Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ના 139મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2026)


મારા પ્રિય દેશવાસીઓ, 

‘મન કી બાત’માં ફરી એક વાર આપ સહુનું સ્વાગત છે. આજથી 12 વર્ષ પહેલાં, વિજયાદશમીના પાવન અવસરે, આપણે ‘મન કી બાત’ની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી આપણી આ યાત્રા અવિરતપણે ચાલુ છે. આ માર્ગ પર તમે અમારા સહયાત્રી છો અને માર્ગદર્શક પણ આપ જ છો.  સાથીઓ, મારા માટે ‘મન કી બાત’ એ આપણા દેશના સામાન્ય નાગરિકોના પરિશ્રમ, તેમના પરાક્રમ, તેમની પ્રતિબદ્ધતા, તેમના સમર્પણ અને સેવાભાવનું ગૌરવગાન કરવાની એક અદ્ભુત તક રહી છે. આપણા દેશમાં લાંબા સમયથી ‘તીર્થયાત્રા’ની પરંપરા રહી છે. મારા માટે, ‘મન કી બાત’ પણ દેશના લોકોના પ્રયાસોને નજીકથી જાણવાની અને તેમના યોગદાનને નમન કરવાની એક તીર્થયાત્રાથી ઓછી નથી. સાથીઓ, જે લોકો સમાજ અને રાષ્ટ્ર માટે જીવે છે, તેઓ પોતે એક ‘તીર્થ’નું સ્વરૂપ જ છે. છેલ્લાં 12 વર્ષોમાં, દેશના ખૂણેખૂણેથી આવા અનેક લોકો સામે આવ્યા છે—જેમનાં અસાધારણ કાર્યો પર ઘણીવાર સમાજનું ધ્યાન જતું નથી. ‘મન કી બાત’એ આવી અગણિત પ્રેરણાદાયી કથાઓને તમારા બધા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

સાથીઓ, 

હું આ કાર્યક્રમના માધ્યમથી એક રીતે દેશની લોકશક્તિની આરાધના કરું છું. મને તેના માધ્યમથી દેશના દરેક પરિવાર સાથે જોડાવાની તક આપે છે. મને એવા સેંકડો સંદેશાઓ મળે છે, જેમાં લોકો જણાવે છે કે ‘મન કી બાત’ સાંભળતી વખતે તેમને એવું લાગે છે કે જેમાં હું તેમની વચ્ચે—તેમના પોતાના ઘરમાં—હાજર હોઉં અને તેમના પરિવારના જ એક સભ્યની જેમ તેમની સાથે સંવાદ કરી રહ્યો હોઉં. મારા માટે, તમારા બધા શ્રોતાઓની—આ આત્મીયતા, તમારો સ્નેહ ઘણી અમૂલ્ય મૂડી છે.

મારા વહાલા દેશવાસીઓ, 

આપણા રાષ્ટ્રમાં એવાં અનેક પરંપરાગત કૌશલ્યો છે જે પેઢીઓથી આપણી ઓળખનો હિસ્સો રહ્યાં છે. અને સુખદ એ છે કે આ પરંપરાઓસાથે જોડાઈને અનેકવિધ નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે જેને આજના સમયને અનુરૂપ આગળ વધારવામાં આવી રહ્યા છે. પંજાબમાં લાંબા સમયથી આવી જ એક પહેલ ચાલી રહી છે, જ્યાં ‘ખેતી વિરાસત મિશન’ નામની સંસ્થાએ જૈવિક ખેતી અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓમાં નવો પ્રાણ ફૂંકવાનું શરૂ કર્યું છે. આ ટીમના સભ્યો પંજાબના માલવા ક્ષેત્રમાં કપાસની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાગતા હતા. આ પહેલને નામ આપવામાં આવ્યું- ‘નવ-ત્રિંન્જન.

આ પહેલ હેઠળ, કોઈ પણ પ્રકારનાં રસાયણોના ઉપયોગ વિના જૈવિક કપાસ ઉગાડવામાં આવે છે. અહીં પ્રાકૃતિક રંગોવાળા કપાસને પણ ઉગાડવામાં આવે છે.  તેમાંથી બનતા દોરા અને કાપડને રંગવા માટે વધારાનાં રસાયણોની આવશ્યકતા રહેતી નથી. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી પર્યાવરણને કેટલી મોટી સહાય મળી રહી છે. 

સાથીઓ, 

થોડાં વર્ષો પહેલાં ‘નવ-ત્રિન્જન’ દ્વારા વણાટની એક શાળા પણ શરૂ કરવામાં આવી. તેનો ઉદ્દેશ્ય વણાટની કળા નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ શાળાએ ઘણી મહિલાઓના જીવનમાં પરિવર્તન આણ્યું છે; રમનદીપ કૌર તેનું એક ઉદાહરણ છે. તેઓ અગાઉ મજૂર તરીકે કામ કરતાં હતાં, પરંતુ આ શાળામાં પ્રશિક્ષણ લીધા પછી, આજે તેમની ઓળખ એક કુશળ વણકર તરીકે છે. રેખા રાનીજીએ પ્રશિક્ષણ લેતા પહેલાં  ક્યારેય હાથશાળ જોઈ પણ નહોતી. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી એક શાલ ભારતનાં માનનીય રાષ્ટ્રપતિને ભેટ તરીકે આપવામાં આવી છે. તેવી જ રીતે, સુનેહા દેવી જી પહેલાં ઘરોમાં કામ કરતાં હતાં, પરંતુ આજે તેઓ હાથશાળ પર ઉત્કૃષ્ટ કાપડ તૈયાર કરે છે. રજની કૌરજી અગાઉ ખેતરોમાં શ્રમ પર નિર્ભર હતાં; પરંતુ હવે, નવી કુશળતાએ તેમને ઘર ચલાવવામાં ઘણી મદદ કરી છે. શાળામાંથી પ્રશિક્ષણ મેળવ્યા બાદ, આવી ઘણી મહિલાઓ અત્યારે સ્વદેશી જૈવિક કપાસમાંથી બનાવેલા સૂતરનો ઉપયોગ કરીને શાલ, ટુવાલ અને અન્ય વસ્ત્રો તૈયાર કરી રહી છે. આ પ્રયાસો તેમના જીવનમાં વધુ સમૃદ્ધિ લાવી રહ્યા છે.

થોડા મહિનાઓ પહેલાં, ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ (National Handloom Day) નિમિત્તે મને આ ટીમ સાથે મુલાકાત કરવાની તક મળી હતી. તે દરમિયાન, મેં તેમના કામ પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને સમર્પણ ભાવ જોયો. હું સમગ્ર ટીમને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

મારા વહાલા દેશવાસીઓ, 

પ્રકૃતિનો આદર કરવાની આપણી એક લાંબી પરંપરા રહી છે. આપણા પૂર્વજોએ આપણને શીખવ્યું છે કે આપણી આસપાસ સ્વચ્છતા જાળવવી અને જળસ્ત્રોતોની સંભાળ રાખવી એ આપણી પોતાની જવાબદારી છે. મને એ જોઈને આનંદ થાય છે કે દેશભરમાં એવા ઘણા લોકોએ આ ભાવનાને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધી છે. આવો જ ભાવ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં પણ જોવા મળે છે. અહીંના લોકોએ ભેગા મળીને એક નદીને નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે. આ નદી છે ‘હેવલ’ (Havel). થોડા સમય પહેલાં, હેવલ નદીમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું હતું અને આસપાસના વિસ્તારોમાં આવેલા કુદરતી જળસ્ત્રોતો પણ સુકાઈ રહ્યા હતા. આવામાં, સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામજનોએ સાથે મળીને હેવલ નદીને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન, વરસાદના પાણીને રોકવાના ઉપાય થયા, જમીનમાં પાણી પહોંચાડવા માટે કામ થયું અને મોટી સંખ્યામાં રોપાઓ વાવવામાં આવ્યા. આજે, આ પ્રયાસોથી, હેવલ નદીને નવું જીવનદાન મળ્યું છે અને સાથે ડઝનેક કુદરતી જળસ્ત્રોતોના પુનર્જીવનમાં પણ મદદ મળી છે.

સાથીઓ, 

જ્યારે સમાજ આવી ભાવના સાથે એકસંપ થાય છે, ત્યારે પરિવર્તન નિશ્ચિત બની જાય છે. તેની એક ઝલક આપણે આપણા તહેવારોમાં પણ જોઈએ છીએ. થોડા જ દિવસોમાં દિવાળી અને છઠ જેવા શુભ તહેવારો આવી રહ્યા છે. તેના માટે ઠેકઠેકાણે સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે. આપણે જ્યાં રહીએ છીએ તે વિસ્તારોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખીએ તે આવશ્યક છે. આપણા નાના-નાના પ્રયાસો જ આપણા આસપાસ મોટું પરિવર્તન લાવી શકે છે.

મારા વહાલા દેશવાસીઓ, 

તહેવારોની આ ઋતુમાં તમે બધાએ તમારી આસપાસ એક બદલાવ જરૂર અનુભવ્યો હશે. લોકો હવે ખરીદી કરતી વખતે સ્વદેશી ઉત્પાદનોને ખૂબ મહત્વ આપવા લાગ્યા છે. ‘વૉકલ ફોર લૉકલ’ની આ ભાવના હવે આપણાં ઉત્પાદનોને વૈશ્વિક બજારો સુધી પહોંચાડી રહી છે. બિહારના પૂર્ણિયાના મખાના હવે ગ્રીસ પહોંચી રહ્યા છે. કર્ણાટકના કલબુર્ગીની તુવેર દાળ હવે માલદીવ જઈ રહી છે — અર્થાત્, ભારતના ખેડૂતો માટે  દુનિયામાં નવાં બજારો ખુલી રહ્યાં છે. 

સાથીઓ, 

સ્થાનિક ઉત્પાદનોની ચર્ચા કરવાની સાથે, હું એક બીજા વિષય પ્રત્યે તમારું ધ્યાન લઈ જવા માગું છું. કોઈ પણ ઉત્પાદનની ગુણવત્તાની સાથે જ તેનું પેકેજિંગ પણ ઘણું મહત્ત્વનું છે. અનેક વાર આપણે બજારમાં કોઈ ચીજ જોઈએ છીએ તો તેના સારા પેકેજિંગને જોઈને જ તેને હાથમાં ઉઠાવી લઈએ છીએ. આપણે પેકેજિંગને જોઈને જ તે ઉત્પાદન વિશે જાણવા માગીએ છીએ. આ વાતને સમજીને હવે પેકેજિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છું. 

સાથીઓ, 

મહારાષ્ટ્રમાં આદિવાસી સમુદાયોએ પોતાના બનાવેલા ઉત્પાદનોના પેકેજિંગ પર બહુ ધ્યાન આપ્યું છે. અહીં ‘શબરી નેચરલ્સ’ દ્વારા મધ, મહુઆ, ચારોળી  અને વાંસથી બનેલા ઉત્પાદનો બજારમાં લાવવામાં આવી રહ્યાં છે. તેના પેકેજિંગ પર આદિવાસી કળાની છાપ છે.

તમને જાણીને આનંદ થશે કે આ પેકેજિંગને જાપાનનો પ્રતિષ્ઠિત ‘ગુડ ડિઝાઈન એવોર્ડ’ મળ્યો છે. આપણા યુવાનો પણ આ ક્ષેત્રમાં નવા પ્રયોગો કરી રહ્યા છે. કર્ણાટકમાં એક ‘બામ્બૂ’ સ્ટાર્ટ અપ, વાંસ અને કૃષિ કચરામાંથી પેકેજિંગ સામગ્રી તૈયાર કરી રહ્યું છે.

સાથીઓ, 

જ્યારે સ્થાનિક ઉત્પાદનોની વાત થાય છે તો ખાદીનો ઉલ્લેખ થવો સ્વાભાવિક છે. ગત ગાંધી જયંતીના રોજ, કેવળ એક જ દિવસમાં ખાદી ગ્રામોદ્યોગનાં ઉત્પાદનોનું વેચાણ 28 કરોડ રૂપિયાથી પણ વધી ગયું હતું. તે ગયા વર્ષ કરતાં દોઢ કરોડ રૂપિયા વધુ છે; બીજા શબ્દોમાં કહીએ તો, ખાદીની લોકપ્રિયતા નિરંતર વધતી જાય છે અને તેનો લાભ એવા લોકો સુધી પહોંચી રહ્યો છે, જેમની કુશળતા અને મહેનતથી ખાદીની હસ્તકલા જેવી અનેક વસ્તુઓનું સર્જન થાય છે. 

સાથીઓ, 

તહેવારો પર આપણે આપણા પરિવાર અને પ્રિયજનો માટે ઘણી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. આ વખતે પણ, જ્યારે તમે ખરીદી કરો ત્યારે સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને પ્રાધાન્ય આપજો.
મારા વહાલા દેશવાસીઓ, 

આપણા રાષ્ટ્રના લોકોની એક મોટી વિશેષતા એ છે કે આપણે નવી ટૅક્નૉલૉજીને ખૂબ જ ઝડપથી અપનાવી લઈએ છીએ. આપણે સહજ રૂપે ટૅક્નૉલૉજીને આપણા દૈનિક જીવનમાં વણી લઈએ છીએ. ‘ઈ-સંજીવની યોજના’ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે લોકોનું જીવન સરળ બનાવવા માટે ટૅક્નૉલૉજીનો કેટલી અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.

મને એ જોઈને ઘણો સંતોષ થાય છે કે, આના માધ્યમથી અત્યાર સુધીમાં લગભગ 50 કરોડ ટેલી-કન્સલ્ટેશન કરવામાં આવ્યા છે. આ આંકડો ઘણો મોટો છે. ટૅક્નૉલૉજીની શક્તિ, આપણા તબીબોમાં રહેલી સેવાભાવના અને આપણા નાગરિકોએ તેમાં મૂકેલા વિશ્વાસનું એક ઉત્તમ ઉદાહરણ છે.

સાથીઓ, 

આજે ‘ઈ-સંજીવની’ સેવા તેના વિશાળ નેટવર્ક દ્વારા દેશના સૌથી અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગઈ છે. જે લોકોએ આ સેવાનો લાભ લીધો છે, તેમની કથાઓ સાંભળીને તમે ચોક્કસ ભાવુક થઈ જશો. આંદામાન-નિકોબારના બારાટૉંગ ટાપુ પર રહેતા ‘જારવા’ આદિવાસી સમુદાયના બાળક ઓહો-તાહાનેને ખૂબ તેજ તાવ આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ પરિસ્થિતિમાં, સ્થાનિક આરોગ્યકર્મીઓએ ‘ઈ-સંજીવની’દ્વારા એક નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કર્યો. બાળકને ન્યુમોનિયા હતો, અને જેવો તે નિષ્ણાત ડૉક્ટરની સારવાર હેઠળ આવ્યો, તેની સ્થિતિમાં ઝડપથી સુધારો થવા લાગ્યો.

સાથીઓ, 

લક્ષદ્વીપના કલ્પેનીમાં રહેતા લગભગ 60 વર્ષીય કુન્હી કોયાજીની તબિયત એક દિવસ અચાનક બગડી ગઈ. ‘ઈ-સંજીવની’ના માધ્યમથી, સમુદ્રની પેલે પાર કવરત્તીમાં રહેતા એક અનુભવી ડૉક્ટર સાથે સંપર્ક કરવામાં આવ્યો. તે અનુભવી ડૉક્ટરે સ્થાનિક તબીબી ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને કુન્હી કોયાજીને રાહત પહોંચાડી. લદ્દાખના જાંસ્કરમાં, ગર્ભાવસ્થા દરમિયાન કુન્જાંગ ડોલ્માજીને કેટલીક જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિમાં ‘ઈ-સંજીવની’ ઉપયોગી સાબિત થઈ અને એક નિષ્ણાત તબીબે તાત્કાલિક મદદ પૂરી પાડી. નાગાલેન્ડના પેરેનમાં 12 વર્ષનો મુશેમ કાનના ચેપ અને તાવથી પીડાતો હતો; તેને પણ ‘ઈ-સંજીવની’નો લાભ મળ્યો. નિષ્ણાત તબીબે તેની તકલીફને તુરંત ઓળખી લીધી અને યોગ્ય દવા સૂચવી.

સાથીઓ, 

એક સમય હતો ડૉક્ટરને દેખાડવામાં નાની એવી સ્વાસ્થ્ય તપાસમાં પણ લોકોને ઘણો સમય લાગી જતો હતો, ઘણી કઠણાઈઓ આવતી હતી. આજે દેશભરમાં લગભગ 1 લાખ 90 હજાર આયુષ્માન આરોગ્ય મંદિર લોકોના જીવનમાં નવી-નવી સુવિધાઓ લઈને આવ્યા છે. આ આરોગ્ય મંદિર એક રીતે, પંચાયતોના સુખાકારી કેન્દ્ર (Welness Center)ના રૂપમાં વિકસિત થઈ રહ્યાં છે. સૌથી સુખદ વાત એ છે કે હવે ગામના લોકો પણ નિયમિત તપાસ કરાવી રહ્યા છે, જેથી તેઓ સ્વસ્થ રહે. અને તેમાં ઇ-સંજીવની ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે.

મારા વહાલા દેશવાસીઓ, 

આ મહિનાની શરૂઆતમાં હું ચેન્નાઈ ગયો હતો. ત્યાં મારી મુલાકાત દેશના અનેક વૈજ્ઞાનિકો, સંશોધકો અને યુવા પ્રતિભાઓ સાથે થઈ. આપણા યુવાનો આજે એવા વિષયો પર કામ કરી રહ્યા છે જે સમગ્ર માનવજાતના ભવિષ્યને બદલી શકે છે—આવું જ એક ક્ષેત્ર છે મગજ સંશોધન (બ્રેઈન રિસર્ચ). તેની સાથે જોડાયેલા ‘સુધા ગોપાલ કૃષ્ણન બ્રેઇન સેન્ટર’નું IIT મદ્રાસ ખાતે લોકાર્પણ કર્યું. આ કેન્દ્રએ એક બ્રેઇન ઈમેજિંગ પ્લેટફૉર્મ બનાવ્યો છે જે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ સમાન છે. આ પહેલ દ્વારા, માનવ મસ્તિષ્કની ઉચ્ચ-રિઝોલ્યુશન ધરાવતી ડિજિટલ 3D છબીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય આવનારા દિવસોમાં 100 માનવ મગજનું 3D મેપિંગ કરીને તેનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારનું આ પ્રથમ મિશન છે અને આ કાર્ય માટે ‘પરમ શક્તિ’ (Param Shakti) સુપરકોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મિત્રો, 

આ ‘બ્રેઈન સેન્ટર’ (મગજ સંશોધન કેન્દ્ર)ના નિર્માણમાં દેશના ઉદ્યોગોએ સરકાર સાથે મળીને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આઈઆઈટીના અનેક પૂર્વ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાયના સભ્યો પણ આ રિસર્ચ સેન્ટર માટે સાથે આવ્યા છે. આ પ્રોજેક્ટ એટલા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણકે વિજ્ઞાન ક્ષેત્રે થયેલી તમામ પ્રગતિ છતાં, માનવ મસ્તિષ્ક હજુ પણ એક મોટું વૈજ્ઞાનિક રહસ્ય બની રહ્યું છે.

આજે પણ અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવી બીમારીઓ છે, જેના માટે કોઈ ચોક્કસ ઉપચાર નથી. તેથી, વિજ્ઞાન માનવ મસ્તિષ્કના કાર્યને જેટલી ઊંડાઈથી સમજશે, તેટલો જ નવી શક્યતાઓ આવનારા સમયમાં સર્જાશે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે 100 માનવ મસ્તિષ્કમાંથી મેળવવામાં આવેલો આ ડેટા, વિવિધ ક્ષેત્રોમાં સંશોધન માટે ‘ઓપન-સોર્સ’ સંસાધન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મિત્રો, 

આવા અદ્યતન સંશોધનમાં અંગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે લોકો પોતાના જીવનકાળ પછી અંગદાન કરવાનો નિર્ણય લે છે, તેઓ અનેક લોકોના જીવ તો બચાવે જ છે પરંતુ સાથે આવા સંશોધનને પણ શક્ય બનાવે છે. આવું જ એક ઉદાહરણ છે- મધ્ય પ્રદેશના નર્મદાપુરમનાં શિવાનીજીનું. શિવાનીજી એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. તેમના પરિવાર પર એક મોટી મુશ્કેલી તૂટી પડી, તેમ છતાં આવા મુશ્કેલ સમયમાં પણ તેમણે એક એવો નિર્ણય લીધો જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આ નિર્ણય હતો – શિવાનીજીના અંગદાનનો.   શિવાનીજીના પરિવારના આ નિર્ણયથી સમાજ અને રાષ્ટ્ર બંને માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશ અપાયો છે. માનવતાના આવા કાર્યથી કોઈ પરિવારના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી શકે છે, અને સાથે જ સંશોધન કાર્યોમાં પણ મોટી મદદ મળે છે.

મારા વહાલા દેશવાસીઓ, 

ચેન્નાઈની મારી મુલાકાતના બીજા અનુભવોની ચર્ચા પણ હું તમારી સાથે કરવા ઇચ્છું છું. મારો પહેલો અનુભવ હતો- મેટ્રોમાં યુવાનો સાથે સંવાદ. જ્યારે બીજો કાર્યક્રમ હતો- બીજો અનુભવ IIT મદ્રાસની મારી મુલાકાત. આ દરમિયાન આપણા યુવાનો વિવિધ સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા માટે જે રીતે કામ કરી રહ્યા છે, તે જોઈને ખરેખર ખૂબ આનંદ થયો.

હું જે સ્ટાર્ટઅપ્સને મળ્યો તેમાંના એક સોનાની ગુણવત્તાને પરખવાનું કામ કરે છે. તેનાથી સોનાની ખરીદીમાં થતી છેતરપિંડીથી બચી શકાય છે. યુવાનોની એક ટીમ, એક એવા પ્લેટફૉર્મ પર પણ કામ કરી રહી છે જેના દ્વારા બૅંક છેતરપિંડીથી કાઢવામાં આવેલી  રકમને ઝડપથી પાછી મેળવી શકાશે. તો એક ટીમ તેના પર પણ કામ કરી રહી છે કે સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગમાં એઆઈ કેવી રીતે સહાયરૂપ થઈ શકે છે. 

સાથીઓ, 

આઈઆઈટીની વાતચીત પૂરી રીતે ડીપ-ટૅક પર કેન્દ્રિત હતી. આ સ્ટાર્ટ અપને આઈઆઈટી મદ્રાસના ઇન્ક્યુબેશન ઇકૉ સિસ્ટમથી મદદ મળી રહી છે. તેમાંથી જ એક સ્ટાર્ટ અપ સમુદ્રની ઉપર ઉડનારું ઇલેક્ટ્રિક વિહિકલ વિકસિત કરી રહ્યું છે. એક અન્ય સ્ટાર્ટ અપ ડ્રૉન અને ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ઝડપથી ચાર્જ થઈ શકે તેવી બેટરીઓ બનાવી રહ્યું છે. એક ટીમ સંરક્ષણ ટૅક્નૉલૉજીમાં એઆઈના ઉપયોગ પર કામ કરી રહી છે.

મિત્રો, 

આજે આપણા યુવાનો જે અસાધારણ સિદ્ધિઓ મેળવી રહ્યા છે તેનું કારણ એ છે કે તેમને યોગ્ય વાતાવરણ અને સમર્થન મળી રહ્યું છે. આપણા દેશમાં ક્યારેય પ્રતિભાની અછત નથી રહી. આજથી થોડા જ દિવસોમાં, 31મી ઓક્ટોબરે, આપણે આવા જ એક મહાન ભારતીય વૈજ્ઞાનિક, નરિન્દર સિંહ કપાનીની ​​100મી જન્મજયંતિ ઉજવીશું. વિશ્વ તેમને ‘ફાઈબર ઓપ્ટિક્સના જનક’ તરીકે ઓળખે છે. તેમનો જન્મ પંજાબના મોગા જિલ્લામાં થયો હતો. પ્રકાશને ઝીણા તંતુઓના માધ્યમથી આગળ પહોંચાડવાની ટૅક્નૉલૉજીમાં તેમના ઉચ્ચ સ્તરીય સંશોધને સંચારની દુનિયાને એક નવી દિશા આપી. આજે આપણે જે ઈન્ટરનેટ અને ડિજિટલ સંચારના યુગમાં જીવી રહ્યા છીએ, તેની કલ્પના પણ ફાઈબર ઓપ્ટિક્સ વિના કરવી મુશ્કેલ છે. આ અવસરે, આપણે નરિન્દર સિંહ કપાનીને નમન કરીએ છીએ. હું ઈચ્છીશ કે આપણા યુવાનો, કપાનીજી જેવા વૈજ્ઞાનિકો વિશે વાંચે, જાણે અને તેમનામાંથી પ્રેરણા લે.

સાથીઓ, 

થોડા જ દિવસ પછી 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. આ દિવસને દેશ ‘એકતા દિવસ’ તરીકે મનાવે છે. આ અવસરે સમગ્ર દેશમાં ‘એકતા દોડ’ અર્થાત રન ફૉર યૂનિટીનું આયોજન થાય છે. ‘રન ફોર યુનિટી’, આપણી એકતાને મજબૂત કરવાની અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃદ્રઢ કરવાનો એક બહુ મોટો અવસર છે. હું આપ સૌને આ વર્ષે પણ ‘રન ફોર યુનિટી’માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કરું છું. પોતાના પરિવારજનો, પોતાના મિત્રો અને  આસપાસના લોકોને પણ પોતાની સાથે જોડજો.

સાથીઓ, 

તમને બધાને યાદ હશે કે ભારતના આહ્વાન પર વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય જાડા ધાન્ય વર્ષ’ (International Year of Millets) તરીકે ઉજવવામાં આવ્યું હતું. તેને સમગ્ર વિશ્વમાંથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. આ પહેલના માધ્યમથી લોકોને સમજાયું કે સુપર ફૂડ,  ‘શ્રી અન્ન’ — એટલે કે જાડું ધાન — આપણી સંસ્કૃતિમાં કેટલી ઊંડે સુધી વણાયેલાં છે. ઉત્તર-પૂર્વમાં પણ જાડા ધાનની ખેતીની સમૃદ્ધ પરંપરા રહી છે; જોકે, સમય જતાં લોકો તેનાથી દૂર થવા લાગ્યા હતા. હવે, તે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

સાથીઓ, 

મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લામાં ખાંડુલી નામનું એક ગામ આવેલું છે. અહીં અનેક પેઢીઓથી મિલેટ્સ સ્થાનિક ખાદ્ય સંસ્કૃતિનો અભિન્ન અંગ રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ગામના બે બહેનપણીઓએ એક નવી પહેલ શરૂ કરી: તેમણે મિલેટ્સમાંથી નવાં ઉત્પાદનો તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મિલેટ્સમાં મૂલ્યવર્ધન કરીને તેમણે કૂકીઝ, કેક અને મફિન્સ જેવી વસ્તુઓ તેમજ જાડા ધાનમાંથી બનેલો શિશુઓ માટેનો આહાર (baby food) વિકસાવ્યો.

આના પરિણામે મિલેટ્સ આધારિત ઉત્પાદનોનું વેચાણ વધ્યું અને મિલેટ્સની માગ પણ વધવા લાગી. પરિણામે, સ્થાનિક ખેડૂતોએ ફરી મિલેટ્સની ખેતી કરવાનું શરૂ કર્યું છે. 

સાથીઓ, 

મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં આવેલા સાદોલપાડા ગામમાં પણ કેટલાક નવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાંના એક સ્થાનિક ખેડૂત, ચેકજિંગ સંગમાજીએ જાડા ધાનનું મહત્ત્વ સમજીને આધુનિક પદ્ધતિઓથી  તેની ખેતી શરૂ કરી. આનાથી તેમની આવકમાં વધારો પણ થયો અને ગામમાં જાગૃતિ આવી છે.

તેવી જ રીતે, નાગાલેન્ડના કોહિમામાં એક ગામ છે ઝોમા. આ ગામમાં એક દાયકાથી વધુ સમયથી મિલેટ્સની ખેતી બંધ હતી. પરિણામે, એક આખી પેઢી આ પરંપરાગત પાકથી અજાણ રહી ગઈ. વિચારો, જે પાકને એક સમયે તેમનાં દાદા-દાદી ઉગાડતાં હતાં, તેને ગામના લોકો જ ભૂલવા લાગ્યા હતા. વર્ષ 2024માં, અહીંના લોકોએ ફરીથી મિલેટ્સની ખેતી શરૂ કરી અને 2025માં કેઝોમાએ તેના પ્રથમ ‘જાડા ધાન મહોત્સવ’ (મિલેટ ફેસ્ટિવલ) ઉજવ્યો. હવે અહીં પણ મિલેટ્સમાંથી બનેલા ઉત્પાદનોની માંગમાં ઝડપથી વધારો થયો છે. 

સાથીઓ, જાડા ધાનની ખેતી સાથે જોડાયેલાં ઉદાહરણો એક મોટો સંદેશ આપે છે. આ ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે આપણા યુવાનો પરંપરાગત પાકોને નવી તકો સાથે જોડી રહ્યા છે, અને કેવી રીતે આપણાં ગામડાંઓ પોતાની વિરાસતને જાળવી રાખીને સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યા છે.

મારા વહાલા દેશવાસીઓ, 

આવતીકાલે, 26મી ઓક્ટોબરે, મહર્ષિ વાલ્મીકિની જયંતિ છે. હજારો વર્ષો વિતી ગયા હોવા છતાં, મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ આજે પણ આપણને જીવન વિશે કંઈક નવું શીખવે છે. રામાયણના માધ્યમથી મહર્ષિ વાલ્મીકિએ જીવનના ગહન પાઠ શીખવ્યા છે; એક તરફ તે નિરંતર પ્રયાસ કરતા રહેવાનો સંદેશ આપે છે તો બીજી તરફ, સેવા, કરુણા અને સામાજિક સમરસતાનું મહત્ત્વ સમજાવે છે. વાલ્મીકિ રામાયણમાં, ભગવાન શ્રીરામનું ચરિત્ર આ મૂલ્યોનું એક સુંદર ઉદાહરણ છે. પ્રભુ રામે માતા શબરીના પ્રેમ અને ભક્તિને અપનાવ્યાં. નિષાદરાજની મિત્રતાને સન્માન આપ્યું. સૌને સાથે લઈને ચાલવાનો આ ભાવ, આ આદર્શ આજે પણ આપણને દિશા દેખાડે છે. આ ભાવનાનું પ્રતિબિંબ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પણ થાય છે, જ્યાં મહર્ષિ વાલ્મીકિ, નિષાદરાજ અને માતા શબરીનાં મંદિર પણ બનાવાયાં છે. મને આનંદ છે કે અયોધ્યાના ઍરપૉર્ટનું નામ પણ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવામાં આવ્યું છે. આવા પ્રયાસો આપણી મહાન પરંપરાને સમૃદ્ધ બનાવે છે—જેમાં સેવા, સામાજિક સમરસતા અને કરુણાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.

મારા વહાલા દેશવાસીઓ, 

ભારતની માટીએ એવાં અનેક મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે, જેમણે એક અમીટ છાપ છોડી છે. આવા જ એક મહાન વ્યક્તિત્વ છે- ભાઈ પરમાનંદજી. થોડા દિવસો પછી, ૪થી નવેમ્બરે, આપણે તેમની 150મી જન્મજયંતિ ઉજવીશું. ભાઈ પરમાનંદજી માટે પ્રેરણા અને આદર્શોનો એક મુખ્ય સ્ત્રોત આર્ય સમાજ સાથેનો તેમનો ગાઢ સંબંધ હતો. 20મી સદીની શરૂઆતના કાળખંડમાં જ ભાઈ પરમાનંદજી આર્ય સમાજના કાર્યના સંદર્ભમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેઓ પૂજ્ય બાપુને પણ મળ્યા હતા. તેમણે ગયાનામાં ‘ગિરમિટિયા’ (કરારબદ્ધ મજૂર) સમુદાય વચ્ચે કામ કર્યું હતું; તે સમયે ગયાના આર્ય સમાજનું એક મોટું કેન્દ્ર હતું. મને પણ ગુયાનાની મારી યાત્રા સમયે આર્ય સમાજના સ્મારક પર જવાનું સૌભાગ્ય મળ્યું હતું. 

સાથીઓ, 

ભાઈ પરમાનંદજીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે ભાઈ પરમાનંદજીએ જ લાલા હરદયાલજીને અમેરિકા જવા માટે સમજાવ્યા હતા.તેઓ ગદર પાર્ટી ના સ્થાપક સભ્યમાના એક હતા   સ્વતંત્રતા સંગ્રામમાં તેમનો પ્રભાવ એટલો બધો હતો કે અંગ્રેજોએ તેમને ‘કાળા પાણી’ની સજા આપી હતી.

તેમનું પુસ્તક છે ‘આપબીતી: કાલે પાની કી કારાવાસ કહાની’. સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાનોને સમજવા માટે આ પુસ્તક અવશ્ય વાંચવા જેવું છે. ભાઈ પરમાનંદજી સજા સમાપ્ત થયા પછી શિક્ષણ ક્ષેત્રે સક્રિય થયા. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે વીર ભગત સિંહને પણ ભણાવ્યા હતા. ત્યારબાદ, તેઓ ઘણા વર્ષો સુધી હિન્દુ મહાસભા સાથે જોડાયેલા રહ્યા. એટલે કે ગાંધીજીથી લઈ ને ગુયાના સુધી, ગદરથી લઈને આંદામાન સુધી તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રેરણાદાયક છે. હું ભાઈ પરમાનંદજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. યુવા સાથીઓને મારો અનુરોધ છે કે તેઓ તેમના વિશે જાણે અને બીજાને પણ પ્રેરિત કરે. 

મારા પ્રિય દેશવાસીઓ, 

આગામી દિવસોમાં દિવાળી, છઠ મહા પર્વ અને અનેક બીજા તહેવારોનો ઝગમગાટ જોવા મળશે. તમે સ્વસ્થ અને સુરક્ષિત રહીને પૂરા પરિવાર સાથે તહેવાર મનાવો અને બીજાને પણ પોતાના આનંદમાં સહભાગી બનાવો. હું તમને બધાને આવનારા તહેવારોની શુભકામનાઓ આપું છું. મને સદાની જેમ તમારા સંદેશા અને સૂચનોની પ્રતીક્ષા રહેશે. તમારાં સૂચનોથી ‘મન કી બાત’ને નવા વિષયો મળે છે, નવી દિશા મળે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના નવા પ્રયાસો અને નવી પ્રેરક ગાથાઓ સાથે. 

ખૂબ ખૂબ ધન્યવાદ.

નમસ્કાર.

 

SM/GP/UT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]