Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસીમાં તુલસી માનસ મંદિરમાં રામાયણ પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સંબોધનનો મૂળ પાઠ


આપણા દેશ અને દુનિયામાં ટપાલ ટિકિટનું આગવું મહત્વ છે. ટપાલ ટિકિટ એક રીતે ઇતિહાસ છે. ટપાલ ટિકિટ એક રીતે એમ્બેસેડરનું કામ પણ કરે છે. દુનિયાના કોઈ પણ દેશમાં આપણી ટપાલ જાય અને તેના પર જે સ્ટેમ્પ હોય છે, એ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિનું દર્શન કરાવે છે. વિશ્વમાં બહુ લોકો તેનો સંગ્રહ કરે છે. ક્યારેક-ક્યારેક તો ટપાલ ટિકિટના સંગ્રહથી દેશમાં થયેલા પરિવર્તનની જાણકારી મળે છે. એટલે એક રીતે તેઓ ઇતિહાસનું માધ્યમ છે. ભારતનો પોસ્ટલ વિભાગ પણ સતત આ પ્રકારનું યોગદાન આપતો રહે છે.

આજે પ્રભુ શ્રી રામચંદ્રજીના જીવન સાથે સંબંધિત એક ટપાલ ટિકિટનું અનાવરણ થઈ રહ્યું છે. આ અનાવરણ હું દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં કરી શકું છું. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને કરી શકતો હતો, પણ વિચાર આવ્યો કે નવરાત્રિનું પાવન પર્વ છે અને રામજીના જીવનમાં નવરાત્રિ અને વિજયાદશમીનું વિશેષ મહત્વ છે. અહીં તુલસીદાસજીની શ્રુતિઓ આજે પણ જીવંત છે. આ ટિકિટના લોકાર્પણ માટે આવા માનસમંદિરથી મોટી કોઈ જગ્યા ન હોઈ શકે. મારે કાશી આવવું હતું એટલે પોસ્ટ વિભાગ સાથે ચર્ચા કરીને આ કાર્યક્રમ નક્કી કર્યો. રામજીની ટિકિટ બહુ પ્રકાશિત થઈ છે, પણ આ પહેલો ટિકિટસંગ્રહ છે, જેમાં પ્રભુ શ્રી રામચંદ્રજીના જીવનના અનેક પાસાને અલગ-અલગ ટિકિટોના માધ્યમથી સ્ટેમ્પ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક ટિકિટ છે, પણ તેમાં અનેક ટિકિટોનો સંગ્રહ છે. તો એક રીતે પ્રભુ શ્રી રામજીના જીવન પર આ પ્રકારની ટિકિટનું ક્યારેય પ્રકાશન થયું નથી. અત્યારે પહેલી વખત આ રીતે થઈ રહ્યું છે. મને આનંદ છે કે આ માનસની પવિત્ર ધરતી પર આ કાર્યને કરવાની તક મળી છે અને પ્રભુ રામજીનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરક છે.

જો આપણે મહાત્મા ગાંધીને યાદ કરીએ, તો તેમના જીવનમાં બાળપણથી જ રામનામ એક મંત્ર બની ગયો હતો. આવા મહાપુરુષ, આવા ચેતનાપુરુષ હાલની સમાજ વ્યવસ્થા માટે તેમના જીવનનું દરેક પાસું ઉપકારક છે – આ તમામ આપણા માટે પ્રેરણારૂપ છે. હું પ્રભુ શ્રીરામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરીને ભારત સરકાર તરફથી આ પોસ્ટલ સ્ટેમ્પ આજે દેશ માટે નવરાત્રિના પાવન પ્રસંગ પર સમર્પિત કરું છું. મને ખુશી છે અને અહીં ઉપસ્થિત રહેવા બદલ તમારો આભાર.

TR