પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આશરે 1500 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા નાના હાઇડ્રો પાવર (SHP) પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ₹2584.60 કરોડ ના ખર્ચ સાથે ‘નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 ના સમયગાળા માટે નાના હાઇડ્રો પાવર (SHP) વિકાસ યોજના‘ ને મંજૂરી આપી છે.
આ યોજના વિવિધ રાજ્યોમાં નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ (1-25 મેગાવોટ ક્ષમતા વચ્ચેના) ને ટેકો આપશે અને ખાસ કરીને પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યો કે જ્યાં આવા પ્રોજેક્ટ્સ માટે ઉચ્ચ સંભાવનાઓ છે તેમને ફાયદો થશે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં, પ્રતિ મેગાવોટ ₹3.6 કરોડ અથવા પ્રોજેક્ટ ખર્ચના 30%, બેમાંથી જે ઓછું હોય તે મુજબ, પ્રોજેક્ટ દીઠ મહત્તમ ₹30 કરોડ ની મર્યાદામાં કેન્દ્રીય નાણાકીય સહાય ઉપલબ્ધ થશે. અન્ય રાજ્યોમાં પ્રતિ મેગાવોટ ₹2.4 કરોડ અથવા પ્રોજેક્ટ ખર્ચના 20%, બેમાંથી જે ઓછું હોય તે મુજબ, પ્રોજેક્ટ દીઠ ₹20 કરોડ ની મર્યાદામાં સહાય ઉપલબ્ધ રહેશે.
આનાથી અંતરિયાળ અને દુર્ગમ સ્થળોએ રહેલી નાની હાઇડ્રો ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે. આવા પ્રોજેક્ટ્સ માટે ₹2,532 કરોડ ની રકમ ફાળવવામાં આવી છે. આનાથી નાના હાઇડ્રો ક્ષેત્રમાં ₹15,000 કરોડ ના રોકાણ આવવાની શક્યતા છે, જે સ્વચ્છ ઊર્જા પહેલ, અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં રોકાણ અને રોજગારીની નોંધપાત્ર તકો ઊભી કરશે. આ રોકાણ 100% પ્લાન્ટ અને મશીનરી સ્વદેશી સ્ત્રોતોમાંથી મેળવશે, જે આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યને પૂર્ણ કરશે.
આ યોજના રાજ્યોને ભવિષ્યમાં નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સની પાઇપલાઇન તૈયાર કરવા માટે લગભગ 200 પ્રોજેક્ટ્સના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓને આવા DPR તૈયાર કરવામાં મદદ કરવા માટે ₹30 કરોડ ની રકમ રાખવામાં આવી છે.
આ યોજના પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન 51 લાખ માનવ દિવસ ની રોજગારીને ટેકો આપશે અને આ SHPs ના જાળવણી અને સંચાલનમાં પણ રોજગારી સક્ષમ બનાવશે, જે મોટાભાગે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સ્થાપિત થશે. SHP પ્રોજેક્ટ્સ વિકેન્દ્રિત પ્રકૃતિના હોવાથી, લાંબી ટ્રાન્સમિશન લાઇન (વીજળી વહન કરવાની લાઇન) ની જરૂરિયાત ન્યૂનતમ રહે છે, જે ટ્રાન્સમિશનમાં થતા નુકસાનને પણ ઘટાડે છે.
આ યોજનાના લોન્ચિંગથી નાના હાઇડ્રો પાવર સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકાશે અને ઉપલબ્ધ સંભાવનાઓનો વધુ ઝડપી ગતિએ ઉપયોગ કરવામાં મદદ મળશે. SHP પ્રોજેક્ટ્સ પર્યાવરણીય રીતે ટકાઉ છે, કારણ કે તેઓ મોટા પાયે જમીન સંપાદન, વન નાબૂદી અને સમુદાયોના વિસ્થાપનને ટાળે છે. તે સ્થાનિક રોકાણને વેગ આપીને અંતરિયાળ વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે, ઉપરાંત સામાન્ય રીતે 40 થી 60 વર્ષથી વધુના પ્રોજેક્ટ આયુષ્ય સાથે લાંબા ગાળાની રોજગારીનું સર્જન કરશે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com