Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 51મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ 51મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા તીર્થ ખાતે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રોએક્ટિવ ગવર્નન્સ અને ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન (સક્રિય શાસન અને સમયસર અમલીકરણ)ને પ્રોત્સાહન આપવા માટેના ICT-સક્ષમ, મલ્ટિમોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 51મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે ₹30,000 કરોડ મૂલ્યના નવ રાજ્યોને આવરી લેતા રેલવે, ઊર્જા અને રોડ ક્ષેત્રોના સાત મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. આર્થિક વૃદ્ધિ અને જાહેર કલ્યાણ માટે મુખ્ય એવા આ પ્રોજેક્ટ્સની સમયસીમા, એજન્સીઓ વચ્ચેના સંકલન અને મુદ્દાઓના સમયસર ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કેન બેતવા લિંક પ્રોજેક્ટ અને સ્વચ્છ ભારત મિશનઅર્બન 2.0 ની પણ સમીક્ષા કરી હતી.

ઊર્જા ક્ષેત્રના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતી વખતે, પ્રધાનમંત્રીએ શહેરો, રહેણાંક ક્લસ્ટરો અને જાહેર સંસ્થાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિસ્તારોમાં રૂફટોપ સોલાર અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે વીજળીનો ખર્ચ ઘટાડવા, ઊર્જા સુરક્ષા સુધારવા અને ઘરગથ્થુ તેમજ સમુદાય સ્તરે સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે રૂફટોપ સોલારને મિશન મોડમાં હાથ ધરવું જોઈએ.

રોડ અને પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતી વખતે, એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે વઢવણ બંદરને પોર્ટઆધારિત, મલ્ટિમોડલ વિકાસના મોડેલ તરીકે વિકસાવવું જોઈએ, જ્યાં ભવિષ્ય માટે તૈયાર લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ બનાવવા માટે પરિવહનના દરેક મુખ્ય મોડને એકીકૃત રીતે જોડવામાં આવે. આ પ્રોજેક્ટને માત્ર એક બંદર તરીકે નહીં, પરંતુ દરિયાકાંઠાના શિપિંગ, આંતરદેશીય જળમાર્ગો, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, હાઇસ્પીડ રેલ કનેક્ટિવિટી, હાઇવે અને એરપોર્ટ લિંકેજ દ્વારા જોડાયેલા રાષ્ટ્રીય પ્રવેશદ્વાર (ગેટવે) તરીકે જોવો જોઈએ.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન 2.0 ના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને રેખાંકિત કર્યું હતું કે આ મિશન માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણથી આગળ વધવુ જોઈએ અને નિયમિત દેખરેખ, નાગરિકોની ભાગીદારી અને વિવિધ હિતધારકો વચ્ચેના અભિસરણ (કન્વર્જન્સ) દ્વારા માપી શકાય તેવા પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. તેમણે રાજ્યોને વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને ગોબરધન (GOBARdhan) પ્લાન્ટ્સ સહિત ઘન કચરા વ્યવસ્થાપન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

કેનબેતવા નદી જોડાણ પ્રોજેક્ટની સમીક્ષા કરતી વખતે, પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે કેનબેતવા પ્રોજેક્ટે અન્ય રાજ્યો માટે સહકાર, સમયસર મંજૂરીઓ, ટેકનોલોજીઆધારિત મોનિટરિંગ અને મિશનમોડ અમલીકરણ દ્વારા આંતરરાજ્ય જળ મુદ્દાઓ ઉકેલવા માટે એક મોડેલ તરીકે કામ કરવું જોઈએ. રાજ્યોને આવી સમાન તકો ઓળખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યાં લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નદીજોડાણ, જળ સંરક્ષણ, ભૂગર્ભ જળ રિચાર્જ અને કાર્યક્ષમ સિંચાઈને સંકલિત રીતે હાથ ધરી શકાય.

પ્રધાનમંત્રીએ એ બાબત પણ રેખાંકિત કરી હતી કે જાહેર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબ માત્ર ખર્ચમાં વધારો (કોસ્ટ એસ્કેલેશન) તરફ દોરી જતો નથી પરંતુ નાગરિકોને આવશ્યક સુવિધાઓ અને વિકાસના લાભો સમયસર મેળવવાથી પણ વંચિત રાખે છે. તેમણે અવલોકન કર્યું કે દરેક વિલંબની સીધી અસર લોકોના જીવન, પ્રાદેશિક વિકાસ અને જાહેર સંસાધનો પર પડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંત્રાલયો, વિભાગો અને રાજ્યોએ બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા, અવરોધો દૂર કરવા અને ઝડપી અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે વધુ સક્રિય અને સમયબદ્ધ અભિગમ અપનાવવો જોઈએ.

પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે નહેર (કેનાલ) નેટવર્કના નવીન ઉપયોગની શક્યતાઓ શોધવી જોઈએ, જેમાં સ્વચ્છ વીજળી ઉત્પાદન માટે નહેરોની કિનારે અને નહેરોની ઉપર સોલાર પેનલ લગાવવાનો સમાવેશ થાય છે. આનાથી જમીનનો ઉપયોગ બહેતર બનાવવામાં, બાષ્પીભવનનું નુકસાન ઘટાડવામાં, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરવામાં અને જળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વધારાનું આર્થિક મૂલ્ય બનાવવામાં મદદ મળશે.

બેઠકની શરૂઆતમાં, કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર, રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓની માસિક સમીક્ષાની પ્રણાલી પણ કાર્યરત કરવામાં આવી છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય રાજ્ય અને જિલ્લા સ્તરે નિયમિત દેખરેખ, અમલીકરણના મુદ્દાઓનો ઝડપી ઉકેલ અને વધુ જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલના ભાગરૂપે, પ્રથમ તબક્કામાં રાજ્ય સ્તરે સમીક્ષા માટે સ્વચ્છ ભારત મિશનને હાથ પર લેવામાં આવ્યું છે.