Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કઝાકિસ્તાનના અસ્તાનામાં એસસીઓ પરિષદમાં પ્રધાનમંત્રીનું નિવેદન

કઝાકિસ્તાનના અસ્તાનામાં એસસીઓ પરિષદમાં પ્રધાનમંત્રીનું નિવેદન


આદરણીય પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવ, એસસીઓના સભ્યો અને નિરીક્ષકોના પ્રતિષ્ઠિત નેતાઓ, એસસીઓના મહાસચિવ, રાષ્ટ્ર સંઘના મહાસચિવ, આંતરરાષ્ટ્રીય સંગઠનોના અધ્યક્ષો, મહોદય,

દેવીઓ અને સજ્જનો,

સૌપ્રથમ હું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સફળ નેતૃત્વ માટે પ્રમુખ નઝરબાયેવને હાર્દિક શુભેચ્છાઓ આપું છું. અમારા અતિથિ સત્કાર માટે તથા આ પરિષદના ઉત્કૃષ્ટ સંસ્થાન માટે પણ હું પ્રમુખ નઝરબાયેવને અભિનંદન આપું છું.

મહોદય,

ક્ષેત્રીય તથા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, શાંતિ અને સુરક્ષાનો એક મુખ્ય સ્તંભ છે. ભારત 12 વર્ષના નિરીક્ષણ પદ બાદ આજે એસસીઓની સભ્યતા પ્રાપ્ત કરશે. અમારી સભ્યતાના સમર્થન માટે હું એસસીઓના તમામ દેશોનો હાર્દિક આભાર પ્રગટ કરું છું. સભ્યતાના વિસ્તરણ પછી એસસીઓ વિશ્વની લગભગ 42% વસ્તી, 20% જીડીપી અને 22% ભૂ-ભાગનું પ્રતિનિધિત્વ કરશે. આથી એસસીઓની પ્રગતિ વિશ્વના વિશાળ જનમાનસ અને ભૂ-ભાગની ઉન્નતી છે.

શ્રીમાન,

એ સાચું છે કે સભ્યતા અમને આજે મળી રહી છે, પરંતુ આપ સૌ દેશો સાથે અમારા સંબંધો ઐતિહાસિક છે. પરસ્પર વિશ્વાસ અને સદભાવના અમારા રાજનૈતિક અને આર્થિક સહયોગની મુખ્ય આધારશીલા છે. એસસીઓ દેશો સાથે અમારી સહભાગિતાના અનેક પાસાઓ છે. ઊર્જા, શિક્ષણ, કૃષિ, સુરક્ષા, ખનીજ, ક્ષમતા નિર્માણ, વિકાસ ભાગીદારીતા, વ્યાપાર અને રોકાણ એ તેના મુખ્ય વિભાગો છે. ભારતની એસસીઓની સભ્યતા નિશ્ચિત રૂપે આપણા સહયોગને નવીન ઊંચાઈઓ પર લઇ જશે.

શ્રીમાન મહોદય,

એસસીઓ દેશોની સાથે જોડાણ એ ભારતનું પ્રાથમિકતા છે અને અમે તેનું ભરપુર સમર્થન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે જોડાણ આપણા દેશોની ભાવી પેઢીઓ તથા સમાજોની વચ્ચે સહયોગ તથા વિશ્વાસનો માર્ગ પ્રશસ્ત કરે. તેના માટે જોડાણના પગલા અથવા પરિયોજનાઓની સફળતા તેમજ સ્વીકૃતિ માટે સમપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનો આદર થવો જરૂરી છે તથા તેમની સંકલિતતા અને સંતુલીતતા જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષીણ પરિવહન કોરીડોર તથા છાબર સંધી સાથે અમારું જોડાણ અને અશ્કાબાદ સંધીમાં જોડાવાનો અમારો નિર્ણય, ભારતને આ ક્ષેત્રથી વધારે ઘનિષ્ઠ રીતે જોડશે.

આદરણીય સજ્જનો,

આતંકવાદ માનવ અધિકારો અને માનવ મુલ્યોના સૌથી મોટા ઉલ્લંઘનકારીઓમાંથી એક છે. આથી આતંકવાદ અને અતિવાદની વિરુદ્ધ સંઘર્ષ એ એસસીઓના સહયોગનો મહત્વનો ભાગ છે. મુદ્દો ભલે ઉગ્રવાદનો હોય, આતંકવાદીઓની ભરતીનો, તેમની તાલીમનો અથવા નાણા પુરા પાડવાનો હોય, જ્યાં સુધી આપણે બધા જ દેશો મળીને આ દિશામાં સહભાગીતા અને સશક્ત પ્રયત્નો નહીં કરીએ ત્યાં સુધી આ સમસ્યાઓનું સમાધાન અશક્ય છે. આ સંદર્ભમાં એસસીઓ દ્વારા કરવામાં આવેલા સુદ્રઢ પ્રયાસો અત્યંત પ્રશંસનીય છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારત-એસસીઓ સહયોગ આતંકવાદની વિરુદ્ધ લડાઈને એક નવી દિશા તથા શક્તિ પ્રદાન કરશે. ક્ષેત્રીય પરિપ્રેક્ષ્યમાં અફઘાનિસ્તાનમાં શાંતિ તથા સ્થિરતા પણ એસસીઓના પ્રયાસોનો ફાયદો ઉઠાવી શકે છે. વૈશ્વિક સંદર્ભમાં પર્યાવરણ પરિવર્તનની સમસ્યા ઉપર પણ એસસીઓ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. આ સંદર્ભમાં, અસ્તાના એક્સપો 2017માં “ભવિષ્યની ઊર્જા”ને થીમ તરીકે પસંદ કરવા બદલ હું કઝાખસ્તાનને અને પ્રમુખજીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

આદરણીય દેવીઓ અને સજ્જનો,

આજે એસસીઓની યાત્રામાં એક ઐતિહાસિક વળાંક છે. ભારત એસસીઓની સાથે એક સક્રિય તથા સકારાત્મક સહભાગિતાની રચના માટે તૈયાર અને કટિબદ્ધ છે. હું એક વાર ફરી પ્રમુખ નઝરબાયેવનો આ પરિષદના સફળ આયોજન માટે હાર્દિક અભિનંદન આપું છું. સાથે સાથે જ પ્રમુખ ઝિ જિનપિંગને ચીનની આવનારી એસસીઓની અધ્યક્ષતાની સફળતા માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
આભાર.

*****

TR