Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કુડાનકુલમ અણુ પાવર પ્લાન્ટ 1ના સમર્પણ સમારંભમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

કુડાનકુલમ અણુ પાવર પ્લાન્ટ 1ના સમર્પણ સમારંભમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

કુડાનકુલમ અણુ પાવર પ્લાન્ટ 1ના સમર્પણ સમારંભમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય


હિઝ એક્સલન્સી પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિન,

તમિલનાડુનાં મુખ્યમંત્રી આદરણીય જયલલિતાજી,

મંત્રી સુષ્મા સ્વરાજજી,

મંત્રી પોન રાધાક્રિષ્નન,

મારા પ્રિય મિત્રો,

નમસ્કાર,

વનાક્કમ.

આજે ખરેખર વિશેષ દિવસ છે.

આજે રાષ્ટ્રપતિ પુતિન અને મને કુડાનકુલમ અણુ પાવર પ્લાન્ટના પ્રથમ યુનિટને સમર્પિત કરવાનું સન્માન મળ્યું છે.

હું આ પ્રસંગે હાજર રહેવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો વિશેષ આભારી છું.

અને આ પ્રસંગે તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાજી પણ ઉપસ્થિત હોવાથી હું ખુશ છું.

મિત્રો,

કુડાનકુલમ 1 સમર્પિત કરીને આપણે ભારત-રશિયાના સંબંધોને આગળ ધપાવવા એક વધુ ઐતિહાસિક પગલું લીધું છે.

આ યુનિટનું સફળતાપૂર્વક પૂર્ણ થવું આપણા વિશેષ અને વ્યૂહાત્મક સંબંધો કેટલા મજબૂત છે તેનું વધુ એક સુંદર ઉદાહરણ છે.

તે આપણી વધતી અને વધુ મજબૂત થતી મૈત્રીની ઉજવણી છે.

વળી તે આ ક્ષેત્રમાં આપણી સમજૂતીની શરૂઆત જ નથી.

કદાચ તમે જાણતા નથી કે 1000 મેગાવોટનું કુડાનકુલમ 1 યુનિટ ભારતમાં વીજ પાવરનું સૌથી મોટું સિંગલ યુનિટ છે.

ભવિષ્યમાં આપણે પરમાણુ વીજ ઉત્પાદનના મહત્ત્વાકાંક્ષી અભિયાનને આગળ ધપાવવા કટિબદ્ધ છીએ.

ફ્કત કુડાનકુલમમાં વધુ પાંચ યુનિટ ઊભા કરવાની યોજના છે, જે દરેકની વીજ ઉત્પાદનક્ષમતા 1,000 મેગાવોટ હશે.

આપણા સહકારની સફરમાં આપણે સૌથી મોટા પરમાણુ વીજ મથકોનું નિર્માણ કરવાની યોજના ધરાવીએ છીએ.

મિત્રો,

આજની ઇવેન્ટ ભારત અને રશિયાના ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમ માટે ખુશીનો પ્રસંગ છે, સફળતાનો દિવસ છે.

અમે તેમની પ્રતિબદ્ધતા અને મહેનતને સલામ કરીએ તથા તેમની મહેનતના ફળ તેમને ચાખવા મળે એ બદલ અભિનંદન પાઠવીએ છીએ.

મિત્રો,

માનવીય વિકાસની ગાથા ટેકનોલોજીકલ પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિમાં વધારા સાથે સંકળાયેલી છે.

પણ આપણે બધા જાણીએ છીએ તેમ વિકાસ પર્યાવરણ પર ભારણ વધાર્યા વિના થયો નથી.

મેં ભારત માટે એક સ્વપ્ન જોયું છે, જેમાં આપણા આર્થિક વિકાસની સિદ્ધિઓ પૃથ્વી અને પર્યાવરણને અનુકૂળ હશે.

તેમાં આપણી ઔદ્યોગિક વૃદ્ધિના એન્જિન સ્વચ્છ ઊર્જા દ્વારા વધુને વધુ સંચાલિત હશે.

કુડાનકુલમ 1 ભારતમાં સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનમાં વધારો કરવાના સતત પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.

તે પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિ માટે ભાગીદારીનો નવો માર્ગ પ્રશસ્ત કરવા આપણી સંયુક્ત પ્રતિબદ્ધતાને પણ સૂચવે છે.

આદરણીય રાષ્ટ્રપતિ પુતિન,

અણુ વીજ ઉત્પાદનમાં આપણા સંયુક્ત પ્રયાસોની સફળતા આપણા સહકારની ગર્વ લેવા જેવી સિદ્ધિ છે.

તે આપણા સંબંધની મજબૂતી અને સ્થિરતા જાળવવા આપણી સહિયારી ઇચ્છાને પ્રદર્શિત કરે છે.

આ ઉપરાંત તે તમારી અંગત પ્રતિબદ્ધતા, સતત સહકાર અને આપણા સંબંધોની લાક્ષણિકતાને બદલવામાં મજબૂત નેતૃત્વને પણ દર્શાવે છે.

આ માટે શ્રી રાષ્ટ્રપતિ હું તમારો આભારી છું.

ભારતના લોકો તમારા મહાન રાષ્ટ્ર સાથે સ્વાભાવિક રીતે જોડાયેલા છે અને તમારા લોકો સાથે સરળતાપૂર્વક હળભળી જાય છે.

વ્યક્તિગત રીતે જોઈએ તો હું હંમેશા આપણી મૈત્રીની કદર કરું છું.

એટલે આજે આપણી મૈત્રી અને આપણા સહકારને વધુ મજબૂત કરવા આપણે આજે સંયુક્તપણે કુડાનકુલમ અણુ પાવર પ્લાન્ટના યુનિટ 1ને સમર્પિત કરીએ છીએ.

ભારત-રશિયા વચ્ચેની મૈત્રી કાયમ ટકી રહે તેવી શુભેચ્છા!

આ પ્રસંગે મારી સાથે જોડાવા બદલ હું ફરી એક વખત એક્સલન્સી પુતિન તમારો આભાર માનું છું.

હું અમારી સાથે ઉપસ્થિત રહેવા બદલ જયલલિતાજીનો આભાર માનું છું.

ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ આભાર.

TR