પીએમઇન્ડિયા
વિશિષ્ટ મહેમાનો,
ઝિન ચાઓ
મને અને મારા પ્રતિનિધિમંડળના સભ્યોને ઉષ્માસભર આવકાર આપવા બદલ હું વિયેતનામ સરકાર અને તેના નેતૃત્વની કદર કરું છું.
મિત્રો,
વિયેતનામમાં મારી મુલાકાતનો ઉદ્દેશ બે મહાન રાષ્ટ્ર અને બે મહાન સમાજ વચ્ચેના સંબંધનું સંવર્ધન કરવાનો છે. આપણા બંને દેશો વચ્ચેના સંબંધોના મૂળમાં 2,000 વર્ષના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. આ સાંસ્કૃતિક સંબંધો ઘણી બધી રીતે આપણા સંબંધોનું ઊંડાણ પ્રતિબિંબિત કરે છે. બંને રાષ્ટ્રોના સંબંધોનો સૌથી મોટો પુરાવો વિયેતનામમાં બૌદ્ધ સંપ્રદાયનો પ્રસાર અને હિંદુ ચામ સંસ્કૃતિના સ્મારકો છે. છેલ્લાં થોડા દાયકાઓમાં બંને દેશની જનતાની પ્રગતિ અને વિકાસ માટેની મજબૂત ઇચ્છાએ આપણા સંબંધને વધુ મજબૂત કર્યો છે, એક નવી દિશા આપી છે. ભારતમાં અમે અમારા જ્ઞાન, અમારા અનુભવો અને અમારી કુશળતાને અન્ય વિકાસશીલ દેશો સાથે વહેંચવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. છેલ્લા ચાર દાયકામાં વિયેતનામ સાથે અમારા બહુપરિમાણીય દ્વિપક્ષીય સહકારની સફળતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણા સહકારની પ્રચંડ અસરનું શ્રેષ્ઠ ઉદાહરણ કુલ લોંગ ડેલ્ટા રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. ભારતે મેકોંગ મુખત્રિકોણ પ્રદેશમાં સંસ્થા સ્થાપિત કરવા માટે મદદ કરી હતી, કૃષિ નિષ્ણાતોને મોકલ્યા હતા અને ભારતમાં સંસ્થાના ફેકલ્ટીને તાલીમ આપી હતી. અત્યારે વિયેતનામ દુનિયામાં ચોખાનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. વિશ્વમાં ચોખાના મુખ્ય ઉત્પાદક અને નિકાસકાર દેશ તરીકે બહાર આવેલા વિયેતનામના ભાગીદાર હોવાની અમને ખુશી છે.
મિત્રો,
ભારત અને વિયેતનામે ભાગીદાર રાષ્ટ્રો તરીકે પ્રદેશમાં નવા પડકારોનો સંયુક્તપણે સામનો કરવા આપણા બંનેની લાભદાયક બાબતોનો લાભ લેવો જોઈએ. તે ખરેખર ગર્વની બાબત છે કે આપણે હવે આપણા સંબંધોને “વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદાર” તરીકે નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે આપણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 45મી વર્ષગાંઠ અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપનાની 10મી વર્ષગાંઠ ઉજવીશું. હવે થોડા મહિનાઓમાં આપણે સંયુક્તપણે આ સફળતાની ઉજવણી કરીશું.
મિત્રો,
મારું માનવું છે કે ભારત અને વિયેતનામની મજબૂત ભાગીદારી આપણી જનતા તથા સંપૂર્ણ પ્રદેશને સમૃદ્ધિ, વિકાસ, શાંતિ અને સ્થિરતા તરફ દોરી જશે. વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મજબૂત આધારસ્તંભ છે. આપણા દ્વિપક્ષીય સંબંધો મજબૂત પારસ્પરિક વિશ્વાસ અને સમજણ તથા વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વૈચારિક સમાનતા પર આધારિત છે.
મહામહિમ, ભાઈઓ અને બહેનો
મને
• સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી ગુયેન ઝુઆન ફુક અને અહીં ઉપસ્થિત તમારા બધા માટે સુખ, શાંતિ અને સ્વસ્થતાના કલ્યાણની શુભેચ્છા પાઠવતા ખુશી થાય છે;
• વિયેતનામના નેતૃત્વ અને તેની જનતાની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા આનંદ થાય છે; અને
• હું ભારત અને વિયેતનામ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો અમર રહે તેવી કામના કરું છું.
TR