પીએમઇન્ડિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શનિવારે ભારત સરકારમાં કાર્યરત 80 અધિક સચિવો અને સંયુક્ત સચિવોનાં જૂથને મળ્યાં હતાં તથા તેમની સાથે ચર્ચાવિચારણા કરી હતી. આ પ્રકારની પાંચ બેઠકો યોજવાની છે, જેમાં આ ત્રીજી બેઠક હતી.
આ બેઠક દરમિયાન અધિકારીઓએ કૃષિ, પીવાનું પાણી, નાગરિક-કેન્દ્રિત શાસન, શાસનમાં નવીનતા અને ટીમવર્ક, પ્રોજેક્ટનો અમલ, શિક્ષણ, ઉત્પાદન, આંતરિક સુરક્ષા અને સૌર ઊર્જા જેવા વિષયો પર પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ અમલ માટે તેમની ‘પ્રગતિ’ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉત્પાદન ક્ષેત્ર પર જણાવ્યું હતું કે, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટેની ઇકોસિસ્ટમ હવે તબીબી ક્ષેત્ર માટે જરૂરી ઉપકરણોનાં ઉત્પાદન પર કેન્દ્રિત થવી જોઈએ.
આ ચર્ચાવિચારણા દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારને એક ‘જીવંત એકમ’ બનાવવા માટે, સરકારમાં સકારાત્મક કાર્ય શૈલી જાળવી રાખવાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નવા કાયદા બન્યાં હોવાથી જૂનાં કાયદાની સમીક્ષા થવી જોઈએ અને જરૂર જણાય તો તેને દૂર કરવા જોઈએ.
અત્યારે દુનિયાભરમાં ભારત માટે ઊભા થયેલા સકારાત્મક વૈશ્વિક વાતાવરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ અધિકારીઓને વર્ષ 2022 સુધી ન્યૂ ઇન્ડિયા (નવા ભારત)નું નિર્માણ કરવા સ્પષ્ટ ઉદ્દેશો સાથે કામ કરવા જણાવ્યું હતું.
તેમણે અધિકારીઓને ભારતનાં 100 અતિ પછાત જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ ટકોર કરી હતી, જેથી આ જિલ્લાઓ વિકાસનાં વિવિધ માપદંડો પર રાષ્ટ્રીય સરેરાશ સ્તર સુધી પહોંચી શકે.
J.Khunt