પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ પરિવહન (ક્લીનર મોબિલિટી)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે એક ઐતિહાસિક બે વર્ષની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) અંતર્ગત નેશનલ કેપિટલ રીજન પ્લાનિંગ બોર્ડ (NCRPB) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) દ્વારા તેનો અમલ કરવામાં આવશે. આ યોજના દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી લાગુ કરવામાં આવશે.
રૂ. 9,585 કરોડના કુલ નાણાકીય પરિવ્યય સાથે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી રૂ. 5,041 કરોડ અને સહભાગી રાજ્યો તરફથી ટેક્સ કન્સેશનમાં (કર રાહતો) અંદાજિત રૂ. 1,601 કરોડનો સમાવેશ થાય છે, આ યોજના દિલ્હી-એનસીઆર વિસ્તારમાં નોંધાયેલા બીએસ-IV (BS-IV) અથવા તેનાથી પહેલાના ઉત્સર્જન ધોરણોનું પાલન કરતી ટ્રકો અને બસોના માલિકોને તેમના વાહનોને બીએસ-VI (BS-VI) અથવા તેનાથી વધુ ઉત્સર્જન-સુસંગત વાહનો અથવા ઇલેક્ટ્રિક વાહનો (EVs) થી બદલવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. સ્વચ્છ પરિવહન તકનીકો તરફના સંક્રમણને વેગ આપીને, આ યોજનાથી વાહનોના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને સમગ્ર દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં હવાની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા છે.
દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ એ જાહેર આરોગ્ય માટે એક ગંભીર પડકાર બની રહ્યું છે, ખાસ કરીને શિયાળાના મહિનાઓ દરમિયાન. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) અને ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) દ્વારા તૈયાર કરાયેલા અને ઓગસ્ટ 2018માં પ્રકાશિત થયેલા “એનસીઆરમાં પર્ટિક્યુલેટ મેટર (PM 2.5 અને PM 10)ના સ્ત્રોત વિભાજન” પરના અહેવાલ મુજબ, દિલ્હી-એનસીઆરમાં પીએમ 2.5 ઉત્સર્જનમાં 14%, કાર્બન મોનોક્સાઇડ (CO)માં 40% અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) ઉત્સર્જનમાં 63% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. પરિવહન ક્ષેત્રની અંદર, કુલ વાહનોના માત્ર 3% હિસ્સો ધરાવતી ટ્રકો અને બસો પીએમ 2.5 ઉત્સર્જનમાં 36% હિસ્સો ધરાવે છે. એવો અંદાજ છે કે એક પ્રી-બીએસ (Pre-BS) હેવી-ડ્યુટી વાહન 14 બીએસ-VI સુસંગત વાહનો જેટલું ઉત્સર્જન કરે છે. બીએસ-IV વાહન પણ બીએસ-VI વાહનની સરખામણીમાં 2.7 ગણું વધુ ઉત્સર્જન કરે છે. તેથી, નવો વાહન કાફલો વાહનોના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેવી અપેક્ષા છે.
આ યોજનાથી દિલ્હી-એનસીઆર (જેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે) ના અંદાજે 2.07 લાખ (1.91 લાખ ટ્રકો અને 16,329 બસો) વાહન માલિકોને ફાયદો થશે.
બીએસ-III કે તેથી જૂના વાહનો માટે રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝ (નોંધાયેલ વાહન સ્ક્રેપિંગ કેન્દ્રો) પર સ્ક્રેપિંગ કરવું ફરજિયાત છે, જ્યારે બીએસ-IV વાહનોને કાં તો સ્ક્રેપ કરી શકાય છે અથવા એનસીઆરની બહાર બિન-એનસીએપી શહેરો/નગરોમાં વેચી શકાય છે. ત્યારબાદ માલિકોએ એનસીઆરની અંદર જ બીએસ-VI અથવા તેનાથી વધુ સખ્ત ધોરણો સુસંગત અથવા ઇલેક્ટ્રિક વાહન ખરીદવું અને તેની નોંધણી કરાવવી પડશે. જો કે, દિલ્હીમાં આ યોજના હેઠળ ખરીદવામાં આવેલા લાઇટ ગુડ્સ વ્હીકલ્સ (હળવા માલવાહક વાહનો) ઇલેક્ટ્રિક હોવા જ જોઈએ, જ્યારે બસો બીએસ-VI સીએનજી અથવા ફક્ત ઇલેક્ટ્રિક હોવી જોઈએ. સરકારી વાહનોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
યોજના હેઠળ મળતા લાભો: કેન્દ્ર સરકાર પાંચ વર્ષ માટે લોન પર 5% વ્યાજ સહાય (ઇન્ટરેસ્ટ સબવેન્શન), વાહનની શ્રેણીના આધારે દર મહિને રૂ. 4,800 સુધીના ફ્યુઅલ વાઉચર્સ (ઇંધણ વાઉચર) અને ઇવી (EV) ની ખરીદી અથવા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ટ્રેડિંગ માટે એકસાથે (લમ્પ-સમ) લાભો આપશે. રાજ્ય સરકારો નવા વાહનો માટે નોંધણી ફી માફ કરશે અને 10 વર્ષ માટે નવા વાહનો માટે 100% સુધી અને વપરાયેલા વાહનો માટે 50% સુધી મોટર વાહન ટેક્સમાં રાહત આપશે. રાજ્ય સરકાર આ યોજનામાં ભાગ લેતા જૂના વાહનો પરની બાકી જવાબદારીઓ (પેન્ડિંગ લાયબિલિટીઝ) પણ માફ કરશે. સહભાગી ઓટો ઓઇએમ એક્સ-શોરૂમ કિંમતો પર 8% ડિસ્કાઉન્ટ ઓફર કરશે.
અમલીકરણ સંપૂર્ણપણે ડિજિટલ પોર્ટલ દ્વારા થશે, જે રીઅલ-ટાઇમ પાત્રતા તપાસ, સ્વચાલિત વ્યાજ સહાય દાવા, માસિક ઇંધણ વાઉચર ક્રેડિટ અને પ્રદૂષણ ઘટાડવાના પરિણામોની દેખરેખને સક્ષમ બનાવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભો નવા વાહનની નોંધણીની તારીખથી 5 વર્ષ સુધી ચાલુ રહેશે, જે બે વર્ષની નોંધણી વિન્ડોની બહાર પણ સતત પ્રભાવ સુનિશ્ચિત કરશે.
આ યોજનાનું સંચાલન એક સશક્ત સમિતિ (એમ્પાવર્ડ કમિટી) દ્વારા કરવામાં આવશે, જેના અધ્યક્ષ કેબિનેટ સચિવ રહેશે અને સીઇઓ (નીતિ આયોગ), આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગના સચિવો, દિલ્હી-એનસીઆરના રાજ્યોના મુખ્ય સચિવો તેના સભ્યો રહેશે અને એનસીઆરપીબીના સભ્ય સચિવ આ સમિતિના સભ્ય કન્વીનર રહેશે. જિલ્લા કક્ષાએ, જિલ્લા કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટ આ યોજનાનું અમલીકરણ અને દેખરેખ રાખશે.
SM/DK/JD