Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 70માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ

પ્રધાનમંત્રીએ 70માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 70મા સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજ્ય અને સ્વતંત્રતા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નેહરુ તથા અનેક સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, હવે 125 કરોડ ભારતીયો સ્વરાજ્યથી “સુરાજ”ની સફર ખેડશે. સુરાજ કે સુશાસનની સિદ્ધિ મેળવવા ત્યાગ, આકરી મહેનત, શિસ્ત, સમર્પણ અને સાહસની જરૂર પડશે, તથા આ લક્ષ્યાંક હાંસલ કરવા પંચાયતથી લઈને સંસદ સુધીની તમામ સંસ્થાઓએ એક થઈને કામ કરવું પડશે તેવું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે સરકાર આરોપોથી ઘેરાયેલી હતી, જ્યારે અત્યારે આ સરકાર પાસે લોકો અપેક્ષા રાખી રહ્યાં છે. જ્યારે આશાઓ અપેક્ષામાં ફેરવાય છે, ત્યારે તે અમને સુરાજ તરફ આગળ વધવાની ઊર્જા આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ સરકારની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતાં નથી, પણ તેની કામ કરવાની શૈલી, અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ સુરાજની વિવિધ લાક્ષણિકતાઓમાં સંવેદનશીલતા, જવાબદારી, પારદર્શકતા, કાર્યદક્ષતા અને સુશાસનને સામેલ કર્યા હતા. તેમણે આ દરેક લાક્ષણિકતાઓને કેન્દ્ર સરકારની કામગીરીના ઉદાહરણ આપીને સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મુખ્ય હોસ્પિટલોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન, આવકવેરાના રિફંડમાં ત્વરિતતા, પાસપોર્ટ ડિલિવરીની પ્રક્રિયામાં ઝડપ, કંપનીનું ઝડપી રજિસ્ટ્રેશન તથા સરકારમાં ગ્રૂપ સી અને ડી પોઝિશન માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનો અંત લાવીને સુરાજ તરફ અગ્રેસર છે.

શાસનના આવશ્યક ક્ષેત્રોમાં કામગીરી કરવાની ઝડપ કેવી રીતે વધી છે તેના વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે ગ્રામીણ માર્ગોનું નિર્માણ, નવીનીકરણ ઊર્જાના ઉત્પાદનની ક્ષમતા, ટ્રાન્સમિશન લાઇન પાથરવી અને રાંધણ ગેસ કનેક્શન વગેરે ઉદાહરણ આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ ચોક્કસ ક્ષેત્રોમાં કામગીરી કેવી રીતે ઝડપથી આગળ વધી રહી છે તેના વિશે પણ વાત કરી હતી, જેમ કે જન ધન યોજના હેઠળ 21 કરોડ બેંક ખાતાઓ ખોલવા, ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ શૌચાલયોનું નિર્માણ અને ટૂંકા ગાળાંમાં વીજળીની સુવિધાથી વંચિત 10,000 ગામોને વીજળીની સુવિધા પૂરી પાડવી.

એલઇડી બલ્બોનો વિષય પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સામાન્ય માણસ એલઇડીનો ઉપયોગ કરવા સક્ષમ બને એ માટે તેની કિંમત નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એલઇડી બલ્બોના વ્યાપક ઉપયોગથી વીજળીની મોટી બચત થશે.

પ્રધાનમંત્રીએ સતત બે વર્ષ દુષ્કાળ પડવા છતાં અનાજના પર્યાપ્ત ઉત્પાદનની સુનિશ્ચિતતા કરવા ખેડૂતોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચાલુ વર્ષે અનાજના વાવેતરના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે સરકારે કૃષિ ક્ષેત્ર માટે અપનાવેલા સંકલિત અભિગમને સમજાવ્યો હતો, જેમાં સોઇલ હેલ્થ કાર્ડ, સિંચાઈ, સૌર પમ્પો, બિયારણો, ખાતરો પાક વીમા પર ધ્યાન કેન્દ્રિત કરવાની પહેલો સામેલ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકારનું ધ્યાન રાષ્ટ્રીય ઓળખનું નિર્માણ કરવા પર કેન્દ્રિત છે. સરકારનો ઉદ્દેશ સુધારણા કરવાનો, અસરકારક રીતે કામગીરી કરવાનો અને કાયાપલટ કરવાનો છે. સરકાર વાતો કરવાને બદલે કામ કરવા વધારે ધ્યાન આપે છે, એકાંગી વિકાસને બદલે સંકલિત વિકાસ પર ભાર મૂકે છે અને અધિકારને બદલે સશક્તિકરણ પર વધારે કેન્દ્રિત છે.

પ્રધાનમંત્રીએ તેમની સરકારે લાંબા સમયથી વિલંબિત કે સ્થગિત થયેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા કેવી કામગીરી કરી છે અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ માટે જરૂરી સમયમાં ઘટાડો થયો છે એ સમજાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ અસરકારક રીતે કામગીરીનો ચિતાર આપતા શેરડીના એરિઅર્સની મંજૂરી, એલપીજીના નવા કનેક્શન્સ તથા એર ઇન્ડિયા અને બીએસએનએલ જેવી સરકારી કંપનીઓએ કાર્યકારી નફો નોંધાવ્યા છે વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. પારદર્શકતા પર ભાર મૂકવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સબસિડીઓ ખરેખર જરૂરિયાતમંદોને મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ સુશાસનના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં દેશની પ્રગતિને સ્વીકૃતિ આપી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના કલ્યાણ માટે સંપૂર્ણ, સંકલિત અભિગમ હાથ ધર્યો છે, જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઉજ્જવલ યોજના જેવી યોજનાઓ સામેલ છે, જેનો ઉદ્દેશ મહિલાઓની શારીરિક, શૈક્ષણિક અને નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. આ સંબંધમાં તેમણે સરકારની અન્ય કેટલીક પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

સામાજિક એકતા માટે મજબૂત સંદેશ આપવામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક ભારતીય નાગરિકે રામાનુજાચાર્ય, મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાન સંતો, ફિલસૂફો અને વિચારકોએ આપેલા શાંતિ, એકતા અને બંધુતાના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારની વિવિધ પહેલો અને કાર્યક્રમો યુવા પેઢી માટે રોજગારીના સર્જનમાં પ્રદાન આપે છે. તેમણે જણાવ્યું હતું કે, મોડેલ શોપ અને સંસ્થા ધારો દરરોજ 24 કલાક દુકાનો ખોલવાની સુવિધા આપશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મોટા નિર્ણયો લેવામાં ખચકાટ અનુભવતી નથી. આ સંદર્ભમાં તેમણે વન રેન્ક, વન પેન્શન, નેતાજી (સુભાષચંદ્ર બોઝ)ના સંબંધમાં ફાઇલો જાહેર કરવી અને બાંગ્લાદેશ સાથે જમીન સરહદ સમજૂતીનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આતંકવાદીઓને શહીદ ગણાવવાના પ્રયાસો કરતાં લોકોની આકરાં શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આખું જગત ભારતના માનવતાવાદી અભિગમની પ્રશંસા કરશે અને તમામ આતંકવાદી પ્રવૃત્તિને એક અવાજે વખોડી કાઢશે.

પ્રધાનમંત્રીએ લોકોને દેશને આગળ લઈ જવા, દેશની પ્રગતિ કરવા કામ કરવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કેટલીક નવી પહેલોની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓનું પેન્શન દર મહિને રૂ. 25,000થી વધીને રૂ. 30,000 થશે. સરકાર સમગ્ર દેશમાં આદિવાસી સ્વતંત્રતા સેનાઓના સંગ્રહાલયો અને સ્મારકો ઊભા કરવા માટે કામ કરશે. સરકાર ગરીબોને હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવા માટેનો ખર્ચ પૂર્ણ કરવા રૂ. એક લાખ સુધીની સહાય આપશે.

J.Khunt/TR