પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ટાટા મેમોરિયલ સેન્ટર પર પ્લેટિનમ જ્યુબીલી માઇલસ્ટોન બુકનું વિમોચન કર્યું હતું.
શ્રી રતન ટાટાએ તેમના સ્વાગત પ્રવચનમાં વાજબી હેલ્થકેર અને કેન્સર રિસર્ચ માટે પ્રધાનમંત્રીનો તેમની દ્રષ્ટી, ટેકા અને સહકાર બદલ આભાર માન્યો હતો.
વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટાટા મેમોરિયલ સેન્ટરના ડૉક્ટર્સ અને વિદ્યાર્થીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ માનવતાલક્ષી સેવાઓ અને સામાજિક જવાબદારીઓમાં, ખાસ કરીને કેન્સરની સારવાર, સારસંભાળ અને સંશોધનના ક્ષેત્રમાં કિંમતી પ્રદાનની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો સંપૂર્ણ પાઠ નીચે મુજબ છેઃ
શ્રી રતન ટાટાજી,
ટાટા મેમોરિયલ સેન્ટરના ડાયરેક્ટર ડો. આર. એ. બડવે,
ટાટા મેમોરિયલ સેન્ટરના તમામ ચિકિત્સકો, વિદ્યાર્થીઓ અને સાથીદારો,
ટાટા મેમોરિયલ સેન્ટરની પ્લેટિનમ જ્યુબીલીના પ્રસંગે આપ તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ.
ટાટા મેમોરિયલ સેન્ટરના 75 વર્ષ પૂર્ણ થવા પર Platinum Jubilee માઇલસ્ટોન Book રીલિઝ કરતા મને બહુ આનંદ થાય છે.
ટાટા મેમોરિયલ સેન્ટરને આ મુકામ પર પહોંચાડવામાં ટાટા પરિવારનો અવિરત સેવાભાવ અને સામાજિક જવાબદારી અદા કરવાના તેમના અહેસાસનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.
આજે આ સંસ્થા સાથે આ 75 વર્ષોમાં જોડાયેલા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે.
આ પુસ્તકના પાના ફેરવતા મને 1931માં બનેલી એક ઘટનાની જાણકારી મળી છે. તે સમયે મેહરબાઈ ટાટાજીએ કેન્સરની સારવાર માટે અમેરિકા જતા પોતાના પતિ સર દોરાબજી ટાટાને કહ્યું હતું કે – “હું નસીબદાર છું કે સારવાર માટે અમેરિકા જઈ રહી છું, પણ આપણા દેશના એ લાખો લોકોની સારવાર કેવી રીતે થતી હશે, જેની પાસે આ માટે ઉચિત સંસાધન નથી.”
મેહરબાઈજીના અવસાન પછી દોરાબજી ટાટાને આ વાત યાદ રહી હતી અને આગળ જતા તે જ ટાટા મેમોરિયલ સેન્ટરનો આધાર બની.
અત્યારે 75 વર્ષ પછી આ સંસ્થા કેન્સરની સારવાર, કેન્સરની સારવાર માટે અભ્યાસ અને કેન્સર પર રિસર્ચ – ત્રણ મુખ્ય કેન્દ્ર છે.
દેશમાં આ પ્રકારની સંસ્થાઓ બહુ ઓછી છે, જે આટલા વર્ષોથી સતત રાષ્ટ્રસેવામાં લાગેલી છે. લાખો ગરીબોની સારવાર માટે જે રીતે આ સંસ્થાએ આગળ વધીને કામ કર્યું છે, તે દેશની બાકી હોસ્પિટલો માટે પ્રેરણારૂપ છે.
આ સંસ્થા તેનું પણ ઉદાહરણ છે કે સરકાર અને ખાનગી સંસ્થા મળીને કેવી રીતે ગરીબોની સેવા કરવા માટે કામગીરી એકસાથે કરી શકે છે.
કેન્સર જેવી ગંભીર બિમારીઓની સારવાર દરમિયાન કોઈ પણ પરિવારને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. શારીરિક કષ્ટ, માનસિક પરેશાની અને રૂપિયાપૈસાનો સવાલ – આ તમામ બાબતો તેની સાથે જોડાયેલ છે.
જ્યારે ગરીબ બિમાર પડે છે, ત્યારે સૌપ્રથમ તેની સામે દવા અગાઉ રોજીરોટીનું સંકટ ઊભું થાય છે.
એટલે જ્યારે ટાટા મેમોરિયલ સેન્ટર જેવી સંસ્થા, તેમાં કામ કરતા લોકો ગરીબોની સારવાર માટે રાતદિવસ એક કરે છે, તેમની સારવાર કરે છે, તેમની પીડા ઓછી કરે છે, ત્યારે આ માનવતાની મોટી સેવા છે.
હું રતન ટાટાજી, ટાટા મેમોરિયલ સેન્ટર અને તેની સાથે જોડાયેલા લોકોને ફરી એક વખત ટાટા મેમોરિયલ સેન્ટરના 75 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપું છું.
સાથીદારો, કેન્સર માનવતા સામે ઉપસ્થિત મોટા પડકારોમાંથી એક છે. એકલા આપણા દેશમાં જ દર વર્ષે 10 લાખથી વધારે લોકોને કેન્સર હોવાની જાણકારી મળી છે. દર વર્ષે સાડા છ લાખ લોકોના મૃત્યુ કેન્સરથી થાય છે.
International Agency for Research on Cancer એ શંકા વ્યક્ત કરી છે કે આગામી 20 વર્ષમાં આ સંખ્યા બેગણી થઈ જશે.
આ સ્થિતિમાં દરેક દર્દીને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અલગ-અલગ કેન્સર હોસ્પિટલોને એક પ્લેટફોર્મ પર લાવવી જરૂરી છે.
આ એક એવું પ્લેટફોર્મ છે, જેના પર કેન્સરના દર્દીઓને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને સારવાર દરમિયાન આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે.
જ્યારે વર્ષ 2014માં આ સરકાર બની તો કેન્સરની 36 સંસ્થા Cancer ગ્રિડ સાથે જોડાયેલી હતી. અત્યારે આજની તારીખમાં તેનાથી બમણી સંસ્થા એટલે કે 108 કેન્સર સેન્ટર આ ગ્રિડ સાથે જોડાઈ ગયા છે.
હજુ થોડા દિવસ અગાઉ Digital Cancer Nerve Centreની શરૂઆત થઈ છે. આ રીતે Virtual Tumor Board ની મદદથી કેન્સરના જુદાં જુદાં નિષ્ણાતોને એક જ સમયે ઇન્ટરનેટ પર જોડીને દર્દીની સારવારની રુપરેખા નક્કી કરવામાં મદદ આપવામાં આવે છે.
કેન્સરના ક્ષેત્રમાં ટાટા મેમોરિયલ સેન્ટરના અનુભવને, તેની નિપુણતાનો લાભ ઉઠાવી, તેની મદદ સાથે દેશમાં ચાર અન્ય મોટી કેન્સર સંસ્થાઓની સ્થાપના કરાઈ રહી છે.
આ કેન્સર સેન્ટર વારાણસી, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ અને ગૌહાટીમાં બનશે. તેનાથી સારવાર માટે લાંબું અંતર કાપીને હોસ્પિટલ સુધી પહોંચનાર દર્દીઓને મદદ મળશે.
આ ઉપરાંત હરિયાણાના જઝ્ઝરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું પણ નિર્માણ ચાલી રહ્યું છે.
સાથીદારો, સરકારનું લક્ષ્યાંક છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને સસ્તામાં સસ્તી સારવાર મળે અને તમામ સુવિધાઓ એકસાથે મળે.
આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને 15 વર્ષ પછી હવે આ સરકારે એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ બનાવી છે.
Preventive અને Promotive Health Care Systemને સરકાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા ઇચ્છે છે. સરકારનો ઇરાદો આગામી વર્ષોમાં જીડીપીના 2.5 ટકા હિસ્સાને સ્વાસ્થ્ય પર ખર્ચ કરવાનો છે.
નવી હેલ્થ પોલિસીમાં ચિકિત્સાની જુદી જુદી પદ્ધતિઓને કેવી રીતે integrate કરવી – એના પર પણ કામ થશે. જેમ કે એલોપેથી મારફતે કેન્સરની સારવારના સમયે દર્દીને જે બીજી તકલીફોનો સામનો કરવો પડે છે, તેમાં આયુર્વેદ અને યોગથી ઘણી રાહત મળી શકે છે.
આ વિશે તમારી સંસ્થા કોઈ પણ પહેલ કરી શકે છે.
સાથીદારો, અત્યારે પણ દેશમાં 70 ટકા મેડિકલ ઉપકરણ વિદેશથી આયાત થાય છે. આ સ્થિતિને પણ બદલવાની છે, કારણ કે તેને પગલે સારવાર મોંઘી થાય છે. એટલે નવી હેલ્થ પોલિસી અંતર્ગત સરકારે મેડિકલ ઉપકરણોનું ભારતમાં જ નિર્માણ કરવાની નીતિને પ્રોત્સાહન આપ્યું છે.
તેમાં ટાટા મેમોરિયલ સેન્ટર જેવી સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
તમારા સેન્ટરના ડૉક્ટર્સની મદદથી જ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રએ સ્વદેશી રેડિએશન મશીન “ભાભાટ્રોન” વિકસાવ્યું છે.
જ્યારે હું બે વર્ષ અગાઉ મોંગોલિયા ગયો હતો, ત્યારે દેશ તરફથી મોંગોલિયાને “ભાભાટ્રોન” ભેટમાં આપવામાં આવ્યું હતું.
એટલે સસ્તી મશીનો, શ્રેષ્ઠ મશીનો બનાવવાની દિશામાં પણ આપણે મળીને કામ કરવું પડશે.
દેશભરમાં હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવા સરકાર નવી એમ્સ ખોલી રહી છે, મેડિકલ કોલેજોનું આધુનિકીકરણ કરાઈ રહ્યું છે, ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ સ્તર પર બેઠકો વધારવામાં આવી રહી છે.
ગરીબોને સસ્તી દવા માટે ભારતીય જનઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. 500થી વધારે દવાઓને તારવીને તેમને essential દવાઓની યાદીમાં મૂકવામાં આવી છે.
તમે જોયું છે કે સ્ટેન્ટની કિંમતમાં કેવી રીતે 85 ટકાનો ઘટાડો થયો છે. સરકારે affordable healthcareને ધ્યાનમાં રાખીને આ પ્રકારના અનેક નિર્ણયો લીધા છે.
સાથીદારો,
હેલ્થકેર સાથે સંબંધિત લોકોએ ધ્યાન રાખવું પડશે કે સ્વાસ્થ્ય સેવા, સેવા રહેવી જોઈએ, કોમોડિટી ન બનવી જોઈએ. કોઈ બિમાર વ્યક્તિની સારવાર કરવી એ બિઝનેસ નથી અને આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.
આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે અન્ય કોઈ પ્રોફેશનના વ્યક્તિને ભગવાનનો દરજ્જો નથી મળ્યો. દેશના કરોડો લોકોનો વિશ્વાસ તમારામાં છે અને તેમના માટે તમે જ ભગવાન છો.
છેલ્લે, હું તમને બધાને ટાટા મેમોરિયલ સેન્ટરના 75 વર્ષ પૂર્ણ થવા પર ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું. તમે તમારી માઇલસ્ટોન બુકના વિમોચન પ્રસંગે મને તક આપી એ બદલ આપનો ફરી આભાર.
જય હિંદ!!!
AP/TR/GP
Sharing my speech at the programme to mark the release of Platinum Jubilee Milestone book on Tata Memorial Centre. https://t.co/naB2BSJzfX pic.twitter.com/qKFc6svxNb
— Narendra Modi (@narendramodi) May 25, 2017