Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઠમા બ્રિક્સ શિખર સંમેલનને અંતે પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન


મહામહિમો, સન્નારીઓ અને સજ્જનો, મીડિયાના મિત્રો,
આપણે હમણાં જ આઠમું બ્રિક્સ શિખર સંમેલન સંપન્ન કર્યું.
પ્રમુખ શ્રી શી, પ્રમુખ શ્રી ઝુમા, પ્રમુખ શ્રી તેમેર અને પ્રમુખ શ્રી પુતિનનું રમણીય રાજ્ય ગોવામાં સ્વાગત કરવાનું સન્માન અને અહોભાગ્ય સાંપડ્યું.
આજે ત્રણ સત્રોમાં હાથ ધરાયેલી અમારી ચર્ચાઓ ખૂબ ઊંડાણપૂર્વકની, નક્કર અને ફળદાયી હતી.
સવારે અમે આતંકવાદ, વૈશ્વિક આર્થિક માહોલ સહિતના મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ તેમજ વૈશ્વિક શાસન માળખામાં સુધારાની જરૂરિયાત વિશે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

અમે બ્રિક્સ દેશો વચ્ચેના પ્રવર્તમાન સહકાર અંગે સમીક્ષા કરવાની તક પણ ઝડપી હતી.
પૂર્ણ અધિવેશન દરમિયાન અમે આગામી વર્ષોમાં બ્રિક્સ દેશોના ભાવિ વિસ્તરણ અંગેના વિચારો અને શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
વાતચીત ઉપયોગી અને દૂરંદેશીભરી રહી. અને, અમે જ્યારે બ્રિક્સના 10 વર્ષોની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ વાતચીત સમયસરની હતી. અમે હમણા જ બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલનું સત્ર સંપન્ન કર્યું.
ન્યુ ડેવલપમેન્ટ બેન્કના પ્રમુખ પાસેથી એનડીબીએ કામકાજના પહેલા જ વર્ષમાં કેટલું અર્થપૂર્ણ કાર્ય હાથ ધર્યું છે, તે જાણ્યું.
મને એ જણાવતા આનંદ થાય છે કે અમે ગોવા ઘોષણાપત્ર સ્વીકાર્યું છે, જેમાં બ્રિક્સ દેશોના પરસ્પર તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારા સહકાર અને સહયોગ અંગે સર્વગ્રાહી વિઝન આલેખવામાં આવ્યું છે.

સન્નારીઓ અને સજ્જનો,
હવે, શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ દેશોના નેતાઓએ જે મુદ્દાઓ પર સૌથી વધુ ધ્યાન આપ્યું એ અંગે હું તમને માહિતી આપીશ.
હાલમાં આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદનો પડકાર માત્ર પ્રાદેશિક સ્તરે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ સામે જ નહીં, પરંતુ અમારા દેશોના નાગરિકો, જીવન શૈલી અને એકંદરે સમગ્ર માનવજાત સામે હોવાના મુદ્દે અમે સર્વસંમત છીએ.
અમે આતંકવાદને નાણાં પૂરાં પાડતા સ્ત્રોતોનું પગેરું શોધવા તેમજ હથિયારો પૂરા પાડવા, દારૂગોળો, સાધનો અને તાલીમ સહિતના આતંકવાદના હાર્ડવેરને લક્ષ બનાવવા માટે ઘનિષ્ઠ સહકારની આવશ્યકતા હોવાનું નોંધ્યું છે.
અમે એ બાબતે પણ સહમત થયા છીએ કે આવા હિંસા અને આતંકવાદ ફેલાવતા તત્ત્વોને પોષણ, રક્ષણ, સહાય અને નાણાંકીય ટેકો આપતા તત્ત્વો અમારા માટે આતંકવાદીઓ જેટલા જ ખતરારૂપ છે.
ભારતને એ જણાવતા આનંદ થાય છે કે આ ગંભીર વૈશ્વિક પડકાર માટે વિચારો અને હેતુમાં ઐક્ય છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવાનો મુદ્દો અમારા વિચાર-વિમર્શનો વધુ એક મહત્ત્વનો મુદ્દો હતો.
અમે વર્ષ 2008ની નાણાંકીય કટોકટી પછી વૈશ્વિક આર્થિક વિકાસમાં બ્રિક્સ દેશોના સકારાત્મક ફાળાની અમે નોંધ લીધી હતી.
અમને લાગ્યું છે કે લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં જાહેર રોકાણો કરવા, મેક્રો-ઈકોનોમિક પોલિસી માટે સહકાર સાધવો, વિકાસને વેગ આપવો અને વિશ્વ વેપાર તેમજ મેન્યુફેક્ચરિંગને નવા જોશ સાથે પ્રોત્સાહન આપવું અર્થવ્યવસ્થાઓ માટે આવશ્યક બન્યું છે.
અમે બહુસ્તરીય વેપાર માળખાના પાયા તરીકે ડબલ્યુટીઓ માટે કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
અમે આર્થિક વિકાસ અને પર્યાવરણીય સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત સ્વીકારી હતી.
અમે પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટના વહેલા અમલીકરણનું સ્વાગત કર્યું છે.

ભારતે આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ઈતિહાસના પ્રથમ હરોળના પર્યાવરણવાદી મહાત્મા ગાંધીની જન્મજયંતીના દિવસે એગ્રીમેન્ટને બહાલી આપી તેનો તેને ગર્વ છે.
બ્રિક્સ દેશોના નેતાઓ તરીકે, અમે અમારા વિકાસના એજન્ડાને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે બ્રિક્સ દેશોની અંદર સંસ્થા નિર્માણ પર ધ્યાન કેન્દ્રીત કરવા સહમત થયા હતા.
અમે ન્યુ ડેવલપમેન્ટ બેન્કની તેના પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર તેની પ્રશંસા કરી હતી.
અમે એ બાબતે સહમત થયા હતા કે એનડીબીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને નવિનીકરણીય ઊર્જાના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખવું જોઈએ.
બ્રિક્સ એગ્રિકલ્ચર રિસર્ચ પ્લેટફોર્મ, બ્રિક્સ રેલવે રિસર્ચ નેટવર્ક, બ્રિક્સ સ્પોર્ટસ કાઉન્સિલ અને યુવાનોને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ સંસ્થાઓ સ્થાપવાના અમારા વિચારોમાં એકમત હતા.
વૈશ્વિક નાણાંકીય અને આર્થિક માળખામાં પરિવર્તનને પ્રોત્સાહન આપવાના તેમજ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ઉભરતા અને વિકસતા અર્થતંત્રોની ભૂમિકા વિસ્તારવા અંગેના અમારા ઠરાવ માટે પણ અમે એકમત હતા.
વૈશ્વિક નાણાંકીય માળખામાં વધતા જતા તફાવતને પૂરવા માટે અમે બ્રિક્સ રેટિંગ એજન્સીની સ્થાપનામાં ઝડપ વધારવા સંમત થયા હતા.
અમે જીટ્વેન્ટીમાં અમારો સહકાર વધારવા માટે પણ સહમત થયા હતા.

બ્રિક્સ દેશોમાં પરસ્પર લોકોથી લોકો વચ્ચેના સંપર્કોની કાર્યશક્તિ પણ અમારા માટે મહત્ત્વનો મુદ્દો રહ્યો હતો.
આ માટે અમે વર્ષ દરમિયાન 100 કરતા વધુ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છીએ અને બ્રિક્સ દેશોને અમારા દેશોમાં વિવિધ વિસ્તારો અને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ.
અમે લોકો સાથે લોકોના સંપર્કનું જતન કરવા માટે અમારો સહયોગ સતત પ્રયત્ન સ્વરૂપે ચાલુ રાખવા સહમતિ સાધી હતી.
બ્રિક્સ દેશો શાંતિ અને સુરક્ષાની બાબતોમાં અમારા પરામર્શ અને સહકારને વધુ મજબૂત કરવા પણ પ્રતિબદ્ધ છે.
સન્નારીઓ અને સજ્જનો,
ગોવા સમિટના મુખ્ય મુદ્દા બિમસ્ટેક (બીઆઈએમએસટીઈસી – બાંગ્લાદેશ, ઈન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભુતાન અને નેપાળ)ને આગળ ધપાવશે.
ભારત સાથે મળીને બિમસ્ટેકમાં સામેલ બાંગ્લાદેશ, ભુતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડના રાજ્યના વડાઓ, સરકારના વડાઓ અને નેતાઓ ગોવામાં આઠમા બ્રિક્સ શિખર સંમેલનના ખાસ મહેમાનો તરીકે હાજરી આપી હતી.
આજે થોડી વાર પછી સૌપ્રથમ બ્રિક્સ-બ્રિમસ્ટેક આઉટરિચ સમિટ યોજાશે.
બ્રિક્સ અને બ્રિમસ્ટેક દેશોના નેતાઓ માટે ભાગીદારી અને સહકાર વધારવા માટેની તકો પર વાતચીત હાથ ધરવાની આ અપૂર્વ તક હશે.
વિશ્વની બે તૃતિયાંશ માનવવસતીને સમાવતા બ્રિક્સ અને બ્રિમસ્ટેક દેશો સાથે મળીને અમારા દેશોના તમામ લોકો માટે અસાધારણ સાયુજ્યની સંભાવનાઓ ખોલી શકે છે.
અંતે, હું બ્રિક્સ દેશોના મારા સાથી નેતાઓનો આભાર માનું છું કે તેમણે આઠમું બ્રિક્સ શિખર સંમેલન સફળ બને તે માટે પોતાનો તમામ સહયોગ આપ્યો.
આભાર.
ખૂબ ખૂબ આભાર.

TR