પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બુધવારે ભારત સરકારમાં કાર્યરત 80થી વધારે અધિક સચિવો અને સંયુક્ત સચિવોનાં જૂથને મળ્યાં હતાં તથા તેમની સાથે ચર્ચાવિચારણા કરી હતી. આ પ્રકારની પાંચ બેઠકો યોજવાની છે, જેમાં આ ચોથી બેઠક હતી.
આ બેઠક દરમિયાન અધિકારીઓએ શાસનમાં નવીનતા અને ટીમવર્ક, હેલ્થકેર, હેલ્થ એજ્યુકેશન, કૃષિ, જળ સંસાધન, ઇ-ગવર્નન્સ, કરવેરાનો વહીવટ અને જીએસટી, વેપારવાણિજ્યને સરળ કરવા, ફરિયાદ નિવારણ અને બાળ અધિકારો જેવા વિષયો પર તેમનાં અનુભવો વહેંચ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને શાસનની પ્રક્રિયાઓને સુધારવા કામ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ટીમનો જુસ્સો વધારવા માનવીય સ્પર્શ આવશ્યક છે, જેના પરિણામે સંયુક્તપણે શ્રેષ્ઠ પરિણામો મળી શકે છે.
અત્યારે વૈશ્વિક ફલક પર ભારતની તરફેણમાં ઊભા થયેલા સકારાત્મક વાતાવરણને સૂચવીને પ્રધાનમંત્રીએ અધિકારીઓને વર્ષ 2022 સુધી ન્યૂ ઇન્ડિયા (નવા ભારત)નું નિર્માણ કરવા સ્પષ્ટ ઉદ્દેશો સાથે કામ કરવા જણાવ્યું હતું.