Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આઈઆઈએમ કોઝીકોડ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


આદરણીય મહેમાનો, દેવીઓ અને સજ્જનો, મિત્રો,

ખ્યાતનામ સંસ્થા આઇઆઇએમ કોઝીકોડ ખાતે ભારતીય વિચારોના વૈશ્વિકરણ વિષય પર આ પરિષદને સંબોધન કરતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. અત્યંત ખુશીની વાત છે કે શિક્ષણના આવા નામાંકિત કેન્દ્રો આ પ્રકારના વિષયોમાં રસ લઇ રહ્યા છે. કોઈ સંયોગની વાત નથી કે આપણે ભારતીય વિચારોના વૈશ્વિકરણની વાત એવા સમયે કરી રહ્યા છીએ જ્યારે સ્વામી વિવેકાનંદની માનવકદની પ્રતિમા આ કેમ્પસમાં એક વિશેષ સ્થાન ગ્રહણ કરી રહી છે. ભારતીય વિચારોનું વૈશ્વિકરણ કરવામાં સ્વામી વિવેકાનંદના યોગદાનને કોણ ભૂલી શકે તેમ છે. વર્ષો પહેલા, 11 સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં તેમના એક પ્રતિષ્ઠિત વ્યાખ્યાન દરમિયાન ભારતીય નીતિની એક ઝાંખી પ્રસ્તુત કરી હતી. આપણે સૌ જાણીએ જ છીએ કે જે ક્ષણે તેમણે પોતાનું વક્તવ્ય “અમેરિકાના ભાઈઓ અને બહેનો” સાથે શરુ કર્યું હતું કે તરત જ તાળીઓના ગડગડાટ સંભળાયા હતા. તે એક ચમત્કાર હતો. જાદુ તે શબ્દોમાં નહોતો. વાસ્તવમાં તે જાદુ વૈશ્વિક બંધુત્વ માટેની ભારતની પ્રતિબદ્ધતા અને વિશ્વાસમાં હતો.

મિત્રો, ભારતીય વિચારો ગતિશીલ અને વૈવિધ્યપૂર્ણ છે. તે નિરંતર અને વિકાસશીલ છે. તે એટલા વિશાળ છે કે કોઈ એક વક્તવ્ય કે સેમીનાર કે પુસ્તકોમાં પણ તેમને બાંધવા શક્ય નથી. પરંતુ બૃહદપણે જોઈએ તો કેટલાક એવા આદર્શો છે કે જે ભારતીય મૂલ્યોમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. તે છે કરુણા, સંવાદીતતા, ન્યાય, સેવા અને ખુલ્લાપણું.

મિત્રો, ચાલો આપણે એ બાબત વિશે ચર્ચા કરીએ જે વિશ્વને ભારત પ્રતિ આકર્ષિત કરે છે. પહેલી જ વારમાં જે મનમાં આવે છે તે છે- શાંતિ, એકતા અને ભાઈચારાના મૂલ્યો. અનેક રાજ્યો, અનેક ભાષાઓ, અનેક બોલીઓ, અનેક શ્રદ્ધાસ્થાનો, અનેક રીત રીવાજો અને પરંપરાઓ, અનેક ખાણીપીણીનીની આદતો, અનેક જીવનશૈલીઓ, અનેક પહેરવેશો. આમ છતાં, અનેક સદીઓથી આપણે શાંતિપૂર્ણ રીતે રહ્યા છીએ. સદીઓથી આપણે વિશ્વને આપણી ભૂમિ ઉપર આવકાર્યું છે. આપણી સભ્યતા તેવા સમયે સમૃદ્ધ બની હતી જ્યારે અનેક સભ્યતાઓનો ઉદભવ નહોતો થયો. શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ અહિયાં શાંતિ અને સંવાદીતતા મેળવે છે.

મિત્રો, આપણા વિચારો સરળ અને સંબંધિત પ્રથાઓ વડે સંચાલિત થઇ જીવતી જાગતી પરંપરાઓ બન્યા છે તે પણ આપણી એક શક્તિ છે. આ પ્રથાઓ ના તો કઠોર છે અને ના તો એકઆયામી છે. તેની સુંદરતા તેમાં છે કે તેમને જુદી જુદી રીતે અમલમાં મૂકી શકાય છે.

મિત્રો, આપણી એ ભૂમિ છે કે જેણે વિશ્વને હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મો જેવા ગતિશીલ શ્રદ્ધાના સ્થાનો આપ્યા છે. આ જ ભૂમિ પર સૂફી પરંપરા વિકસિત થઇ છે. અને આ બધાની અંદર અહિંસા કેન્દ્ર સ્થાને રહેલી છે. 20મી સદીમાં, મહાત્મા ગાંધીએ આ આદર્શો ઉપર વિજય હાંસલ કર્યો અને પરિણામે ભારતને આઝાદી પ્રાપ્ત થઇ. આ ઉપરાંત તેમણે બહારના લાખો લોકોને પણ મજબૂતી આપી. પછી તે ડોક્ટર માર્ટીન લ્યુથર કિંગ જુનીયર હોય કે નેલ્સન મંડેલા કે પછી અનેક આફ્રિકન દેશોની સ્વતંત્રતા ચળવળ હોય, તે સૌએ ગાંધીજીમાંથી પ્રેરણા મેળવી છે. અનેક ભારતીય સૈનિકોએ બંને વિશ્વ યુદ્ધોમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતને આ વિશ્વ યુદ્ધો સાથે કોઈ લેવા દેવા નહોતા તેમ છતાં તે સૈનિકો બહાદુરી સાથે લડ્યા હતા. આપણે ક્યારેય કોઈની જમીન કે સંસાધનો મેળવવાની ઈચ્છા નથી રાખી. પરંતુ આપણા સૈનિકો શાંતિ માટે લડ્યા હતા. દાયકાઓ સુધી, ભારત વૈશ્વિક સ્તર પર યુએન શાંતિ સ્થાપનાની પ્રવૃત્તિઓમાં સૌથી મોટું યોગદાન આપનાર દેશોમાંનો એક રહ્યો છે.

જો આજના સમયમાં સૌથી વધુ સંઘર્ષગ્રસ્ત પ્રદેશો શાંતિનો શ્વાસ ભરી રહ્યા છે તો આપણા સૈનિકોની તેમાં મહત્વની ભૂમિકા છે. મૂર્ખતાપૂર્ણ નફરત, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુક્ત થવા ઈચ્છતા વિશ્વના પરિદ્રશ્યમાં ભારતીય જીવન શૈલી એક આશાની કિરણ લઇને આવે છે. સંઘર્ષ ઉકેલ માટે ભારતની પદ્ધતિ જબરદસ્તી બળપ્રયોગ તરફી નથી પરંતુ સંવાદ શક્તિમાં રહેલી છે.

મિત્રો, જ્યારે હું કહું છું કે ભારત શાંતિ અને સંવાદીતતામાં વિશ્વાસ ધરાવે છે, તો તેમાં માતા પ્રકૃતિ અને આપણા પર્યાવરણ સાથેની સંવાદીતતાનો પણ સમાવેશ થાય છે.

વેદોનું વચન છે: यां रक्षन्त्यस्वप्ना विश्वदानीं देवा भूमिं पृथिवीमप्रमादम्

ધરતી માતા, કે જ્યાં અનેક સંતો ધ્યાન ધરે છે તેને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે કે જેની ઉપર જીવનના તમામ સ્વરૂપો નિર્ભર છે.

આપણી સંસ્કૃતિમાં ધરતીને માતા તરીકે ગણવામાં આવે છે. ભારતમાં દિવ્યતા અનેક પશુઓ સાથે સંકળાયેલી છે. કૌટિલ્યએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સુરક્ષા માટે મોટાપાયે લખ્યું છે. આજના સમયમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રયત્નોમાં આપણે આ જુસ્સાની છાપ જોઈ શકીએ છીએ. સ્વચ્છ આવતીકાલ માટે સૂર્ય ઉર્જાનો સંચય કરવા માટે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સની રચના કરવામાં ભારતે નેતૃત્વ હાથમાં લીધું છે. આપણે પુનઃપ્રાપ્ય ઉર્જાના વધુ ઉપયોગ તરફ આપણા પ્રયાસોને અર્પિત કરી રહ્યા છીએ. એલઈડી બલ્બ અપનાવવા માટેના ભારતના જન આંદોલને નોંધપાત્ર ઉર્જા બચતમાં યોગદાન આપ્યું છે. 36 કરોડ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે. 1 કરોડ સ્ટ્રીટ લાઈટને એલઈડીમાં બદલવામાં આવી છે. તેના લીધે અંદાજે 25 હજાર કરોડ રૂપિયાની કિંમતની બચત થવા પામી છે. ચાર કરોડ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ સાથે જ ઉર્જાની બચત પણ મોટાપાયે થઇ છે.

આદરણીય મહેમાનો, 2006ની સરખામણીમાં ભારતમાં વાઘની વસ્તી લગભગ બમણી થઇ ગઈ છે. આજે, ભારત લગભગ 2970 વાઘોનું ઘર છે. વિશ્વના કુલ વાઘની એક તૃતીયાંશ વસ્તી ભારતમાં વસે છે. આપણે વાઘ માટે સૌથી વધુ સુરક્ષિત સ્થાનોમાંથી એક છીએ. વર્ષ 2010માં, વિશ્વએ 2022 સુધીમાં વાઘની વસ્તીને બમણી કરવા અંગે સર્વસંમતિ સાધી હતી. આપણે આ સિદ્ધિ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ પ્રાપ્ત કરી લીધી!

એ જ રીતે, ભારતમાં સિંહની સંખ્યા 2010થી લઈને 2015 સુધીમાં લગભગ ૩૦ ટકા જેટલી વૃદ્ધિ પામી છે. 2010માં આ સંખ્યા 411 હતી. મને જણાવવામાં આવ્યું છે કે આજે આ સંખ્યા 600 કરતા ઉપર છે.

મિત્રો, ભારતનું જંગલ આવરણ વધી રહ્યું છે. 2014માં સુરક્ષિત વિસ્તારોની સંખ્યા 692 જેટલી હતી. આ સંખ્યા વર્ષ 2019માં 86૦થી વધારે સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2014માં 43 કમ્યુનીટી રિઝર્વ હતા. અત્યારે 100થી પણ વધુ થઇ ગયા છે. આ આંકડાઓ અનેક પર્યાવરણપ્રેમી અને વન્યજીવન પ્રેમીઓને ભારત તરફ આકર્ષિત કરી રહ્યા છે. તમે મેન વર્સીસ વાઈલ્ડ કાર્યકમ જોયો હશે. તેના લીધે ભારતમાં લોકોનો રસ અનેકગણો વધ્યો છે.

મિત્રો, આજે સચેત જીવન, આરોગ્ય પ્રત્યે સજાગ આહારશૈલી, જુદા જુદા પ્રકારના તંદુરસ્તી માટેની જીવનશૈલી ખૂબ પ્રચલિત બની રહી છે. શું તમે જાણો છો કે વિશ્વમાં પ્રચલિત આ પ્રકારની આરોગ્ય માટેની મોટા ભાગની પ્રખ્યાત પદ્ધતિઓના મૂળ ભારતમાં મળી આવે છે? સદીઓ પહેલા, ભારતના ઋષિ મુનીઓ યોગનો અભ્યાસ કરતા હતા અને તેમણે વિશ્વને આયુર્વેદ આપ્યું છે. યોગ એ માત્ર અમુક પ્રકારની કસરતો નથી. તેના કરતા તે ઘણું વિશેષ છે. યોગ એ તંદુરસ્તી અને આરોગ્ય બંને માટેનું સાધન છે. તે તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મન તરફ દોરી જાય છે. આઇઆઇએમનો સમુદાય એ સૌથી બુદ્ધિજીવીઓમાંનો એક, તેમ છતાં સૌથી વધુ વ્યસ્ત લોકોમાંનો એક સમુદાય છે. શ્રેષ્ઠતમ કાર્યની સંભાવનાઓ પોતાની સાથે તણાવયુક્ત રોજીંદી જીવનશૈલીને પણ લાવે છે. આથી હું તે સૌને વિનંતી કરીશ કે તેઓ યોગ માટે થોડો સમય ફાળવે. તે કેટલા હકારાત્મક બદલાવો તમારી અંદર લાવે છે તેનો તમે પોતે અનુભવ કરશો.

મિત્રો, આ ભૂમિના સૌથી અદભૂત પાસાઓમાનું એક પાસું છે, મહિલાઓને આપવામાં આવતું સન્માન, મહત્વ અને ગરિમા. નારી તું નારાયણી. મહિલાઓ દિવ્યતાની અભિવ્યક્તિ છે. મહિલા સશક્તિકરણનું આહ્વાહન એક પછી એક સદીઓમાં ભારતીય વિચારશીલ નેતાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. ભારતના ભક્તિ સંપ્રદાયના સંતોને કોણ ભૂલી શકે તેમ છે? મહાન સપૂતો રાજા રામમોહન રોય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કોણ ભૂલી શકે તેમ છે? મહાત્મા ફૂલે અને સાવિત્રી બાઈ ફૂલેના પ્રયાસોને કોણ ભૂલી શકે તેમ છે?

જ્યારે મોટાભાગના પશ્ચિમી દેશોએ મહિલાઓને મતાધિકાર આપવા માટે અનેક દાયકાઓનો સમય કાઢી નાંખ્યો ત્યારે આપણા બંધારણના ઘડવૈયાઓએ મહિલાઓને પહેલા દિવસથી જ મતાધિકાર આપી દીધો હતો!

આજે, 70 ટકાથી વધુ મુદ્રા લોનની લાભાર્થી મહિલાઓ છે. મહિલાઓ આપણા સશસ્ત્ર સૈન્યમાં સક્રિય યોગદાન આપી રહી છે. નૌકા દળમાં મહિલાઓનું એક જૂથ દરિયામાર્ગે સમગ્ર વિશ્વનું ભ્રમણ કરીને આવ્યું! તે ઐતિહાસિક ક્ષણ હતી.

ભારતમાં આજે સૌથી વધુ સંખ્યામાં મહિલા સંસદ સભ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓનું મતદાન સૌથી વધુ હતું.

મિત્રો, ભારત મુક્તતાની ઉજવણી કરે છે.

આ બાબતને મહાત્મા ગાંધીએ સચોટપણે દર્શાવી હતી જ્યારે તેમણે કહ્યું કે;

“હું મારા ઘરની દીવાલોને ચારેય તરફથી બંધ કરી દેવા અને મારી બારીઓને સામાનથી ઠસોઠસ ભરી દેવા નથી માંગતો. હું ઇચ્છુ છું કે તમામ દેશોની ભૂમિ પરથી જેટલી શક્ય હોય તેટલી મુક્તપણે હવા મારા ઘરની આસપાસ પ્રસરતી રહે. પરંતુ હું મારા પગને મારી ધરતી પરથી કોઇપણ રીતે ખસેડી નાખવા માટે તૈયાર નથી.”

ગાંધીજીએ એ બાબત દર્શાવી કે આપણી સંસ્કૃતિ પ્રત્યે ગર્વ કરવો શક્ય છે અને તેમ છતાં સાથે સાથે અન્ય સંસ્કૃતિ પ્રત્યે મુક્ત રહેવું અને તેમની સાથે સંવાદીતતા સાધેલી રાખવી.

ભારત તીર્થ નામની તેમની રચનામાં ગુરુદેવ ટાગોર ભારત વિશે લખે છે કે:

“બધા જ આપશે અને લેશે

ભળશે અને ભેળવશે,

પરંતુ કોઇપણ હતાશ થઇને

ભારતની વિશાળ માનવતાના સમુદ્રના દરિયાકિનારા પરથી વિદાય નહી લે.”

મિત્રો, જ્યાં મુક્તતા છે, જુદા જુદા મંતવ્યો માટે આદર છે ત્યાં ઇનોવેશન સ્વાભાવિક છે. ભારતીયોનો ઇનોવેશન માટેનો ઉત્સાહ વિશ્વને ભારત તરફ આકર્ષિત કરે છે. આપણી ધરતી પર જન્મેલો શૂન્યનો ખ્યાલ એ કદાચ સૌથી વધુ વૈશ્વિક અને સુધારાવાદી ખ્યાલ છે. તેણે ગણિતના અભ્યાસમાં પરિવર્તન આણી દીધું. આપણે ગતિશીલ યુવા વસ્તી ધરાવતું રાષ્ટ્ર છીએ. આપણી વસ્તીગીચતા રોકાણ માટે આપણને ચુંબકીય બનાવે છે. દરેક વ્યક્તિ ભારતમાં વસવા ઈચ્છે છે. બે દાયકા પહેલા આપણી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી અને આજે આપણું સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ ભારતના યુવાઓની શક્તિનું પ્રદર્શન કરે છે.

મિત્રો, જ્યારે આપણે વૈશ્વિકરણ અને ભારતીય વિચારોની વાત કરીએ છીએ ત્યારે તેના અમલીકરણ અંગે ચર્ચા કરવી એ પણ જરૂરી છે. દરેક વ્યક્તિને ગર્વનો અનુભવ થશે કે ભારતીય વ્યવસ્થાઓ અને પરંપરાઓમાં સ્થિત રહીને ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. ભારતે જે રીતે નોંધપાત્ર નાણાકીય સમાવેશીતા હાંસલ કરી છે તેની અંદર આ બાબત જોવા મળી રહી છે. અથવા તો કઈ રીતે આપણે વિશ્વનો સૌથી મોટો આરોગ્ય કાળજી કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ તેમાં અથવા તો કઈ રીતે ભારતે લાખો કરોડો લોકોને ધુમાડા મુક્ત રસોડા આપ્યા છે તેની અંદર દ્રષ્ટિગોચર થાય છે. ગરીબમાં ગરીબ લોકો માટે લાખો ઘર બનાવવામાં આવ્યા છે.

આપણી મતદાન પ્રક્રિયા ઉપર નજર નાખો. લાખો મતદાતાઓએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું છે. અંતરિયાળ ક્ષેત્રોમાં મતદાન મથકો એવી જગ્યાઓ ઉપર પણ ગોઠવવામાં આવ્યા હતા જ્યાં માત્ર એક મતદાતા પણ હતો. તે બાબતમાં કોઈ આશ્ચર્ય નથી કે વિશ્વમાં ભારતનું સ્થાન ઉપર આવી રહ્યું છે.

મિત્રો, ભારતીય વિચારોએ વિશ્વને ઘણું બધું આપ્યું છે અને હજુ વધારે યોગદાન આપવાની ક્ષમતા તેનામાં રહેલી છે. આપણો ગ્રહ જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે તેના ઉકેલ લાવવાની ક્ષમતા પણ તેનામાં રહેલી છે.

આપણને બાળપણથી જ શીખવાડવામાં આવે છે:

સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા:

સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચીદુ:ખભાગ્ભવેત.

સૌ સુખી થાય. બધા જ લોકો બીમારીમાંથી મુક્ત બને. બધા જ લોકોનું મંગળ થાય. ક્યાંય કોઈ દુઃખ ના રહે.

અહિયાં દરેકનો અર્થ માત્ર ભારતીયો અને ભારત જ નથી.

તેનો અર્થ સમગ્ર વિશ્વ માટે થાય છે.

ભારત માને છે કે જ્યારે ભારત પ્રગતિ કરે છે તો વિશ્વ પ્રગતિ કરે છે. અને જ્યારે વિશ્વ સમૃદ્ધ બને છે, ત્યારે ભારતને તેમાંથી લાભ મળે છે. મને આશા છે કે આ પ્રકારના સેમીનાર ભારતીય વિચારોના તંતુઓને લોકોમાં વધુ પ્રચલિત બનાવશે.

આ સાથે જ, હું મારી વાતને વિરામ આપું છું અને આઇઆઇએમ કોઝીકોડને મારી શુભેચ્છાઓ પાઠવું છું.

આભાર!

ખૂબ ખૂબ આભાર!

 

NP/RP/GP/DS