પીએમઇન્ડિયા
મહામહિમ, રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી
સન્નારીઓ અને સજ્જનો,
મહામહિમ, આપના લાગણીસભર શબ્દો મારા હ્રદયને સ્પર્શી ગયા છે. મોઝામ્બિક અને ભારત વચ્ચેના સંબંધોની તાકાત વિશેના આપના વિચારો માટે પણ આપનો આભાર. ઉષ્માભર્યા આવકાર અને ઉદાત્ત મહેમાનગતિ માટે હું આપનો, સરકારનો તેમજ મોઝામ્બિકના લોકોનો પણ આભાર માનું છું.
મહામહિમ, આપણા દેશો વચ્ચેનો સંબંધ નવો નથી. ભારતીય મૂળના હજારો લોકોએ મોઝામ્બિકને તેમનું ઘર બનાવ્યું છે. મને જાણવા મળ્યું છે કે મોટા ભાગનો સિદ્દી સમુદાય, જે ભારતમાં ઘણા વિસ્તારોમાં વસે છે, તેમના પૂર્વજોના મૂળ મોઝામ્બિકમાં છે. આ સમુદાયો સૈકાઓ જૂના જોડાણોનો જીવંત પુરાવો છે, જેણે બંને દેશોના લોકો, તેમના વિચારો અને પરંપરાઓ તેમજ સંસ્કૃતિ અને વાણિજ્યને જોડ્યા છે.
મહામહિમ, આપણા બંને દેશોએ સંસ્થાનવાદી શાસન હેઠળ સહન કર્યું છે. મોઝામ્બિકના કિસ્સામાં લડત ઘણી લાંબી હતી. સ્વતંત્ર ભારત, મોઝામ્બિકને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવાના અગ્રણી હિમાયતીઓમાંનું એક હતું. વર્ષ 1975માં મોઝામ્બિકને સ્વતંત્ર રાષ્ટ્રોની હરોળમાં જોઈને અમે ગર્વિત થયા હતા.
અને, આજે, તાજેતરના દાયકાઓમાં વિશ્વની સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામવા બદલ અમે મોઝામ્બિકને બિરદાવીએ છીએ. મહામહિમ, બંને વિકસતા દેશો હોવાથી આપણે સમાન પડકારોનો સામનો કરી રહ્યા છીએ. એટલે આપણો વિકાસ અને આર્થિક ભાગીદારી આપણા સંબંધોનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
ખાસ કરીને વેપાર અને રોકાણ માટેના આપણા જોડાણો તાજેતરના વર્ષોમાં વધ્યા છે. અમે તેને હજુ વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. એ માટે, ભારત તેના અનુભવો, ટેકનોલોજી, ક્ષમતા અને રાહત દરે ધિરાણો મોઝામ્બિકને તમારી પ્રાથમિકતાઓ મુજબ આપવા તૈયાર અને પ્રતિબદ્ધ છે.
ગયા વર્ષે મોઝામ્બિકે 40મા સ્વતંત્રતા વર્ષની ઉજવણી કરી હતી અને આપણા રાજદ્વારી જોડાણોને પણ એટલો જ સમય થયો. આપણા દેશો વચ્ચે અગાઉ ક્યારેય ન થયેલી હોય એ સ્તરની વાતચીતો પણ થઈ. ઓગસ્ટ, 2015માં આપે કરેલી ભારતની સત્તાવાર મુલાકાત એનું ઉચ્ચ સ્તર હતું. ત્યાર બાદ, આપના પ્રધાનમંત્રીએ ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટના ત્રીજા સંમેલન દરમિયાન હાજરી આપીને અમને સન્માનિત કર્યા હતા. મહામહિમ, મને એ વાતની જાણ છે કે 34 વર્ષમાં મોઝામ્બિકની મુલાકાત લેનારો હું પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છું. આ ગાળો ક્યારેય આટલો લાંબો ન હોવો જોઈએ. અને, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આવું નહીં થાય.
મહામહિમ, સન્નારીઓ અને સજ્જનો, આ શબ્દો સાથે મારી સાથે શુભકામનાઓમાં જોડાવઃ
• મહામહિમ રાષ્ટ્રપતિ ફિલિપ જાસિન્ટો ન્યુસીના સ્વાસ્થ્ય, ખુશી અને ક્ષેમકુશળ માટે;
• મોઝામ્બિકના લોકોના કાયમી શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે; અને
• ભારત અને મોઝામ્બિક વચ્ચે મિત્રતા અને સહકારના મજબૂત સંબંધ માટે.
TR