Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુષ્કાળ અને પાણીની અછતની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુષ્કાળ અને પાણીની અછતની  સમીક્ષા કરી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિ અંગે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠકના અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી અખિલેશ યાદવ હાજર હતાં. ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. ચર્ચાનો પ્રારંભ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દુષ્કાળના કારણે લોકો સામે આવી પડેલી સમસ્યાઓનું નિવારણ કરવા માટે કેન્દ્ર અને રાજ્યોએ હળીમળીને કામ કરવું પડશે. તેમણે દુષ્કાળથી બચવા માટે વચ્ચેના અને લાંબા ગાળાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ અને જળાશયોને ફરીથી ભરવાની યોજના બનાવવા માટે રિમોટ સેંસિંગ અને ઉપગ્રહથી ફોટા લેવા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. વૈજ્ઞાનિક સલાહના આધારે પાકની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત, ટપક અને છંટકાવ (ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર ઈરિગેશન) અને જળ ઉપયોગની ક્ષમતા વધારવા માટે ફર્ટિગેશન અને શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે વિશેષરૂપે મહિલાઓ સહિતના સમુદાયની ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ શહેરી ગંદા પાણીને પ્રક્રિયા કરી આસપાસના વિસ્તારોમાં ખેતીવાડી માટે ઉપયોગ કરવાનું પણ આહ્વાન કર્યું હતું.તેમણે જીપીએસ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની સ્થિતિ પર નજર રાખવાની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બેઠક દરમિયાન એ વિષયે પણ ચર્ચા થઈ હતી કે જળ સંરક્ષણ અને જળ ભરવાના પ્રયત્નો માટે આગામી ચોમાસાથી પહેલાંની અવધિનો કઈ રીતે ઉત્તમ ઉપયોગ કરી શકાય. આ પ્રયત્નોમાં કાદવ કીચડ કાઢવો, નદીઓમાં ફરીથી જળ ભરવા,ચેક ડેમ અને જળ ભંડારણની અન્ય રીતો પણ સામેલ છે.

મુખ્યમંત્રીએ દુષ્કાળની પરિસ્થિતિને કારણે લોકોની સામે આવી પડેલી સમસ્યાઓના નિવારણ માટે કરાયેલા પ્રયત્નોની પણ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. આમાં પીવાના પાણીની જોગવાઈ, બુંદેલખંડમાં જરૂરિયાત ધરાવનારાઓ ભોજન, રોજગાર, પશુઓ માટે પાણી અને ઘાસચારો તથા લાંબા અને વચગાળાના ઉપાયો માટેના પ્રયાસો સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના સાચા અર્થમાં લાગુ કરવા માટે પણ પ્રારંભિક પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યોને ટેંકો, તળાવો અને ખેત તલાવડી સહિત 78,000 જળાશયોને ફરીથી ચાલુ કરવા અને પુન:સ્થાપિત કરવા, એક લાખ નવા જળાશયો તથા રિચાર્જ સ્ટ્રક્ચર્સ માટેની કાર્ય યોજનાથી વાકેફ કર્યા હતાં. આ કાર્ય મનરેગા અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેવી યોજનાઓમાં ઉપલબ્ધ નાણાંનો ઉપયોગ કરીને સંપન્ન કરાશે.

એનડીઆરએફ હેઠળ રાજ્યની બાકી રકમના સમાયોજન બાદ તેને 934.32 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. આ રકમ વર્ષ 2015-16 માટે એસડીઆરએફમાં કેન્દ્રના ભાગ તરીકે જાહેર કરાયેલ રૂ. 506.25 કરોડની રકમની ઉપરાંત છે. આ સિવાય વર્ષ 2016-17 માટે એસડીઆરએફનો રૂ.265.87 કરોડનો પ્રથમ હપ્તો છુટો કરવામાં આવેલ છે.

રાજ્યએ 5 મે,2016ના રોજ રવી 2015-16 સિઝન માટે સહાયતાના હેતુસર નવું આવેદન આપ્યું છે. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે પ્રક્રિયા પુરી કરીને સહાયતા વિના વિલંબે ફાળવી દેવામાં આવશે.

નીતિ આયોગે પણ બુંદેલખંડ પેકેજ માટેની રકમ જારી કરવા માટે અગાઉથી લેવાયેલાં પગલાંઓની માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠક માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખાસ કરીને બુંદેલખંડ ક્ષેત્રમાં પાણીની અછતને કારણે લોકો સામે આવી રહેલી ભીષણ મુશ્કેલીઓને જોતાં આ એક યોગ્ય પગલું છે.

આ બેઠક કેન્દ્ર અને રાજ્ય દ્વારા સાથે મળીને કાર્ય કરવાના સંકલ્પ સાથે સંપન્ન થઈ હતી.

AP/J.Khunt/GP