Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દિલ્હી-દાસના-મેરઠ એક્સ્પ્રેસવેના બાંધકામના શિલારોપણ અને એનએચ-24ના દાસના-હાપુર સેક્શનના આધુનિકીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

દિલ્હી-દાસના-મેરઠ એક્સ્પ્રેસવેના બાંધકામના શિલારોપણ અને એનએચ-24ના દાસના-હાપુર સેક્શનના આધુનિકીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

દિલ્હી-દાસના-મેરઠ એક્સ્પ્રેસવેના બાંધકામના શિલારોપણ અને એનએચ-24ના દાસના-હાપુર સેક્શનના આધુનિકીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

દિલ્હી-દાસના-મેરઠ એક્સ્પ્રેસવેના બાંધકામના શિલારોપણ અને એનએચ-24ના દાસના-હાપુર સેક્શનના આધુનિકીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

દિલ્હી-દાસના-મેરઠ એક્સ્પ્રેસવેના બાંધકામના શિલારોપણ અને એનએચ-24ના દાસના-હાપુર સેક્શનના આધુનિકીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

દિલ્હી-દાસના-મેરઠ એક્સ્પ્રેસવેના બાંધકામના શિલારોપણ અને એનએચ-24ના દાસના-હાપુર સેક્શનના આધુનિકીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન


વ્હાલા ભાઈઓ અને બહેનો,

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મેરઠને વિશિષ્ટ રૂપે યાદ કરવામાં આવે છે. 1857ના સ્વાંત્ર્ય સંગ્રામમાં મેરઠે ગુલામીમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવ્યો હતો અને આજે દિલ્હીથી મેરઠનો આ એક્સ્પ્રેસ હાઈવે પ્રદૂષણમાંથી મુક્તિનો માર્ગ બતાવી રહ્યો છે. બદલાતા જતા સમયમાં વેગ અટકશે નહીં અને ઝડપનો વેગ પણ અટકવાનો નથી. જ્યારે એ નક્કી છે કે ઝડપ વધવાની છે તો માળખાકીય સવલતો પણ એ ગતિને અનુકૂળ બનાવવી જરૂરી છે. આજથી 20 વર્ષ, 30 વર્ષ અગાઉ ગામડામાં કોઈ ખેડૂત સાથે વાત થતી હોય તો ગામડાના લોકો શું કહેતા હતા ? એ લોકો કહેતા હતા કે, સાહેબ, આ વખતે દુકાળનું કોઈ કામ નીકળે, તો અમારી તરફ કામ શરૂ કરાવજો. અને કંઈ નહીં તો, અમારે ત્યાં ખાલી માટીનું કામ કરાવી દેજો, જેથી અવર-જવરના રસ્તા તરીકે તેનો ઉપયોગ થઈ શકે.

25-30 વર્ષ અગાઉ આપણા દેશમાં ગામડાનો વ્યક્તિ ફક્ત બે ગામ વચ્ચે માટીનું કામ કરાવવાની માંગણી કરતો હતો, જેથી અવર-જવરની સવલત થાય, માટીનો રસ્તો પણ બની જાય, તો કામ ચાલી જાય. પરંતુ આજે 25-30 વર્ષની અંદર-અંદર ગામડાનો વ્યક્તિ પણ આવે છે, તો કહે છે, સાહેબ, પાકી સડક નથી કહેતો, એ કહે છે, અમારે ત્યાં પેબલ રોડ બનાવડાવો, પેબલ રોડ બનાવડાવો. એને પાકા રસ્તાથી પણ સંતોષ નથી. તેને સિંગલ લાઈનવાળા રસ્તાથી પણ સંતોષ નથી. તેને ડબલ લેન જોઈએ છે, ફોર લેન જોઈએ છે, સ્વેર રોડ જોઈએ છે. ગામડાનો માણસ પણ એ વાત બહુ સારી રીતે સમજે છે કે જો વિકાસની યાત્રા સાથે જોડાવું હશે તો મારે સૌથી પહેલા મારા ગામડાને રસ્તા સાથે જોડવું પડશે, સારા રસ્તા વડે જોડવું પડશે. જેના પર ઝડપથી વાહન હંકારી શકાય તેવો રસ્તો જોઈએ મને. જે વાત ગામડાના સામાન્ય વ્યક્તિને પણ સમજ પડે છે, જે સ્વપ્ન દેશના ગામડાનો માણસ પણ જુએ છે, તે સપનું પૂરું કરવાની દિશામાં અટલ બિહારી વાજપેયી જીએ બે મહત્ત્વપૂર્ણ વાતોની શરૂઆત કરી હતી.

માળખાગત સુવિધાઓ બાબતે ભારત નવી ઊંચાઈઓ આંબે તે માટે જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયી જીએ જ્યારે તેઓ દેશના પ્રધાનમંત્રી હતા, ત્યારે તેમણે બે મહત્ત્વપૂર્ણ બાબતોનો આરંભ કર્યો હતો. એક, ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા તેમણે એક યોજના શરૂ કરી હતી અને બીજી ભારતનાં ગામડાંઓના જીવન પરિવર્તન માટે ગામડાંઓને કનેક્ટિવિટી આપવા માટે તેમણે યોજનાની શરૂઆત કરી હતી. આ બંને યોજનાઓમાં એક હતી, સ્વર્ણિમ ચતુર્ભુજ એક્સ્પ્રેસ હાઈવે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભારતને એક સરખી ગુણવત્તા ધરાવતા, ઝડપી ગતિથી ગંતવ્ય પર પહોંચાડતો રસ્તો બનાવવાનું અભિયાન. આને પગલે આજે હિન્દુસ્તાન ગર્વભેર કરી શકે છે કે ભારતને પૂર્વથી પશ્ચિમ સાથે જોડવાનું કામ, ઉત્તરથી દક્ષિણ સાથે જોડવાનું કામ વાજપેયીજીની સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાને કારણે હિન્દુસ્તાનની ઓળખ વિશ્વના સમૃદ્ધ દેશોની સમકક્ષ બનાવી દીધું છે.

એક તરફ વાજપેયીજી હિન્દુસ્તાનને વૈશ્વિક સ્તર પર જોવા માંગતા હતા, તો બીજી તરફ હિન્દુસ્તાનનાં ગામડાંઓની પણ ચિંતા કરતા હતા. અને એટલે જ તેમણે બીજી મહત્ત્વપૂર્ણ યોજના તૈયાર કરી. આ બીજી મહત્ત્વની યોજના હતી – પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજના હેઠળ ભારતનાં ગામડાંઓને પાક્કા રસ્તાઓ વડે જોડવા, જેથી ગામડાં પણ વિકાસના પંથે આગળ વધે અને સ્વર્ણિમ ચતુર્ભુજને પગલે વૈશ્વિક સ્પર્ધાની ક્ષમતા મેળવે.

માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે વાજપેયીજીની સરકારે બે મહત્ત્વપૂર્ણ બાબતો આપણી સમક્ષ મૂકી, આજે વીસ વર્ષ વીતી ગયાં, શું થયું, શું ન થયું, કેવી રીતે થયું, એ બધી વાતોની ચર્ચા કરવા માટે હું નથી આવ્યો. પરંતુ વિકાસને જે વેગ વાજપેયી જીએ આપ્યો હતો, તે વેગથી આગળ વધવાના ધ્યેય સાથે દેશને માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરાવવાની દિશામાં એક ઘણું મોટું અભિયાન આ સરકારે ઉપાડ્યું છે. એક તરફ, ભારતના વિવિધ પ્રદેશોમાં એક્સ્પ્રેસ હાઈવેની સાંકળ લંબાય, જ્યારે એક શહેરને 100 કિલોમીટરના વ્યાપમાં અન્ય નાનાં-નાનાં શહેરો સાથે જોડવામાં આવે છે, ત્યારે ફક્ત રસ્તો નથી બનતો, પરંતુ એ 100 કિલોમીટરના વ્યાપમાં આવનારા તમામ નાનાં-મોટાં ગામડામાં, તમામ નાના-મોટાં શહેરો એની તાકાતથી વિકાસની નવી ઊંચાઈઓ આંબે છે.

દિલ્હીની આસપાસનાં વિસ્તારો સાથે રસ્તાઓનું નેટવર્ક બનાવવાનું આપણે આ જે અભિયાન ઉપાડ્યું છે, તે સમગ્ર અભિયાન દિલ્હીની આસપાસના 100-150 કિલોમીટરના વ્યાપના તમામ ક્ષેત્રના વિકાસનું એક ઘણું મોટું કારણ બનશે. સેટેલાઈટ ટાઉનશીપ વિકાસ પામશે. જ્યારે મેરઠ અને દિલ્હીને ઝડપી ગતિથી જોડવામાં આવે છે, તો મેરઠ, દિલ્હીથી પણ ઝડપી વિકાસ સાધી શકે છે. દહેરાદૂન વધુ ઝડપી વિકાસ સાધી શકે છે અને એટલે જ આ માત્ર રસ્તો નથી બની રહ્યો, પરંતુ આ વિકાસનો રાજમાર્ગ બની રહ્યો છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસમાં આ યોજનાઓ ઘણી મોટી શક્તિ સાબિત થશે. હમણાં નિતિનજી જણાવી રહ્યા હતા, કેદારનાથમાં જે ભયંકર આપત્તિ સર્જાઈ, દેશ-વિદેશના યાત્રાળુઓ કુદરતી પ્રકોપનો ભોગ બન્યા, ઘણું મોટું સંકટ હતું, પરંતુ શું આ સંકટને તકમાં પણ ફેરવી શકાય છે ? મારી સરકારનો સ્વભાવ છે કે પ્રત્યેક સંકટને તકમાં ફેરવી દેવું. અને એટલે જ અમે કેદારનાથમાં જે દુર્ઘટના બની હતી, તેના પરથી, આગામી દિવસોમાં હિન્દુસ્તાન અને દુનિયાભરમાંથી ચાર ધામ યાત્રા કરવા જે યાત્રાળુઓ આવે, તેમને ભવિષ્યમાં કોઈ સંકટનો સામનો ન કરવો પડે એવી વ્યવસ્થા વિકસાવવાની દિશામાં આગળ વધવું જોઈએ. અને, એટલે જ હરિદ્વાર હોય, ૠષિકેશ હોય, ગંગોત્રી – યમુનોત્રી હોય, બદરીનાથ-કેદારનાથ હોય, તેને આધુનિક માર્ગથી અને તમામ મોસમમાં ચાલુ રહી શકે તેવા રસ્તાઓ દ્વારા જોડવાની દિશામાં અમે બીડું ઝડપ્યું છે અને તેના પગલે ઉત્તરાખંડનો વિકાસ પણ, ઉત્તરાખંડના જન્મથી અત્યાર સુધીમાં ન થયો હોય, તેવી ઝડપી ગતિએ જોવા મળશે અને દેશભરના યાત્રાળુઓ માટે નવી સુવિધાનું કારણ બનશે.

આજે આપણા દેશમાં જે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના નાગરિકો છે, તેમના પરિવારોમાં વીક-એન્ડનો કાર્યક્રમ ઘડાય છે. વીક-એન્ડમાં આઉટિંગ કરવાનો કાર્યક્રમ બનાવાય છે અથવા તો ખાલી દિવસોમાં ભાઈબંધ-દોસ્તારોને ઘેર બોલાવવાનો કાર્યક્રમ ઘડાય છે. ધીમે-ધીમે મોટાં શહેરોમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં વીક-એન્ડમાં બે દિવસો માટે પરિવાર સાથે ક્યાંકને ક્યાંક જવાનું, આ ધીમે-ધીમે કૌટુંબિક જીવનનો ભાગ બનતો જાય છે. પરંતુ એ લોકો ક્યાંય દૂર તો નથી જઈ શકતા. જો એકવાર દિલ્હીથી બહાર 100-150 કિલોમીટર જવા માટે જો સારામાં સારુ નેટવર્ક મળી જાય, સારામાં સારા રસ્તા મળી જાય, તો મધ્યમ વર્ગના અને ઉચ્ચ મધ્યમ વર્ગના જે કરોડો નાગરિકો છે, જેમને દિલ્હીથી બહાર જવાનું મન થાય છે, આ જે નાનાં-નાનાં શહેરો છે, જેના નાગરિકો છે, જેમને બહાર જવાનું મન થાય છે. આ વ્યવસ્થા તેમને કામ આવશે અને તેના પગલે વીક-એન્ડ ટુરિઝમનો એક નવો વ્યવસાય વિકસશે, આ વિસ્તારમાં. યુવાનો માટે રોજગારની એક નવી દિશા ખૂલશે. એક રાત્રિ માટે, બે રાત્રિ માટે બહાર જાઓ, સારી સુવિધાઓ મળી જાય તો પરિવારના લોકો જવાનું પસંદ કરશે અને આ રસ્તા બની જાય, તો આ સુવિધાઓ કામ આવે છે.

આવનારા દિવસોમાં હવે જ્યારે રોડ વેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, તો રોજગારની શક્યતાઓ પણ વધે છે. હવે લગભગ 6000 કરોડના આ પ્રોજેક્ટનું બજેટ બનશે 8000 કરોડ, 7500 કરોડ. હવે આ 7500 કરોડનો પ્રોજેક્ટ શરૂ થશે તો તેમાં હજારો લોકોને કામ મળશે. આ હજારો લોકો માટે કોઈ ચાની દુકાન ખોલશે, તો કોઈ ભોજન માટેનો ધંધો ચલાવશે. કેટલા બધા લોકોને રોજગાર મળે છે. જ્યારે રસ્તો બનાવવામાં આવે છે, ત્યારે 7500 કરોડમાંથી મોટાભાગના નાણાં રોજગારી માટે વપરાય છે, જે ઉત્તર પ્રદેશના ગરીબ લોકોને આ રોજગારની તકો આપે છે. મશીનમાં કે માલસામાનમાં એટલા નાણાં નથી વપરાતા, જેટલાં મજૂરી માટે વપરાય છે અને એટલે જ જ્યારે માળખાકીય સુવિધાઓનાં કામ નીકળે છે, ત્યારે રોજગારની તકો ઊભી થાય છે. જ્યારે રોજગારની તકો સર્જાય છે, ત્યારે ગામડાઓની ખરીદ શક્તિ વધે છેઅને જ્યારે ખરીદશક્તિ, ગ્રામવાસીઓનો વિકાસ વધારે છે, ગરીબોની ખરીદશક્તિ વધે છે, તેના પગલે હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈઓ આંબે છે, નવી શક્તિ હાંસલ કરે છે અને એટલે અમારી સરકાર જે કોઈ યોજનાઓ અમલી બનાવી રહી છે, તે યોજનાઓ છેવટે ગરીબથી ગરીબ વ્યક્તિને કામ આવે છે, તેને રોજગાર આપે છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એક તરફ, જે રીતે અમે રસ્તાઓના નેટવર્કનું કામ જે ઝડપે આગળ વધાર્યું છે, તેવું જ બીજું મહત્ત્વપૂર્ણ કામ પણ ઉપાડ્યું છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું. આપણી જેટલી પણ કૃષિ વિષયક યોજનાઓ છે, તે તમામનો એક વાર રીવ્યુ કરવામાં આવે. 100 ટકા ક્ષમતાઓનો ઉપયોગ કેવી રીતે થાય, જેટલા કિલોમીટર પાણી પહોંચાડવા અંગે યોજનામાં લક્ષ નિર્ધારિત કરાયું હતું, જે તે નથી પહોંચાડી શકાતું, તો એ કેવી રીતે પહોંચાડી શકાય, વગેરે મુદ્દાઓનું નિરીક્ષણ કરવું. છેવટે ખેતર સુધી જેટલા પ્રમાણમાં પાણી મળવું જોઈએ, તે કેવી રીતે મળે અને નવી યોજનાઓ નદીઓ સાથે જોડીને સમગ્ર દેશમાં પાણીનું એક એવું નેટવર્ક ઊભું કરવું, જેનાથી આપણા દેશના ખેડૂતોએ ક્યારેય વરસાદની રાહ ન જોવી પડે અને વરસાદ ન આવે તો આત્મહત્યા કરવા માટે મજબૂર ન થવું પડે, એ સુનિશ્ચિત કરવાની દિશામાં અમે કામ કરીશું.

ભાઈઓ-બહેનો, આપણો પશ્ચિમ ઉત્તર પ્રદેશનો વિસ્તાર શેરડીના ખેડૂતોનો પ્રદેશ છે. હિન્દુસ્તાનનું મોં ગળ્યું કરવાનું કામ આ મારા પશ્ચિમ મોત્તસર પ્રદેશના શેરડીનો પાક લેતા ખેડૂતો કરી રહ્યા છે. પંરતુ અમે જોયું છે કે જ્યારે દુનિયાના બજારમાં ખાંડના ભાવ તૂટે છે, તો મારા શેરડીના ખેડૂતોને એનું ભારે નુકસાન વેઠવું પડે છે અને પછી સરકાર શું કરે છે ? ચાલો, આ વખતે આટલાં નાણાંથી સંતોષ માનો અને કામ કાઢી લો અને શેરડીના ખેડૂતોના નાણાં બાકીનાં બાકી જ રહી જાય છે. શું આનો કોઈ ઉપાય ના શોધી શકાય…? શું ખાંડના ભાવ ઘટી જાય તો મારા ખેડૂતોના હાલ પણ બેહાલ થઈ જાય..? અમે એક મોટું બીડું ઝડપ્યું છે. અમે કહ્યું છે, વિશ્વના બજારમાં જો ખાંડના ભાવ ઘટી પણ જાય, તો પણ ખેડૂતોને તેનું નુકસાન વેઠવું ના પડે એ માટે અમે એક કામ કર્યું છે. હવે જેવી શેરડીમાંથી ખાંડ બને છે, તે સાથે જ જો ખાંડ વધારે બની ગઈ હોય, તો ખાંડનું ઉત્પાદન ઓછું કરવાનું કહીએ છીએ. ખાંડના ભાવ જાળવી રાખો, પરંતુ વચ્ચે ઈથનોલ બનાવી લો, ખાંડ ના બનાવો. હવે ઈથનોલ બનાવાશે, પરંતુ તેનું બજાર નહીં હોય તો શું કરશે ? અને એટલે, સરકારે કાયદો બનાવ્યો કે અમારી જે બસો ચાલે છે, પેટ્રોલિયમથી ચાલતી ગાડીઓ છે, તેમાં પાંચ ટકા ઈથનોલ ભેળવવું. જેથી પ્રદૂષણથી પણ મુક્તિ મળશે અને આપણા શેરડીનો પાક લેતા ખેડૂતો જે ઇથનોલ ઉત્પન્ન કરે છે, તેનાથી આપણી ગાડીઓ દોડશે, એક્સ્પ્રેસ હાઈવે પણ બનશે અને ઈથનોલથી ગાડીઓ પણ દોડશે તો મારા શેરડીનો પાક લેતા ખેડૂતોની ગાડી પણ વિકાસની દિશામાં વેગ પકડશે. વિકાસના આ મોડલ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને એટલે જ મારા ભાઈઓ-બહેનો આ વિકાસની યાત્રાને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડીએ.

આજે 31મી ડિસેમ્બર છે, 2015નો છેલ્લો દિવસ છે. આવતીકાલે પહેલી જાન્યુઆરી, 2016નો પ્રારંભ થઈ રહ્યો છે. નવા વર્ષની તમને સહુને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આ દેશના નવયુવાનોને નવા વર્ષની એક અદ્ભુત ભેટ આપણે આપી રહ્યા છીએ. એક અદ્ભુત બક્ષિસ આપી રહ્યા છીએ. આ એવી ભેટ છે, જે મારા નવયુવાનોને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવશે. આ એવી ભેટ છે, જે મારા દેશના નવયુવાનોને કોઈના પર નિર્ભર બનવાની મજબૂરીમાંથી મુક્તિ અપાવશે.

સરકારે એક નિર્ણય લીધો છે, જે નિર્ણયનો આવતીકાલથી અમલ થશે. આ નિર્ણય એવો છે કે ત્રીજી અને ચોથી શ્રેણીમાં સરકારી નોકરી માટે ઈન્ટરવ્યુ લેવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે ઈન્ટરવ્યુનો અર્થ છે ભલામણ. ઈન્ટરવ્યુનો અર્થ એવો જ કરવામાં આવે છે કે કોઈ મોટા માણસનો ઝભ્ભો પકડીને પહોંચવું અને જે ખરા હક્કદાર હોય, તે બિચારા વેગળા રહી જાય છે. અને એટલે જ સરકારે નક્કી કર્યું છે – આવતીકાલે, પહેલી જાન્યુઆરી, 2016ની તમને નવા વર્ષની ભેટ છે કે હવે ત્રીજી અને ચોથી શ્રેણીનાં પદો પર નિયુક્તિ માટે ઈન્ટરવ્યુ નહીં લેવાય. ટેકનોલોજી દ્વારા મેરિટના આધારે વિધવા માતાનો પુત્ર હશે, જો તેનો હક્ક હશે તો તેના ઘેર નોકરીનો ઑર્ડર પહોંચી જશે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું અમે ભર્યું છે. નવયુવાનોને રોજગાર મેળવવામાં જે તકલીફો પડી રહી છે, તે દૂર કરવાનો અમારો પ્રયાસ છે. હું દેશના તમામ મુખ્યમંત્રીઓને, દેશની તમામ રાજ્ય સરકારોને આગ્રહ કરું છું કે ભારત સરકારે સરકારી નોકરી માટે ત્રીજી અને ચોથી શ્રેણીનાં પદો પર નિયુક્તિ માટે ઈન્ટરવ્યુ પ્રથા રદ્દ કરી છે અને તમે સહુ પણ રાજ્ય સરકારો ઈન્ટરવ્યુની પરંપરા હટાવો અને મેરિટને આધારે નવયુવાનોને રોજગાર આપો.

નોએડાના મારા વ્હાલા ભાઈઓ-બહેનો, નોએડાના લોકોને ક્યારેય યાદ નથી રહેતું કે તેઓ ઉત્તર પ્રદેશના નાગરિક છે. તેમને તો ક્યારેક-ક્યારેક લાગે છે કે તેઓ દિલ્હીવાળા છે. એ લોકો ભૂલી જાય છે. ભાઈઓ-બહેનો, હું નથી ભૂલતો. તમને યાદ રહેવું જોઈએ કે હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું અને હું પણ ઉત્તર પ્રદેશનો છું અને આ પ્રદેશે મને જે પ્રેમ આપ્યો છે, તે પ્રેમ મને કામ કરવાની પ્રેરણા પણ આપે છે. એક નવી ઉર્જા આપે છે, નવી શક્તિ આપે છે અને ઉત્તર પ્રદેશના સાંસદ તરીકે પણ હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીને ખાસ આગ્રહ કરું છું કે તમે પણ ઉત્તર પ્રદેશમાં ત્રીજી અને ચોથી શ્રેણીનાં પદો માટે ઈન્ટરવ્યુની પ્રથા સમાપ્ત કરો. ઉત્તર પ્રદેશના નવયુવાનોને મેરિટના આધારે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે તમે વ્યવસ્થા કરો.

ભાઈઓ-બહેનો, અમારી સરકાર ગરીબો માટે એક પછી એક અનેક પગલાં લેવા માટે કોશિષ કરી રહી છે. કેટલાક જૂના કાયદા છે, જે ગરીબોના ભલા માટે, દેશના આર્થિક વિકાસ માટે હવે ઘણા જૂના થઈ ગયા છે. ઘણી બાબતોમાં નવા કાયદા બનાવવા આવશ્યક થઈ ગયા છે. પરંતુ દેશની કમનસીબી છે કે ભારતની સંસદ, જ્યાં કાયદા બને છે, હવે તે સંસદ ચાલવા જ નથી દેતા. જેમને જનતાએ ઠુકરાવી દીધા છે, તે લોકો હવે સંસદને બાનમાં રાખી રહ્યા છે. એ લોકો હવે સંસદ ચાલવા નથી દેતા. હું ખાસ કરીને બધાં જ રાજકીય પક્ષોને આગ્રહ કરું છું કે લોકસભામાં તો અમને બોલવાની તક મળતી નથી પરંતુ હું જાહેરસભા દ્વારા આગ્રહ કરું છું કે દેશની જનતાએ આપણને સંસદમાં ચર્ચા કરવા મોકલ્યા છે, વિચાર-વિમર્શ કરવા મોકલ્યા છે, વાદ-વિવાદ અને સાથે મળીને નિર્ણય લેવા માટે મોકલ્યા છે. આપણી જવાબદારી છે કે જનતાએ આપણને જે કામ માટે મોકલ્યા છે, તેને પ્રાથમિકતા આપીએ, તે પૂરું કરીએ. ખાસ કરીને એમની જવાબદારી વધારે છે, જેમણે 50-60 વર્ષ દેશ પર શાસન કર્યું છે. સરકાર શું હોય છે, સંસદ શું હોય છે, સંસદમાં કામ થવાં કેટલા જરૂરી હોય છે, આ બાબતોની અમારા કરતાં તેમને વધુ ખબર છે, જેમણે 50-60 વર્ષો દેશમાં સરકાર ચલાવી છે, અનેક પ્રધાનમંત્રી આપ્યા છે, તેમની વિશેષ જવાબદારી છે કે પોતાના રાજકીય કારણોને દેશના વિકાસમાં અવરોધ ન બનાવે. સંસદ ચાલે એ માટે તેમની જવાબદારી એટલા માટે પણ વધુ છે કેમકે 60 વર્ષ સુધી આ દેશે તેમને સરકાર બનાવવાની તક આપી છે. જેમને હજુ તક નથી મળી, તેમનો ગુસ્સો અમે સમજી શકીએ છીએ. જેમને તક નથી મળી તેમની નારાજગી અમે સમજી શકીએ છીએ. પરંતુ જેમણે 60 વર્ષ સુધી દેશમાં દરેક પ્રકારની સત્તા ભોગવી છે, તેમને સંસદને બરબાદ કરવાનો અધિકાર નથી, સંસદને અવરોધવાનો અધિકાર નથી.

આજે 2015નું વર્ષ પૂરું થઈ રહ્યું છે, હું ખાસ કરીને એમને આગ્રહ કરું છું કે આવતીકાલે પહેલી જાન્યુઆરી, નવું વર્ષ છે, જ્યારે નવું મનાવી રહ્યા હો, ત્યારે એક સંકલ્પ એવો પણ કરી લો કે આજે 2016થી હવે સંસદમાં અવરોધ નહીં લાવો, સંસદનાં કામકાજ ચાલવા દેશો. દેશને આગળ વધવા દેશો. દેશના ગરીબોની ભલાઈનાં નિર્ણયો લેવા દેશો. દેશના નવયુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે કામ કરવા દેશો. જો આપણે આ સંકલ્પ કરીએ તો દેશ નવી ઊંચાઈઓ હાંસલ કરી શકશે. હું ફરી એકવાર તમને સહુને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને આ રોડ પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસની એક નવી ગાથાનો આરંભ કરી રહ્યો છે, એ માટે ઉત્તર પ્રદેશના નાગરિકોને પણ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર.

AP/J.KHUNT/GP