પીએમઇન્ડિયા
આપ સહુનું હું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. આપમાંથી કેટલાક લોકોને અગાઉ ભારતની મુલાકાત લેવાની તક સાંપડી હશે અને કેટલાક લોકો કદાચ પહેલી જ વાર ભારતની મુલાકાત લઈ રહ્યા હશે. મને આશા છે કે અહીં આપને સાનુકૂળતા હશે અને તમારી સારી દેખભાળ થતી હશે. હું જાણું છું કે આ સત્તાવાર કાર્યક્રમ છે, પરંતુ આપના કોઈ સૂચનો હોય તો આપના માટે યોજાયેલા આ કાર્યક્રમ ઉપરાંત પણ કંઈક વધુ કરવાનું મને ગમશે, અમે એ સમાવી લઈશું. હું એમ પણ ઈચ્છું છું કે આપની અહીંની મુલાકાત ફક્ત ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટના સંદર્ભ પૂરતી જ મહત્વની ના રહે, પરંતુ ખરા અર્થમાં ભારતની મુલાકાત બની રહે, એ મહત્વનું છે અને મારી સરકાર દ્વારા એ માટેના પૂરા પ્રયાસો કરાશે.
મને લાગે છે આ ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ અનેક રીતે ખૂબ મહત્વની છે. સ્વાભાવિક રીતે જ ભારત માટે તે અત્યંત મહત્વની છે, કેમકે તે યજમાન દેશ છે, પરંતુ આ પહેલી એવી સમિટ છે, જેમાં આફ્રિકાના 54 દેશોને આમંત્રણ મળ્યું છે અને તમામ 54 દેશો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ સંદર્ભે આ પ્રકારે ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ સૌથી મોટી ઈવેન્ટ છે અને આ વ્યાપે સૌથી મોટી ભાગીદારી છે.
અત્યાર સુધી અમને મળેલી માહિતી મુજબ, 40 દેશોના રાજ્યના વડા, સરકારી સ્તરે વડા ભાગ લેશે, બાકીના દેશોના વરિષ્ઠ મંત્રીઓ ભાગ લઈ રહી રહ્યા છે. આ સમયે, ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટની સાથે સાથે વેપાર મંત્રીઓની પરિષદ પણ યોજાઈ રહી છે, કેમકે અમે ઈચ્છીએ છીએ કે આવનારા દિવસો અને મહિનાઓ અને વર્ષોમાં ભારત અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત બને.
ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ હેઠળ અગાઉ વર્ષ 2008 અને 2011માં – એમ બે સમિટ યોજાઈ હતી, અને હવે આ ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ યોજાઈ રહી છે. અગાઉની બે સમિટ બંજુલ ફોર્મ્યુલાના આધારે યોજાઈ હતી અને એ રીતે ખૂબ મર્યાદિત દેશો આવ્યા હતા અને તેમણે ભાગ લીધો હતો. પરંતુ આ વખતે અમે નક્કી કર્યું, અલબત્ત આ ફોર્મ્યુલા લઈને આવ્યા અને સુનિશ્ચિત કર્યું કે આફ્રિકાના તમામ દેશો આ સમિટમાં ભાગ લે.
આને કારણે મને લાગે છે કે ભારત અને આફ્રિકા વચ્ચેનાં સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. મને લાગે છે કે આ ભાગીદારી અને આ સમાનતા તમામ દેશોને મળી રહી છે. આ અમારા હિસ્સાની પહેલ છે અને હું માનું છું કે આ બાબત અગાઉની બંને સમિટ કરતાં ભિન્ન બનાવે છે. અહીં વિવિધ સ્તરે, ઉચ્ચ સ્તરે બેઠકો યોજાશે. હું માનું છું કે તમામ દેશો સાથેની આ ભાગીદારી, આફ્રિકાના દરેક ખૂણે નવી તાજગી લાવશે. આ નવી તાજગી ફક્ત આફ્રિકા માટે જ નથી, પરંતુ ભારત માટે પણ છે, કેમકે આ સમિટ આપણાં સંબંધોમાં નવી તાજગી લાવશે.
મને એમ જણાવાયું છે કે અલબત્ત, તમે ભારત આવ્યા છો અને અહીં એક સપ્તાહ લાંબા કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છો, જે દેશના જુદા જુદા હિસ્સાઓમાં યોજાશે અને તમે તમારી જાતે અહીં થયેલો વિકાસ નિહાળશો. પરંતુ આ ઉપરાંત, અહીં આવેલા 400 પત્રકારો, જેઓ આફ્રિકાથી આ ઈવેન્ટ કવર કરવા આવ્યા છે અને પોતાની મેળે, પોતાને ખર્ચે આવ્યા છે. હું માનું છું કે આ દર્શાવે છે કે સમિટનું કેટલું મહત્વ છે. દરેકની સાથે થયેલી ચર્ચા મુજબ આ સમિટ હકીકતમાં સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને લોકો એને અત્યંત મહત્વની ઘટના તરીકે જોઈ રહ્યા છે અને મને તે અત્યંત સારો સંકેત જણાય છે.
ભારત અને આફ્રિકાના દેશો વચ્ચેનાં સંબંધો, આ સંબંધો અને આપણી વચ્ચેનું સાયુજ્ય કેવળ રાજકીય અને આર્થિક નથી, પરંતુ આપણે ખૂબ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા પણ ધરાવીએ છીએ. એમ કહેવાય છે કે લાખો વર્ષો અગાઉ પૃથ્વીના બે હિસ્સા હકીકતમાં એક હિસ્સો જ હતો અને બહુ મોડેથી જમીનના બે અલગ ટુકડા થયા હતા, એક એશિયા અને બીજો આફ્રિકા, અને વચ્ચે એક સમુદ્ર હતો, જે બંનેને અલગ પાડતો હતો. ભારતના પશ્ચિમ દરિયા કિનારો અને આફ્રિકાનો પૂર્વ દરિયા કિનારો પરસ્પર જોડાયેલા છે.
હું ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાંથી આવું છું. હકીકતમાં આફ્રિકા સાથે વેપાર અને વાણિજ્ય તેમજ અગાઉ દરિયાઈ સંબંધોની શરૂઆત કરનારા ગુજરાતીઓ હતા. આજે પણ આફ્રિકામાં 2,70,000 ભારતીયો વસે છે અને તેમાંના ઘણા ગુજરાતીઓ છે. અલબત્ત મારા પોતાનાં પણ આફ્રિકામાં જોડાણો છે, એટલું જ નહીં, હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો તે અગાઉ પણ મારે ત્યાં સંપર્કો હતાં. મારે આફ્રિકા ખંડ સાથે હંમેશાં સંબંધો રહ્યાં છે અને જ્યારે પણ મહેમાનો આવે છે, ત્યારે તેઓ મને મળે છે. મારે હંમેશા આફ્રિકામાં વિવિધ હસ્તીઓ સાથે ખૂબ સારાં સંબંધો રહ્યાં છે. એટલે, મારી અંગત બાજુએ, મારે આ પ્રદેશ સાથે હંમેશા ખૂબ ઘનિષ્ઠ જોડાણો રહ્યાં છે.
હકીકતમાં ભારત અને આફ્રિકા વચ્ચે અનેક સમાનતાઓ છે અને ભારત અને આફ્રિકા સાથે મળીને વિશ્વની એક તૃતિયાંશ વસ્તી ધરાવે છે. ખરેખર તો ભારતની વસ્તી, આફ્રિકાના સમગ્ર ખંડ જેટલી છે. આફ્રિકા વિશ્વનો સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો પ્રદેશ છે અને ભારત પણ સૌથી યુવાન દેશ છે. કદાચ આપણે આજે વિશ્વ તરફ જોઈએ તો ફક્ત બે સ્થળોએ, જ્યાં 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે અને મને લાગે છે કે આ બાબતે, આફ્રિકા અને ભારત, બંનેના સદનસીબ છે.
ભારત અને આફ્રિકા વચ્ચે દ્વીપક્ષિય વેપાર અત્યંત ઝડપભેર વધી રહ્યો છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં આઠથી નવ ગણી વૃદ્ધિ થઈ છે. મને લાગે છે કે આ સમિટ પછી તેમાં હજુયે મોટો વધારો જોવા મળશે. આજે ભારત, આફ્રિકામાં મોટો રોકાણકાર પણ છે અને આવું ખાસ કરીને તેલ ક્ષેત્રે જોવા મળે છે અને એનાથી આફ્રિકાના અર્થતંત્રને નવી ગતિશીલતા મળે છે.
પાછલી બે ઈન્ડિયા – આફ્રિકા સમિટોને પગલે ભારતે 7.4 અબજ ડોલરનાં રાહત ધિરાણ આપ્યાં હતાં અને તેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ઉદ્યોગ, ઊર્જા અને જળ ક્ષેત્રે વિસ્તાર માટે કરાયો હતો. આજે 40થી વધુ દેશોમાં 100 કરતાં વધુ પ્રોજેક્ટો અમલીકરણના તબક્કામાં છે.
આ જ રીતે, બારતે 100 કરતાં વધુ સંસ્થાઓમાં 1.2 અબજ ડોલર કરતાં વધુ રકમનું રોકાણ કર્યું છે અને એ માનવ સંસાધનના વિકાસમાં મોટા પાયે ફાળો આપી રહ્યું છે. મારા માટે, હું માનું છું કે મને સૌથી વધુ આનંદિત એ વાત કરે છે કે ભારત અને આફ્રિકા વચ્ચેની આ ભાગીદારી માનવ સંસાધન વિકાસ છે, ક્ષમતા નિર્માણ છે. અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે શિક્ષણ આપવાનું સદનસીબ ધરાવીએ છીએ અને આફ્રિકાના 25,000 વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. હું માનું છું કે ભારત માટે આ સદનસીબની વાત છે. આજે આફ્રિકામાં ઘણા વડાઓ, જે હવે સત્તામાં છે અને ઉચ્ચ હોદ્દા ઉપર છે, જેમણે ભારતમાં શિક્ષણ અને તાલીમ મેળવ્યાં હશે.
હું માનું છું કે ભારત અને આફ્રિકા વચ્ચે બીજું એક પાસું પણ છે, જે આફ્રિકાના ઘણા બધા દેશો સાથે ભારતને જોડે છે અને તે છે સૌર ઊર્જા, જેનો લાભ આફ્રિકાના ઘણા દેશો મેળવી રહ્યા છે. હું માનું છું કે રાષ્ટ્રોનો એક અત્યંત મજબૂત સમુદાય આકાર પામી રહ્યો છે અને આવનારા સમયમાં સમગ્ર વિશ્વ જેનો ભોગ બની રહ્યું છે અને જેનો સામનો કરવા ઝઝૂમી રહ્યું છે, તે આબોહવા પરિવર્તન સામે આપણે સ્થળાંતરણની મોટી પ્રક્રિયા સામે અને આબોહવા પરિવર્તનની અસર ઘટાડવામાં મોટી બૂમિકા ભજવે છે.
મને લાગે છે કે ભારત અને આફ્રિકાએ એ હકીકતનું ગૌરવ લેવું જોઈએ કે આજે વિશ્વ આબોહવા પરિવર્તનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, વૈશ્વિક તાપમાનને લગતી ચિંતાઓ છે, ત્યારે હું માનું છું કે ભારત અને આફ્રિકા એવી પરંપરા ધરાવે છે અને તેમની સંસ્કૃતિ એવી છે કે તેમાં પ્રદૂષણને સ્થાન નથી કે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડવાની વાત છે, અને આપણે ઓછા પાપ કર્યાં છે અને કદાચ વિશ્વની આ મહાકાય સમસ્યા સર્જવામાં ઓછામાં ઓછા ભાગીદાર છીએ.
હું એ વાત સાથે સંમત છું કે આ સમિટ દરમ્યાન અને સમિટ પછી પણ આપણે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લઈશું, જે ભારત અને આફ્રિકા, બંને દેશોને આત્મ વિશ્વાસની નવી અનુભૂતિ કરાવે, આપણાં સંબંધો વધુ ગાઢ અને મજબૂત બને, અને હું માનું છું કે આપણે સાથે મળીને વૈશ્વિક યોગદાનનો પાયો નાખી શકીએ.
ફરી એકવાર, આપ સહુનું ઉષ્માભર્યું સ્વાગત છે. મને સમિટ દરમ્યાન આપ સહુને ફરી મળવાની તક પણ મળશે.
આભાર.
ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ હેઠળ યોજાયેલી એડિટર્સ ફોરમમાં આફ્રિકાના પત્રકારોને પ્રધાનમંત્રીએ આપેલી લેખિત મુલાકાતનું મૂળ લખાણ.
પ્રશ્ન : ભારત માટે આફ્રિકાનું સામાજિક – આર્થિક તેમજ રાજકીય દ્રષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ શું છે ? શું ભારતનાં આફ્રિકા સાથેના સંબંધો ચીન સાથેની ટક્કર માટે સંસાધનો એકઠાં કરવા પૂરતાં છે ?
ઉત્તર : સમિટમાં 40થી વધુ દેશના વડા કે દેશની સરકારના વડા હોય એ સ્તરની હસ્તીઓ સહિત આફ્રિકાના તમામ દેશોની ભાગીદારી, ભારત અને આફ્રિકા વચ્ચેની પ્રગાઢ મૈત્રી અને પરસ્પરના વિશ્વાસનો પુરાવો છે.
આ સંબંધ કોઈ વ્યૂહાત્મક ગણતરીથી વેગળો છે. આ સંબંધ મજબૂત લાગણીઓના જોડાણ સાથેનો છે. તે અમારા ઈતિહાસને ભેદીને સ્થાપિત થયેલો છે, અમારાં સદીઓ જૂનાં સગપણને આધારે પ્રસ્થાપિત થયો છે, વાણિજ્ય અને સંસ્કૃતિને આધારે છે, સંસ્થાનવાદ વિરુદ્ધના અમારા સમાન સંઘર્ષ, સમાનતા માટેની અમારી ખોજ, તમામ લોકોના ગૌરવ અને ન્યાય તેમજ અમારા વિકાસ તેમજ વિશ્વમાં અમારા અવાજ માટેની સમાન મહત્ત્વાકાંક્ષાને આધારે સ્થાપિત થયો છે. અમે પરસ્પર અપાર સદભાવ અને વિશ્વાસ ધરાવીએ છીએ.
ભારત અને આફ્રિકા વિશ્વની કુલ વસતીનો ત્રીજો હિસ્સો ધરાવે છે. એમાંનો મહત્તમ હિસ્સો આપણા યુવાનો છે. હકીકતમાં આ સદીમાં ભારત અને આફ્રિકા વિશ્વની યુવા વસ્તીનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એમનું ભવિષ્ય આ વિશ્વનો માર્ગ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારત અને આફ્રિકા હવે વૈશ્વિક અર્થતંત્ર માટે ઉજ્જવળ આશાનાં સ્થાન બન્યાં છે. ભારત અત્યારે સૌથી ઝડપી વિકાસ સાધી રહેલી અર્થવ્યવસ્થા છે. આફ્રિકા પણ ઝડપી વિકાસ નોંધાવી રહ્યો છે. જ્યારે ભારત અને આફ્રિકા વધુ સમૃદ્ધ બનવા અને પોતાના લોકોમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોતાની મેળે ઘણું કરી શકે તેમ છે, ત્યારે આપણી ભાગીદારી એકબીજા માટે મજબૂત શક્તિનો સ્ત્રોત બની શકે છે અને બંને દેશો પરસ્પરના આર્થિક વિકાસને વધુ મજબૂત અને વેગવાન બનાવી શકે છે તેમજ ન્યાયી, સમાવેશ્યક, સમાન તેમજ સાતત્યપૂર્ણ દુનિયાનું નિર્માણ કરી શકે છે. આપણે પરસ્પર પૂરક સંસાધનો અને બજારો ઉપરાંત આપણી માનવ મૂડીની શક્તિ ધરાવીએ છીએ. આપણે સમાન વૈશ્વિક વિઝન ધરાવીએ છીએ.
આફ્રિકા સાથેની ભાગીદારી માટે અમારો અભિગમ સશક્તિકરણ, ખાસ કરીને માનવ સંસાધન વિકાસ સાધવા, ભારતીય બજારને સર કરવા તેમજ આફ્રિકામાં ભારતીય રોકાણોને ટેકો આપવા માટેનો છે, જેથી આફ્રિકાના લોકો પોતાની મેળે મુક્ત પસંદગીઓ કરી શકે અને પોતાના ખંડના વિકાસની જવાબદારી ઉપાડી શકે. આફ્રિકા સાથેનાં અમારાં સંબંધ વિશિષ્ટ છે અને એ માટે કોઈ સંદર્ભ બિંદુની જરૂર નથી.
પ્રશ્ન : ભારત અને આફ્રિકાનાં સંબંધોએ આફ્રિકા ખંડના વિકાસમાં કેવી રીતે અને કેટલી મદદ કરી છે ? બંને દેશો માટે લાભદાયક સ્થિતિ કેવી રીતે છે ?
ઉત્તર : તાજેતરનાં વર્ષોમાં આફ્રિકાએ અસરકારક વિકાસ સાધ્યો છે. સૌથી પહેલું અને મહત્વનું તો એ કે આ આફ્રિકાના વિઝન, નેતૃત્ત્વ અને ખંડમાં શાંતિ સુદૃઢ કરવાના પ્રયાસો તેમજ આર્થિક વિકાસ માટેના ટેકારૂપ પ્રયાસોનું પરિણામ છે. સાતત્યપૂર્ણ વિકાસ અને લોકોના, ખાસ કરીને યુવાઓ અને મહિલાઓના સશક્તિકરણ માટે આફ્રિકાની સફળ ગાથાઓના અનેક પ્રેરણાદાયી નમૂના અને ઉદાહરણો છે. આફ્રિકા સાથે વિકાસ ભાગીદાર બનવાનો મોકો ભારતને મળ્યો છે. આફ્રિકાના દેશોને આઝાદી મળવાની શરૂ થઈ, ત્યારથી અમે આફ્રિકાના દેશોમાં માનવ સંસાધન વિકાસ માટે સહાય કરી રહ્યા છીએ. હવે અમારો સહકાર અનેક સ્વરૂપે છે અને તેના વ્યાપ અને માત્રા ઝડપભેર વધી રહ્યા છે.
હાલ આફ્રિકાના 34 દેશોને 1.25 અબજ લોકોના ભારતીય બજારની વેરા મુક્ત પહોંચ છે. છેલ્લી બે ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટમાં અમે 7.4 અબજ અમેરિકન ડોલરનાં રાહત ધિરાણોનું વચન આપ્યું હતું, જે આફ્રિકામાં માળખાકીય સવલતોના વિકાસ, હળવાં ઉત્પાદન, જાહેર સેવાઓ તેમજ સ્વચ્છ ઊર્જાના વિકાસ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. આફ્રિકામાં માનવ સંસાધન વિકાસ તેમજ 100થી વધુ ક્ષમતા નિર્માણ સંસ્થાનો સ્થાપવા માટે નાણાંકીય મદદ કરવા અમે 1.2 અબજ અમેરિકન ડોલરની ગ્રાંટ સહાય આપી છે. છેલ્લાં ફક્ત ત્રણ જ વર્ષમાં 25,000 આફ્રિકનોને ભારતમાં તાલીમ આપવામાં આવી છે અથવા શિક્ષણ અપાયું છે. સમગ્ર આફ્રિકાનું ઇ-નેટવર્ક, જે હાલ આફ્રિકાના 48 દેશોને જોડે છે, તે પ્રાદેશિક જોડાણ તેમજ માનવ સંસાધન વિકાસનો નવો ધોરીમાર્ગ બની ગયો છે – ભારત આફ્રિકામાં સીધાં વિદેશી રોકાણનો મહત્વનો અને ઝડપથી વધી રહ્યેલો સ્ત્રોત બન્યો છે. આફ્રિકામાં ભારતીય સહેલાણીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે.
આફ્રિકાનો વિકાસ એ ભારત માટે એક વિશાળ તક છે, જેમ કે તેલ સહિત આફ્રિકાના સંસાધનો, ભારતના આર્થિક વિકાસને શક્તિ આપે છે અને આફ્રિકામાં સંપત્તિ અને નોકરીઓનું સર્જન કરે છે. ખંડની પ્રગતિ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટી સ્થિરતા અને ગતિ ઉમેરશે અને ભારતને પણ ફાયદો થશે.
પ્રશ્ન : કેટલાક વિશ્લેષકો જણાવે છે કે સંસ્થાનવાદ અને બિન-સંસ્થાનવાદની અસરો આફ્રિકામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ આડે અવરોધો બને છે. ભારત પણ આવા ઐતિહાસિક વારસામાંથી પસાર થયો છે, પરંતુ તે વિગ્રહ અને વિભાજનનું આ ચક્ર તોડી શક્યો છે અને શાસન, વિકાસ અને વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો છે. આ સંદર્ભે ભારત, આફ્રિકાને શું શીખવવા માગશે ?
ઉત્તર : આફ્રિકામાં સંસ્થાનવાદ વિરુદ્ધ અને સ્વતંત્રતાની ચળવળ ઉપર ભારતની સ્વતંત્રતાની મજબૂત સકારાત્મક છાપ પડી હતી. આફ્રિકાના દેશોની આઝાદી માટે તેમજ રંગભેદ નાબૂદ કરવા માટે આફ્રિકાની સાથે અડીખમ ઊભા રહેવાનું અમને ગૌરવ છે. સંસ્થાનવાદના વારસાએ આપણા સહુ ઉપર લાંબી અને ઘેરી અસરો છોડી હતી. આફ્રિકા પણ મુશ્કેલ સમયમાંથી પસાર થયું છે. જોકે, હવે આફ્રિકા અસરકારક વિકાસ સાધી રહ્યો છે. આ ખંડ હવે વધુ વ્યવસ્થિત અને સ્થિર બન્યો છે. આફ્રિકાના દેશો પોતાના વિકાસ, શાંતિ અને સલામતિ માટે એકસાથે ઊભા છે. આફ્રિકાના લોકો આ જોડાણનો વધુને વધુ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે. અમે આર્થિક સુધારા અને પ્રાદેશિક આર્થિક સહકાર અને સંકલનના વધતા પ્રયાસો પણ જોઈ રહ્યા છીએ. આર્થિક વિકાસ વેગીલો બન્યો છે. આફ્રિકાના આશરે 95 ટકા લોકો હવે મોબાઈલ ટેલીફોન ધરાવે છે. શિક્ષણ, નવીનીકરણ, મહિલા સશક્તિકરણ, કૌશલ વિકાસ અને પ્રકૃતિના જતન માટે આફ્રિકાનાં પગલાં પ્રશંસનીય છે.
અલબત્ત, આફ્રિકા વિકાસ સામેના ઘણા પરિચિત પડકારોનો સામનો કરી રહ્યો છે. આતંકવાદ અને ઉગ્રવાદ સહિત સલામતિ અંગેની નવી સમસ્યાઓ પણ છે, જે વિશ્વના અન્ય હિસ્સાઓને પણ અસર કરી રહી છે.
આફ્રિકા સિદ્ધિઓનો સમૃદ્ધ ઇતિહાસ, વિપુલ કુદરતી સંસાધનો તેમજ વિશાળ અને પ્રતિભાશાળી યુવા વસ્તી ધરાવે છે. મને આફ્રિકાના નેતૃત્ત્વમાં અને આફ્રિકાના લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ “એજન્ડા 2063 : ધ આફ્રિકા વી વૉન્ટ” (એજન્ડા 2063 : અમારા સ્વપ્નનું આફ્રિકા) ના વિઝનને સાકાર કરી બતાવશે.
ભારત હંમેશા આફ્રિકાના દેશો જે રીતે ઈચ્છે તે રીતે તેમને મદદરૂપ થવા પોતાના અનુભવો, નિષ્ણાતીકરણ અને સંસાધનોના આદાન પ્રદાન માટે હંમેશા આફ્રિકાનો મિત્ર અને ભાગીદાર રહેશે. આફ્રિકા જે પડકારોનો સામનો કરી રહ્યો છે, તેમાંની ઘણીખરી અમારા જેવી જ હોવાથી અમારા સમાધાનો આફ્રિકાના સંદર્ભે પણ લાગુ પડે તેવી સંભાવના છે.
પ્રશ્ન : વેપાર અને રોકાણોના વધુ મજબૂત દ્વિપક્ષિય સંબંધો દ્વારા ભારત અને આફ્રિકા, બંનેને કેવી રીતે લાભ થશે ? વર્ષ 2008માં યોજાયેલી સૌપ્રથમ ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ (આઈએએફએસ – 1) યોજાઈ ત્યારથી અત્યાર સુધીની સિદ્ધિઓ કઈ છે ?
ઉત્તર : ભારત અને આફ્રિકા વચ્ચે વેપાર અને રોકાણનાં જોડાણો માટે મને અપાર તકો દેખાય છે. આ સદીમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આફ્રિકા સૌથી વધુ વસ્તી ધરાવતો ખંડ છે. આ બંને મહત્તમ યુવા વસ્તી ધરાવે છે. આફ્રિકા વિશાળ સંસાધનો પણ ધરાવે છે. ભારત અને આફ્રિકા, બંને ઝડપભેર વિકાસ, આધુનિકીકરણ અને શહેરીકરણ કરશે.
અમારી આર્થિક ભાગીદારી વેગ પકડી રહી છે. આફ્રિકા સાથેનો ભારતનો વેપાર નાણાં વર્ષ 2007-08માં 30 અબજ અમેરિકન ડોલર હતો, જે નાણાં વર્ષ 2014-15માં બમણા કરતાં પણ વધુ વધીને 72 અબજ ડોલર થયો છે. ભારત અને આફ્રિકામાં આર્થિક વિકાસ ઉપરાંત, વર્ષ 2008માં તમામ અલ્પ વિકસિત દેશોને ભારતીય બજારોની કરમુક્ત પહોંચના ભારતના નિર્ણયને કારણને વેપારને ફાયદો થયો છે. આફ્રિકાના 34 દેશો આ યોજનાના સીધા લાભાર્થી છે.
આફ્રિકામાં વિકસતા વિશ્વ માટે ચીનને પણ હંફાવીને ભારત મુખ્ય રોકાણકાર તરીકે ઉભર્યો છે.
પહેલી બે આઈએએફએસને પગલે ભારતે આફ્રિકાને આપેલાં 7.4 અબજ અમેરિકન ડોલરનાં ધિરાણને કારણે આફ્રિકામાં માળખાકીય સવલતો સ્થપાઈ રહી છે અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન મળ્યું છે. એ જ રીતે, આફ્રિકાનાં વિશાળ સંસાધનો તેમજ ઉપજાઉ જમીન ઉપલબ્ધ હોવાને કારણે ફક્ત આફ્રિકાની સમૃદ્ધિ વધી શકે છે, એટલું જ નહીં, પરંતુ તે ભારતની ઝડપભેર વધી રહેલી માગને પહોંચી વળવામાં મહત્વનો સ્ત્રોત પણ બની શકે છે.
આફ્રિકામાં માનવ સંસાધન વિકાસ અને સંસ્થાઓની સ્થાપના માટે ભારતે વિકાસલક્ષી ભાગીદારી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના પગલે, ભારતને તેમજ અન્ય દેશોને નિકાસ વધારવા માટે આફ્રિકામાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સ્ટાઈલ્સ, નાના ઉદ્યોગો વગેરે સહિતનાં ક્ષેત્રોમાં કૌશલ્ય અને ક્ષમતા નિર્માણ થઈ રહ્યાં છે.
મારે એ પણ ઉમેરવું જોઈએ કે આફ્રિકાનાં બજારોના સંકલન માટે આફ્રિકાના પ્રયાસો પ્રશંસનીય છે, જેનાથી દ્વિપક્ષિય વેપાર અને રોકાણોને પણ પ્રોત્સાહન મળશે.
ભારત અને આફ્રિકા બંને 21મી સદીમાં તકોની નવી સરહદો તરીકે ઉભરી આવ્યા હોવાને કારણે હું ઈન્ડિયા – આફ્રિકા ફોરમની આ ત્રીજી સમિટ દ્વારા આપણી આર્થિક ભાગીદારી કેવી રીતે વધુ વિસ્તરી શકે અને વધુ સાનુકૂળ વૈશ્વિક આર્થિક માહોલ તેમજ સંસ્થાકીય માળખું ઘડવા આપણે કેવી રીતે કામ કરી શકીએ તે આફ્રિકાના નેતાઓ શોધશે, તેમ ઈચ્છું છું.
પ્રશ્ન : જુલાઈ, 2015માં બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલી નવી ડેવલપમેન્ટ બેન્ક આફ્રિકાના દેશોને કેવી રીતે મદદગાર નીવડશે ?
ઉત્તર : ન્યુ ડેવલપમેન્ટ બેન્ક એક નોંધપાત્ર પહેલ છે, જેની વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા ઉપર ગહન અસર જોવા મળશે. એક તો, તે તાજેતરના સમયમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનવેસ્ટમેન્ટ બેન્ક હોવાની સાથે સાથે બહુસ્તરીય નાણાકીય સંસ્થા તરીકેની સૌપ્રથમ મહત્વપૂર્ણ પહેલ છે. તેમાં પાંચ બ્રિક્સ દેશોને સાથે બેન્ક સ્થાપવા માટે સમાન ભાગીદારો તરીકે સાથે આવ્યા છે, જે આ પ્રકારની સંસ્થાઓના નાણાકીય માળખાનું તદ્દન નવું જ પરિપ્રેક્ષ્ય દર્શાવે છે. તેમાં ધિરાણની પદ્ધતિઓ વિકસતા વિશ્વનાં હિતો અને અનુભવોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવશે. તેનાથી વિકસતા દેશોમાં માળખાકીય રોકાણો માટેનાં ભંડોળ માટે નવી દિશા ખૂલી છે. મને લાગે છે કે આફ્રિકા ઉપર મુખ્ય ધ્યાન રહેશે અને અમને આશા છે કે આપણે ભવિષ્યમાં આફ્રિકાનો વિભાગ કે પ્રાદેશિક હાજરી પણ જોઈ શકીશું.
સવાલ : આફ્રિકા ખંડના લોકો માટે કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ મૂળભૂત છે ? તેના ઉપર ભારતમાં પણ મહત્તમ લોકો નિર્ભર છે. સાતત્યપૂર્ણ કૃષિ પદ્ધતિઓ અપનાવવા અને જાળવવા તેમજ વિકાસમાં ભારત, આફ્રિકાને કેવી રીતે મદદરૂપ થશે ?
ઉત્તર : વિશ્વની 60 ટકા ખેતીલાયક જમીન આફ્રિકા પાસે છે, છતાં વૈશ્વિક ખાદ્યાન્ન ઉત્પાદનમાં તેનો હિસ્સો ફક્ત 10 ટકા છે. કૃષિ ક્ષેત્રના વિકાસથી આફ્રિકાનો આર્થિક વિકાસ સધાશે, રોજગાર સર્જન થશે અને ખાદ્ય સુરક્ષા મળશે, એટલું જ નહીં પરંતુ આફ્રિકા દુનિયાને ખાદ્યાન્ન પૂરો પાડતો મહત્વનો સ્ત્રોત બનશે. તાજેતરના સમયમાં આફ્રિકાએ હાંસલ કરેલી સિદ્ધિઓને પગલે આફ્રિકામાં કૃષિના ભાવિ ઉપર અમને વિશ્વાસ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ ક્ષેત્રોમાં અમે ટોચના વૈશ્વિક ઉત્પાદક છીએ. ઓછી ક્ષમતા તીવ્રતા ધારવતી ખેતી અને વિવિધ જૈવવિવિધતાની સ્થિતિના સંદર્ભે અમે સફળતા હાંસલ કરી છે, જે આફ્રિકાની પરિસ્થિતિ સાથે ઘણોબધો તાલમેળ ધરાવે છે. હકીકતમાં, ભારતના કૃષિ નિષ્ણાતો 1960ના દાયકાથી આફ્રિકાના વિવિધ દેશોમાં કાર્યરત છે. ભારતમાં કૃષિ સંબંધિત અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ મેળવવી તે આફ્રિકામાં ઘણું લોકપ્રિય છે. આફ્રિકા સાથેની અમારી વિકાસલક્ષી ભાગીદારીમાં કૃષિ મુખ્ય પ્રાથમિકતા રહેશે. એ ઘણા સ્વરૂપે છે : માનવ સંસાધન વિકાસ, આફ્રિકામાં કૃષિ સંબંધિત સંસ્થાઓ સ્થાપવી, સિંચાઇ પ્રોજેક્ટો, ટેકનોલોજીની લેવડદેવડ તેમજ આધુનિક કૃષિ પદ્ધતિઓનું આદાન-પ્રદાન. અમે જે ભવિષ્યને જોઈ રહ્યા છીએ, તેમાં અમે આ ક્ષેત્રોમાં આફ્રિકા સાથે કામ કરવાનું ચાલુ રાખીશું એટલું જ નહીં, પરંતુ આબોહવા-પ્રતિરોધક કૃષિ અને આબોહવા પરિવર્તનને અનુકૂળ માહોલ સર્જવા સહિતના નવા પડકારોને પણ મ્હાત કરીશું. અમે લણણી પછીના પ્રોસેસિંગ તેમજ સપ્લાય ચેઇન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ સંદર્ભે હું આફ્રિકાની પ્રાથમિકતાઓ જાણવા ઈચ્છું છું.
પ્રશ્ન : ભારત અને આફ્રિકા વચ્ચેની આર્થિક ભાગીદારી વેપાર અને રોકાણોથી પણ વધુ ટેકનોલોજીને આપ-લે, માહિતીના આદાન પ્રદાન અને ક્ષમતા નિર્માણ સુધીની છે. આગામી કેટલાંક વર્ષોમાં ભારત પાસેથી વધુ શી અપેક્ષા રાખી શકાય ?
ઉત્તર : ભારત અને આફ્રિકા વચ્ચેની ભાગીદારી કેવળ વ્યવહારિક નથી. એ આપણાં સમાન ભાગ્ય અને આપણા દેશવાસીઓના જીવન પરિવર્તનમાં દક્ષિણ-દક્ષિણ સહકારની શક્તિ વિશેની માન્યતામાં રહેલી છે.
ભારત હંમેશા આફ્રિકામાં અમારા મિત્રોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ મુજબ કામ કરતો રહેશે. અમે આબોહવા પરિવર્તન જેવા નવા ઉભરી રહેલા પડકારો તેમજ નવી ટેકનોલોજી દ્વારા સર્જાતી તકો અને સંભાવનાઓનો સુમેળ સાધવા પણ સાથે મળીને કામ કરતા રહીશું. ભવિષ્ય માટેની યોજના અમારા સંયુક્ત વિઝન અને ધ્યેયોને પ્રતિબિંબિત કરશે તેમજ અમારી વ્યક્તિગત શક્તિઓ અને ક્ષમતાઓ દર્શાવશે.
અમે માનવ સંસાધન વિકાસ, સંસ્થા નિર્માણ, માળખાકીય સવલતો, સ્વચ્છ ઊર્જા, કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ઉપર અમારું ફોકસ ચાલુ રાખીશું. અમે સાથે મળીને આબોહવા પરિવર્તનની સમસ્યા ઉકેલવા તેમજ બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસ માટે પણ કામ કરીશું.
આગામી વર્ષોમાં અમે નિશ્ચિતપણે અમારી ભાગીદારી વધુ ઊંચા સ્તરે લઈ જઈશું. આફ્રિકા સાથે અમારા ડેવલપમેન્ટ પાર્ટનરશીપ પ્રોગ્રામ, ખાસ કરીને ક્ષમતા નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સહાય તેમજ ટેકનોલોજીની આપ-લે અને ની દ્રષ્ટિએ વિસ્તૃત સમીક્ષા તેમજ આફ્રિકાના ભાગીદાર દેશો સાથે ચર્ચાને આધારે અમે અમારી ભાગીદારી વધુ અસરકારક બનાવીશું.
પ્રશ્ન : વૈશ્વિક રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં સુધારા માટે ભારતની પ્રતિબદ્ધતા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં સભ્ય બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે જોડાયેલી છે ?
ઉત્તર : અમારું ધ્યેય ભાગીદારીના જુસ્સાને વધુ ગહન બનાવવાનું, આપણાં આંતરરાષ્ટ્રીય સૌહાર્દને વધુ મજબૂત કરવાનું તેમજ આપણા સહયોગને વિસ્તારવાનું છે. હું જ્યારે આફ્રિકાના વિઝન તરફ જોઉં છું તો એજન્ડા 2063નો દસ્તાવેજ અત્યંત છટાદાર લાગે છે. હું માનું છું કે આપણા વિકાસનાં ધ્યેયો અને આંતરરાષ્ટ્રીય મહાત્વાકાંક્ષાઓ ઘણાબધા સમાન છે. આગામી વર્ષમાં આપણી ભાગીદારીનો આ પાયો હશે.
દિલ્હીમાં યોજાયેલી ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટ દરમ્યાન આપણે આપણી વિકાસલક્ષી ભાગીદારી માટે વધુ ઊંચાં અને મહાત્વાકાંક્ષી લક્ષ્યાંકો બાંધીશું તેવી અમને આશા છે. અમે છેલ્લા એક દાયકાના અમારા અનુભવોને આધારે તેને વધુ અસરકારક બનાવવા પણ ઈચ્છીએ છીએ. ભૂતકાળની માફક, અમારું મુખ્ય ધ્યેય આફ્રિકાના અમારા ભાગીદારોને તેમના વિકાસનો વેગ વધારવાના પ્રયાસોમાં ટેકો આપવાનું છે. અમે ખાદ્યાન્ન, આરોગ્ય તેમજ પર્યાવરણીય સુરક્ષા સહિતના આ સમયના મહત્વના પડકારો પણ ઝીલીશું. અમે એવી સ્થિતિનું નિર્માણ કરીશું, જે અમારા દેશો વચ્ચે વેપાર અને રોકાણના પ્રવાહને અસ્ખલિત બનાવે. અમે સાથે મળીને આબોહવા પરિવર્તનની સમસ્યાઓ ઉકેલીશું. અમે સાતત્યપૂર્ણ બ્લુ ઇકોનોમી જેવાં નવાં ક્ષેત્રો સર કરીશું. અમારાં પગલાં વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન અને પરસ્પર જોડાયેલા વિશ્વની શક્તિનો ઉપયોગ કરીને દેશવાસીઓના જીવન પરિવર્તિત કરવાનો ધ્યેય ધરાવતાં હશે. આ એકતરફી માર્ગ નથી. જીવનના તમામ પડાવોમાં આફ્રિકાની અનેક સફળ ગાથાઓમાંથી અમે ઘણું બધું શીખવાની આશા ધરાવીએ છીએ.
અમે વૈશ્વિક મંચ ઉપર ભાગીદારી ઉપરાંત દરિયાઈ સુરક્ષા, આતંકવાદનો સામનો વગેરે સહિતના અમારા સલામતિને લગતા સહકારને વધુ ગહન બનાવવા ઈચ્છીએ છીએ.
આપણે જોઈશું કે આ ત્રીજી સમિટ, જેમાં આફ્રિકાના તમામ દેશો પહેલી જ વાર ભાગ લઈ રહ્યા છે, તે ભારત અને આફ્રિકાની ભાગીદારીનો નવો યુગ શરૂ કરશે.
Exchanged views on India-Africa relations with African journalists attending 3rd India Africa Editors Forum. pic.twitter.com/4KJoIYAuEW
— Narendra Modi (@narendramodi) October 23, 2015
Am told over 400 media persons from Africa are coming for @indiafrica2015. This indicates the vitality of the Summit & optimism towards it.
— Narendra Modi (@narendramodi) October 23, 2015
Am hopeful on achieving stronger economic ties between India & Africa. Also hopeful for deeper cooperation in energy, HRD & other areas.
— Narendra Modi (@narendramodi) October 23, 2015