પીએમઇન્ડિયા
ભારત માતા કી જય. ભારત માતા કી જય. હરિયાણાના રાજ્યપાલ શ્રી અસીમ ઘોષજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિગણ અને આ સમયે ટેકનોલોજીના માધ્યમથી પણ હરિયાણાના અનેક સ્થળો પર ઉપસ્થિત મારા તમામ વહાલા હરિયાણાના ભાઈઓ અને બહેનો!
આ કેટલાક ફોટા લાવ્યા છે લઈ લો ભાઈ, નહિતર પાછળ કોઈને દેખાશે નહીં. જરા એસપીજીના લોકો આને કલેક્ટ કરી લે. ધન્યવાદ ભાઈ તમે સરસ ચિત્ર બનાવીને લાવ્યા છો, ધન્યવાદ તમારો. ત્યાં એક નાની બાળકી પણ કંઈક લઈને આવી છે, જરા કલેક્ટ કરી લો. અહીં પણ બે સજ્જન દેખાઈ રહ્યા છે. અને પછી આરામથી બેસી જાઓ બધા લોકો. તમારા પ્રેમ માટે, તમારી આ કલા સાધના માટે હું આપ સૌનો ધન્યવાદ કરું છું જી.
સાથીઓ, જિંદની આ ગૌરવશાળી ભૂમિ પરથી, આપ સૌને મારા રામ–રામ! આજે આ પવિત્ર ધરતી પર આવીને મન પ્રસન્ન થઈ ગયું છે. આ કોઈ સાધારણ ધરતી નથી. આ ધરતી ઇતિહાસ, વીરતા, ધર્મ અને ગૌરવની ધરતી છે. શક્તિપીઠ માતા જયંતિયાના નામ અને આશીર્વાદ આ શહેર પર બનેલા રહે છે. અને મારા માટે તો જિંદ આવવું, જૂની યાદોની બારી ખોલવા જેવું છે. હું અહીં બેઠા બેઠા કેટલાક જૂના ચહેરા જોઈ રહ્યો હતો, બધા પરિચિત ચહેરા, ઘણા લોકો તો એવો દાવો પણ કરતા હશે, કે હું તેમના સ્કૂટર પર જિંદમાં આવ્યો કરતો હતો. કેટલાક દાયકાઓ પહેલા, હું સંગઠનના કામથી પહેલીવાર જિંદ આવ્યો હતો. પછી આપ લોકોએ મને જે આત્મીયતા જેવો ભાવ આપ્યો, જે પ્રેમ આપ્યો, તે આજે પણ હું ભૂલ્યો નથી. મુર્રાહ ભેંસનું દૂધ–દહીં અને ઘી, જિંદનું દેશી બૂરું (ખાંડ), અને અહીંનું ઘેવર, આ એવી યાદો છે, જે જિંદ સાથે જોડાઈ જ જાય છે.
સાથીઓ, આટલા વર્ષોમાં જિંદનું ઘી અને ઘેવર તો નથી બદલાયા, પરંતુ જિંદના તેવર બદલાઈ ગયા છે. આજે જિંદ, ભાજપ–એનડીએના સુશાસન મોડલની તસવીર બની રહ્યું છે. વિતેલા વર્ષોમાં આખું હરિયાણા જ, વિકાસના નવા પાટા પર ચાલી નીકળ્યું છે. આજનો આ કાર્યક્રમ, ડબલ એન્જિનની ભાજપ સરકારના આ જ મિશનને, નવી ઊર્જાથી ભરી રહ્યો છે.
સાથીઓ, આજે જિંદનું, હરિયાણાનું નામ ઇતિહાસના પાનાઓ પર નોંધાઈ ગયું છે. આજે અહીંથી, દેશને પહેલી હાઇડ્રોજન ટ્રેન મળી છે.
તમને યાદ હશે સાથીઓ, આજે પણ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ભારતમાં પહેલી ટ્રેન બોમ્બેથી થાણે વચ્ચે ચાલી હતી, જેને આજે મુંબઈ કહેવાય છે. તેવી જ રીતે ભવિષ્યમાં જ્યારે પણ હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ આવશે, તો જિંદનું, સોનીપતનું, હરિયાણાનું નામ પણ આવશે જ આવશે. હું આપ સૌને, સમગ્ર દેશને, ભારતીય રેલવેની આધુનિકતા સાથે જોડાયેલા આ મોટા પગલાં માટે, ખૂબ–ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આજે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય પ્રોજેક્ટ્સ પણ હરિયાણાને મળ્યા છે. આમાં રેલવેના, હાઇવેના અનેક પ્રોજેક્ટ્સ છે, આપણી વિરાસત સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ છે, અને બે નવી મેડિકલ કોલેજો પણ હરિયાણાની સેવા માટે સમર્પિત થઈ છે. ભિવાનીમાં, પંડિત નેકી રામ શર્મા મેડિકલ કોલેજ, અને નારનોલમાં, મહર્ષિ ચ્યવન મેડિકલ કોલેજ અને રાવ તુલારામ હોસ્પિટલ આનાથી હરિયાણાની સ્વાસ્થ્ય સેવા વધુ સશક્ત થશે. સાથે જ, આનાથી અહીંના નવયુવાનો માટે, ડોક્ટર અને અન્ય મેડિકલ પ્રોફેશનલ્સ બનવાના નવા રસ્તા પણ ખુલશે. આ તમામ પ્રોજેક્ટ્સ માટે પણ હરિયાણાના મારા તમામ ભાઈ–બહેનોને ખૂબ–ખૂબ અભિનંદન.
સાથીઓ, આજે જિંદ અને હરિયાણાના લોકોની હું વધુ એક વાત માટે પ્રશંસા કરીશ. સ્વચ્છતાથી સ્વાગત પહેલને તમે જે ગંભીરતાથી લીધી છે, જે રીતે મારા આવ્યા પહેલા અહીંના લોકો સ્વચ્છતા અભિયાનમાં નવી સિરેથી, નવી ઊર્જાથી લાગ્યા છે, તે દિલ ખુશ કરી દે તેવું છે. અને હું જોઈ રહ્યો હતો, છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં તમારા આ સફાઈ અભિયાનની જે રીતે ચર્ચા ચાલી રહી છે, તે ભારે ચર્ચામાં રહી છે. પરંતુ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં એવું પણ કહ્યું છે કે, મોદીજી તમે વારંવાર આવો, જેથી આપણું જિંદ સ્વચ્છ રહે. જે મહાશયે આ ભાવ વ્યક્ત કર્યો છે, હું તેમનો ધન્યવાદ કરું છું, પરંતુ હું જિંદવાસીઓ પાસે આજે કંઈક માંગવા આવ્યો છું. તમે મને જણાવો, શું આ સફાઈ માટે, આ સ્વચ્છતા માટે, મોદીનું આવવું જરૂરી છે ખરું? જો જિંદના લોકો નક્કી કરી લે, હરિયાણાના લોકો નક્કી કરી લે, કે હવે આપણે ગંદકી નહીં કરીએ, તો જિંદ ક્યારેય ગંદું થશે ખરું? હરિયાણામાં ગંદકી આવશે ખરી? તો કામ એક જ કરવાનું છે, મોદીના આવવાની જરૂર નથી, બસ તમે નક્કી કરી લો, સ્વચ્છતા જ આપણો સ્વભાવ બનાવી દઈશું, સ્વચ્છતા જ આપણા સંસ્કાર બનાવી દઈશું, આપણે સ્વચ્છતાને આ જ રીતે આપણી રોજબરોજની જિંદગીનો હિસ્સો બનાવીશું.
સાથીઓ, જો આપણે રેલવેના ઇતિહાસ પર નજર કરીએ, તો જાણી શકીએ છીએ કે ઓગણીસમી સદીની રેલવેની ઓળખ સ્ટીમ એન્જિનથી બની હતી. વીસમી સદીની ઓળખ, ડીઝલ અને વીજળીથી ચાલતી રેલ બની, અને હવે એકવીસમી સદીની રેલ હાઇડ્રોજનથી ચાલવાની છે. આજે ભારતીય રેલવેએ પણ, એકવીસમી સદીની આ ટેકનોલોજીમાં એક મોટું પગલું ભર્યું છે. આજે જિંદથી સોનીપત વચ્ચે, હાઇડ્રોજન ટ્રેન ચાલી છે. અત્યારે આ સફર 90 કિલોમીટરની છે, પરંતુ ભવિષ્યમાં આનો વિસ્તાર થવાની ઘણી સંભાવનાઓ છે. આપણે આના પર રિસર્ચ કરતા રહીશું, ખર્ચ કેવી રીતે ઓછો થાય, તેનો રસ્તો શોધતા રહીશું, કાર્યક્ષમતા કેવી રીતે વધે, તેના પર કામ કરતા રહીશું, અને મોટી તપાસ અને સંશોધન કરતાં કરતાં એક પછી એક પગલું ઉઠાવતા જઈશું. દુનિયામાં હાઇડ્રોજન ટ્રેન હમણાં જ આવી છે, આશરે 7-8 વર્ષ પહેલાં જ અસ્તિત્વમાં આવી છે. અત્યારે દુનિયાના 3 કે 4 દેશો જ છે, જેમની પાસે હાઇડ્રોજન ટ્રેન ચલાવવાનું સામર્થ્ય છે. અને જે દેશોમાં અત્યારે આવી હાઇડ્રોજન ટ્રેન ચાલી પણ રહી છે, ત્યાં તે ખૂબ જ શરૂઆતના તબક્કામાં છે. પરંતુ ભારતની જે આ હાઇડ્રોજન ટ્રેન છે, તેના સામર્થ્ય વિશે સાંભળીને તમને પણ ગર્વ થશે, એક–એક હિન્દુસ્તાનીને ગર્વ થશે.
સાથીઓ, જિંદથી સોનીપત ચાલનારી હાઇડ્રોજન ટ્રેન દુનિયાની, દુનિયાની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે. આ હાઇડ્રોજન ટ્રેન, 3200 હોર્સ પાવરની છે. 3200 હોર્સ પાવર અને સૌથી શક્તિશાળી જ નહીં, ભારતની હાઇડ્રોજન ટ્રેન, સૌથી લાંબી પણ છે. દુનિયામાં જ્યાં હાઇડ્રોજન ટ્રેન ચાલી રહી છે, તે ત્રણ કે ચાર કોચવાળી છે. અને ભારતે પહેલી જ વારમાં સીધી 10 કોચવાળી હાઇડ્રોજન ટ્રેન ચલાવીને, દુનિયામાં પોતાનો ડંકો વગાડી દીધો છે.
સાથીઓ, હું તમને ગર્વની એક બીજી વાત જણાવવા માંગુ છું. ભારતની આ હાઇડ્રોજન ટ્રેન, ધુમાડા રહિત તો છે જ, આ મેક ઇન ઇન્ડિયાનું પણ એક ખૂબ સફળ ઉદાહરણ છે. આ હાઇડ્રોજન ટ્રેનને ભારતના જ એન્જિનિયર્સે ડિઝાઇન કરી છે, ભારતની જ કંપનીએ આને બનાવી છે.
સાથીઓ, આ હાઇડ્રોજન ટ્રેન, બાકી ટ્રેનોથી બિલકુલ અલગ છે. આના માટે આખી સિસ્ટમ અલગ જોઈએ, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ જોઈએ, અહીં જિંદમાં પણ આના માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે, અને સાથીઓ, આવનારા સમયમાં અહીં હાઇડ્રોજન ટ્રેન સાથે જોડાયેલું વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, નવી–નવી ફેક્ટરીઓ સ્થપાશે, જે હાઇડ્રોજન ટ્રેન નેટવર્કની જરૂરિયાતોને પૂરી કરશે. એટલે કે આ ટ્રેનથી, હરિયાણાના નવયુવાનો માટે રોજગારની અનેક નવી તકો બનવી નક્કી છે.
સાથીઓ, છેલ્લા 12 વર્ષોમાં ભારતીય રેલવેમાં જે આ મોટા ફેરફારો થયા, આનાથી ભારતને એક બીજો ફાયદો થયો છે. તમે જોઈ રહ્યા છો, કે છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ એશિયામાં, હોર્મુઝના આખા વિસ્તારમાં, ઈરાન અને ગલ્ફમાં યુદ્ધ ચાલી રહ્યું છે, અને જે દરિયાઈ રસ્તેથી હોર્મુઝથી ભારત, ખૂબ મોટી માત્રામાં પેટ્રોલ–ડીઝલ–એલપીજી ગેસ, આપણા ખેડૂતો માટે ખાતર, તે જ રસ્તેથી આવે છે, તે જ દરિયાઈ માર્ગેથી આવે છે. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી આ રસ્તો, નિરંતર યુદ્ધનું મેદાન બની ચૂક્યો છે, સંકટોથી ઘેરાયેલો છે.
સાથીઓ, જો 2014 પહેલા જો આ સ્થિતિ આવી હોત, તો આજે હિન્દુસ્તાનનું રેલવેનું કામ પૂરેપૂરું ઠપ થઈ ગયું હોત. કારણ કે તે સમયે 2014માં, દેશનો ખૂબ મોટો હિસ્સો એવો હતો, જ્યાં આપણી ટ્રેનો માત્ર ને માત્ર ડીઝલથી ચાલતી હતી. હવે તમે વિચારો, જો ડીઝલ આવવાનું બંધ થઈ ગયું હોત, તો આજે ડીઝલથી ચાલતી ટ્રેનો કેવી રીતે ચાલત? દેશ કેટલા મોટા સંકટમાં આવી જાત.
પરંતુ સાથીઓ, આ 2014ની સ્થિતિ નથી, આ મોદી છે. ઘણું વહેલું વિચારે પણ છે અને સમસ્યાના સમાધાનના રસ્તા પણ જમીન પર ઉતારે છે. તમે વિચારો, ભારતીય રેલવેના વીજળીકરણની શરૂઆત, આ સાંભળીને પણ ચોંકી જશો આપ લોકો, વીજળીકરણની શરૂઆત 1925માં થઈ હતી. એટલે કે આશરે 100 વર્ષ પહેલાં. 1925થી લઈને વર્ષ 2014 સુધી, એટલે કે આશરે 90 વર્ષમાં આખા દેશનું જે રેલ નેટવર્ક હતું, તેનો માત્ર 30 ટકા, 30 પર્સન્ટ, એક તૃતીયાંશ કરતા પણ ઓછા રેલ નેટવર્કનું વીજળીકરણ થઈ શક્યું હતું. 70 પર્સન્ટ વિસ્તાર ડીઝલથી ચાલતો હતો. અને જે ગતિથી 90 વર્ષમાં 30 ટકા કામ થયું, તો 100 ટકા થતાં થતાં 300 વર્ષ લાગી જાત, 200 બીજા લાગત. ભારતીય રેલવેનું વીજળીકરણ કદાચ ન થઈ શકત. ડીઝલથી જ રેલ ચાલત. પરંતુ વિતેલા 12 વર્ષોમાં, ભારતના આશરે 99% ટકા રેલ નેટવર્કનું વીજળીકરણ થઈ ચૂક્યું છે. હરિયાણામાં રેલ–નેટવર્કનું શત–પ્રતિશત વીજળીકરણ થઈ ગયું છે. આ કારણે લડાઈ હોવા છતાં પણ, તેલનું સંકટ પેદા થવા છતાં પણ, ભારતની રેલવે રોકાઈ નથી. ભારતની વિકાસની ગાડી અટકી નથી, ટ્રેનો નિરંતર ચાલતી રહી.
સાથીઓ, રેલ હોય, રોડ હોય, કનેક્ટિવિટીનું આવું કામ, સુવિધા પણ આપે છે, અને વિકાસની ગતિ પણ કેટલાય ગણી વધારી દે છે. આજે જિંદ, જે આટલા બધા હાઇવેથી જોડાઈ રહ્યું છે, હમણાં આ મંચ પરથી પણ ત્રણ મોટા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. દિલ્હી–અમૃતસર–કટરા એક્સપ્રેસવેના હરિયાણાવાળા હિસ્સાનું લોકાર્પણ થયું છે. જિંદ–ગોહાના નેશનલ હાઇવે પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અંબાલા–કાલા–અંબ ફોરલેનથી પણ, હરિયાણા અને હિમાચલ, બંને રાજ્યોના લોકોને ખૂબ સુવિધા થશે.
સાથીઓ, હવે જિંદ દેશનો એવો જિલ્લો બની ગયો છે, જે પાંચ–પાંચ નેશનલ હાઇવેથી કનેક્ટેડ છે. આવી કનેક્ટિવિટીથી, અહીંના ખેડૂતો અને પશુપાલકોની ઊપજને મોટી મંડીઓ સુધી પહોંચાડવી સરળ અને સસ્તી બનશે. આનાથી ઉદ્યોગોને બળ મળશે, પર્યટનને પાંખો મળશે, અને આનાથી મોટી સંખ્યામાં નવા રોજગાર પણ બનશે.
સાથીઓ, આપ સૌ જાણો છો, હમણાં હું થોડા દિવસ પહેલા જ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યાત્રાથી પાછો ફર્યો છું. ત્યાં ભારતે અનેક પ્રકારના કરારો કર્યા, જેની ખૂબ ચર્ચા થઈ છે. પરંતુ એક વિષય એવો છે, જેના પર એટલી વાત નથી થઈ. આ વિષય મારા દેશના અને ખાસ કરીને હરિયાણાના યુવાનો સાથે જોડાયેલો છે, અને તે વિષય છે– રમતગમત, સ્પોર્ટ્સ.
સાથીઓ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં, ત્યાંની સરકારો સાથે, સ્પોર્ટ્સને લઈને મારી વ્યાપક ચર્ચા થઈ છે. આ બંને દેશો સાથે મળીને, આવનારા સમયમાં આપણે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી, ખેલાડીઓની ટ્રેનિંગ, આવી અનેક બાબતોમાં ખૂબ બધું કામ સાથે મળીને કરવાના છીએ. આનાથી હરિયાણાના યુવાનોને પણ ખૂબ લાભ થશે.
સાથીઓ, આજે ભારતમાં સ્પોર્ટ્સને ફિટનેસ અને રોજગારનું મોટું માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે. અમારી સરકારે નવી નેશનલ સ્પોર્ટ્સ પોલિસી, ખેલ ભારત નીતિ પણ બનાવી છે. ખેલો ઇન્ડિયા અભિયાનથી લઈને TOPS સ્કીમ સુધી, આજે ખેલાડીઓને અભૂતપૂર્વ સુવિધાઓ મળી રહી છે, તેમને હજારો રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે. અહીં હરિયાણામાં પણ, ભાજપ સરકાર, રમત અને ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે.
સાથીઓ, આજે આ કાર્યક્રમ ભલે હાઇડ્રોજન ટ્રેનનો છે, બીજી વિકાસ પરિયોજનાઓનો છે, પરંતુ હું આજે, અહીંના નવયુવાનોને એક બીજી વાત પણ કહેવા આવ્યો છું. આપ સૌ જાણો છો, વર્ષ 2030માં, ભારત કોમનવેલ્થ ગેમ્સને હોસ્ટ કરવાનું છે, 2036માં ઓલિમ્પિક ગેમ્સ ભારતમાં થાય, તે માટે પણ આપણે પૂરી તૈયારી કરી રહ્યા છીએ. એટલા માટે, દરેક ખેલાડીએ જોરદાર તૈયારી કરવાની છે, પૂરું દમખમ લગાવવાનું છે. હું તમને વિશ્વાસ અપાવું છું, કે ડબલ એન્જિનની ભાજપ સરકાર તમને દરેક સુવિધા આપશે. અને જે 36ના ઓલિમ્પિકને જોવા માંગે છે, આજે જે 5થી 12-15 વર્ષની ઉંમરના બાળકો છે ને, આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને એક વાત બીજી પણ જણાવી દઉં, આવનારા સમયમાં અમદાવાદમાં, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ યોજાવાની છે. હું હરિયાણાના સાથીઓને કહીશ, કે તમે આના માટે પણ ખૂબ તૈયારી કરો. મને પાક્કો વિશ્વાસ છે, હરિયાણાના દીકરા–દીકરીઓ, હંમેશાની જેમ આમાં પણ પોતાનો પરચમ લહેરાવશે.
સાથીઓ, હરિયાણાની ડબલ એન્જિન સરકાર સબકા સાથ–સબકા વિકાસના મંત્ર પર ચાલી રહી છે. નાયબ સિંહ જીના નેતૃત્વમાં હરિયાણા સરકાર, અહીંના નવયુવાનો હોય, ખેડૂતો હોય, બહેનો–દીકરીઓ હોય, બધાના માટે શ્રેષ્ઠ કામ કરી રહી છે. વિના ખર્ચી–પર્ચીના નોકરી આપવાનો જે રસ્તો હરિયાણા સરકારે બતાવ્યો છે, તે એટલો સરળ ન હતો, પરંતુ આ ભાજપ સરકારે કરીને બતાવ્યું છે.
સાથીઓ, અહીંના ખેડૂતોનું હિત પણ અમારી પ્રાથમિકતામાં છે. જિંદની મંડી, તો હરિયાણાની સૌથી મોટી મંડીઓમાંથી એક છે. ડબલ એન્જિનની ભાજપ સરકારના કારણે, હરિયાણાના ખેડૂતોને ખૂબ લાભ થઈ રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિથી, હરિયાણાના ખેડૂતોને, આશરે 8 હજાર કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. આમાં જિંદના આપણા ખેડૂતોને પણ 600 કરોડ રૂપિયાથી વધુ મળી ચૂક્યા છે.
સાથીઓ, આપણો દેશ, સંસ્કારો અને સંસ્કૃતિનો દેશ છે. અને આ વિસ્તાર તો આ સમૃદ્ધ વિરાસતનું ખૂબ મોટું કેન્દ્ર છે. આ જિંદની ધરતી છે, જ્યાં મહારાજા રણજીત સિંહનું ગૌરવ પણ છે, અને પાંડવોની આસ્થા પણ છે, પાંડુ–પિંડારા અને રામરાય જેવા પવિત્ર તીર્થો, આજે પણ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રો છે.
સાથીઓ, આસ્થા અને આધ્યાત્મની આ જ વિરાસત છે, જેને આજનું ભારત, જાળવે પણ છે અને હવે આગલી પેઢી સુધી પૂરા સન્માન સાથે પહોંચાડે પણ છે. આ જ ભાવ સાથે, આજે કુરુક્ષેત્રમાં એક શીખ મ્યુઝિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હરિયાણાનું આ નવું સંગ્રહાલય, ભારતની મહાન ગુરુ પરંપરાને, આગલી પેઢીઓ સુધી પહોંચાડશે.
સાથીઓ, હરિયાણા હવે ઝડપી વિકાસના પંથે દોડી રહ્યું છે. ખેતી હોય કે પછી ઉદ્યોગ, આ બે એવા પૈડાં છે, જે હરિયાણાને સશક્ત કરી રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી હરિયાણાના વિકાસને વધુ ગતિ મળશે. અને હરિયાણાનો આ ઝડપી વિકાસ, વિકસિત ભારતના સફરને વધુ ઊર્જાવાન કરશે. આ જ શુભેચ્છા સાથે, આપ સૌને ફરીથી ખૂબ–ખૂબ અભિનંદન આપું છું, અને દેશવાસીઓને પણ દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન માટે અનેક–અનેક શુભેચ્છાઓ આપું છું. મારી સાથે બોલો– ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ–ખૂબ ધન્યવાદ!
SM/BS/JD
Happy to be in Jind. Speaking at the launch of projects that strengthen clean mobility, connectivity, healthcare and cultural heritage. Together, they will improve 'Ease of Living' and accelerate Haryana's development. https://t.co/6DwHX6g4gF
— Narendra Modi (@narendramodi) July 17, 2026
India gets its first hydrogen train. pic.twitter.com/Ep7dZJZa0q
— PMO India (@PMOIndia) July 17, 2026
Connectivity not only enhances convenience but also multiplies the pace of development. pic.twitter.com/g4SaJoCIEl
— PMO India (@PMOIndia) July 17, 2026
Building a stronger sporting ecosystem. pic.twitter.com/W0i1KCPHfm
— PMO India (@PMOIndia) July 17, 2026