Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રિક્સ નેતાઓના પૂર્ણ અધિવેશનને પ્રધાનમંત્રીનું સ્વાગત ઉદબોધન

બ્રિક્સ નેતાઓના પૂર્ણ અધિવેશનને પ્રધાનમંત્રીનું સ્વાગત ઉદબોધન


મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ, મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી જેકોબ ઝુમા, મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી મિશેલ ટેમેર, મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન,

પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

1.25 અબજ ભારતીયો વતી હું ફરીવાર ગોવામાં આઠમા બ્રિક્સ શિખર સંમેલનમાં આપ સહુનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરું છું.
બ્રિક્સ નેતાઓના પૂર્ણ અધિવેશનના યજમાન બનવાનું સન્માન મને મળ્યું છે. દિવસની શરૂઆતમાં આપણા આદાન-પ્રદાન ફળદાયી રહ્યા હતા.

આ અધિવેશનનું ચણતર તેના પર આગળ ધપવું જોઈએ અને બ્રિક્સ માટે સક્રિય કાર્યસૂચિ પર ગંભીરતાપૂર્વક વિચારણા થવી જોઈએ.

બ્રિક્સ દેશોના આંતરિક સંબંધના પદચિહ્નો સમય જતા આર્થિક પ્રવૃત્તિના વિશાળ ક્ષેત્રોને સામેલ કરવા માટે વધુ વિસ્તર્યા છે.
આજે આપણી ભાગીદારીની તકો કૃષિથી માંડીને ઉદ્યોગ અને નવિનીકરણ, વેપારથી માંડીને પ્રવાસન, પર્યાવરણથી માંડીને ઊર્જા, ચલચિત્રોથી માંડીને ફૂટબૉલ, કૌશલ્ય વિકાસથી માંડીને સ્માર્ટ સીટીઝ અને આપણા દેશના લોકોને સલામત કરવા માટે ભ્રષ્ટાચાર સામેની લડતથી માંડીને નાણાંની ગેરકાયદેસર હેરાફેરી સુધી ફેલાઈ છે.

આ વર્ષે, અમે બ્રિક્સને અમારા શહેરો અને પ્રાંતો સુધી લઈ ગયા છીએ અને સમાજના વિભિન્ન વર્ગોના લોકો સાથે તેને સીધેસીધા સાંકળ્યા છે.

મહામહીમ,

બ્રિક્સ (વિકસતા દેશો – બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનું સંગઠન) હેઠળ આપણી ભાગીદારીના 10 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. સહયોગના દાયકાને પરિણામે સહકારના મજબૂત લાભો મળ્યા છે.

આપણે આપણી પહેલો અને સિદ્ધિઓ માટે ગર્વ લેવાના હકદાર છીએ.

ન્યુ ડેવલપમેન્ટ બેન્ક અને કન્ટિન્જન્સી રિઝર્વ એરેન્જમેન્ટની સ્થાપના ખરેખર નોંધપાત્ર સિદ્ધિઓ છે.

સલામતીના નવા પડકારો અને સતત આર્થિક અનિશ્ચિતતાઓના વિશ્વમાં બ્રિક્સ દેશો શાંતિ, સંભાવના અને વચનોની દીવાદાંડી સમાન ઊભા છે.

વિકસતા વિશ્વ માટે આપણા કાર્યો ઘણા મહત્ત્વપૂર્ણ બન્યા છે.

છેલ્લા એક વર્ષમાં, બ્રિક્સ દેશોએ પરિવર્તન અને વિકાસ માટેના વૈશ્વિક એજન્ડાને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે.
એજન્ડા 2030, પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ અને અદિસ અબાબ એક્શન એજન્ડા ઑન ફાયનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ સાથે આપણા જોડાણ હેતુપૂર્વકના અને ફળદાયી રહ્યા છે.

અને, આપણે વૈશ્વિક શાસન પ્રણાલિઓમાં પરિવર્તનને આગળ ધપાવવામાં મોખરે રહ્યા છીએ.

મહામહીમ,

આપણી નોંધપાત્ર સિદ્ધિઓ છતા, આપણે સકારાત્મક દિશા તેમજ બ્રિક્સ દેશોના આંતરિક સંબંધોનો મજબૂત વેગ જાળવી રાખવાની જરૂર છે.

આપણે તેને હજુ વધુ હેતુસભર બનાવવાની જરૂર છે.

કેટલાક વિચારો પર હું આપ સહુનું ધ્યાન દોરવા માગું છું.

પહેલું, બ્રિક્સમાં સંસ્થા નિર્માણની પ્રક્રિયા કેન્દ્ર સ્થાને ચાલુ રહેવી જોઈએ.

આપણે જે સંસ્થાઓનું નિર્માણ કરીએ, તે આપણા દેશો અને પ્રદેશોના વિકાસને સહાયરૂપ હોવી જ જોઈએ.

એમને વધુ લવચીકતા અને સ્વાતંત્ર્ય આપવું જોઈએ તેમજ આપણી વિકાસલક્ષી પ્રાથમિકતાઓને પ્રતિસાદ આપવા માટે તેમને વ્યાપક પસંદગીઓ આપવી જોઈએ.

બ્રિક્સ ક્રેડિટ રેટિંગ એજન્સીનો વિચાર હકીકતમાં પરિવર્તિત થાય તેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

બ્રિક્સ એગ્રિકલ્ચર રિસર્ચ સેન્ટર, બ્રિક્સ રેલવે રિસર્ચ નેટવર્ક અને બ્રિક્સ સ્પોટર્સ કાઉન્સિલ સ્થાપવાના કાર્યોમાં પણ ઝડપ વધારવી જોઈએ.

કરચોરી અટકાવવા માટે ધોરણો ઘડવા, માળખા રચવા અને આપણી ક્ષમતાઓને એકત્રિત કરવાની તેમજ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે લડવાની જરૂરિયાત પણ સ્પષ્ટપણે વરતાય છે.

આપણી એજન્સીઓએ પણ કરચોરી કરનારાઓ તેમજ નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓને કાયદાને હવાલે સોંપવા માટે માહિતીની આપ-લેનું તંત્ર સ્થાપિત કરવાની પણ જરૂર છે.

આજની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવા માટે વૈશ્વિક શાસન સંસ્થાનોને સશક્ત બનાવવા માટે બ્રિક્સ દેશોએ દબાણ કરવું જોઈએ.

બીજું, બ્રિક્સ દેશોમાં આંતરિક વેપાર અને રોકાણના જોડાણોની માત્રા અને ગુણવત્તામાં પરિવર્તન જરૂરી છે.

વર્ષ 2015માં બ્રિક્સ દેશોના આંતરિક વેપાર 250 અબજ અમેરિકન ડોલર નોંધાયા હતા.

આપણે પોતે જ ટાર્ગેટ બાંધવું જોઈએ કે વર્ષ 2020 સુધીમાં આ આંકડો બમણો કરીને 500 અબજ અમેરિકન ડોલરનો વેપાર નોંધાવીશું.

આના માટે તમામ પાંચેય દેશોમાં વ્યાપાર અને ઉદ્યોગમાં પરસ્પર સંબંધો વધુ ઘનિષ્ઠ બનવા જોઈએ.

અને, સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે સહાયરૂપ બનવું જોઈએ. કરવેરા અને કસ્ટમ બાબતે સહકારના માળખા માટે આપણી સમજૂતી એક સારી શરૂઆત છે.

નવી દિલ્હીમાં હમણાં જ બ્રિક્સ ટ્રેડ ફેર અને એક્ઝિબિશન સંપન્ન થયા. વ્યાપારને લગતા આદાન-પ્રદાન માટે આવા મેળાઓ નિયમિતપણે યોજાવા જોઈએ.

અને, આ ઉદ્દેશ માટે સહાયભૂત થવા માટે બ્રિક્સ ન્યુ ડેવલપમેન્ટ બેન્કે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

તે આપણા નાના અને મધ્યમ કદના એકમો (એસએમઈ)ને વૈશ્વિક કિંમત સાંકળ સાથે જોડવામાં પણ મદદગાર બની શકે છે. આપણે દોહા ડેવલપમેન્ટ રાઉન્ડ અને ડબલ્યુટીઓની કેન્દ્રીય ભૂમિકા જળવાઈ રહે તે માટે પણ વધુ સહયોગ આપવો જોઈએ.
સાથે સાથે, આપણે જી-ટ્વેન્ટી, ડબલ્યુટીઓ અને અન્ય સંગઠનોમાં આપણો સહકાર અને સંપાત વધારવા જોઈએ.
ભારતે ડબલ્યુટીઓમાં ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ ફોર સર્વિસીઝ રજૂ કર્યું છે.

તેમાં સેવાઓના ઉદારીકરણના લાભ વધારવા અને વિકસતા દેશો સાથે વેપાર કરવા જણાવાયું છે.

આ દરખાસ્તને બ્રિક્સ દેશોનો મજબૂત ટેકો આપણા સામુહિક આર્થિક હિતમાં રહેશે.

ત્રીજું, આપણા આર્થિક પરિવર્તનોની મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું.

બ્રિક્સ દેશોની અર્થવ્યવસ્થાઓ માટે શહેરીકરણ, માળખાકીય સેવાઓ અને નવિનીકરણ ધ્યાન પર લેવાના મુખ્ય વિસ્તારો રહ્યા છે.
ભારતની આગેવાની હેઠળ, આપણે ડિજિટલ-ટેકનોલોજી, સ્માર્ટ-સીટીઝ, શહેરીકરણ, અને આપણા શહેરો વચ્ચે સહયોગ પર વધુ ભાર મૂક્યો છે.

આગામી એક અબજ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ ઉભરતા બજારોમાંથી આવશે.

આપણે પરસ્પર સહકાર દ્વારા આપણી અર્થવ્યવસ્થાઓના મૂળભૂત માળખાને પરિવર્તિત કરવાની આ તક ઝડપી લેવી જોઈએ.

ચોથું, આપણા દેશના લોકોને સલામતી આપો.

આપણે અત્યારે જે વિશ્વમાં વસીએ છીએ, ત્યાં જો આપણા દેશના નાગરિકોના જીવનને સુરક્ષિત બનાવવું હોય તો, સલામતિ અને ત્રાસવાદને નાથવા માટે સહયોગ આવશ્યક છે. આતંકવાદ આપણા વિકાસ અને આર્થિક સમૃદ્ધિ પર મોટું ગ્રહણ બને છે. તેની પહોંચ વૈશ્વિક છે. એ વધુ પ્રાણઘાતક બની રહ્યો છે અને ટેકનોલોજી વાપરવામાં નિષ્ણાત છે.

એટલે જ, આતંકવાદને આપણો પ્રતિભાવ માત્ર સર્વગ્રાહી જ હોઈ શકે.

અને, વ્યક્તિગત રીતે, તેમજ સામુહિક રીતે, બંને પ્રકારે સક્રિય બનવાની જરૂર છે. આતંકવાદ સામે વ્યક્તિગત કે સંસ્થાકીય ધોરણે પસંદગીના અભિગમો માત્ર નિરર્થક જ નહીં, પરંતુ પરિણામથી વિરુદ્ધના બની રહેશે.

કૃત્રિમ કે પોતાની મેળે બજાવેલી સેવાઓના આધારે કોઈ વિશેષ યોગ્યતા ન હોવી જોઈએ.

આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે શિક્ષાત્મક પગલા માટે માત્ર ગુનેગારી જ આધાર તરીકે હોવી જોઈએ.

આતંકવાદને નાણાંકીય ટેકો આપતા, તેમને હથિયારો પૂરા પાડતા, તાલીમ અને રાજકીય ટેકો આપતા લોકો – દેશોનો રીતસર બહિષ્કાર કરવો જોઈએ.

આ સંદર્ભે, આપણે આપણા નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સ વચ્ચે સલામતિનો સહકાર વધુ ઘનિષ્ઠ બનાવવો જોઈએ.

કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન ઑન ઈન્ટરનેશનલ ટેરરિઝમના મુસદ્દાનો વહેલી તકે સ્વીકાર કરવાનો મતલબ હશે કે આપણે આ જોખમ સામે લડત આપવા આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

પાંચમું, વ્યક્તિથી વ્યક્તિનું આદાન-પ્રદાન વધારવું બ્રિક્સનો આધાર બની ગયો છે.

તેનાથી આપણી ભાગીદારીમાં વેગ અને વિપુલતા આવ્યા છે. અમે આ વર્ષે આ આયામ પર વધુ ભાર મૂકવાનું નક્કી કર્યું છે.
બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ, ટ્રેડ ફેર, ટુરિઝમ કન્વેન્શન, સ્પોટર્સ કાઉન્સિલ, ફૂટબૉલ ટૂર્નામેન્ટ અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ લાખો યુવા ભાગીદારો ઊભા કરવામાં મદદગાર નીવડશે, જેનાથી છેવટે આપણી ભાગીદારી વધુ મજબૂત બનશે.

મહામહીમ,

હું બ્રિક્સના મારા સાથી નેતાઓ પાસેથી વધુ મજબૂત, વધુ ઘનિષ્ઠ અને વધુ ગતિમાન બ્રિક્સ સમુદાય માટેના તેમના વિચારો સાંભળવા આતુર છું.

આપે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સહુનો આભાર.

આભાર.

AP/JKhunt/TR/GP