Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ન્યૂસી સાથે મીડિયાના પ્રતિનિધિઓને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંયુક્ત સંબોધન (07 જુલાઈ, 2016)

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ન્યૂસી સાથે મીડિયાના પ્રતિનિધિઓને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંયુક્ત સંબોધન (07 જુલાઈ, 2016)


મહામહિમ, રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી

મીડિયાના પ્રતિનિધિઓ

તમારા લાગણીસભર આવકાર અને દૂરંદેશી વિચારો બદલ તમારો આભાર

હું ભારત પ્રત્યે અને આપણા દ્વિપક્ષીય સંબંધો પ્રત્યે તમારી લાગણી સાથે હૃદયપૂર્વક સંમત છું. રાષ્ટ્રપતિ ન્યૂસીએ ગયા વર્ષે એશિયાના દેશોની મુલાકાત લીધી હતી અને તેની શરૂઆત ભારતથી કરી હતી. આજે આફ્રિકાના મારા પ્રવાસની શરૂઆત મોઝામ્બિકથી કરીને હું ખુશ છું.

મિત્રો,

સંસ્થાનવાદી શોષણ અને ગુલામી હેઠળ આપણા સંયુક્ત સંઘર્ષ અને આપણી પીડાઓએ બંને દેશોને જોડવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. મોઝામ્બિકના લોકોની સ્વતંત્રતાના પ્રખર સમર્થકોમાં ભારત મોખરે હતું. પણ આપણો સંબંધ ફક્ત ઇતિહાસ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રપતિ અને મેં ભવિષ્યમાં આપણી ભાગીદારીને મજબૂત કરવા આપણા સંયુક્ત ધવિઝનની વિગતવાર ચર્ચા કરી છે. હકીકતમાં મોઝામ્બિક આફ્રિકામાં ભારતીય રોકાણ માટે એક પ્રવેશદ્વાર છે. આફ્રિકામાં આશરે 25 ટકા ભારતીય રોકાણ એકલા મોઝામ્બિકમાં થયું છે. છેલ્લા દાયકામાં આપણા વેપાર-વાણિજ્યના સંબંધો વધારે મજબૂત થયા છે. અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ન્યૂસીના નેતૃત્વમાં મોઝામ્બિકમાં ભારતીય રોકાણકારોને પ્રોત્સાહક વાતાવરણ મળતું રહેશે.

આપણી ભાગીદારી ક્ષમતાઓ અને હિતોના મેળ દ્વારા પણ સંચાલિત છે.

• પછી તે કૃષિ ક્ષેત્ર હોય કે હેલ્થકેર; કે પછી ઊર્જા સુરક્ષાનું ક્ષેત્ર હોય

• કુદરતી સંસાધનો કે ટેકનોલોજીની વાત હોય;

• વાત કૌશલ્ય વિકાસની હોય કે સંસ્થાકીય નિર્માણની;

• મુદ્દા સુરક્ષાનો હોય કે સંરક્ષણનો;

મોઝામ્બિક જે ક્ષેત્રોમાં તાકાત ધરાવે છે, જે ક્ષેત્રોમાં મજબૂત છે, તેની ભારતને જરૂર છે. અને મોઝામ્બિકને જેની જરૂર છે, તે ભારતમાં ઉપલબ્ધ છે. આપણે એકબીજાના પૂરક છીએ. રાષ્ટ્રપતિ ન્યૂસીએ કૃષિ ક્ષેત્રના વિકાસને તેમની સર્વોપરી પ્રાથમિકતા ગણાવી છે. આપણે મોઝામ્બિકમાં કૃષિ માળખું અને ઉત્પાદકતા સુધારવા કેવી રીતે સંયુક્તપણે કાર્ય કરી શકીએ તેના પર આપણા નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે આ સહકારને ઝડપથી આગળ વધારવા સંમત થયા છીએ. આપણે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ આપણી ભાગીદારીને મજબૂત કરી છે. ભારત મોઝામ્બિકમાંથી કઠોળ ખરીદવા પ્રતિબદ્ધ છે, જે ભારતની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે મદદરૂપ થશે. તે વ્યાવસાયિક કૃષિમાં લાંબા ગાળાનું રોકાણ પણ સુલભ કરશે, જેના પગલે મોઝામ્બિકમાં કૃષિ ક્ષેત્રમાં રોજગારી પેદા થશે અને ખેડૂતોની આવક વધશે. ઉપરાંત હેલ્થકેર એવું ક્ષેત્ર છે, જેમાં ભારત પાસે ક્ષમતા અને મોઝામ્બિકને જરૂર છે. એટલે આ ક્ષેત્રમાં બંને દેશ વચ્ચે સારી ભાગીદારી થશે. મોઝામ્બિકની જાહેર આરોગ્ય વ્યવસ્થા માટે ભારત આવશ્યક દવાઓનું દાન કરશે, જેમાં એઇડ્સની સારવાર માટેની દવાઓ સામેલ છે.

મિત્રો,

મોઝામ્બિકના આશરે 20,000 નાગરિકોના પૂર્વજોના મૂળિયા ભારત સુધી દોરી જાય છે. તેઓ આપણા અર્થતંત્રો અને સમાજ વચ્ચે સેતુ બનીને જીવી રહ્યા છે. આપણે યુવાનો અને રમતગમત સાથે સંબંધિત બાબતો પર સહકાર અને આદાનપ્રદાનની સમજૂતી કરી છે અને મને તેનો વિશેષ આનંદ છે. હું ભારતમાં અભ્યાસ કરેલા મોઝામ્બિકના યુવાનો સાથે આજે મોડેથી વાતચીત કરવા પણ આતુર છું.

મિત્રો,

આપણે ઇચ્છીએ છીએ કે આપણી વિકાસલક્ષી અને આર્થિક સમજૂતીઓનો બંને દેશના સમાજને મળે. આપણે એવું પણ ઇચ્છીએ છીએ કે આપણી ભાગીદારી આપણી જનતાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે. રાષ્ટ્રપતિ ન્યૂસી અને હું માનીએ છીએ કે અત્યારે દુનિયાની શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા સામે સૌથી મોટું જોખમ આતંકવાદ છે. મોઝામ્બિક અને ભારત પણ તેમાંથી બાકાત નથી. આતંકવાદે ભારત અને મોઝિમ્બિક બંનેને એકસરખી અસર કરી છે. આતંકનું નેટવર્ક અન્ય વિદેશી અપરાધો સાથે જોડાયેલું છે. આપણે નશીલા દ્રવ્યોની દાણચોરી અટકાવવા પર સમજૂતી કરી છે, જે આતંકવાદના જોખમનો સામનો કરવા અને તેના નેટવર્કને તોડી પાડવા આપણા સંયુક્ત દ્રઢ સંકલ્પનો પુરાવો છે. ભારત અને મોઝામ્બિક હિંદ મહાસાગર દ્વારા જોડાયેલા છે. હકીકતમાં તે ઘણી આર્થિક તકોનો દરિયો છે. પણ આપણે દરિયાઈ ક્ષેત્રમાં નવા વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધિત પડકારોથી પણ વાકેફ છીએ. આપણા સુરક્ષા સંબંધિત સંયુક્ત હિતોને આગળ ધપાવવા રાષ્ટ્રપતિ અને હું આજે આપણા સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત સંબંધોને મજબૂત કરવા સંમત થયા છીએ. અમે મોઝામ્બિકના સંરક્ષણ દળોને ટેકો આપવા સંયુક્તપણે કામ કરીશું. અમે ક્ષમતાઓ વધારી અને સંસ્થાઓનું નિર્માણ કરીશું, અધિકારીઓને તાલીમ આપીશું, ઉપકરણનો પુરવઠો પૂરો પાડીશું અને તેમની અન્ય જરૂરિયાતો પણ પૂરી કરીશું.

મિત્રો,

આપણો સહકાર ફક્ત આપણી સામાન્ય સમૃદ્ધિ માટે જ નથી. આપણે પ્રાદેશિક અને વૈશ્વિક એમ બંને પ્રકારના હિતો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. આપણે અનેક મુદ્દાઓ પર વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપીએ છીએ, એકબીજાની પડખે ઊભા રહ્યા છીએ. મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય પરિષદમાં સુધારણાથી લઈને 21 જૂનનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર કરવાનો હોય, કે પછી પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત તરીકે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ભારતની આગેવાની પેરિસમાં સીઓપી-21 સમિટમાં થયેલા પ્રયાસોમાં – બંને દેશોએ એકબીજાને સાથસહકાર આપ્યો છે. પર્યાવરણનું સંરક્ષણ કરવા અમે આબોહવામાં થતા ફેરફારોને અટકાવવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના કરી છે. આ ગઠબંધનને 120થી વધારે દેશોએ સમર્થન આપ્યું છે અને અમે આ પહેલમાં મોઝામ્બિકની ભાગીદારીને બિરદાવીએ છીએ, તેની કદર કરીએ છીએ.

મિત્રો,

મોઝામ્બિકે આર્થિક સમૃદ્ધિ તરફ આગેકૂચ કરી છે, ત્યારે ભારત ડગલે ને પગલે તમને સાથસહકાર આપશે. અમે તમારા વિકાસમાં ભરોસાપાત્ર મિત્ર બનીશું. અને આપણા લોકોનું ઉજ્જવળ, સુરક્ષિત અને સલામત ભવિષ્ય સુનિશ્ચિત કરવા વિશ્વસનીય ભાગીદારી બનીશું. હું ફરી એક વખત રાષ્ટ્રપતિ ન્યૂસીનો, તેમની સરકારનો અને મોઝામ્બિકની જનતાનો આભાર માનું છું, જેમણે મને અને મારા પ્રતિનિધિમંડળને ઉષ્માસભર આવકાર આપ્યો છે અને ઉદાર આતિથ્ય સત્કાર કર્યો છે.

થેન્ક યૂ. તમારો ખૂબ આભાર.

TR