Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીનો મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી નવેમ્બર, 2015થી 24મી નવેમ્બર, 2015 સુધી મલેશિયા અને સિંગાપોરની મુલાકાત લેશે.

ફેસબુક પરની પોસ્ટ્સ દ્વારા પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે :

“હું મલેશિયા અને સિંગાપોરના ચાર દિવસના પ્રવાસે જઈશ. મલેશિયામાં હું આશિયાન (એએસઈએએન) – ઈન્ડિયા સમિટમાં અને 10મી ઈસ્ટ એશિયા સમિટમાં હાજરી આપીશ. પ્રધાનમંત્રી શ્રી નજીબ રઝાક અને આ સમિટોમાં ભાગ લઈ રહેલા વિશ્વના અન્ય નેતાઓ સાથે વાર્તાલાપ કરીશ. ભારત-સિંગાપોરનાં રાજદ્વારી જોડાણોની 50મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા સમારંભ પ્રસંગે ભારત અને સિંગાપોર વચ્ચેનાં જોડાણો કેવી રીતે વધારી શકાય તે અંગે પ્રધાનમંત્રી શ્રી લી શીન લૂંગ સાથે ચર્ચા-વિમર્શ કરીશ.

મલેશિયા અને સિંગાપોરની મારી મુલાકાતોનો ઉદ્દેશ આ દેશો સાથે આપણાં આર્થિક જોડાણો વધુ સુદૃઢ કરવાનો તેમજ તેમની સાથે સુરક્ષા અંગે સહયોગ વધુ મજબૂત કરવાનો છે. તમે તમામ છેલ્લા સમાચારો અને છેલ્લી માહિતી આ મોબાઈલ એપ પરથી મેળવી શકો છો http://nm4.in/dnldapp

આપણી ‘એક્ટ ઈસ્ટ પોલિસી’માં મલેશિયા મુખ્યસ્થાને છે. વર્ષ 2010થી ભારત મલેશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. ભારતમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટો સહિત અન્ય ક્ષેત્રોમાં મલેશિયા મજબૂત રોકાણો ધરાવે છે. મલેશિયા સાથે ભારત પણ ખાસ કરીને કોમોડિટીઝના ક્ષેત્રે અત્યંત ગતિશીલ વેપાર ધરાવે છે.

મારા મલેશિયા પ્રવાસ દરમિયાન, હું પ્રધાનમંત્રી શ્રી નાજીબ રઝાકને મળીશ અને તેમની સાથે દ્વિપક્ષીય જોડાણો અંગે વાતચીત કરીશ. હું તોરણ ગેટના ઉદ્ઘાટન પ્રસંગે પણ હાજરી આપીશ અને મલેશિયાના વેપારજગત સાથે પણ વાતચીત હાથ ધરીશ.

મારી યાત્રામાં રામકૃષ્ણ મિશનની મુલાકાત, સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ અને બાતૂ કેવ (ગુફા) મંદિરની મુલાકાત પણ સામેલ છે.

20 લાખ કરતાં પણ વધુ ભારતીય મૂળના લોકો મલેશિયામાં વસે છે. એક સામુદાયિક કાર્યક્રમમાં તેમની સાથે વાતચીત કરીશ. વિદેશમાં વસેલા આપણા લોકોને તેમની સિદ્ધિઓ અને તેમણે બંને દેશોનાં સંબંધો ઘનિષ્ઠ બનાવવા આપેલા યોગદાન બદલ બિરદાવવા જ જોઈએ.

મલેશિયા પછી, હું સિંગાપોરની મુલાકાત લઈશ. આ મુલાકાત ભારત-સિંગાપોર વચ્ચે મજબૂત સંબંધોના 50 વર્ષના ખાસ પ્રસંગે યોજાઈ છે.

સિંગાપોર સાથેનાં ભારતનાં જોડાણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સિંગાપોર ભારતમાં અગ્રણી રોકાણકાર દેશ છે અને કેટલીક ભારતીય કંપનીઓ સિંગાપોરમાં પોતાનો કારોબાર વિસ્તારી રહી છે. સિંગાપોરની સફળતા ખરેખર નોંધ લેવા જેવી છે. શહેરી વિકાસ, શહેરી પરિવહન, કચરા-બગાડના વ્યવસ્થાપન, બંદરોના વિકાસ અને કૌશલ્ય વર્ધન માટે સિંગાપોરની સિદ્ધિઓ વિશ્વભરમાં જાણીતી છે. મારા આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે સહયોગ માટે આ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત હશે.

સિંગાપોરમાં મારો પ્રથમ કાર્યક્રમ એક પ્રવચનથી શરૂ થશે. ત્યાં રાષ્ટ્રપતિ શ્રી ટોની તાન કેંગ યામ, પ્રધાનમંત્રી શ્રી લી શીન લૂંગ અને માનદ વરિષ્ઠ મંત્રી શ્રી ગોહ ચોક તોંગ સાથે મારી વાતચીત થશે. અગાઉ મને અનેક પ્રસંગોએ આ લોકોને મળવાનો અવસર મળ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ શ્રી ટોની તાન કેંગ યામ ભારતની મુલાકાતે આવ્યા હતા.

અગ્રણી રોકાણકારો સાથેની બેઠક મુખ્યત્વે ભારતમાં રોકાણની તકો પર કેન્દ્રિત રહેશે. કૌશલ્ય વર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું આઈટીઈની મુલાકાત લઈશ. હું એસ્પ્લેનેડ પાર્ક ખાતે આઈએનએના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીશ.

સિંગાપોરમાં 3,50,000થી વધુ ભારતીયો વસે છે. 24મી નવેમ્બરની સાંજે એક સામુદાયિક કાર્યક્રમમાં હું તેમની સાથે વાતચીત કરીશ. મને ખાતરી છે કે મારા સિંગાપોર પ્રવાસને પગલે ભારત-સિંગાપોર વચ્ચે સહયોગ વધશે અને તેનાથી બંને દેશો, એશિયા અને સમગ્ર વિશ્વને લાભ થશે.

21મી નવેમ્બર, શનિવારે, હું આશિયાન-ભારત સમિટમાં ભાગ લઈશ. આટલાં વર્ષોમાં આશિયાન (દક્ષિણ-પૂર્વ એશિયાના) દેશો સાથે ભારતની સહભાગિતા અત્યંત મહત્ત્વપૂર્ણ બની છે. આશિયાન ભારતનું ચોથું સૌથી મોટું વેપાર ભાગીદાર છે અને ભારત, આશિયાનનું છઠ્ઠું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આપણા વેપાર અને રોકાણો નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. છતાં, આપણે હજુ વેપાર અને આર્થિક જોડાણો વધારવા ઈચ્છીએ છીએ. એ જ દિવસે યોજાનાર આશિયાન બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન હું ભારતમાં ઘનિષ્ઠ આર્થિક સહયોગ અને રોકાણની તકો વિશે વિસ્તૃત વાત કરીશ.

આસિયાન દેશોએ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી આવકારી છે અને આપણે સંરક્ષણ, સુરક્ષા અને સાંસ્કૃતિક જોડાણો જેવાં ક્ષેત્રોમાં આશિયાન દેશો સાથે વધુ સારાં સંબંધો બાંધવા અત્યંત ઉત્સાહિત છીએ. ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સુદૃઢ જોડાણો ચાલુ સદીને એશિયન સેન્ચ્યુરી બનાવવાના આપણા સંયુક્ત સ્વપ્નને ભારે વેગ આપશે.

22મી નવેમ્બર, 2015ના રોજ 10મી ઈસ્ટ એશિયા સમિટ યોજાશે. ભારત માટે આ સમિટ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને આ સમિટની અગાઉની નવ આવૃત્તિઓમાં ભારતે પ્રધાનમંત્રી કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે.

આ સમિટ કટોકટી સમયે યોજાઈ રહી છે, જેમાં અમે સુરક્ષાનાં ધરબાયેલાં મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આતંકવાદના તોળાઈ રહેલા ભય અને પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિ પણ ચર્ચાનો ભાગ રહેશે. સમિટ ઉપરાંત વિશ્વના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ રહેશે.

મલેશિયા અને સિંગાપોરમાં સામુદાયિક કાર્યક્રમો માટે તમારા વિચારો અને માહિતી જણાવો. તમે આ માટે મોબાઈલ એપ વાપરી શકો છો. જે લોકોએ પોતાના વિચારો – માહિતી જણાવ્યા હશે, તેમાંથી મલેશિયા અને સિંગાપોરમાં વસતા કેટલાકને હું મળીશ.http://nm4.in/dnldapp

લંડનમાં વેમ્બ્લી સ્ટેડિયમ ખાતેના સામુદાયિક કાર્યક્રમમાં પણ મેં આવી જ વિનંતી કરી હતી અને મને ખૂબ સારો અનુભવ થયો. મને અત્યંત કિંમતી અને નવાં વિચારો-માહિતી મળ્યાં. ભાગ લેનારા કેટલાક લોકોને હું મળ્યો પણ હતો.

J.khunt