પીએમઇન્ડિયા


ટેક્સટાઇલ ઇન્ડિયા 2017માં તમારા બધાનું સ્વાગત છે. દેશમાં ટેક્સટાઇલ સેક્ટરમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે, જેમાં દુનિયાના 100થી વધારે દેશોએ પોતાની હાજરી નોંધાવી છે. હું ટેક્સટાઇલ મંત્રાલયના આ કાર્યક્રમના આયોજકો, તેમાં સામેલ થનાર ઉદ્યોગપતિઓ, કારીગરોને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું.
મને ખુશી છે કે સૌપ્રથમ વખત કેન્દ્ર અને દેશના જુદા જુદા રાજ્યોની સરકારો, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભેગા થયા છે અને આ મેગા ઇન્ટરનેશનલ ઇવેન્ટ મારફતે આખી દુનિયાને ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગની શક્યતાઓ દેખાડી રહ્યા છે.
ટેક્સટાઇલ એક એવું ક્ષેત્ર છે, જે એગ્રિકલ્ચર અને ઉદ્યોગ વચ્ચે શ્રેષ્ઠ સેતુ તરીકે કામ કરે છે. કપાસની ખેતી હોય, સિલ્કનું ઉત્પાદન હોય, તેનું અંતિમ ઉત્પાદન ઘણું બધું ટેક્સટાઇલ સેક્ટર પર નિર્ભર કરે છે. ખેડૂતોની મહેનતનથી પાકતો કાચો માલ બજારને પહોંચતો કરવાનું કામ ટેક્સટાઇલ સેક્ટર કરે છે એટલે એક રીતે ટેક્સટાઇલ એગ્રો અને ઉદ્યોગ એમ બંનેનો જ ભાગ છે.
ભારતના ઇતિહાસમાં જો કોઈ ઉદ્યોગનું હંમેશા મહત્વ રહ્યું હોય તો એ ટેક્સટાઇલ ઉદ્યોગ જ છે. હજારો વર્ષ અગાઉ ભારતીય શાસ્ત્રોમાં વસ્ત્રોના મહિમાનો ઉલ્લેખ થતો રહ્યો છે. સેંકડો વર્ષોથી આ ઉદ્યોગ બીજા દેશો સાથે વેપારનો મુખ્ય આધાર બની રહ્યો છે. જે માર્ગોથી વસ્ત્રો અને દોરાની નિકાસ બીજા દેશોમાં થતી હતી, એ માર્ગોનું નામ પણ કોઈના કોઈ દોરા પરથી પ્રચલિત થઈ ગયું હતું. આ માર્ગોથી અનેક વિદેશી દાર્શનિક ભારતને સમજવા માટે અહીં આવ્યા અને ભારતીય સંસ્કૃતિની મહાનતાનું દર્શન કરીને પરત ફર્યા હતા. પોતાના સાહિત્યમાં પણ તેમણે ભારતીય વસ્ત્રો અને ટેક્સટાઇલ ઉદ્યોગની તાકાતને મુખ્ય સ્થાન આપ્યું હતું.
અલગ-અલગ સમયગાળામાં આપણા દેશના સાહિત્યમાં પણ તેની છાપ દેખાય છે. લગભગ દોઢ વર્ષ અગાઉ ચેન્નાઈમાં પ્રથમ વખત નેશનલ હેન્ડલૂમ ડેનો સમારંભ યોજાયો હતો. એ સમયે મને બનારસના એક વણકર ભાઈએ એક Stole આપી હતી. તેમાં કબીરદાસજીનો એક પ્રસિદ્ધ દોહો હાથથી ગૂંથેલો હતો. આ દોહાની એક પંક્તિ નીચે મુજબ છે –
झीनी झीनी बिनी चदरिया काहे के ताना काहे के भरनी, कौन तार से बिनी चदरिया।
કબીરજી પોતે વણકર હતા, સૂતરાઉ કાપડ કાંતતા હતા, કપડા વણતા હતા, કપડા રંગતા હતા. તેમણે પોતાના કામમાં જીવનની સચ્ચાઈને શોધી હતી અને તેમાંથી જ શબ્દો મેળવીને પોતાના દોહામાં વ્યક્ત પણ કરી હતી.
સાથીદારો,
વસ્ત્ર આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા સાથે પણ જોડાયેલ છે. આપણે કહી શકીએ કે વસ્ત્ર આપણા દેશની સાંસ્કૃતિક વિવિધાનું પ્રતીક છે. ઘણાં શહેરો અને વિસ્તારોની ઓળખ ત્યાંના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. કાંચીપુરમ, બનારસ કે અસમનું સિલ્ક હોય, કાશ્મીરનું પશ્મીના હોય અને જામાવરનું કામ હોય, બંગાળની મુસ્લિન હોય, લખનૌમાં ચિકનનું કામ હોય, ઓડિસા અને તેલંગાણામાં હાથથી વણેલી ઇક્કટ હોય, ગુજરાતના પટોળા હોય – આ સેંકડો વર્ષોથી પોતાના વિસ્તારની ઓળખ બની ગયા છે. આવી વિવિધતા તમને દુનિયામાં અન્ય કોઈ દેશમાં નહીં મળે.
દેવીઓ અને સજ્જનો,
અત્યારે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં ઉજ્જવળ ભવિષ્ય ધરાવતો દેશ ગણાય છે. તે વૈશ્વિક રોકાણ માટે સૌથી વધુ આકર્ષક દેશોમાં સ્થાન ધરાવે છે. આ સ્થાયી અને શ્રેણીબદ્ધ નીતિગત પહેલોને કારણે શક્ય બન્યું છે.
વેપારવાણિજ્યને સરળ બનાવવા 7,000થી વધારે સુધારાનો અમલ કરવામાં આવ્યો છે. પ્રક્રિયાઓ સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. સરકારે 1200થી વધારે અપ્રસ્તુત કાયદા રદ કર્યા છે. આ થોડા ઉદાહરણો છે.
તેના પરિણામે છેલ્લાં બે વર્ષમાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું સ્થાન 32 ક્રમ સુધર્યું છે. આ કોઈ પણ દેશના સ્થાનમાં ઓછા ગાળામાં થયેલો સૌથી વધુ સુધારો છે. વર્લ્ડ બેંક લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ઓફ 2016માં ભારતના સ્થાનમાં 19 ક્રમનો સુધારો થયો છે. આપણે વર્ષ 2016માં ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ ઓફ ધ વર્લ્ડ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનમાં પણ 16 સ્થાનની આગેકૂચ કરી છે. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ટોચના 10 એફડીઆઈ સ્થળોમાં આપણે ત્રીજું સ્થાન ધરાવીએ છીએ.
“મેક-ઇન-ઇન્ડિયા” પહેલના આધારે સંગઠિત ટેક્સટાઇલ ઉદ્યોગને રોજગારી, ઉત્પાદન અને નિકાસ વધારવા ‘સ્કિલ, સ્કેલ, સ્પીડ’ અને ‘ઝીરો-ડિફેક્ટ, ઝીરો-ઇફેક્ટ’નો મંત્ર આપવામાં આવ્યો છે.
આપણે ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરમાં વિદેશી રોકાણ માટે સૌથી વધુ ઉદાર નીતિઓ ધરાવતા દેશોમાં સામેલ છીએ. આપણે ટેક્સટાઇલ અને એપેરેલ સેક્ટરમાં ઓટોમેટિક રુટ મારફતે 100 ટકા એફડીઆઇની મંજૂરી આપી છે.
દેવીઓ અને સજ્જનો,
ટેક્સટાઇલ ઉદ્યોગ ભારતીય અર્થંતત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે સંપૂર્ણ વેલ્યુ ચેઇન (મૂલ્ય સાંકળ)માં મજબૂત અને સ્પર્ધાત્મક છે. ભારતમાં કપાસ, ઊન, રેશમ, શણ અને કૃત્રિમ રેષા જેવા કાચા માલનો પુષ્કળ પુરવઠો છે. હકીકતમાં આપણે કપાસ અને શણમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક, રેશમ અને કૃત્રિમ રેષાના બીજા સૌથી મોટા ઉત્પાદક છીએ. આ આપણને બેકવર્ડ ઇન્ટિગ્રેશનનો વિશિષ્ટ લાભ આપે છે, જે અન્ય દેશો ધરાવતા નથી. ઉપરાંત ભારત કાંતણ, વણાટ અને એપેરલ ઉત્પાદનની ઊંચી ક્ષમતા ધરાવે છે. યુવા, કુશળ શ્રમ વાજબી ખર્ચે ઉપલબ્ધ છે.
આપણી ઊંચી આર્થિક વૃદ્ધિને પરિણામે વપરાશક્ષમ આવકમાં પણ વધારો થયો છે. તેના પગલે સ્થાનિક બજારમાં વિવિધ ઉત્પાદનોની માગ વધી છે. આપણો દેશ મહત્વાકાંક્ષી યુવા પેઢી ધરાવે છે, જે ટેક્સટાઇલ્સ, એપેરલ અને હસ્તકળાના જીવનશૈલી ઉત્પાદનો પર ખર્ચ કરવા ઇચ્છે છે. એપેરલ અને જીવનશૈલીના ઉત્પાદનો માટે સ્થાનિક બજાર અત્યારે અંદાજે 85 અબજ ડોલરનું છે, જે વર્ષ 2025 સુધીમાં 160 અબજ ડોલર થઈ જવાની અપેક્ષા છે. આ વૃદ્ધિ વધતા મધ્યમ વર્ગને આભારી હશે.
આપણા દેશના ટેક્સટાઇલ્સ અને એપેરલ ઉત્પાદનની વૈશ્વિક માગ પણ ઊંચી છે. ભારત ટેક્સટાઇલ્સનો વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જે વિશ્વમાં ટેક્સટાઇલની નિકાસમાં આશરે પાંચ ટકા હિસ્સો ધરાવે છે. પરંપરાગત હેન્ડલૂમ અને હસ્તકળાના ઉત્પાદનો સહિત ભારતીય ટેક્સટાઇલ્સની નિકાસ 100થી વધારે દેશોમાં થાય છે. કેટલીક વખત ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ગાર્મેન્ટની ખરીદી કરે છે, જેને પાછળથી ખબર પડે છે કે ગાર્મેન્ટ ભારતમાં બનેલું છે.
ટેક્સટાઇલ સેક્ટર રોજગારીની નોંધપાત્ર તકો ઓફર કરે છે. અત્યારે તે કૃષિ પછી રોજગારીનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. આ ક્ષેત્રમાં 45 મિલિયન લોકોને સીધી રોજગારી મળે છે અને 60 મિલિયનથી વધારે લોકોને આનુષંગિક પ્રવૃત્તિઓમાં રોજગારી મળે છે.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ સરકારમાં ટેક્સટાઇલ સેક્ટર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગયા વર્ષે એક ટેક્સટાઇલ પેકેજ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત એપેરલ અને મેડ-અપ સેક્ટરને મજબૂતી પ્રદાન કરવામાં આવે છે.
સરકારે નક્કી કર્યું છે કે એપેરલ અને મેડ-અપ સેક્ટરમાં જે કંપની કે વ્યવસાય નવા કામદારોને રોજગાર આપે તેમને આર્થિક મદદ કરવામાં આવશે. પણ આર્થિક મદદ આ રીતે કરવામાં આવશે – જેઓ કર્મચારીઓ રાખશે, તેમને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કંપની તરફથી જે 12 ટકા રકમ આપવામાં આવે છે, તેનો ભાર સરકાર ઉઠાવશે. તેનાથી લાભ એ થશે કે વધુને વધુ કામદારો ઔપચારિક સેક્ટરમાં સામેલ થશે.
આ ઉપરાંત સરકારે એપેરલ સેક્ટરમાં ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટનો માર્ગ પણ ખોલ્યો છે. એટલે આ કામદારો નિશ્ચિત સમયગાળા માટે કામ પર લાગશે, પણ આ દરમિયાન તેમને કાયમી કર્મચારી જેવી જ સુવિધાઓ મળશે. તેનાથી કામદારોની સ્થિતિમાં પણ સુધારો થશે.
આવકવેરા કાયદા અંતર્ગત પણ આ સેક્ટરની કંપનીઓને છૂટ આપવામાં આવી છે. લઘુતમ 100 કામદારો ધરાવતા ઉત્પાદન એકમો નવા કામદારોને 150 દિવસ સુધી રોજગારી આપે તો તેને પણ કરવેરામાં રાહત આપવામાં આવે છે.
દેવીઓ અને સજ્જનો,
સંકલિત કૌશલ્ય વિકાસ યોજનાનો પણ અમલ થઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ કુશળ મેનપાવરની ખામી દૂર કરવાનો છે. આ માટે ઉદ્યોગલક્ષી તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વૈશ્વિક કક્ષાની તાલીમ અને સંશોધન સંસ્થાઓ વિકસાવવા ઉત્પાદન અને નિકાસમાં આપણી ક્ષમતાનું પીઠબળ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી વ્યવસાયિક ધોરણે મેનેજ થતા 16 કેમ્પસનું નેટવર્ક ધરાવે છે. તે ફેશન એજ્યુકેશન, સંશોધન અને વિકાસ, તાલીમ અને કન્સલ્ટન્સીના ક્ષેત્રોમાં માપદંડ સમાન કામગીરી અને પ્રક્રિયાઓ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
છેલ્લાં થોડા વર્ષોમાં આપણે વિવિધ રાજ્યો વચ્ચે રોકાણ અને ઉદ્યોગોને આકર્ષવા અતિ સ્વસ્થ સ્પર્ધા જોઈએ છીએ. તેના પરિણામે રાજ્યોમાં કેટલાંક મોટા સુધારા થયા છે. દરેક રાજ્ય પોતાની રીતે ટેક્સટાઇલ્સ સહિત નવા ઉદ્યોગો સ્થાપિત કરવા સુવિધાઓ ઊભી કરવાનો પ્રયાસ કરે છે. મારું માનવું છે કે, અત્યારે મોટા પાયે ટેક્સટાઇલની નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય પાકી ગયો છે.
ભારત વિવિધ સંસ્કૃતિ, ફેશન અને પરંપરાઓ ધરાવતો દેશ છે. આ વિવિધતા વિવિધ પ્રદેશોમાં વસ્ત્રમાં સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. આપણે આપણી વસ્ત્ર-પરિધાનની વિવિધતાને સમજવી પડશે તથા દરેક રાજ્ય કે પ્રદેશની ખાસિયતો અને વિશેષતાઓને અંકિત કરવી પડશે. દરેક રાજ્યએ થોડા પ્રસિદ્ધ ઉત્પાદનો પ્રત્યે સમર્પિત નોડલ ઓફિસર્સની નિમણૂંક કરવી જોઈએ, જે સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં ઉત્પાદકો અને વેપારીઓ વચ્ચે કડી બનશે. આ હસ્તક્ષેપ ગાર્મેન્ટના ઉત્પાદનથી લઈને નિકાસ સુધી થવો જોઈએ. તે સ્થાનિક તેમજ નિકાસ બજારોની ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરશે.
આપણે મોટા વૈશ્વિક બજારોમાં લોકોની જરૂરિયાતોનો અભ્યાસ કરવા, ફેશન અને ટેક્સટાઇલ્સમાં નવા ટ્રેન્ડ પર નજર રાખવા એક્શન પ્લાન બનાવવો જોઈએ. સરકારી પરિષદો અને ઉદ્યોગ સંસ્થાઓએ સહકાર આપવા આગળ આવવું જોઈએ. આ આપણને એ જરૂરિયાતો પૂર્ણ કરવા અને આપણી નિકાસને પ્રોત્સાહન આપવા આપણી ક્ષમતાનો સમન્વય કરવા સક્ષમ બનાવશે.
મિત્રો,
વૃદ્ધિ અને સંપત્તિના સર્જન માટે નવીનતા અને સંશોધન નવા મંત્રો છે. ટેક્સટાઇલ ઉદ્યોગ વૃદ્ધિ કરવા અને નવા બજારો ઝડપવા સતત નવીનતા અને સંશોધન કરશે. ઉદાહરણ તરીકે, વ્યક્તિના શરીર દુનિયાનાં કેટલાંક દેશોમાં મોટા હોઈ શકે છે. આ માટે આપણા દેશમાં બનતા સામાન્ય સાઇઝના વસ્ત્રોથી વધારે મોટી સાઇઝના વસ્ત્રોની જરૂર પડી શકે છે. આ માટે તમારે લૂમની પહોળાઈ વધારવાની જરૂર પડી શકે છે. અન્ય કોઈ જગ્યાએ જરૂરિયાતો જુદી જુદી હોઈ શકે છે. નિકાસ બજારોમાં લીડરશિપ મેળવવા આ પ્રકારની વિગતો પર ધ્યાન આપવું જરૂરી છે.
અત્યારે કાર્બનનું શૂન્ય ઉત્સર્જન કરતા ઉત્પાદનો માટેની માગ છે. સંપૂર્ણ જીવનશૈલી ચર્ચાસ્પદ છે. ઓર્ગેનિક ઉત્પાદનોમાંથી બનેલ ઓર્ગેનિક ડાઇ, વસ્ત્રો અને ફેબ્રિક્સ માટેનું બજાર વૃદ્ધિ કરી રહ્યું છે. આપણો પ્રયાસ ઓર્ગેનિક ઉત્પાદનોમાં નવીનતા લાવવાનો હોવો જોઈએ.
કપાસ અને શણ ઉપરાંત આપણે કેળા અને વાંસના રેષાઓમાંથી બનતા ફેબ્રિક્સનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારના ઉત્પાદનો માટે બજાર બહુ આકર્ષક છે. એટલે અન્ય સ્ત્રોતોમાંથી ફેબ્રિક્સ વિકસાવવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થાઓ જેવી આપણી સંસ્થાઓએ વધારે સંશોધન કરવાની જરૂર છે.
દેવીઓ અને સજ્જનો,
અમારા સંકલિત ટેક્સટાઇલ ક્લસ્ટર્સ પર્યાવરણ અને આરોગ્ય સલામતીના વૈશ્વિક ધારાધોરણો માટે પૂરક છે. ટેક્સટાઇલ ઉત્પાદક રાજ્યો પણ ઉદ્યોગ માટે અનુકૂળ નીતિ ધરાવે છે, જેથી ટેક્સટાઇલ્સમાં રોકાણ માટે જરૂરી માળખાની સુવિધા મળે.
હું સમજું છું કે આગામી બે દિવસમાં તમારી પાસે કેટલીક રાજ્ય સરકારો સાથે આદાનપ્રદાન કરવાની તક હશે. મારા મંત્રીમંડળના કેટલાંક સાથીદારો પણ તમારી સાથે આદાનપ્રદાન કરશે. મને ખાતરી છે કે તમને આ સત્રો રસપ્રદ અને માહિતીપ્રદ લાગશે.
મને આશા છે કે આ ઇવેન્ટ સેક્ટર સાથે સંલગ્ન ભારતના સક્ષમ નીતિગત વાતાવરણ, તાકાત અને વ્યાપક તકો સાથે વિશ્વ અને ભારતના લીડર્સને પરિચિત કરાવવામાં મદદરૂપ થશે. તેનાથી ભારતને ભારતમાં સોર્સિંગ અને રોકાણની તકો ઇચ્છતા દેશો માટે અમૂલ્ય પાર્ટનર તરીકે સ્થાપિત થવામાં મદદ મળશે. મને આશા છે કે ભારત લાંબા ગાળે તેની અતિ મહત્વપૂર્ણ ટેક્સટાઇલ અને એપેરલ સોર્સિંગ તથા રોકાણ સ્થળ બનવાની સંભવિતતાને સાકાર કરી શકશે.
દેવીઓ અને સજ્જનો,
ગાંધીનગરમાં ત્રણ દિવસ તમારા સફળ અને ફળદાયક બની રહે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું.
હું તમને ભારતમાં આવવા, રોકાણ કરવા અને ટેક્સટાઇલ્સનું ઉત્પાદન કરવા આમંત્રણ આપું છું.
ધન્યવાદ!
TR
वस्त्र हमारे देश की सांस्कृतिक विविधता का प्रतीक रहे हैं। कितने ही शहरों और क्षेत्रों की पहचान वहां की टेक्सटाइल इंडस्ट्री से ही है: PM
— PMO India (@PMOIndia) June 30, 2017
India is described as a bright spot in the global economy. It has emerged as one of the most attractive global investment destinations: PM
— PMO India (@PMOIndia) June 30, 2017
Based on #MakeInIndia, the textile industry is being infused with the mantras of 'skill,scale,speed' & 'zero-defect,zero-effect': PM
— PMO India (@PMOIndia) June 30, 2017
The textile sector offers significant employment opportunities. It is today our second largest employer after agriculture: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2017
We should catalogue & map our clothing diversity & clearly earmark strengths & specialities of each state or region: PM
— PMO India (@PMOIndia) June 30, 2017
#TextilesIndia2017
I hope this event will help familiarize global & Indian leaders with India’s enabling policy environment, strengths & vast opportunities: PM
— PMO India (@PMOIndia) June 30, 2017