Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વૃધ્ધિશીલ પરિવર્તનનો સમય પૂરો થઈ ગયો છે : પ્રધાનમંત્રી

વૃધ્ધિશીલ પરિવર્તનનો સમય પૂરો થઈ ગયો છે  : પ્રધાનમંત્રી

વૃધ્ધિશીલ પરિવર્તનનો સમય પૂરો થઈ ગયો છે  : પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનો આગામી પંદર વર્ષના વિકાસનો રોડ મેપ તૈયાર કરવા માટેના વિઝન ડોકયુમેન્ટની રચના કરવાના હેતુથી તથા એકવીસમી સદીના આગામી દાયકાઓની વૃધ્ધિ માટેનો પાયો નાખવાના ઉદ્દેશથી આજે નીતિ આયોગની બેઠક બોલાવી હતી.

નીતિ આયોગના સભ્યો સાથે પરામર્શ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં વૃધ્ધિશીલ પરિવર્તનનુ ધોરણ અમલી બનાવવામાં આવી રહ્યું હતું. તે સમય હવે પૂરો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન યુગમાં પરિવર્તનલક્ષી ફેરફારની જરૂર છે. ટેકનોલોજીના મહત્વ અંગે વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી ટેકનોલોજી પરિવર્તનના પ્રેરક બળ તરીકે ઉપસી રહી છે. તેમણે આ બાબતે ભારપૂર્વક જણાવ્યું કે પરિવર્તનની ગતિ ઢીલી પડવી જોઈએ નહીં. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર પરિવર્તનલક્ષી ફેરફારો માટેની હિંમત અને ક્ષમતા ધરાવે છે અને એ દ્વારા લોકોના જીવનને બહેતર બનાવવા પરિવર્તનલક્ષી ફેરફારો લાવી રહી છે.

તેમણે એ બાબતે પણ ધ્યાન દોર્યું કે ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતના નીતિ ઘડવૈયાઓ પોતાની તાકાત કામે લગાડવાને બદલે અવરોધો બાબતે વિલાપ કરતા રહેવાનું પસંદ કર્યું હતું. ભારતના વિકાસ પથ અંગે વ્યાપક રૂપરેખા રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના કુદરતી સ્ત્રોતો અને માનવબળનો ડહાપણપૂર્વક અને ઉચિત રીતે ઉપયોગ પરિવર્તનના કેન્દ્રમાં રહે તે ખૂબ જ જરૂરી છે. આ વિષયે કેટલાક ઉદાહરણો આપતા તેમણે ઉપલબ્ધ જમીનનો ઉપયોગ કરવા, દેશની ખનિજ સંપત્તિ અને ઉપયોગમાં નહીં લેવાયેલી સૌર ઊર્જાની જંગી ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સમાન પ્રકારે તેમણે કહ્યું કે ભારતે તેના વિશાળ સાગરકાંઠાનો પણ અત્યારસુધી ખૂબ ઓછો ઉપયોગ કર્યો છે.

માનવ સંસાધન વિકાસની વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નિશ્ચિત ધ્યેયથી કૌશલ્ય વિકાસ હાથ ધરાય તે જરૂરી છે કારણ કે ભવિષ્યમાં ભારત દુનિયામાં માનવ સંસાધનની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. વડા પ્રધાને ભારતમાં પ્રવાસન ક્ષેત્ર વિકસાવવાની ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકાસને આગળ ધપાવવામાં અને નિકાસને વેગ આપવામાં રાજ્યોની ભાગીદારી ઉપર ભાર મુકવામાં આવે તે બાબતને માત્ર સ્વતંત્ર સમવાયી તંત્ર વ્યવસ્થાના ભાગ તરીકે જ નહીં પણ તાકીદની જરૂરિયાત ગણીને કામ કરવું જોઈએ.

ખેતી અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં માત્ર ઉત્પાદકતા વધારવા તરફ જ ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ ગ્રામ અર્થતંત્ર એકંદરે ધબકતું (વાયબ્રન્ટ) બની રહેવું જોઈએ. તેમણે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર, ગોદામોના વિકાસ તથા આ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ વધારી વિકાસ કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વયં નીતિઓ કરતા નીતિ ઘડનારાઓની નિયત ઘણી મહત્વની બની રહે છે. સુશાસન ( ગુડ ગવર્નન્સ) માટે ક્ષમતા નિર્માણ ઉપર ભાર મૂકતા તેમણે રિયલ-ટાઈમ ડેટા ઉપલબ્ધ કરવાની બાબતને ખૂબ જ મહત્વની ગણાવી હતી.
તેમણે નીતિ આયોગને ગીવ-ઈટ-અપ જેવી ઝુંબેશની સફળતા ઉપરથી તથા સ્વચ્છતા અભિયાનને લોકો તરફથી મળેલા વ્યાપક હકારાત્મક પ્રતિભાવ ઉપરથી પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને માત્ર તેમના લાભમાં જ રસ પડે છે તેવી નિષ્ણાતોની સામાન્ય ધારણા ખોટી પૂરવાર થઈ છે. આ બાબત દર્શાવે છે કે લોકોને વ્યાપક જાહેર હિત માટે કામ કરવા પ્રેરી શકાય છે.

આ બેઠકમાં આયોજન વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન શ્રી રાવ ઈન્દ્રજીત સિંહ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદ પનાગરીયા અને નીતિ આયોગના સભ્યો ઉપરાંત નીતિ આયોગ, પ્રધાનમંત્રીની કચેરી અને કેબિનેટ સેક્રેટરિયેટના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

TR/GP