Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઑસ્ટ્રિયાના ચાન્સેલર સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

ઑસ્ટ્રિયાના ચાન્સેલર સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય


મહામહિમ, ચાન્સેલર સ્ટૉકર

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

ગ્રુસ ગોટ

ચાન્સેલર સ્ટૉકર, હું ભારતની તમારી પહેલી મુલાકાત પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમને ખૂબ આનંદ છે કે તમે યુરોપની બહાર તમારી પહેલી યાત્રા માટે ભારત પસંદ કર્યું. આ ભારત-ઑસ્ટ્રિયા સંબંધો પ્રત્યેની તમારી દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ચાર દાયકા પછી ઑસ્ટ્રિયન ચાન્સેલરની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. 2026ના ઐતિહાસિક ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પછી, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોમાં એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થયો છે. ચાન્સેલર સ્ટોકરની મુલાકાત સાથે, અમે ભારત-ઑસ્ટ્રિયા સંબંધોને પણ એક નવા યુગમાં લઈ જઈ રહ્યા છીએ.

મિત્રો,

ભારત અને ઑસ્ટ્રિયા માળખાગત સુવિધાઓ, નવીનતા અને ટકાઉપણામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. દિલ્હી મેટ્રો હોય કે હિમાલયમાં 10,000 ફૂટની ઊંચાઈએ બનેલ અટલ ટનલ, ઑસ્ટ્રિયાની ટનલ બનાવવાની કુશળતાએ મજબૂત છાપ છોડી છે.

વધુમાં ઑસ્ટ્રિયન કંપનીઓ ભારતમાં રેલવે પ્રોજેક્ટ્સથી લઈને ગુજરાતમાં ગિરનાર રોપવે સુધી, સ્વચ્છ ર્જાથી લઈને શહેરી વિકાસ સુધીના અનેક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદાર રહી છે.

મિત્રો,

ચાન્સેલર સ્ટૉકરની મુલાકાત વેપાર અને રોકાણમાં નવી ઊર્જાનો સંચાર કરશે. અમને આનંદ છે કે તેઓ એક વ્યાપક દ્રષ્ટિકોણ અને મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છે.

ઑસ્ટ્રિયાની કુશળતાને ભારતની ગતિ અને સ્કેલ સાથે જોડીને સમગ્ર વિશ્વ માટે વિશ્વસનીય ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરીશું. અમે સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ અને બાયોટેકનોલોજીમાં પણ અમારી ભાગીદારીને મજબૂત બનાવીશું.

વધુમાં, અમે એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવીશું. IIT દિલ્હી અને ઑસ્ટ્રિયાની મોન્ટાન યુનિવર્સિટી વચ્ચે આજે હસ્તાક્ષર કરાયેલ MoU આ જ્ઞાન આદાનપ્રદાનનું એક તેજસ્વી ઉદાહરણ છે.

મિત્રો,

ભારતની પ્રતિભામાં ઑસ્ટ્રિયાના નવીનતા અને ઉત્પાદકતાને વધારવાની ક્ષમતા છે.

2023માં અમે ઑસ્ટ્રિયા સાથે એક વ્યાપક સ્થળાંતર અને ગતિશીલતા કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે, આ કરાર હેઠળ અમે નર્સિંગ ક્ષેત્રમાં પણ ગતિશીલતાને આગળ વધારીશું.

અમે સંયુક્ત સંશોધન અને સ્ટાર્ટ-અપ સહયોગને વધુ મજબૂત બનાવીશું. યુવા વિનિમયને પ્રોત્સાહન આપવા માટે, અમે આજે ભારત-ઑસ્ટ્રિયા વર્કિંગ હોલિડે પ્રોગ્રામ પણ શરૂ કરી રહ્યા છીએ.

મિત્રો,

આખી દુનિયા ખૂબ જ ગંભીર અને તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. અને તે આપણા બધાને અસર કરી રહી છે. આવા તણાવપૂર્ણ વૈશ્વિક વાતાવરણમાં, ભારત અને ઑસ્ટ્રિયા એકમત છે કે સૈન્ય સંઘર્ષ કોઈપણ સમસ્યાનો ઉકેલ આપી શકતો નથી. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સ્થિર, ટકાઉ અને સ્થાયી શાંતિને સમર્થન આપીએ છીએ.

અમે એ પણ સંમત છીએ કે વધતા જતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો જરૂરી છે. અને આતંકવાદને નાબૂદ કરવો એ અમારી સહિયારી પ્રતિબદ્ધતા છે.

મહામહિમ,

ચાર દાયકા પછી 2024માં ઑસ્ટ્રિયાની મારી મુલાકાત પણ એક સીમાચિહ્નરૂપ હતી. તે મુલાકાત પછી આજે ભારતમાં તમારું સ્વાગત કરવું અમારા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે. ચાલો આપણે ભારત-સ્ટ્રિયા ભાગીદારીને નવીનતા-કેન્દ્રિત અને ભવિષ્ય માટે તૈયાર બનાવીએ.

ખુબ ખુબ આભાર.

 

SM/BS/GP/JT