ મેનેજમેન્ટવાળાઓ ભણાવે છે ને કે દરેક વ્યક્તિ કાંઈક છે જે મેનેજમેન્ટના વિદ્યાર્થી છે તે ભણ્યા હશે અને અંતે કંઈ જ નહીં અને તેથી જ જરૂરી છે કે આ હું કરીશ અને તે મારી જવાબદારી છે. તમે જૂઓ કે હિન્દુસ્તાનને બદલાતા વાર નહીં લાગે. જો 125 કરોડ હિન્દુસ્તાની એક ડગલું ચાલે તો હિન્દુસ્તાન 125 કરોડ ડગલા આગળ વધશે.

 

મેં જોયું છે કે કોલેજમાં કોઈને સારું લાગે, કોઈને ખરાબ લાગે, કેટલાક લોકો વિરોધ કરે એવા પણ થોડા લોકો હોય છે. કોલેજમાં દિવસ મનાવાય છે. અલગ અલગ દિવસ મનાવવામાં આવે છે આજે રોઝ ડે છે, કેટલાક લોકોના વિચાર તેના વિરોધી છે. તેમાં અહીં પણ બેઠેલા લોકો હશે હું તેનો વિરોધી નથી.

જૂઓ આપણે રોબોટ તૈયાર કરવા નથી, અમારે ક્રિએટીવિટી જોઇએ. આપણા અંદરના ઇન્સાનને પ્રગટ કરવા માટે યુનિવર્સિટી કેમ્પસથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. પરંતુ શું આપણને ક્યારેય વિચાર આવે છે કે હરિયાણાની કોલેજ હોય અને એ નક્કી કરે કે આજે તામિલ દિવસ મનાવવો છે. પંજાબની કોલેજ હોય અને નક્કી કરે કે આજે કેરળ દિવસ મનાવીશું. બે ગીત તેમના ગાઇશું, બે ગીત તેમના સાંભળીશું, તેમના જેવો પહેરવેશ પહેરીને એ દિવસે કોલેજ આવીશું. હાથથી ચાવલ ખાવાની ટેવ પાડીશું. કોલેજમાં કોઈ મલયાલમ ફિલ્મ નિહાળીશું. તમિલ ફિલ્મ જોઇશું. ત્યાંના કોઈ યુવાનને બોલાવીશું કે ભાઈ તારા ગામડામાં કેવી રમતો રમે છે, ચાલ રમીએ. મને કહો દિવસ મનાવશો કે નહીં. આ દિવસ ફળદ્રૂપ રહેશે કે નહીં. એક ભારત શ્રેષ્ઠ ભારત બનશે કે નહીં બને. આપણને વિવિધતા જોઇએ. તમે નારા લગાવો છો કે વિવિધતામાં એકતા પરંતુ શું આપણે વિવિધતાનું ગૌરવ જીવવાનો પ્રયાસ કરીએ છીએ ખરા ? જ્યાં સુધી આ ભાવ હિન્દુસ્તાનમાં આપણા દરેક રાજ્ય પ્રત્યે પેદા નહીં થાય, દરેક ભાષા પ્રત્યે ગૌરવનો ભાવ પેદા નહીં થાય… મને યાદ છે તાજેતરમાં મને તમિલ યુનિવર્સિટીના તામિલનાડુના કેટલાક યુવાન મળવા આવ્યા અને મેં તેમને વણક્ક્મ કહ્યું તો તેઓ ખુશ થઈ ગયા હતા. તેમને લાગ્યું કે આ તો અમારા જેવા છે. શું આપણું મન કરતું નથી કે આપણે આવો માહોલ બનાવીએ જે આપણી યુનિવર્સિટીમાં આવો દિવસ મનાવીએ. તમને નથી લાગતું કે આપણી યુનિવર્સિટીમાં શિખ ગુરુઓનો દિવસ મનાવીને જોઇએ તો ખરા કે પંજાબના શિખ ગુરુઓએ શું ત્યાગ બલિદાન આપ્યું છે, જોઇએ તો ખરા કે પછી માત્ર ભાંગડામાં જ અટકી જઇશું. પરાઠા અને ભાંગડા, પંજાબ તેના કરતા પણ ઘણું આગળ છે અને તેથી જ આપણે કાંઈક કરીએ. જૂઓ ક્રિએટીવીટી વિના જીવન નથી. આપણે રોબોટ નથી બની શકતા આપણી અંદર માનવી દરેક પળે જાગતો રહેવો જોઇએ પરંતુ એવું કરીએ જેનાથી દેશની તાકાત વધે અને દેશને જેની જરૂર છે તે પૂરી થાય. જ્યાં સુધી આપણે આ ચીજોથી અછૂત રહીશું તો આપણે ધીમે ધીમે સમેટાઈ જઇશું.

 

વિવેકાનંદજી કુપમંડૂપતા અંગે એક વાર્તા કહેતા રહેતા હતા. કૂવામાં દેડકાની વાત કરતા હતા. આપણે એવા બની શકીએ નહીં. આપણે તો જય જગતવાળા લોકો છીએ. સમગ્ર વિશ્વને આપણી અંદર સમાવી લેવું છે અને આપણે એક કોચલામાં પૂરાઈ જઇશું તો કોઈ આપણા વિશે વિચારી પણ શકશે નહીં. ઉપનિષદથી ઉપગ્રહ સુધીની યાત્રા. આપણે દુનિયાના તમામ વિચારોને જો આપણા માટે અનુકૂળ છે તો સ્વિકાર કરવામાં સંકોચ કર્યો નથી. અને આપણે ડર્યા પણ નથી કે કોઈ આવશે અને આપણને કચડી નાખશે. ના, કોઈ આવશે તો આપણે પતાવી લઇશું આ વિચાર છે આપણા. તેને પોતાનો બનાવી લઇશું તેની જે સારાઈ છે તેને લઈને આગળ ધપીશું અને ભારતને દુનિયાને કાંઇક આપવા માટે તાકાતવાન બનાવવાનો છે. અને તેથી જ કોઈ એક કાળખંડ હશે જ્યારે ગુલામીની જીંદગી જીવી રહ્યા હતા ત્યારે આપણે સુરક્ષાત્મક વલણ સાથે ગુજરાન ચલાવ્યું હશે. આજે આપણી અંદર એટલી તાકાત હોવી જોઇએ કે બહારની ચીજોથી આપણે પરેશાન થઈ જઇશું તેમ વિચારવાની જરૂર નથી દોસ્તો. અને હું તો આજે દુનિયામાં જ્યાં જાઉં છું ત્યાં અનુભવ કરું છું કે હિન્દુસ્તાન પ્રત્યે જોવાની વિશ્વની દૃષ્ટિ બદલાઈ ગઈ છે, આ તાકાત રાજનીતિક શક્તિથી નથી પરંતુ જન શક્તિથી છે. આ સવા સો કરોડ દેશવાસીઓની તાકાત છે પરંતુ આપણે આપણી ખરાબીઓને ધરબીને ચાલીશું તો ગંધ અને સડવા સિવાય કાંઈ થવાનું નથી. આપણે આ ખરાબીઓ સામે લડવાનું છે. ભારતને આધુનિક બનાવવા માટેનું આપણું સપનું હોવું જોઇએ. શા માટે મારો દેશ આધુનિક ન હોય. શા માટે મારા દેશનો નવયુવાન દુનિયાની બરાબરી ન કરી શકે. આપણે તાકાતવાન કેમ ન હોવું જોઇએ. અને તેથી હું એક વાર એક મહાપુરુષને મળ્યો હતો. ઘણા સમય પહેલાની વાત છે

 

તેમણે મારું ક્યાંક ભાષણ સાંભળ્યું હશે અને તેની વાત ઉખેળી. ત્યારે હું રાજકારણમાં ન હતો. તેમણે મને કહ્યું કે જૂઓ ભાઈ, તમને ખબર છે કે આપણા ભારતની તકલીફ ક્યાં છે? મેં કહ્યું કે શું ? તેમણે કહ્યું કે આપણે લોકો અમારે ત્યાં પાંચ હજાર વર્ષ પહેલા શું હતું, બે હજાર વર્ષ પહેલા આ હતું બુદ્ધના જમાનામાં આમ હતું, રામના જમાનામાં તેમ હતું. આ બધી વાતમાંથી બહાર નીકળતા નથી. તેમણે કહ્યું દુનિયા આજે તમે ક્યાં છો તે વાત પરથી તમારું મૂલ્યાંકન કરે છે. આપણે નસીબદાર છીએ કે આપણી પાસે અમૂલ્ય વારસો છે પરંતુ આપણી કમનસીબી છે કે આપણે તેના ગુણગાનથી આગળ વધવા તૈયાર નથી. ગૌરવગાન આગળ વધવાની પ્રેરણા માટે હોવા જોઇએ પીછેહઠ કરવા માટે નહીં. પણ વીતેલી વાતોમાંથી જે શ્રેષ્ઠ છે તેને લઈને આગળ વધનારો કાલ માટે વિચારે છે, સમજે છે, સાંભળે છે જે યુવાન છે. તે યુવાભાવને અંદર સમેટીને આગળ ધપવાનો સંકલ્પ લઈને તમે ચાલો એવી ભાવના સાથે આજે દિનદયાલ ઉપાધ્યાયજીને હું નમન કરું છું, સ્વામી વિવેકાનંદજીને નમન કરું છું, શ્રીમાન વિનોબા ભાવેજીને નમન કરું છું અને તમામ મારા દેશવાસી નવયુવાનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું.

ધન્યવાદ.

 

NP/J.Khunt/TR/GP