Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની સંસદને કરેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની સંસદને કરેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની સંસદને કરેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની સંસદને કરેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની સંસદને કરેલા સંબોધનનો મૂળપાઠ


મહામહિમ પ્રમુખ શ્રી ગની

મહામહિમ ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. અબ્દુલ્લા,

વોલેરસી જિરગાના માનનીય સ્પીકર અને મેશરૌન જિરગાના ચેરમેન,

બંને ગૃહોના સન્માનનીય સભ્યો,

આઠ સદીઓ અગાઉ બલ્ખ પ્રદેશના પ્રસિદ્ધ પુત્ર, માનવ ઈતિહાસના સૌથી મહાન કવિઓમાંના એક, જલાલુદ્દીન રૂમીએ લખ્યું હતું કે શબ્દોને ઊંચાઈ આપો, અવાજને નહીં, કારણ કે ફૂલ વરસાદમાં ખીલે છે, મેઘગર્જનાઓમાં નહીં.

આ ભવ્ય ભૂમિ અને એક મહાન રાષ્ટ્રનું આ જ્ઞાન છે.

કવિતા અને સુંદરતા, પરાક્રમ અને સન્માન, ગૌરવ અને ઉદારતા, મૈત્રીના ઉષ્માભર્યા આલિંગન અને સ્વતંત્રતા માટે મજબૂત પ્રતિકારની આ ભૂમિ છે, જ્યાં મહાન હસ્તિઓએ જન્મ લીધા છે.

અને, આ શતાબ્દિમાં અફઘાન લોકોએ બંદૂક અને હિંસાથી નહીં, પરંતુ પોતાના સાહસ અને સંઘર્ષથી મત અને ચર્ચાના માધ્યમથી પોતાનું ભવિષ્ય ઘડ્યું છે.

જિરગાની પરંપરામાં અતૂટ વિશ્વાસ ધરાવનાર આ દેશે લોકતંત્રનો માર્ગ પસંદ કર્યો છે. અને, બહુ ઓછા લોકોએ જેવા પડકારોનો સામનો કર્યો હશે, તેવો અસાધારણ સંઘર્ષ કરીને આ દેશે લોકતંત્રના રસ્તે ચાલી બતાવ્યું છે.

અસંખ્ય, અનામી અફઘાનો, જેમણે તેમનાં જીવન ન્યોચ્છાવર કર્યા અને ભવિષ્યનું બલિદાન આપ્યું, તેમને આ શ્રદ્ધાંજલિ છે.

સલામ છે, ભૂતપૂર્વ પ્રમુખ હામિદ કરઝઈ સાહેબના નેતૃત્વને,

જેમણે પોતાની વિદ્વત્તા અને નિર્ધાર વડે રાષ્ટ્રને નેતૃત્વ પૂરું પાડ્યું અને અનિશ્ચિતતાના અંધકારમાંથી આશાસ્પદ ભવિષ્ય તરફ દોરી ગયા.

અભિનંદન છે તમને, સંસદના સભ્યોને, તમારા લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા હિંસા સામે નીડર બનીને આ ગૃહમાં પોતાની બેઠક પર બેસવા બદલ.

માનનીય સભ્યો,

તમારી સિદ્ધિઓની પ્રશંસામાં, તમારી મિત્રતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તમારા ભવિષ્ય માટે સૌહાર્દ સાધવા માટે ભારતના સવા અબજ મિત્રો વતી હું અહીં ઉપસ્થિત છું.

અને, આજે, અફઘાન દેશને લોકતંત્રનું આ નવું ઘર અર્પણ કરવા પ્રમુખ શ્રી ગની અને અફઘાન સંસદના તમામ સભ્યો સાથે જોડાવા માટે હું નમ્રતા અને સન્માનની લાગણી અનુભવું છું.

આ પ્રસંગ માટે પ્રવર્તમાન સમયના ટોચના નેતાઓમાં સ્થાન ધરાવતા ભારત રત્ન અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાયીના જન્મ દિવસથી વધુ યોગ્ય દિવસ આપણે શોધી શક્યા ન હોત. અગિયાર વર્ષો અગાઉ, તેમણે કરઝઈ સાહેબ સાથે મળીને આ પ્રોજેક્ટનું સ્વપ્ન જોયું હતું.

અને, તમે આ બિલ્ડિંગમાં એક વિંગને અટલ બ્લોક નામકરણ કર્યું એ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ છે.

આ સંસદ ભવન આપણા બંને દેશોને આપણા નેતાઓના વિઝન, આપણી લોકોની મહેનત અને આપણી ધરાની ધૂળ દ્વારા જોડેલા રાખશે.

અને, અટલ બ્લોક આપણાં આત્માનાં ઐક્ય સાધે છે, કારણ કે પાશ્તોમાં અટલનો અર્થ હીરો થાય છે અને હિંદીમાં તેનો અર્થ અડગ થાય છે. તે અફઘાનિસ્તાનનો જુસ્સો અને આપણી મિત્રતા દર્શાવે છે.

આ સંસદ પરિસર, એક રાષ્ટ્ર અને એક લોકતંત્ર તરીકે તમારી પ્રગતિની નાની અમથી પ્રશસ્તિરૂપે છે. અને, તે આપણાં વિશિષ્ટ સંબંધને જોડી રાખતી લાગણીઓ અને મૂલ્યો, સ્નેહ અને મહાત્ત્વાકાંક્ષાઓના મજબૂત પ્રતીક તરીકે રહેશે.

માનનીય સભ્યો,

આપણાં સંબંધો ઈતિહાસ જેટલા પૌરાણિક છે.

કદાવર હિંદુ કુશ અને પ્રચંડ ખૈબર પાસને વીંધીને સાધુઓ, વેપારીઓ અને રાજામહારાજાઓએ પોતાના જ્ઞાન, સંસ્કૃતિ, ધર્મ, વાણિજ્ય અને સલ્તનત વડે આપણને જોડ્યા છે.

ઈતિહાસની બદલાયેલી રૂપરેખામાં એવો સમય પણ હતો કે જ્યારે આપણે એક જ હતા. એવો સમય પણ હતો, જ્યારે આપણે યુદ્ધો જોયાં. પરંતુ સમયના કોઈ પણ તબક્કે આપણે હંમેશા પરસ્પરને સમૃદ્ધ કર્યાં છે.

બૌદ્ધ પ્રતિકો અયનક અને બામિયાનથી માંડીને દિલ્હીના આકર્ષક સ્મારકો, આપણી સંસ્કૃતિ અને કળામાં, ભાષા અને સાહિત્યમાં, ખાણી-પીણી અને તહેવારોમાં, આપણને આપણા કાલાતીત સંબંધોની છાપ જોવા મળે છે.

મહાભારતના મહાન ચરિત્રોમાંના એક ગાંધારી, અમને પ્રાચીન અફઘાનિસ્તાન તરફથી મળેલી ભેટ છે.

મૌર્ય સામ્રાજ્ય કે શેરશાહ સુરીની સિદ્ધિઓમાં આપણાં જોડાણો જોઈ શકાય છે, તેને આપણે હવે પુનઃજીવિત કરવાં છે.

કવિ અહમદ શાહ દુર્રાનીના શબ્દોમાં દિલ્હીમાં અફઘાન રાજા પ્રત્યેની લાગણી અભિવ્યક્ત થાય છે, જ્યારે મને અફઘાનની મારી ભૂમિના પહાડોની ટોચ યાદ આવે છે, ત્યારે હું દિલ્હીનો કાંટાળો તાજ ભૂલી જાઉં છું.

પ્રત્યેક ભારતીય અને અફઘાનના હૃદયમાં એકબીજા માટે અસીમ પ્રેમ છે. આપણે એકબીજાની સંસ્કૃતિ અને સિનેમા, સંગીત અને કાવ્ય, ખાણી-પીણી અને તહેવારો ગમે છે. અને, હવે આપણે એકબીજાના ક્રિકેટના પણ વખાણ કરીએ છીએ.

અમને આનંદ છે કે અફઘાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને દિલ્હી નજીક તેનું હોમ ગ્રાઉન્ડ મળ્યું છે અને તે આગામી વર્ષના વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ કરી રહી છે. અને, હું અફઘાનિસ્તાનની અંડર 19 ટીમને ઝિમ્બાબ્વેને તેની ઘરઆંગણાની પ્રથમ સીરીઝમાં પરાજીત કરવા માટે અભિનંદન પાઠવું છું.

અફઘાનિસ્તાનના લોકો ભારતને શિક્ષણ અને સ્વાસ્થ્યનું કુદરતી અંતિમ સ્થાન અથવા તો પરિવારનું જ એક ઘર સમજે છે તે બાબતે અમે ગૌરવ અનુભવીએ છીએ.

અમારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અફઘાનોએ કરેલી સહાય ભારતીયોને યાદ છે, ફ્રન્ટિયર ગાંધી તરીકે આદર પામેલા ખાન અબ્દુલ ગફાર ખાનના ફાળો અને બરાબર સો વર્ષો પહેલાં જ્યારે કાબુલમાં સૌપ્રથમ ભારતીય દેશનિકાલ સરકાર મહારાણા પ્રતાપ અને મૌલાના બરકતુલ્લાએ રચી હતી, તે ઈતિહાસની મહત્ત્વની તવારિખ પણ ભારતીયોને યાદ છે.

કિંગ અમાનુલ્લાહે એકવાર મહારાજાને કહ્યું હતું કે જ્યાં સુધી ભારત સ્વતંત્ર નહીં બને ત્યાં સુધી અફઘાનિસ્તાન પણ સાચા અર્થમાં સ્વતંત્ર નથી.

માનનીય સભ્યો,

આપણી વચ્ચે ભાઈચારાનો આ જુસ્સો છે.

અને, તમે જ્યારે નવી સદીમાં નવી યાત્રાનો પ્રારંભ કર્યો, ત્યારે અમે તમારી સાથે ખભા મિલાવીને ઊભા રહેવામાં અને તમારી સાથે ચાલવામાં ગર્વ અનુભવ્યો.

આપણી ભાગીદારીને કારણે ગ્રામીણ સમુદાયોને શાળાઓ, સિંચાઈ અને સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપલબ્ધ બન્યાં તેમજ બાળ કલ્યાણ તેમજ મહિલાઓ માટે તકો સર્જાયાં.

આપણે સાથે મળીને માર્ગોનું નિર્માણ કર્યું, જેના પગલે પ્રદેશો વચ્ચેનાં અંતર ઘટ્યાં,

અફઘાનિસ્તાનના ઘરોમાં અજવાળાં પાથરવાં પાવર ટ્રાન્સમિશન લાઈન્સ અને પાવર સ્ટેશનો સ્થાપ્યાં,

સેટેલાઈટ લિન્ક્સ સ્થાપી, જેથી અફઘાન લોકોને શિક્ષણ, તબીબી સલાહ અને પ્રત્યાયન ઉપલબ્ધ બન્યાં.

અને, અમે સુરક્ષા દળોને પણ વધુ ગતિશીલ બનાવવા માટે મદદ કરી રહ્યા છીએ.

આપણે સાથે મળીને જે સંસ્થાઓ સ્થાપી રહ્યા છીએ તે અફઘાનિસ્તાનમાં કૃષિ અને ખાણકામના પુનઃનિર્માણમાં મદદ કરી રહી છે અને તેના પગલે કાબુલમાં આધુનિક તબીબી સંભાળ ઉપલબ્ધ બની છે.

કોઈ પણ દેશ માટે તેના માનવ સંસાધનથી વધુ મહત્ત્વનું કશું જ નથી હોતું. એટલે, અમને ખુશી છે કે અમારી શિષ્યવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમોને કારણે અફઘાનના યુવાનો આધુનિક શિક્ષણ અને વ્યાવસાહિક કુનેહ કેળવીને, અફઘાન સરકાર પોતાના દેશના સંસાધનના વિકાસ અને અફઘાનના સુરક્ષા દળો પોતાના રાષ્ટ્રને વધુ સલામત રાખીને સક્ષમ બની રહ્યા છે.

ટૂંક સમયમાં જ સલમા ડેમ મારફતે વીજળી અને પાણી ઉપલબ્ધ બનશે. સ્ટોર પેલેસ ફરી એકવાર આપણા અમૂલ્ય વારસાનું પ્રતીક બનશે. અફઘાન વિદ્યાર્થીઓને દર વર્ષે 1000 શિષ્યવૃત્તિની અમારી યોજના ચાલુ રહેશે. કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે અમારી વિશિષ્ટ શિષ્યવૃત્તિને મળેલા પ્રતિસાદથી અમે ખુશ છીએ.

અફઘાન સુરક્ષા દળોના શહીદોના બાળકો માટે આજે હું 500 શિષ્યવૃત્તિઓ જાહેર કરું છું.

તમારા દેશના પુનઃનિર્માણ માટેના તમારા પ્રયત્નોમાં જેમ અમે તમારી સાથે ઊભા છીએ, તેમ તમે પણ અમારા લોકોને તમારા પોતાના ગણીને રક્ષણ આપ્યું છે અને બચાવ્યા છે. અમે દરરોજ પડકારોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તમારી વચ્ચે અમે પોતાને સલામત અનુભવીએ છીએ.

તેના ભારતીય મહેમાન સલામત રહે તે માટે પોતાની જિંદગી જોખમમાં મુકનાર કે જિંદગી ગુમાવનાર પ્રત્યેક અફઘાનને હું ભારતની અપાર કૃતજ્ઞતા પાઠવું છું.

ભારતીય રાજદ્વારી, અધિકારી, એન્જિનિયર, ડોક્ટર અને ગૌરવપૂર્વક સેવા આપનારા અન્ય લોકો તેમજ ભારતીય શહીદોના પરિવારોનો પણ હું ભારતીયો અને અફઘાનો વતી આભાર વ્યક્ત કરું છું.

એવા કેટલાક લોકો છે, જેમને અમારી અહીં ઉપસ્થિતિ પસંદ નથી. આ એવા લોકો છે, જે અમારી અહીંની હાજરી પાછળ બદઈરાદાઓ જોઈ રહ્યા છે. કેટલાક એવા લોકો પણ છે, જેઓ અમારી સહભાગિતાની તાકાતથી બેચેની અનુભવે છે. કેટલાકે તો અમને હતોત્સાહ કરવાના પ્રયત્નો પણ કર્યા.

આમ છતાં, અમે અહીં છીએ, કારણ કે તમે અમારામાં વિશ્વાસ મૂક્યો છે. તમે ક્યારેય અમારી પ્રતિબદ્ધતા વિશે અને અમારી મિત્રતાની શક્તિ વિશે શંકા નથી કરી. અને, તમે અમારી સહભાગિતાનાં પરિણામો જોયાં છે.

તમે બીજા લોકો શું કહે છે, તેના આધારે નહીં, પરંતુ તમે પોતે જે જોયું તેના આધારે અમને મૂલવ્યા છે, પછી ભલે તે વાત ભારતીય વાણિજ્યિક દૂતાવાસ બાબતે કેમ ન હોય.

તમને ખબર છે કે ભારત અહીં મદદ કરવા માટે છે, સ્પર્ધા કરવા માટે નહીં, ભવિષ્યનાં પાયા નાંખવા માટે છે, સંઘર્ષની જ્વાળાઓ પેટાવવા નહીં, લોકોના જીવનને પુનઃસ્થાપિત કરવા માટે રાષ્ટ્રના વિનાશ માટે નહીં.

તમે ઈતિહાસ ફંફોસો અને તમારો ઈતિહાસ અમને જણાવે છે કે તમે કોઈનેય સ્પર્ધાનો મંચ બનવા નથી દીધો.

તમારો ઈતિહાસ જણાવે છે કે તમે ક્યારેય પોતાને હરીફાઈનો મંચ નહીં બનવા દો. અને બીજા કોઈ માટે પણ એવો તખ્તો તૈયાર નહીં કરો.

તમે કવિ કુશાલ ખાન ખટ્ટકના એ વિચારો જીવ્યા છો કે રાષ્ટ્રના સન્માન અને રાષ્ટ્રની કીર્તિ સર્વોપરી છે.

તમારા વિશ્વાસ અને તમારી ઝડપ સાથે ભારત સુશાસન, સુરક્ષા અને વિકાસ માટે અફઘાનના ક્ષમતા નિર્માણમાં પોતાનો સહયોગ ચાલુ રાખશે, જેથી તમે અફઘાનના લોકો જેના અધિકારી છે, તેવું ઉજ્જ્વળ ભવિષ્ય ઘડી શકો.

આપણી મૈત્રીને કારણે અમારી જવાબદારી બનતી હોવાથી અમે આમ કરીશું. ઉપરાંત, આપણા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવાની પ્રતિબદ્ધતાને કારણે પણ અમે આમ કરીશું.

અમને ખબર છે કે અફઘાનિસ્તાનની સફળતા માટે તેને તેના પ્રત્યેક પાડોશી રાષ્ટ્રોનો સહકાર અને મદદ જોઈશે. અને, આપણા સહુના સમાન ઉદ્દેશ અને સમાન નિયતિને સમજવા માટે આપણા પ્રદેશમાં અમે તમામ – ભારત, પાકિસ્તાન, ઈરાન અને અન્ય દેશોએ વિશ્વાસ અને સહકાર માટે એકતા સાધવી જ પડશે.

જ્યારે અફઘાનિસ્તાન શાંતિનું સ્વર્ગ બનશે અને વિચારોના પ્રવાહ, વાણિજ્ય, ઉર્જા અને રોકાણોનું કેન્દ્ર બનશે, ત્યારે આપણે સહુ સાથે સમૃદ્ધ બનીશું.

એટલે જ અમે ઈરાનમાં ચાહબહાર સહિત જમીન અને દરિયાઈ માર્ગે જોડાણો વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

એટલે જ મને આશા છે કે પાકિસ્તાન દક્ષિણ એશિયા અને અફઘાનિસ્તાન તેમજ તે પછીના પ્રદેશો માટે સેતુની ભૂમિકા ભજવશે.

મને આશા છે કે એવો દિવસ આવશે, જ્યારે મધ્ય એશિયાની ઉર્જા આપણા ક્ષેત્રની સમૃદ્ધિને વેગ આપશે, જ્યારે કાબુલીવાલા ફરી આવીને ભારતીયોના હૃદય સરળતાથી જીતી શકશે, જ્યારે અમે ભારતમાં અફઘાનિસ્તાનના સ્વાદિષ્ટ, રસભર્યા ફળોનો આસ્વાદ માણી શકીશું, જ્યારે અફઘાનોએ ભારતનાં પોતાનાં મનપસંદ ઉત્પાદનો ખરીદવા માટે ભારે નાણાં ચૂકવવાં નહીં પડે.

કેમકે, આ જ આ પ્રદેશનો ઈતિહાસ રહ્યો છે. અને, આ જ માર્ગ તેનું ભવિષ્ય હોવો જોઈએ.

પરંતુ પોતાના રાષ્ટ્રને રક્ષણ પૂરું પાડવામાં હંમેશા બહાદુરીપૂર્વક નિરંતર ઝઝૂમી રહેલા અફઘાનો ત્યારે જ સફળ થશે, જ્યારે સીમાપારનો આતંકવાદ અટકશે, જ્યારે આતંકવાદની તાલીમ અને પોષવાનું બંધ થશે, અને તેમના આશ્રયદાતા આ ધંધો બંધ કરશે.

આતંકવાદ અને હિંસા અફઘાનિસ્તાનના ભવિષ્યને ઘડવા કે અફઘાનોને પોતાની પસંદગી નક્કી કરવાનું માધ્યમ ના હોઈ શકે.

અફઘાનિસ્તાનમાં પોતાના પાડોશીઓ સાથે શાંતિથી રહેવાનું ડહાપણ છે અને પોતાની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું સાહસ પણ છે.

કાબુલ નદીમાં ઘણું લોહી વહી ચૂક્યું છે. પર્વતોનાં ઢોળાવો કેટલાયે સીતમોના સાક્ષી બની ચૂક્યા છે. નિરર્થક સંઘર્ષની અગ્નિમાં કેટલાંયે સપનાં હોમાઈ ચૂક્યાં છે.

તમે પખ્તૂન, ઉઝ્બેક, તાજિક, હજારા કોઈ પણ હોઈ શકો છો. તમે મુસ્લિમ, હિંદુ, શીખ હોઈ શકો છો. પરંતુ તમે ગૌરવવંતા અફઘાન છો, જે એક રાષ્ટ્ર, એક વ્યક્તિ તરીકે અતૂટ એકતા ધરાવે છે.

તમે ધર્મના નામે અથવા તો પોતાની ઓળખના નામે યુદ્ધ કર્યા હશે, પરંતુ અફઘાનિસ્તાનના લોકો માટે હવે શાંતિપૂર્વક સાથે રહેવાનો સમય છે.

જે લોકો બંદૂકના નાળચે ક્ષેત્ર પર રાજ કરવા માંગે છે, તે ચૂંટણીના મેદાનમાં આવે અને મત મારફતે સત્તા માંગે. જે લોકોએ ઘરો બરબાદ કર્યા છે, તે હવે રાષ્ટ્ર નિર્માણ કરે. આ તમારી ભૂમિ છે અને આ તમારા લોકો છે. આ અફઘાનિસ્તાનના તમામ લોકો, આ પ્રદેશના તમામ લોકો અને બાકીની દુનિયાએ સાથે ઊભા રહેવાનો સમય છે.

આ જગ્યા પ્રત્યેક અફઘાનિસ્તાનની હોવી જોઈએ. પ્રત્યેકની ઈચ્છાઓને અહીં સ્થાન મળવું જોઈએ. આ એક એવો દેશ હોવો જોઈએ, જ્યાં પ્રત્યેક નાગરિકના અધિકાર સુરક્ષિત હોય અને તે પોતાના ભવિષ્ય માટે વિશ્વાસ હોય.

સમયના આ વળાંકે, સમગ્ર વિશ્વએ અફઘાનિસ્તાન સાથે ઊભા રહેવું જોઈએ.

આપણે સમયસીમાથી આગળ જઈને અફઘાનિસ્તાનનું સમર્થન કરવું જોઈએ કારણ કે કટ્ટરપંથનાં જૂનાં પરિમાણો આપણા આકાશ પર ઘેરાયેલા છે, પરંતુ નવાં પરિમાણો હવે આકાર લઈ રહ્યાં છે, કારણ કે અફઘાનિસ્તાનના લોકો હવે માત્ર પોતાના ભવિષ્ય માટે નથી લડતા, પરંતુ આપણે સહુ દુનિયાને એક સુરક્ષિત સ્થાન બનાવવા માંગીએ છીએ.

જ્યારે અફઘાનોની સાચી સંપત્તિ તેમની વિવિધતા અને સમૃદ્ધ વારસાનો આપણે અનુભવ કરી શકશું ત્યારે દુનિયા વધુ સુંદર સ્થળ બનશે.

તમામ અફઘાન માટે, આ પ્રદેશના પ્રત્યેક લોકો માટે અને દુનિયાના બાકીના હિસ્સાના લોકો માટે ભેગા થવાનો સમય પાકી ગયો છે.

તમારા બલિદાનો એળે ન જવા જોઈએ.

આશાનો દીપક બુઝાવો ન જોઈએ.

ધરતી પર અવતરનારી એક પણ દીકરી અંધકારમાં ઓગળી ન જવી જોઈએ કે તે તકોથી વેગળી ન રહેવી જોઈએ.

અંતરિયાળ પ્રદેશોના એક પણ દીકરાએ બંદૂક કે શરણાગતિમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવાનો વારો ન આવવો જોઈએ.

કોઈ માતા પોતાનું સંતાન આ દુનિયામાં લાવવા અંગે ભયગ્રસ્ત ન હોવી જોઈએ.

કોઈ નેતાએ પોતાના મિત્રો સાથે અફઘાન સ્વાતંત્ર્યની વાત કરી હોય તેના કારણે પોતાના ભાઈને ગુમાવવાનો વારો ન આવવો જોઈએ.

મસ્જિદમાં પ્રાર્થના માટે ઝૂકેલા માથાં ધર્મને નામે કાપી ન નંખાવા જોઈએ.

કોઈ વયસ્ક વ્યક્તિને પોતાની યુવાની સંઘર્ષમાં વેડફી હોવાનો અને પોતાનાં પૌત્રોનું પણ એવું જ ભવિષ્ય હોવાનો અફસોસ ન હોવો જોઈએ.

અફઘાનિસ્તાનનો પ્રત્યેક યુવાન ઈન્ટરનેશનલ ટેરરીઝમ નહીં, પરંતુ ઈન્ફર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા આઈટીમાં પોતાનું ભવિષ્ય જોઈ શકતો હોવો જોઈએ.

21મી સદીનાં વચનો અને તકો, દુનિયામાં અન્ય કોઈ માટે ઉપલબ્ધ છે, તેટલાં જ અફઘાનિસ્તાનના યુવાનો માટે પણ છે.

ભારતની આ મજબૂત પ્રતિબદ્ધતા છે.

તમારી પીડા અમારું દર્દ છે.

તમારાં સ્વપ્નો અમારી ફરજ છે.

તમારી શક્તિ અમારો ભરોસો છે.

તમારી હિંમત અમારી પ્રેરણા છે. અને સૌથી મહત્ત્વનું, તમારી મિત્રતા અમારું સન્માન છે.

અને, હિંદી ફિલ્મ ઝંઝીરમાં સૌથી મશહૂર પઠાણની ભૂમિકામાં શેરખાને ગાયું હતું તેમ,

યારી હૈ ઈમાન મેરા, યાર મેરી જિંદગી. મિત્રતા મારો વિશ્વાસ છે, મિત્ર મારી જિંદગી છે.

ભારત સદીઓ જૂના પોતાનાં સંબંધોમાં અફઘાનોને આ રીતે જુએ છે.

મને વિશ્વાસ છે કે તમારા ઘરો ફરી આશાઓથી હર્યાભર્યા બનશે, તમારી શાળાઓમાં નિર્દોષ હાસ્યો ફરી ગુંજી ઉઠશે, તમારી ગલીઓમાં ફરી જીવન ધબકશે, તમારાં શહેરોમાં ફરી સમૃદ્ધિ છલકશે, તમારા સમાજમાં ફરી એકતા જોવા મળશે અને તમારા રાષ્ટ્રમાં ફરી શાંતિનો સૂરજ ઉગશે.

અને, તમારી યાત્રાના દરેક પગલે ભારત તમારી સાથે રહેશે.

આભાર. આ સન્માન અને વિશેષ અધિકાર માટે ફરી તમારો આભાર. ધન્યવાદ.

UM/AP/J.Khunt/GP